'પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર મોદી સિંધુ જળ સંધિના ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કેમ કરતા નથી?'

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના એક કાફલા પર થયેલા હુમલામાં 46 જવાનો મૃત્યુ પામ્યા ત્યારબાદથી સવાલ ઉઠી રહ્યાં છે કે શું ભારત પોતાની આંતરિક અને બાહ્ય સુરક્ષા મુદ્દે લાચાર છે?

શું ભારત પાસે કોઈ વિકલ્પ છે કે પછી આવા હુમલાનો ભવિષ્યમાં પણ સામનો કરવો પડશે?

અટલ બિહારી વાજપેયીની સરકારમાં વિદેશ સચિવ રહી ચૂકેલા કંવલ સિબ્બલને લાગે છે કે પાકિસ્તાનને લઈને ભારતે જે કડક પગલાં ઉઠાવવા જોઈએ તે ભારત લઈ શકતું નથી.

સિબ્બલ માને છે કે ભારત પાસે વધારે વિકલ્પ નથી, પરંતુ કેટલીક એવી વ્યૂહરચના છે કે જે માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.

સિબ્બલ કહે છે, "ભારત પાસે એક ખૂબ અસરકારક વિકલ્પ છે અને તે છે સિંધુ જળ સંધિ તોડવી. મને ખબર પડતી નથી કે આ સંધિને સરકાર તોડી કેમ નથી દેતી."

"આ સંધિને તાત્કાલિક ધોરણે નિલંબિત કરવી જોઈએ. આવું કરતાં જ પાકિસ્તાન સીધું થઈ જશે."

"જેવું કહેવામાં આવે છે કે પાકિસ્તાની આતંકવાદનો ભારત પાસે કોઈ જવાબ નથી એ રીતે પાકિસ્તાન પાસે સિંધુ જળ સંધિ તોડવાનો કોઈ જવાબ નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

સિબ્બલ કહે છે કે ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ ઘણી સંધિઓ તોડી છે. અમેરિકાએ પોતાના ખાસ મિત્ર જાપાન અને કૅનેડા સાથે પણ આવું કર્યું છે.

જો અમેરિકા આવું કરી શકે છે તો ભારતને સંધિ તોડવામાં શું વાંધો છે? અમેરિકા જળવાયુ સંધિથી બહાર નીકળી ગયું. ઈરાન સાથે પરમાણુ સમજૂતી રદ કરી દીધી.

સિબ્બલને એ વાત સમજાતી નથી કે ભારતે કેમ સિંધુ જળ સંધિ ચાલુ રાખી છે?

સિબ્બલ માને છે કે આ સંધિને તોડવાથી ભારતને કોઈ અસર થશે નહીં. તેઓ કહે છે કે એક વખત ભારત આ સંધિ તોડી નાખશે તો પાકિસ્તાનને ખબર પડી જશે.

ભારત વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી વિવેક કાટજૂ પણ માને છે કે ભારતે હવે દરેક વિકલ્પ પર વિચાર કરવો જોઈએ.

કંવલ સિબ્બલ કહે છે, "ભારત માટે ડિપ્લોમેટિક વિકલ્પ જ પૂરતાં સાબિત નહીં થાય, સિંધુ જળ સંધિનો પણ સહારો લેવો પડશે.

હવે મજબૂત પગલાં ઉઠાવવાનો સમય આવી ગયો છે. હવે કાશ્મીરમાં થોડો સફાયો કરવો પડશે. હજુ સુધી કોઈ મજબૂત પગલાં ઉઠાવવામાં નથી આવ્યા."

"થોડાં દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કાશ્મીરમાં અલગાવવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારુક સાથે વાત કરી હતી. ભારતે તેનો વિરોધ પણ કર્યો, પરંતુ કંઈ ન થયું."

"પાકિસ્તાની વિદેશ મંત્રીએ પછી ગિલાનીને ફોન કર્યો. અલગાવવાદીઓને એટલે કે જેઓ ગ્રાઉન્ડ પર આતંકી ગતિવિધિઓનું સમર્થન કરે છે તેમને ખૂબ મોકળાશ આપવામાં આવે છે."

"કાશ્મીરની પાર્ટીઓના જે પ્રવક્તા છે તેઓ ટીવી પર એટલી રાષ્ટ્રવિરોધી વાતો કરે છે કે સાંભળીને ખરાબ લાગે છે."

પાકિસ્તાની વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસૂરીએ આ બન્ને અલગાવવાદીઓ સાથે વાત કરી તો ભારતીય વિદેશ મંત્રાલયે 30 જાન્યુઆરીના રોજ કડક વિરોધ વ્યક્ત કર્યો હતો.

નવી દિલ્હીમાં પાકિસ્તાની રાજદૂતને ભારતે સમન પાઠવીને જવાબ માગ્યો હતો.

ભારતે કહ્યું હતું કે પાકિસ્તાને આમ કરીને આંતરરાષ્ટ્રીય સંબંધોના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

કંવલ સિબ્બલને લાગે છે કે કાશ્મીરી અલગાવવાદીઓને વધારે જ છૂટ આપવામાં આવી રહી છે.

તેઓ કહે છે, "ભારતમાં કાશ્મીર અને આતંકવાદને લઈને લોકોનો મત વિભાજિત છે. એ આપણા માટે સૌથી મોટા સંકટની વાત છે. આપણે તેને હેન્ડલ પણ કરવાનું છે. બીજી તરફ આ મામલે ન્યાયપાલિકા પાસેથી મદદ મળી રહી નથી."

"કોઈ કડક પગલાં ઉઠાવવા માગે છે તો તેઓ જમ્મુ કાશ્મીર હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ જતા રહે છે અને તેમને અહીં રાહત મળી જાય છે. આપણું લોકતંત્ર ખૂબ નબળું પડી ગયું છે."

સિબ્બલ કહે છે, "કાશ્મીરની અંદર સફાયાની જરુર છે. હુર્રિયત વાળાઓને જે CRPF અને રાજ્ય પોલીસની સુરક્ષા મળી છે, તેને તાત્કાલિક હટાવવાની જરુર છે."

"પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવાની જરુર છે. એ પગલું શું હોઈ શકે છે તેના પર તો સરકારે જ વિચારવું પડશે. સંયુક્ત રાષ્ટ્ર પાસે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ઉગ્રવાદી ઘોષિત કરાવવા માટે ફરી સક્રિય થવું પડશે."

મસૂદ અઝહર ઉગ્રવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના સંસ્થાપક છે.

ભારતે અઝહરને બે વખત આંતરરાષ્ટ્રીય ઉગ્રવાદી ઘોષિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચીને સુરક્ષા પરિષદમાં વીટોનો ઉપયોગ કર્યો હતો.

ભારત ચીનને આ મામલે સમજાવવા માટે હજુ સુધી નિષ્ફળ રહ્યું છે. પઠાણકોટ હુમલામાં પણ મસૂદ અઝહરનું નામ આવ્યું હતું.

ભારતમાં હાલ પ્રચંડ જનાદેશ વાળી સરકાર છે. બધી શક્તિઓ તેની પાસે છે. તેવામાં કોઈ પણ નિર્ણાયક પગલું ઉઠાવવામાં કોઈ ખાસ મદદ કેમ મળી શકતી નથી?

આ સવાલના જવાબમાં કંવલ સિબ્બલ કહે છે, "મને લાગે છે કે સરકાર હાલ રક્ષણાત્મક ભૂમિકામાં છે. સરકાર પર તો આરોપ લાગી રહ્યા છે કે તે સંસ્થાઓને કમજોર કરી રહી છે."

મનમોહન સિંહની ગઠબંધન સરકાર અને મોદીની પ્રચંડ બહુમત વાળી સરકારનું વલણ ઉગ્રવાદી હુમલામાં કેટલું અલગ છે?

તેના પર કંવલ સિબ્બલ કહે છે, "એવી વાત તો નથી કે મનમોહન સિંહની સરકાર ચૂપ રહી છે. તેમણે પર આવા હુમલાઓ માટે જે કરવુ જરુરી હતું તે કર્યું હતું."

"સમસ્યા એ છે કે ભારત પાસે વિકલ્પ ઓછા છે. પાકિસ્તાન સાથે જો તમે લડવા માટે તૈયાર થાવ છો તો તેની પણ સમસ્યાઓ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ચીન સંપૂર્ણપણે પાકિસ્તાનનો સાથ આપી રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આપણા દેશની અંદર જ લોકોનો મત વિભાજિત છે."

સિબ્બલનું માનવું છે કે પોતાના ઘરમાં આતંકવાદ અને પાકિસ્તાન પર એક સુરમાં ન બોલવું તે પાકિસ્તાનના હકમાં જાય છે.

તેઓ કહે છે, "પોતાના જ દેશમાં લોકો માગ કરે છે કે પાકિસ્તાન સાથે વાત કરો. ઇમરાન ખાનની રજૂઆતનો સ્વીકાર કરો. સંવાદ બંધ ન કરો."

"મારું કહેવું એવું છે કે દેશની અંદર જ લોકો વિભાજિત છે. પાકિસ્તાનના પક્ષમાં કે તેની નીતિઓ સાથે સહાનુભૂતિ રાખતા લોકો ઓછા નથી."

"કાશ્મીરમાં ઘણા એવા લોકો છે કે જેઓ પાકિસ્તાનનો પક્ષ લે છે. ઉમર અબ્દુલ્લા અને તેમના પિતા શું વાત કરે છે? તેઓ પાકિસ્તાન સાથે વાત કરવાનું સમર્થન કરે છે. કોઈ કડક પગલાં ઉઠાવવાની વાત આવે છે તો તેમનું વલણ સકારાત્મક હોતું નથી."

વિદેશી સેવાના વરિષ્ઠ અધિકારી વિવેક કાટજૂ પણ સિબ્બલ સાથે સહમત છે કે કાશ્મીરના નેતાઓએ રાષ્ટ્રહિત વિશે વિચારવું જોઈએ.

કાટજૂનું કહેવું છે કે ભારત પાસે પાકિસ્તાન વિરુદ્ધ કંઈ કરવા માટે ઘણા વિકલ્પ છે જેને સંભવ બનાવી શકાય છે.

તેઓ કહે છે, "રાહુલ ગાંધી એકદમ યોગ્ય વલણ દર્શાવ્યું છે કે તેઓ સરકાર સાથે ઊભા છે. કાશ્મીરના નેતાઓએ પણ રાષ્ટ્રહિતમાં એકસાથે ઊભા રહેવું જોઈએ."

મોદી સરકારે વર્ષ 2016માં સિંધુ જળ સંધિને તોડવાની વાત કહી હતી. પરંતુ સરકાર કોઈ નિર્ણય સુધી પહોંચી શકી ન હતી.

ઘણા લોકોનું માનવું છે કે ચીનના કારણે આ સંધિને તોડવી ભારત માટે સહેલી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો