અમિત શાહ ઝારખંડમાં પોતાની ખાનદાની જમીન શોધી રહ્યા છે?

ઇમેજ સ્રોત, PTI
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, દેવઘર(ઝારખંડ)થી, બીબીસી ગુજરાતી માટે
'મેં કહ્યું હતું કે અમિત શાહના દાદાએ 150-200 વર્ષો પહેલાં દેવઘરમાં જમીન ખરીદી હતી. અમિત શાહના પિતા કે તેમના નામ પર ટ્રાન્સફર ન થઈ શકી.'
"અમિત શાહને તાજેતરમાં જ આ માહિતી મળી છે. તેમણે મને આ વિશે જણાવ્યું. મેં તેમને જમીનના દસ્તાવેજો કઢાવવા માટે કહ્યું. જેથી અમે તેની લોકેશન શોધી શકીએ. આ તેમની ખાનદાની જમીન છે."
ભાજપના સંસદસભ્ય ડૉ. નિશિકાંત દુબેએ બીબીસીને આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે અમિત શાહના પારિવારિક મુંશીજીને જમીનના દસ્તાવેજ કઢાવવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ તે હજુ સુધી મળી શક્યા નથી. દસ્તાવેજ બાદ જ જાણી શકાશે કે તે દેવઘરના ક્યા વિસ્તારમાં છે.
ડૉ. નિશિકાંત ગોડ્ડા બેઠકથી સંસદસભ્ય છે અને દેવઘર તેમના સંસદીય ક્ષેત્રમાં આવતું એક શહેર છે.
થોડાંક દિવસ પૂર્વે આયોજિત એક પત્રકાર પરિષદમાં આ વાત કહીને તેમણે સૌને ચોંકાવી દીધા હતા.
તેમણે કહ્યું હતું કે દેવઘરમાં અમિત શાહની ખાનદાની જમીન છે. આ પત્રકાર પરિષદ તેમણે અમિત શાહની 19 જાન્યુઆરીની મુલાકાત મામલે આયોજિત કરી હતી.
પત્રકાર પરિષદમાં હાજર રહેલા એક પત્રકારે બીબીસીને કહ્યું,"અમે જ્યારે જમીન વિશે વધુ જાણકારી માંગી તો, સાંસદે ઇન્કાર કરી દીધો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે દેવઘર સાથે અમિત શાહનો જૂનો સંબંધ છે. તેઓ અહીંના કાયમી ખાતેદાર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વૈધનાથ મંદિર દેવઘરની એક ઓળખ

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
બિહારની સરહદ પાસેના દેવઘરની ઓળખ અહીં શિવજીના મંદિર વૈધનાથ મંદિરથી પણ પ્રખ્યાત છે. અહીં દેશભરમાંથી લોકો પૂજા કરવા આવે છે.
તેના અલગઅલગ પુરોહિત છે તેમની પાસે તમામ લોકોના લેખા-જોખા છે. અહીં પૂજા કરવા આવેલા લોકોની માહિતીઓ છે.
અહીંના પુરોહિતોએ રજિસ્ટરમાં તેમના હસ્તાક્ષર પણ કરાવી રાખ્યા છે.
તેમની પાસે લોકોની વંશાવલી પણ છે. આ પૂજારીઓનો દાવો છે કે દેવઘર આવતા હિંદુઓ ધર્માવલંબી બાબા મંદિરમાં માથું ટેક્વ્યાં વિના પરત નથી જતા.

તમે આ વાંચ્યું કે નહીં?

અમિત શાહ વૈધનાથ મંદિર ક્યારેય નથી ગયા

ઇમેજ સ્રોત, PTI
ગુજરાતના પુરોહિતો અહીં વૈધનાથ ગલીમાં રહે છે. તેઓ એક જ પરિવાર (સીતારામ શિરોમણી)ના લોકો છે. આ લોકો ગુજરાતના અલગઅલગ જિલ્લાના લોકોને પૂજા કરાવે છે.
અહીં મારી મુલાકાત દીનાનાથ નરૌન સાથે થઈ. તેઓ અમિત શાહના ગૃહ ક્ષેત્રના પુરોહિત છે.
તેમના પૂર્વજ છેલ્લા 200 વર્ષોથી માણસા (અમિત શાહનું પૈતૃક શહેર)ના લોકોને પૂજા કરાવે છે.
મને તેમની વંશાવલી બતાવતા તેમણે દાવો કર્યો કે અમિત શાહ અથવા તેમના પિતા કે દાદા ક્યારેય અહીં પૂજા કરવા માટે આવ્યા નથી.
આથી 'હસ્તાક્ષરી'માં તેમની સહી' નથી. જેથી તેમની વંશાવલી પણ ન બની શકી.

અમિત શાહની જમીન ન હોઈ શકે

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
દીનાનાથે બીબીસીને જણાવ્યું,"અમિત શાહની જમીમ મામલે સાંસદનું નિવેદન પાયાવિહોણું છે. તે કોઈ અન્ય અમિત શાહ હોઈ શકે જેમની જમીન અહીં હોય."
"પરંતુ માણસાવાળા અમિત શાહ જેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમની જમીન અહીં ન હોઈ શકે."
"આ વાત હું દાવા સાથે કહી શકું છું. તેમના પરિવારનું અહીં કોઈ આવ્યું જ નથી તો તેઓ જમીન કઈ રીતે ખરીદી શકે છે."
મારા પિતા-દાદાની જાણકારીમાં પણ આવી કોઈ વાત નથી. જો જમીન હોત, તો અમને ખબર પડી ગઈ હોત.
અમે તેની પૂજા કરાવી હોત. કેમ કે દેવઘરની આ પરંપરા છે. પુરોહિત વગર અહીં કોઈ શુભ કામ નથી થતું.


દેવઘરનો ગુજરાતી સમાજ

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
દેવઘરમાં ગુજરાતના કેટલાક લોકોનો સારો એવો વ્યવસાય છે. બધા એકબીજા સાથે જોડાયેલા છે. 'દેવઘર ગુજરાતી સમાજ' નામનું તેનું એક સંગઠન પણ છે.
તેના સચિવ કિરીટભાઈ પટેલે જણાવ્યું કે દેવઘરમાં ગુજરાતના માત્ર આઠ પરિવાર રહે છે. તેમાંથી એકપણ માણસાનું નથી.
કિરીટભાઈ પટેલે બીબીસીને કહ્યું,"અમિત શાહની જમીનની વાત વિશે મને અખબારમાંથી જાણવા મળ્યું. તેની સત્યતા વિશે હું કંઈ ન કહી શકું. મને એટલું ખબર છે કે દેવઘરમાં વસી ચૂકેલા ગુજરાતના મૂળ લોકો કચ્છ, આણંદ, વડોદરા અને રાજકોટ જિલ્લાના છે."
"તેમાં અમિત શાહ કે તેમના પરિવારના લોકો સામેલ નથી."
તેઓ કહે છે,"વર્ષમાં બે વખત અમે ગુજરાત જઈએ છીએ. આથી અહીં રહેતા ગુજરાતીઓ વિશે અમારી જાણકારી પૂરતી છે."
"200 વર્ષો પહેલાં કોઈએ જમીન ખરીદી હોય તો અમને તેના વિશે કંઈ ખબર નથી અને કંઈ કહી ન શકીએ."

1932માં આખરી સમાધાન થયું હતું

ઇમેજ સ્રોત, RAVI PRAKASH
દેવઘરના જિલ્લા કલેક્ટર રાહુલ કુમાર સિન્હાએ બીબીસીને કહ્યું કે આ વિસ્તારોની જમીનનો અંતિમ સરવે સેટલમેન્ટ વર્ષ 1932માં થયો હતો. આ પ્રકારની જમીનોનાં લાખો ખાતા છે.
"કોઈ પણ ખાસ જમીન વિશે ત્યારે જ જણાવી શકાય જ્યારે તેનો ખાતા નંબર ખબર હોય. હાલ મારી કચેરીને અમિત શાહની જમીન વિશે કોઈ જાણકારી નથી. મેં પણ માત્ર આ વિશે સાંભળ્યું છે."


અમિત શાહનું ચૂંટણીનું સોંગદનામું
અમિત શાહ રાજ્યસભાની ચૂંટણીમાં સોંગદાનામાં તેમની અને તેમની પત્નીની માલિકીવાળી બે કરોડ રૂપિયાથી વધુની કિંમતની કૃષિની જમીનનો ઉલ્લેખ તેમાં કર્યો હતો. પણ તેમાં જમીનો ક્યાં છે તેનો કોઈ ઉલ્લેખ નથી.
જોકે, તે જ સોંગદનામામાં તેમણે સવા પાંચ કરોડ રૂપિયાની બિન-ખેતી લાયક જમીનનો ઉલ્લેખ પણ કર્યો છે. તે ગાંધીનગર અને અમદાવાદમાં છે.

કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, RAVI PRAKASH
ઝારખંડ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ રાજીવ કુમાર કહે છે કે જો અમિત શાહના દાદાની જમીન દેવઘરમાં છે, તો તેમણે તેને તેમના શપથ પત્રમાં સામેલ કરી લેવી જોઈતી હતી.
તેમણે વધુમાં કહ્યું,"ઘરના એકમાત્ર વારસ હોવાથી જમીનની માલિકીનો હક તેમનો થઈ જાય છે. આથી આ તેમની સંપત્તિ કહેવાય."

અમિત શાહનો પરિવાર

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
ભાજપના અઘ્યક્ષ અમિત શાહે બ્રિટિશ લેખક પેટ્રિક ફ્રેંચને વર્ષ 2016માં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના દાદા ગોકળદાસ શાહ વડોદરાના તત્કાલીન શાસક સયાજીરાવ ગાયકવાડના વહીવટી અધિકારી હતા.
તેમને વહીવટીય ગુણ તેમના દાદા તરફથી મળ્યા છે.


સત્ય શું છે?
આથી સૌથી અગત્યનો સવાલ એ છે કે તેમના પક્ષના સંસદ સભ્ય ડૉ. શશિકાંતનો દાવો કર્યો છે એમ શું અમિત શાહની ખાનદાની જમીન ખરેખર દેવઘરમાં છે?
આનો યોગ્ય જવાબ અમિત શાહ જ આપી શકે છે. પરંતુ તેમણે આ મામલે બીબીસી દ્વારા મોકલવામાં આવેલા સવાલના ઇમેલનો જવાબ નથી આપ્યો.
જો તેમનો જવાબ આવી જશે, તો તેની સાથે આ અહેવાલને અપડેટ કરી દેવાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














