જ્યોર્જ ફર્નાન્ડિઝનું અવસાન, જયા જેટલીને લોકોએ મોકલ્યા શોક સંદેશ : બ્લૉગ

જયા જેટલી ફર્નાન્ડિઝ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"હું જયા જેટલી વિશે વિચારી રહી છું. આપણે જે દુનિયામાં રહીએ છીએ, ત્યાં બહુ જ અન્યાય થાય છે. ભગવાન તેમને હિંમત અને શાંતિ આપે."

"જયા જેટલીને હિંમત મળે-જે તેમને પ્રેમ કરતાં હતાં અને જેમણે તેમનો ખ્યાલ રાખ્યો જયારે તેમના પરિવાર સહિત બાકીના તેમને છોડીને જતા રહ્યાં."

"જ્યોર્જ ફર્નાન્ડિઝ, જેમના બંધના એક આહ્વાનથી આખી ભારતીય રેલવેનું કામ ઠપ્પ થઈ જતું હતું, એ નથી રહ્યા. આ સમયમાં હું, લાંબા સમય સુધી તેમના મિત્ર રહેલાં જયા જેટલી વિશે વિચારી રહી છું."

ટ્વીટ્સ

ઇમેજ સ્રોત, Twitter

ભૂતપૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝના અવસાન ઉપર ટ્વીટર ઉપર આ શોક સંદેશ જયા જેટલીને લખવામાં આવી રહ્યા છે.

પત્રકાર પણ જ્યોર્જ ફર્નાન્ડિઝના અંતિમ સંસ્કારની જાણકારી સમતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જયા જેટલી પાસેથી જ માંગતા હતા.

જયા જેટલી, જ્યોર્જ ફર્નાન્ડિઝ સાથેના પોતાના સંબંધને દોસ્તીનું નામ જ આપતા આવ્યા છે. એ અલગ વાત છે કે તેઓ ઘણાં વર્ષો તેમની સાથે તેમના ઘરમાં જ રહ્યાં, જેને સાદી ભાષામાં 'લિવ-ઇન રિલેશનશિપ' એવું નામ આપવામાં આવ્યું છે.

પરંતુ સામાન્ય જનતાએ આ નેતાઓને 'લિવ-ઇન રિલેશનશિપ'માં હોવાને લીધે નકાર્યા નહોતા, ના તો આ નેતાઓએ આ સચ્ચાઈને ક્યારેય છુપાવી.

line

'સંબંધમાં રોમાન્સનું તત્ત્વ બિલકુલ નહોતું'

જયા જેટલી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ સાથે વાતચીતમાં એક વાર જયા જેટલીએ આ સંબંધને કંઈક આવી રીતે વ્યાખ્યાયિત કર્યો હતો :

"ઘણા પ્રકારના મિત્રો હોય છે અને દોસ્તીના પણ ઘણા સ્તર હોય છે."

"મહિલાઓને એક પ્રકારના બૌદ્ધિક સન્માનની બહુ જ જરૂર હોય છે. આપણા પુરુષ પ્રધાન સમાજના મોટા ભાગના લોકો વિચારે છે કે મહિલાઓ નબળા દિમાગ અને શરીરની હોય છે."

"જ્યોર્જ અતુલ્ય વ્યક્તિ હતી, જેમણે મને વિશ્વાસ અપાવ્યો કે મહિલાઓની પણ રાજકીય વિચારધારા હોઈ શકે છે."

રાજકીય કામકાજને લીધે શરૂ થયેલી આ મિત્રતા સમયની સાથે ગાઢ બની.

જ્યારે જયા અને તેમના પતિ અશોક જેટલી અલગ થઈ ગયા અને જ્યોર્જ તેમનાં પત્ની લૈલા કબીરથી અલગ થઈ ગયા, ત્યારે 1980ના દશકામાં જયા જ્યોર્જની સાથે રહેવા લાગ્યાં.

જયાએ કહ્યું તેમના સંબંધમાં 'રોમાન્સનું તત્ત્વ બિલકુલ નહોતું' પરંતુ લોકો ઘણી વાતો કરતા હતા.

ત્યારે જ્યોર્જ તેમને કહેતા હતા કે રાજનીતિ ફૂલોની પથારી નથી, એટલે રાહ ના જુઓ કે કોઈ તમારી પથારી સરખી કરશે.

જ્યોર્જની સાથે રહેવાનો તેમનો પોતાનો નિર્ણય હતો. જયા કહે છે કે જ્યોર્જે સ્પષ્ટ કહ્યું હતું કે બહુ મુશ્કેલ લાગવા લાગે, તો છોડીને જવા માટે આઝાદ છે. ત્યારનું વાતાવરણ આજ જેવું નહોતું

આજથી 30 વર્ષ પહેલાં, જ્યારે 'લિવ-ઇન રિલેશનશિપ' વિશે ના તો ખુલ્લી ચર્ચા હતી, ના ખુલ્લા વિચારો અને ના તો સુપ્રીમ કોર્ટના કોઈ ચુકાદા અથવા ઘરેલું હિંસાના કાયદા દ્વારા આને કાયદેસર માન્યતા મળી હતી.

હવે કાયદાની નજરમાં લાંબા સમય સુધી સાથે રહેલા પુરુષ અને સ્ત્રીને પરિણીત માનવામાં આવે છે, તેમનું સંતાન કાયદેસર ગણાય છે.

આવા સંબંધમાં રહ્યાની ઘટનામાં 'પત્ની'ની જેમ જ, સ્ત્રી ઘરેલું હિંસાની ફરિયાદ કરી શકે છે, પરંતુ ત્યારે એમ નહોતું.

ત્યારે આ બંને નેતા પોતાના ઉચ્ચ સ્થાને હતાં, જ્યોર્જ ફર્નાન્ડિઝ રક્ષામંત્રી હતા અને જયા જેટલી સમતા પાર્ટીનાં અધ્યક્ષ.

લેખિકા અને સ્તંભકાર શોભા ડે કહે છે કે જયા જેટલી અને જ્યોર્જ ફર્નાન્ડિઝ ફક્ત સમતા પાર્ટીમાં 'સાથે કામ કરનારા' સહયોગી નહોતા. તેમની વચ્ચેનો સંબંધ ફક્ત સમાજવાદી વિચારધારા સાથે જોડાયેલો નહોતો. તેમની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હતાં, જે જગજાહેર હતાં અને તેમણે ક્યારેય એ છૂપાવવાનો પ્રયત્ન નહોતો કર્યો.

line

આ રસ્તા ઉપર રાજનેતા

ફિલ્મ અભિનેત્રી રાધીકા

ઇમેજ સ્રોત, SHAMIKA ENTERPRISES

ઇમેજ કૅપ્શન, ફિલ્મ અભિનેત્રી રાધિકા

રાજનીતિ જેવા સાર્વજનિક જનહિતના કામ સાથે જોડાયેલા લોકો પોતાની અંગત જિંદગી વિશે'પવિત્ર-સ્પષ્ટ' છાપ રાખવાનું પસંદ કરે છે.

અમેરિકન રાજનીતિમાં પતિ-પત્ની અને બાળકો સહિત આખો પરિવાર હોવો કોઈ પણ રાજનેતા માટે એક ઉપલબ્ધી સમાન માનવામાં આવે છે અને તેઓ પોતાના પ્રચારમાં તેનો ઉપયોગ પણ કરે છે.

ભારતમાં પણ પરિવારનો દરજ્જો ઊંચો છે. 'લિવ-ઈન રિલેશનશિપ' અથવા બીજા લગ્નને નિમ્ન જ માનવામાં આવે છે.

પરંતુ રાજનેતા આ બંને રસ્તાઓ ઉપર ચાલતા આવ્યા છે અને જનતાએ તેમને અપનાવ્યા પણ છે.

કર્ણાટકના મુખ્ય મંત્રી એચ. ડી. કુમારસ્વામીના અભિનેત્રી રાધિકા કુમારસ્વામીના સંબંધો વિશે પણ ઘણા ક્યાસ લગાવ્યા, પરંતુ વૉટ્સઍપ ઉપર ફરતા જોક્સમાં અને સોશિયલ મીડિયા ઉપર તેની અસર નથી દેખાતી.

એચ. ડી. કુમારસ્વામીએ સાર્વજનિક રીતે ક્યારેય રાધિકા કુમારસ્વામીને પોતાનાં પત્ની ગણાવ્યાં નથી, પરંતુ આ સંબંધને નકાર્યો પણ નથી.

line

અટલ બિહારી વાજપેયીનો સંબંધ

વાજપેયી

ઇમેજ સ્રોત, Pti

આજીવન અવિવાહિત રહેનારા અટલ બિહારી વાજપેયીનો રાજકુમારી કૌલ સાથેનો સંબંધ કાયમ ચર્ચામાં રહ્યો.

જોકે, વાજપેયીએ ક્યારેય આ સંબંધ વિશે કશું જ કહ્યું નથી.

બંને ગ્વાલિયરની પ્રખ્યાત વિક્ટોરિયા કૉલેજ (રાણી લક્ષ્મીબાઈ કૉલેજ)માં સાથે અભ્યાસ કરતા હતાં.

પછીથી રાજકુમારી કૌલ અને તેમના પતિ સાથે વાજપેયીની દોસ્તી ગાઢ થઈ ગઈ.

વાજપેયી જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે શ્રીમતી કૌલનો પરિવાર 7 રેસ કોર્સમાં સ્થિત વડા પ્રધાન આવાસમાં જ રહેવા લાગ્યો.

તેમની બે પુત્રી છે, જેમાંથી નાનાં દીકરી નમિતાને દત્તક લીધાં હતાં.

સેવી પત્રિકાને આપવામાં આવેલી એક મુલાકાતમાં શ્રીમતી કૌલે કહ્યું, "મેં અને અટલ બિહારી વાજપેયીએ ક્યારેય એ વાતની જરૂર નથી અનુભવી કે સંબંધ વિષે કોઈ સ્પષ્ટતા કરવામાં આવે."

line

સમય બદલાયો

જ્યોર્જ ફર્નાન્ડિઝનાં પત્ની સાથે જયા જેટલી
ઇમેજ કૅપ્શન, જ્યોર્જ ફર્નાન્ડિઝનાં પત્ની સાથે જયા જેટલી

સામાન્ય લોકોની તુલનામાં રાજનેતાઓના અંગત જીવન માટે લોકોનો માપદંડ શું છે?

તેમના અંગત સંબંધો ઉપર સવાલ ના ઉઠાવવો એ શું પોતાના નેતાને માન આપવાની એક રીત છે?

કે પોતાના જીવનના સંબંધોને ગૂંચવતા-ઉકેલતા તેમને નેતાઓના અંગત જીવન સાથે કોઈ મતલબ નથી?

ઓછા લોકો જાણે છે કે 2010માં જ્યોર્જ ફર્નાન્ડિઝનાં પત્ની લૈલા કબીરે જયા જેટલીને તેમને મળવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.

વર્ષ 2008માં જ્યોર્જને 'અલઝાઇમર્સની બીમારી થઈ હતી, તેમની યાદશક્તિ અને ઓળખવાની શક્તિ થવા લાગી હતી.

લાંબી કાયદાકીય લડત બાદ 2014માં જયા જેટલીને દર 15 દિવસે, ફક્ત 15 મિનિટ માટે જ્યોર્જ ફર્નાન્ડિઝને મળવાની પરવાનગી મળી.

પરંતુ જીવન ઘણી કરવટો લે છે અને મંગળવારે પત્રકારો સાથે વાતચીતમાં જયાએ જણાવ્યું કે જ્યોર્જના અવસાનની ખબર તેમને લૈલા કબીરે જ આપી હતી અને ઘરે બોલાવી લીધાં હતાં.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો