પુલવામા હુમલો : શું કૉંગ્રેસ ઉગ્રવાદીઓને વળતર ચુકવે છે?

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

એક સમાચારપત્રનાં કટિંગ ઉપર લખેલું છે, "આતંકવાદીઓના પરિવારોને કૉંગ્રેસ એક કરોડ રૂપિયા જેટલી રકમ વળતર રૂપે ચૂકવશે."

આ પોસ્ટને જમણેરી વિચારધારા ધરાવતા સોશિયલ મીડિયા પેજ ઉપર વ્યાપકપણે શૅર કરવામાં આવી રહી છે.

ભારત પ્રશાસિત કાશ્મીરમાં આવેલા પુલવામા જિલ્લામાં ગુરુવારે થયેલા ઉગ્રવાદી હુમલા બાદ આ પોસ્ટ વાઇરલ થવાની શરૂ થઈ હતી.

CRPFના કાફલા પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 40 ભારતીય સૈનિકો મૃત્યુ પામ્યા છે તથા અનેક ઘાયલ થયા છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી પોસ્ટને હજારો વખત જોવામાં તેમજ શૅર કરવામાં આવી છે.

'નમો ફેન' અને 'BJP મિશન 2019' જેવા ફેસબુક ગ્રૂપ્સે છેલ્લાં 48 કલાકમાં સંખ્યાબંધ વખત તસવીર શૅર કરી છે.

પરંતુ અમારી તપાસમાં બહાર આવ્યું કે હુમલા અને ન્યૂઝ રિપોર્ટ વચ્ચે કોઈ સંબંધ જ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ રિપોર્ટ વર્ષ 2018ના ડિસેમ્બર મહિનાનો છે, કૉંગ્રેસ પાર્ટીના નેતા હાજી સઘીર સઈદ ખાને જાહેરાત કરી હતી કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે, તો ઉગ્રવાદીઓના પરિવારજનોને રોકડ રકમ આપવામાં આવશે.

સઈદ ખાને કહ્યું હતું : "અમે એક કરોડ રૂપિયાનું વળતર એ નિર્દોષ લોકોનાં પરિવારજનોને આપીશું કે જેમની આતંકવાદના નામે હત્યા કરી દેવાઈ છે."

"અમે તેમના પરિવારજનોને સરકારી નોકરી પણ આપીશું."

"જે લોકો ઉગ્રવાદની શંકા સાથે જેલમાં કેદ છે તેમને પણ જેલમુક્ત કરીશું અને રાજ્યમાં શાંતિ સ્થાપીશું."

જોકે, ત્યારબાદ તેમને અનાધિકૃત નિવેદન આપવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.

કાશ્મીરમાં કૉંગ્રેસના પ્રવક્તા રવિન્દર શર્માએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે પાર્ટીએ તેમના નિવેદનને અમાન્ય ગણાવ્યું હતું અને પાર્ટી દેશની અખંડિતતા વિરુદ્ધની કોઈ વાતને સમર્થન આપતી નથી.

વધુમાં તેઓ ઉમેરે છે, "અમે આતંકવાદ વિરુદ્ધ દેશની સાથે છીએ."

જમ્મુ કાશ્મીર પ્રદેશ પાર્ટી કમિટીના જનરલ સેક્રેટરી વિક્રમ મલ્હોત્રાએ સઈદ ખાનને તેમના વિવાદીત નિવેદનના કારણે સસ્પેન્ડ કર્યા હોવાની પુષ્ટિ કરી છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે સઈદ ખાન પાસે પાર્ટીની પૉલિસી પર વાત કરવાનો કોઈ અધિકાર ન હતો અને તેમને 'મૂર્ખામીભર્યુ નિવેદન' આપવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

તેમણે ઉમેર્યું, "પાર્ટી કોઈ પણ પ્રકારના આતંકવાદને સમર્થન કરતી નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો