You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019 : કાર્યક્રમની જાહેરાત સાથે અમલમાં આવતી આચારસંહિતા શું છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ તત્કાળ 'આદર્શ આચારસંહિતા' એટલે કે મોડલ કોડ ઑફ કન્ડક્ટ અમલમાં આવી જાય છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાર સુધી અમલમાં રહે છે.
જે મુજબ રાજકીય પક્ષો અને ઉમેદવારો 'શું કરી શકે' અને 'શું ન કરી શકે' તેની માર્ગદર્શિકા આપવામાં આવી છે.
જ્યાર સુધી આચારસંહિતા લાગુ રહે, ત્યાર સુધી સરકાર કોઈ 'નીતિ વિષયક નિર્ણય' ન લઈ શકે.
આ માર્ગદર્શિકા અંતિમ નથી હોતી, પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચ સમયાંતરે અને જરૂર ઊભી થાય તે મુજબ 'નિર્દેશ' બહાર પાડે છે.
જો કોઈ એક પક્ષ કે નાગરિકને લાગે કે 'આદર્શ આચારસંહિતા'નો ભંગ થઈ રહ્યો છે, તો તે ચૂંટણી પંચના દરવાજા ખખડાવી શકે છે.
આદર્શ આચારસંહિતા
ઉમેદવાર જ્ઞાતિ-જાતિ કે કોમની લાગણીઓને ઉશ્કેરે તેવી ભાષા ન વાપરી શકે અને તેના આધારે મતદાતાને આકર્ષવાનો પ્રયાસ ન કરી શકે.
મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ન કરી શકે.
મતદાતાને મત આપવા માટે 'પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ' રીતે 'નાણાકીય કે અન્ય કોઈ રીતે' મત આપવા માટે લાલચ ન આપી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મતદાન સમાપ્ત થાય તેના 48 કલાક પૂર્વે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જાય છે, આ ગાળા દરમિયાન ઉમેદવાર 'ડોર-ટુ-ડોર' પ્રચાર કરી શકે છે, પરંતુ સામૂહિક પ્રચાર-પ્રસારના માધ્યમો ઉપર જાહેરાત ન આપી શકે.
જોકે, ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સને કારણે તેની અસરકારકતા ઘટી ગઈ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સરકાર માટે MCC
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર મતદારોને 'આકર્ષિત' કે 'પ્રભાવિત' કરી શકે તેવી જાહેરાત ન કરી શકે. આ સિવાય લોકહિતની કોઈ યોજનાનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કે ઉદ્ઘાટન ન કરી શકે.
સત્તામાં રહેલો પક્ષ સરકારી સંશાધનોનો ઉપયોગ પક્ષના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ન કરી શકે. 'સરકારી અને પ્રચારના કામ' એકસાથે ન કરી શકે.
જો સરકાર દ્વારા પ્રજાના પૈસે જાહેરાત આપવામાં આવે તો તેને આદર્શ આચારસંહિતાના ભંગ સમાન ગણવામાં આવે છે.
ત્યારબાદ તમામ સરકારી સંસાધનો (જાહેર મેદાન, હેલિપેડ, સરકારી પ્રસાર માધ્યમો ઉપર પ્રચાર સમય) વગેરે ઉપર તમામ માન્યતા પ્રાપ્ત પક્ષોનો અધિકાર સમાનપણે રહે છે.
તમામ તબક્કાનું મતદાન પૂર્ણ ન થઈ જાય, ત્યારસુધી ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ને સીસીટીવી, કેન્દ્રીય સુરક્ષાબળ અને બહુસ્તરીય સુરક્ષાની વચ્ચે સીલબંધ રૂમમાં સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે.
કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય, તે પછી જ ઍક્ઝિટ પોલ્સ બહાર પાડી શકાય છે.
અંતિમ તબક્કાના બેથી ત્રણ દિવસની અંદર મતગણતરી હાથ ધરવામાં આવે છે.
ગુજરાત ચૂંટણી દરમિયાન વિવાદ
વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે બે મુખ્ય પક્ષ કૉંગ્રેસ અને ભાજપે એકબીજા ઉપર આદર્શ આચાર સંહિતાના ભંગનો આરોપ લગાવ્યો હતો.
ભાજપે આરોપ મૂક્યો હતો કે કૉંગ્રેસના તત્કાલીન ઉપાધ્યક્ષ (અને પછી અધ્યક્ષ) રાહુલ ગાંધીના ઇન્ટરવ્યૂ ટીવી ચેનલ્સ ઉપર પ્રસારિત કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
બીજી બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મત આપવા ગયા ત્યારે તેણે રોડશો જેવું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેની સામે કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો