You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કઠુઆ ગ્રાઉન્ડ રિપોર્ટ : બાળકીનાં સામુહિક બળાત્કાર કેસમાં એક વર્ષ પછી પરિવાર જુએ છે ન્યાયની રાહ
- લેેખક, મોહિત કંધારી
- પદ, જમ્મુથી, બીબીસી ગુજરાતી માટે
"તેઓ કહેતા હતા કે 90 દિવસમાં ન્યાય મળશે પણ એક વર્ષ વીતી ગયું છે અને અમને હજી ન્યાય નથી મળ્યો"
આટલું કહેતાં જ કઠુઆ જિલ્લાનાં રસાના ગામનાં આઠ વર્ષીય બકરવાળ દીકરીનાં માની આંખો ભરાઈ આવે છે અને તેઓ રડવાં લાગે છે.
તેઓ કહે છે "અમને આજે પણ ચોવીસ કલાક અમારી દીકરીની યાદ આવે છે. એ રમતાં રમતાં ઘરે આવતી અને કહેતી મા મને રોટી આપો. તેને ફળો પણ ગમતાં હતાં. તે એનાં પિતાને સંતરા, કેળા અને બિસ્કિટ લાવવાનું કહેતી."
"એક વર્ષ થઈ ગયું તેને નથી જોઈ. રમતાં રમતાં એને ઉઠાવી ગયા અને બરહેમીથી મારી નાંખી એને. બહું ખરાબ કર્યુ દીકરી સાથે."
બાળકીનાં માતા કહે છે, "મને નથી ખબર કે મને ન્યાય મળશે કે નહીં. તે કોઈ બીમારીથી મરી ગઈ હોત તો અમને આટલું દુખ ન થાત. ઉઠતાં-બેસતાં એનો ચહેરો નજર સામે આવે છે. મેં આજે પણ એનાં રમકડાં અને થોડાંક કપડાં સાચવીને રાખ્યા છે."
કઠુઆ બળાત્કારનો ભોગ બનેલી દીકરીની ઢીંગલી હાથમાં લઈને તેઓ કહે છે "આ ઢીંગલી એણે જાતે કબાટમાં મુકી હતી પણ અમારી ઢીંગલી પોતે ચાલી ગઈ."
અઠવાડિયા સુધી થયો હતો સામુહિક બળાત્કાર
ગત વર્ષે જાન્યુઆરીમાં જમ્મુના કઠુઆ જિલ્લામાં બકરવાળ સમુદાયની એક બાળકી પર સામુહિક બળાત્કાર ગુજારી એમની હત્યા કરી દેવામાં આવી હતી.
પોલીસનાં કહ્યાં મુજબ આઠ વર્ષની એ બાળકીને દેવસ્થાન (પૂજાસ્થળ)માં કેદ રાખવામાં આવી અને અઠવાડિયા સુધી એના પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાં સુધી કે ગળુ દબાવીને મારી હત્યા કરી દેવામાં આવી એની થોડીક મિનિટ અગાઉ સુધી બળાત્કાર થતો રહ્યો અને પછી લાશ જંગલમાં ફેંકી દેવામાં આવી. આ કેસમાં ન્યાય માટે દેશભરમાં પ્રદર્શન થયા હતાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પિડિતને ન્યાય અપાવવાની માગ ઉઠી હતી.
તપાસ સંસ્થાએ આ મામલે માસ્ટર માઇન્ડ સાંઝી રામ અને એમના દીકરા વિશાલ કુમાર સહિત નવ લોકોની ધરપકડ કરી હતી.
આરોપીઓમાં એક પોલીસ હૅડ કૉન્સ્ટેબલ, બે એસપીઓ અને એક સબ-ઇન્સ્પેક્ટર પણ સામેલ છે.
મે 2018માં સુપ્રીમ કોર્ટે કઠુઆ સામુહિક બળાત્કાર અને હત્યાનો કેસ પંજાબના પઠાણકોટમાં ટ્રાન્સફર કરી દીધો હતો.
આ સમયે કેસની સુનાવણી સતત ચાલી રહી છે અને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાના સાક્ષીઓ અદાલતમાં રજૂ કર્યા છે.
રસાના ગામમાં બીબીસી સાથેની વાતચીતમાં બાળકીનાં પિતાએ કહ્યું કે "વકીલ તો અમને કહે છે કે ન્યાય મળશે પણ ક્યારે મળશે એ નથી કહેતાં. મને પોતાને પણ ખબર નથી કે ન્યાય મળશે કે નહીં."
આ સમયે પીડિત પરિવારના બેઉ સભ્યો એકલા ગામમાં રહે છે. એમનાં અન્ય બે સંતાનો એમના સબંધીઓની પાસે છે.
એમણે કહ્યું "મોટો દીકરો કાશ્મીરમા ભણે છે અને નાનો એની નાનીને ત્યાં સામ્બામાં રહે છે. ભયને લીધે તેઓ રસાના ગામમાં નથી રહેતાં."
રાજ્ય સરકારે અદાલતનાં આદેશ પર પરિવારની સુરક્ષા માટે પોલીસ દળ તેનાત કરેલું છે. તેઓ 24 કલાક ફરજ પર હાજર રહે છે.
પોલીસે પરિવારના ઘર સામે પોતાનો તંબૂ તાણેલો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
હવે પરસ્પર એ ભાઈચારો નથી રહ્યોં
પીડિતનાં પિતા કહે છે આ ઘટના પછી આસપાસના ગામોનો માહોલ ખરાબ થઈ ગયો છે.
"હવે પરસ્પર એ ભાઈચારો નથી રહ્યોં. દર વર્ષે શિયાળામાં આ વિસ્તારમાં 10-15 સમૂહો અહીં તંબૂઓ તાણતા હતાં પણ આ વર્ષે એ લોક અહીં નથી આવ્યાં."
એમનું કહેવું છે કે ગામના લોકોએ બકરવાળ સમુદાયના લોકોને પશુઓ માટે ચારો આપવાની મનાઈ કરી દીધી.
એમણે બીબીસીને કહ્યું કે "મારી મજબુરી છે કે મારે અહીં રહેવું પડે છે કેમ કે મારું મકાન અહીં છે. મને મારા જાનવરો માટે પાંદડાં નથી મળી રહ્યાં, દૂર જંગલમાં જવું પડે છે અને ત્યાં હિંસક પશુઓનો ખતરો રહે છે."
એમણે કહ્યું કે "રસાના અને ધમ્યાલ ગામના લોકો એમને સારી નજરથી નથી જોતાં. પહેલાં એકબીજાનાં મળતા હતાં, દુઆ-સલામ કરતાં હતાં પણ હવે એવો સંબંધ નથી રહ્યોં."
"ગામના લોકો કહે છે તમે લોકોએ આગ લગાવી, પણ અમે કહીએ છીએ અમે આગ શું લગાવવાનાં, આગ તો એ લોકોએ લગાવી જેમણે અમારી દીકરીની હત્યા કરી દીધી."
'દુર્ઘટનામાં મારા બે સંતાનો માર્યા ગયા'
પોતાની માસૂમ દીકરીને યાદ કરતાં તેઓ કહે છે કે "તે ફકત છ મહિનાની હતી જ્યારે તેને મેં માગી બહેન પાસેથી ખોળે લીધી હતી."
એમણે કહ્યું કે "2002માં એક દુર્ઘટનામાં મારા બે સંતાનો માર્યા ગયા હતા. આને લીધે હું ઘણો પરેશાન રહેતો હતો. પછી મે મારી બહેનની દીકરીને ખોળે લીધી પણ હવે એ પણ નથી રહી. મે કદી નહોતું વિચાર્યુ કે એ માસૂમ બાળકી સાથે આવો જુલમ થશે."
પોતાના વકીલ દીપિકા સિંહ રાજાવત વિશે તેઓ કહે છે "એમને એટલાં માટે હટાવી દીધાં કેમ કે તેઓ 110માંથી ફકત બે વાર અદાલત સામે ઉપસ્થિત થયાં અને ફકત પોતાને વિશે વિચારતાં હતાં."
"તેઓ અમારી સુરક્ષાની ઓછી અને પોતાની સુરક્ષાની વધારે ફિકર કરતાં હતાં, ગાડીની વાતો કરતાં હતાં. તેઓ કહેતાં કે એમના જીવનો જોખમ છે પછી અમે વિચાર્યુ કે એમનાં માટે પરેશાની શું કામ ઉભી કરવી. એ રીતે અમે અદાલતમાં લખીને આપ્યું અને એમને આ કેસથી અલગ કરી દીધાં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો