કુંભ 2019: અખાડાના શિબિરોને રોશન કરતા 'મુલ્લા જી'

મુલ્લાજી

ઇમેજ સ્રોત, JITENDRA TRIPATHI

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, પ્રયાગરાજથી, બીબીસી ગુજરાતી માટે

કુંભ મેળામાં જૂના અખાડાના પ્રવેશ દ્વારની જમણી બાજુ 'મુલ્લા જી લાઇટ વાલે'નું બૉર્ડ જોઈને કોઈને પણ ઉત્સુક્તા એ 'મુલ્લા જી'ને જાણવાની હોઈ શકે છે કે જેઓ 'લાઇટ વાળા' છે.

મુલ્લાજી એટલે કે મોહમ્મદ મહમૂદ અમને ત્યાં જ મળી ગયા. જે ઈ-રિક્ષા પર તેમનું એ નાનું બૉર્ડ લાગેલું હતું, તેની બાજુમાં જ રાખેલી ચારપાઈ પર તેઓ બેઠા હતા.

માથા પર ટોપી અને લાંબી દાઢી સાથે મુલ્લાજીને ઓળખવામાં જરા પણ મુશ્કેલી ન નડી.

નામ પૂછતા જ તેઓ અમારો ઉદ્દેશ પણ જાણી ગયા અને તરત બાજુમાં બેઠેલી એક વ્યક્તિને ઉઠવાનો ઇશારો કરીને અમને બેસવાનો આગ્રહ કર્યો.

76 વર્ષીય મોહમ્મદ મહેમૂદ છેલ્લા ત્રણ દાયકાથી કોઈ કુંભ કે અર્ધકુંભ છોડતા નથી અને કુંભ દરમિયાન દોઢ મહિનો અહીં રહીને જ પોતાનો વ્યવસાય કરે છે.

વીજળી અને ફિટિંગથી માંડીને કનેક્શન સુધી જે પણ કામ હોય છે, મુલ્લાજી ટીમ જ કરે છે. જૂના અખાડાના સાધુ સંતો અને મહંત સાથે તેમના સારા સંબંધ છે.

એ માટે અખાડામાં તેમના રહેવા માટે ટૅન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

મોહમ્મદ મહેમૂદ જણાવે છે, "પ્રયાગમાં આ અમારો ચોથો કુંભ છે. ચાર હરિદ્વારમાં કરી ચૂક્યા છીએ અને ત્રણ ઉજ્જૈનમાં.""દરેક કુંભમાં હું જૂના અખાડા સાથે રહું છું અને શિબિરોમાં વીજળીનું કામ કરું છું."

"અખાડાની બહાર પણ જે બોલાવે છે તેને કામ કરી આપું છું. કામ પણ કરું છું અને સંતોની સંગતમાં પણ રસ લઉં છું."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

હરિદ્વાર કુંભથી થઈ શરુઆત

મુલ્લાજી

ઇમેજ સ્રોત, JITENDRA TRIPATHI

મોહમ્મદ મહેમૂદ મુઝફ્ફરનગરમાં વીજળીનું કામ કરે છે. લગ્ન પ્રસંગમાં વીજળીનો કૉન્ટ્રાક્ટ તેઓ લે છે અને પોતાની સાથે ઘણા કારીગરોને રાખે છે કે જેઓ તેમને કામમાં મદદ કરે છે.

કુંભમાં પણ તેમના આ સહયોગી તેમની સાથે જ રહે છે અને સંગમ તટ પર ટૅન્ટથી બનેલા સાધુ સંતોના રહેણાંક અને અન્ય લોકોના નિવાસસ્થાનોને રોશન કરે છે. અહીં લોકો તેમને 'મુલ્લા જી લાઇટ વાળા'ના નામે ઓળખે છે.

મોહમ્મદ મહેમૂદ કહે છે કે અખાડા સાથે જોડાવાની શરુઆત હરિદ્વાર કુંભથી થઈ.

મહેમૂદ કહે છે, "30 વર્ષ જૂની વાત છે. એ જ કુંભમાં વીજળીના કામે ગયો હતો અને ત્યાં જ જૂના અખાડા સાથે પરિચય થયો.""પછી તેમના મહંતો સાથે વાતચીત થતી રહી અને આ ક્રમ યથાવત્ રહ્યો. તેમને અમારો વ્યવ્હાર પસંદ આવ્યો અને અમને તેમનો."

મુલ્લાજી લાઇટ વાલે

ઇમેજ સ્રોત, JITENDRA TRIPATHI

જૂના અખાડા ભારતમાં સાધુઓનો સૌથી મોટો અને જૂના અખાડામાંથી એક માનવામાં આવે છે. જૂના અખાડા સિવાય પણ તમામ લોકોના શિબિરમાં વીજળીની કોઈ સમસ્યા હોય છે તો મુલ્લાજી અને તેમની ટીમ સંકટ મોચક બનીને ઊભી રહે છે.

જૂના અખાડાના એક સાધુ સંતોષ ગિરિ જણાવે છે, "અમે તો તેમને સાધુ જ સમજીએ છીએ. સાથે ઉઠવું-બેસવું, રહેવુ, હસી-મજાક કરવી, બીજું જીવનમાં છે શું?""બસ તેઓ અમારી જેમ ધૂન ગાતા નથી, માત્ર વીજળી આપે છે."

ત્યાં હાજર એક યુવા સાધુએ જણાવ્યું કે મુલ્લાજીની એક ટીમમાં તેઓ એક માત્ર મુસ્લિમ છે. બાકી બધા લોકો હિંદુ છે.

સાધુએ કહ્યું, "અમે કોઈને પૂછ્યું નથી, પણ ધીરે ધીરે ખબર પડી ગઈ. શિબિરમાં માત્ર મુલ્લાજી જ નમાઝ પઢે છે. બાકી લોકો નહીં."

લાઇન
લાઇન

મેળા બાદ જ જાય છે ઘરે

કુંભ મેળો

ઇમેજ સ્રોત, Getty Images

મુલ્લાજી અને તેમના સાથીએની પણ અખાડાના સાધુઓ સાથે સારી મિત્રતા છે જેના કારણે તેમને અખાડામાં પણ ઘરથી દૂર હોવાનો અનુભવ થતો નથી. બધા જ લોકો મેળો સમાપ્ત થયા બાદ જ ઘરે જાય છે.

મોહમ્મદ મહેમૂદની સાથે આ સમયે પાંચ લોકો છે. તેમાંથી એક અનિલ પણ છે કે જેઓ દરેક માટે જમવાનું બનાવે છે. અનિલ પણ મુઝફ્ફરનગરના રહેવાસી છે.

અનિલ કહે છે, "હું આખા સ્ટાફ માટે જમવાનું બનાવું છું. અમે લોકો અહીં કોઈ કમાણીના ઉદ્દેશથી નહીં પણ સમાજસેવાના ઉદ્દેશથી આવીએ છીએ. કમાણી એટલી વધારે કંઈ થતી નથી."

કમાણી વિશે પૂછવા પર મોહમ્મદ મહેમૂદ હસવા લાગે છે, "કમાણી શું... કમાણી તો કંઈ પણ નથી. રહેવા તેમજ જમવાનો ખર્ચ નીકળી જાય છે તે જ ઘણું છે.""કમાણીના ઉદ્દેશથી અમે આવતા પણ નથી. બસ દાળ રોટલી મળી જાય. સાધુઓની સંગત જ આનંદદાયક હોય છે. બીજું શું જોઈએ?"

મોહમ્મદ મહેમૂદ કહે છે કે મુઝફ્ફરનગરમાં રહેતા તેઓ બીજા ઘણા તહેવારોમાં જેમ કે જન્માષ્ટમી, દશેરા વગેરે પર પણ વીજળીનું કામ કરે છે. આ સિવાય મેરઠમાં યોજાતા નૌચંડી મેળામાં પણ આ લોકો પોતાની સેવાઓ આપે છે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો