પાકિસ્તાનમાં મુક્ત થતાં પહેલાં અભિનંદને જોરદાર ડાન્સ કર્યો? : ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેને લોકો ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનના પાકિસ્તાનમાં ડાન્સ કરવાનો વીડિયો ગણાવી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન, બન્ને જગ્યાએ સોશિયલ મીડિયા પર શૅર થઈ રહેલા આ વીડિયોની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનંદને મુક્ત થતાં પહેલાં પાકિસ્તાનના સૈનિકો અને વાયુ સેનાના અધિકારીઓ સાથે ડાન્સ કર્યો હતો.

#WelcomeHomeAbhinandan અને#PeaceGesture સાથે આ વીડિયો તેલુગુ સહિત ઘણી ભારતીય ભાષાઓમાં યૂટ્યુબ અને ફેસબુક પર વાઇરલ થઈ રહ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મુક્તિ પૂર્વેના કેટલાક કલાકોમાં જ 45 સેકંડનો આ વીડિયોને સોશિયલ મીડિયા પર હજારો વખત શૅર કરવામાં આવ્યો હતો અને લાખો વખત જોવામાં આવ્યો છે.

પરંતુ ફૅક્ટ ચેકની ટીમની તપાસમાં આ દાવો ખોટો હોવાનું બહાર આવ્યું છે.

સોશિયલ મીડિયા પર જે ધૂંધળો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, ગૂગલ રિવર્સ સર્ચમાં અમને એ જ વીડિયોનું એક મોટું વર્ઝન મળ્યું છે.

યૂટ્યુબ પર 23 ફેબ્રુઆરી 2019ના રોજ અપલોડ કરવામાં આવેલાં સવા ચાર મિનિટ લાંબા વીડિયોમાં પાકિસ્તાની સૈનિકોને તમે ડાન્સ કરતા જોઈ શકો છો.

વીડિયો સાથે આપવામાં આવેલી જાણકારી અનુસાર, પાકિસ્તાની વાયુ સેનાના અધિકારી કોઈ ઉપલબ્ધિની ઉજવણી કરતા પાકિસ્તાની લોક ગીત 'ચિટ્ટા ચોલા' પર ડાન્સ કરી રહ્યા હતા.

એક શક્યતા એ પણ છે કે આ વીડિયો થોડો વધારે જૂનો હોય, પરંતુ તેને યૂટ્યુબ પર 23 ફેબ્રુઆરીના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

જ્યારે પાકિસ્તાનમાં મિગ-21 વિમાન તૂટી પડ્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ બુધવાર, 27 ફેબ્રુઆરીના રોજ થઈ હતી.

વાઇરલ વીડિયોમાં ફ્રેમ બાઈ ફ્રેમ તપાસ કરવાથી સ્પષ્ટ થઈ જાય છે કે વીડિયોમાં જે જવાન અભિનંદનના યુનિફોર્મ જેવા લીલા રંગના ડ્રેસમાં ડાન્સ કરી રહ્યા છે, તેમના ખભા પર પાકિસ્તાની લેબલ લાગેલું છે.

પરંતુ શુક્રવારના રોજ જ્યારે અભિનંદન ભારત પરત ફરી રહ્યા હતા, ત્યારે વધારેમાં વધારે ક્લિક મેળવવા માટે ઘણા લોકો આ જૂના વીડિયોને 'અભિનંદનનો ડાન્સ' ગણાવી શૅર કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો