ગુજરાતનાં ગામડાંઓમાં પ્રાથમિક શિક્ષણની હાલત આવી કેમ છે?

વિદ્યાર્થિનીઓ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

'ધોરણ 2માં અભ્યાસ કરતાં 89.4 ટકા બાળકો પોતાનાં જ પાઠ્યપુસ્તક વાંચી શકતાં નથી', એ.એસ.ઈ.આર.નો 2018 અહેવાલ ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારના શિક્ષણનું ચિત્ર રજુ કરે છે.

ન્યૂ દિલ્હી સ્થિત એ.એસ.ઈ.આર. સેન્ટર દ્વારા એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ (રુરલ) બહાર પાડવામાં આવે છે.

આ સેન્ટર દેશભરના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ પર અભ્યાસ કરે છે.

ગુજરાત રાજ્યના 26 જિલ્લાનાં 779 ગામોમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

line

24.9ટકા કિશોરીઓનો શાળામાં દાખલો નથી

શાળાનાં બાળકો

ઇમેજ સ્રોત, Getty Images

આ અભ્યાસ અંતર્ગત 779 ગામોના 15 હજાર ઘરોની મુલાકાત લેવાઈ હતી. 3 થી 16 વર્ષની વયજૂથનાં 18,650 બાળકો સાથે મુલાકાત કરાઈ હતી. આ અભ્યાસ અંતર્ગત શાળાઓની મુલાકાત પણ લેવાઈ હતી.

15-16 વર્ષની વયજૂથની 24.9 ટકા કિશોરીઓ એવી છે, જેમનો શાળામાં દાખલો નથી.

15થી 16 વર્ષના વયજૂથમાં શાળામાં દાખલો નહીં ધરાવતી કિશોરીઓની ટકાવારીમાં મધ્ય પ્રદેશ બાદ ગુજરાત બીજા ક્રમે છે.

શિક્ષણની કથડી રહેલી પરિસ્થિતિ વિશે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે, "આઝાદીનાં 70 વર્ષો બાદ શિક્ષણ માટે ચોક્ક્સ માળખું નથી."

"ગુજરાત સરકાર બોર્ડનો અભ્યાસક્રમ રાખવો કે સીબીએસઈ કે એનઈઆરીટીનો રાખવો આ અંગે સ્પષ્ટતા જ નથી. પ્રયોગો થઈ રહ્યા છે, જેને કારણે એક સમાન સાતત્ય જળવાતું નથી."

વડોદરાના રિસર્ચ સ્કૉલર ડૉ. જયેશ શાહે શિક્ષણની કથળતી સ્થિતિને ઘણી ગંભીર ગણાવી અને તાજેતરમાં જ તેમણે વડા પ્રધાન ઑફિસને ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં સુધારા કરવા કેટલાક સૂચનો મોકલ્યાં હતાં.

ડૉ. શાહનું કહેવુ છે કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ છેલ્લાં દસ વર્ષમાં કથળી છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલી સૌથી મોટી સમસ્યા ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક બોલીની છે.

તેઓ કહે છે, "મેં કરેલા સૂચનોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોરણ એકથી ત્રણનું શિક્ષણ સ્થાનિક લોકબોલીમાં આપવામાં આવે. સાથે સ્થાનિક બોલીને અનુરૂપ પાઠ્યપુસ્તક બનાવવામાં આવે તો ફાયદો થઈ શકે."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

બાળકો પોતાનું પાઠ્યપુસ્તક વાંચી નથી શકતાં

શાળાનાં બાળકો

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 1માં અભ્યાસ કરતાં 36.5 ટકા બાળકો એવાં છે, જેઓ એક અક્ષર પણ વાંચી શકતાં નથી.

ધોરણ 1નાં 40.8 ટકા બાળકો એવાં છે, જેઓ અક્ષર વાંચી શકે છે પણ આંખો શબ્દ વાંચી શકતાં નથી.

ધોરણ 1નાં 95.8 ટકા બાળકો અને ધોરણ 2નાં 89.4 ટકા બાળકો પોતાનાં ધોરણનાં પાઠ્યપુસ્તક વાંચી શકતાં નથી.

ધોરણ 8માં અભ્યાસ કરતાં 84.01 ટકા બાળકો પહેલા ધોરણનું પાઠ્યપુસ્તક વાંચી શકતાં નથી.

ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતાં 76.7 ટકા બાળકો એવાં છે, જેઓ બીજા ધોરણનાં પાઠ્યપુસ્તક વાંચી શકતાં નથી.

આ અંગે સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરી રહેલાં બાળકોની સ્થિતિનાં સ્વતંત્ર આંકડા મળી આવે છે.

સરકારી શાળામાં ત્રીજા ધોરણમાં ભણતાં 32.3ટકા બાળકો બીજા ધોરણનાં પુસ્તક વાંચી શકે છે.

ખાનગી શાળાનાં 39.3 ટકા બાળકો બીજા ધોરણનાં પાઠ્યપુસ્તક વાંચી શકે છે.

પ્રો. ધોળકિયા આ માટે ધોરણ 8 સુધી પાસ-નપાસ પ્રથાને રદ કરવાને જવાબદાર ઠેરવે છે.

તેમનું કહેવું છે કે જે પ્રકારે શિક્ષણ સંલગ્ન નીતિઓમાં પ્રયોગો થઈ રહ્યા છે, એ પણ અસર કરે છે.

તેમણે કહ્યું, "સેમેસ્ટર પદ્ધતિ, ગ્રેડિંગ જેવી પદ્ધતિઓને લાગુ કરવી પછી ન ચાલે તો તેને હટાવી દેવી. આ પ્રકારના નિર્ણયોની ગુણવત્તા પર અસર થાય છે."

જેમાંથી એક સૂચન રદ કરાયેલી પાસ-નપાસ પ્રથા પુન: લાગુ કરવાનું પણ હતું.

તેમણે કહ્યું હતું કે ચોથા ધોરણથી વિદ્યાર્થીઓને નાપાસ કરવાની નીતિ ફરીથી અમલી કરવી જોઈએ.

line

સરકારી કરતાં ખાનગી શાળાની સ્થિતિ સારી?

સરકારી શાળા

ઇમેજ સ્રોત, Getty Images

ધોરણ 5 અને 8માં સરકારી શાળામાં અભ્યાસ કરી રહેલાં બાળકો અંગે પણ ખાનગી અને સરકારી શાળાઓ પ્રમાણે સ્વતંત્ર આંકડા મળે છે.

જેના આધારે કહી શકાય કે સરકારી શાળાનાં બાળકોની તુલનામાં ખાનગી શાળાનાં બાળકોની વાંચવાની ક્ષમતા થોડી વધારે છે, પણ ખાનગી શાળાઓમાં પણ વાંચી નહીં શકતાં બાળકોની મોટી સંખ્યા છે.

સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની વાંચી શકવાની ક્ષમતા અંગે અન્ય રાજ્યો સાથેની તુલના કરીએ તો ગુજરાતમાં 5માં ધોરણમાં અભ્યાસ કરતાં 52 ટકા બાળકો બીજા ધોરણનાં પુસ્તક વાંચી શકે છે, જ્યારે દેશની સરેરાશ ટકાવારી 44.2 ટકા છે.

આ અંગેની ટકાવારી હિમાચલ પ્રદેશમાં 74.5 ટકા, કેરળ રાજ્યમાં 73.1 ટકા, પંજાબમાં 68.7ટકા અને મહારાષ્ટ્રમાં 66 ટકા છે.

લાઇન
લાઇન

ગણિતજ્ઞાનમાં અન્ય રાજ્યો કરતાં નબળી સ્થિતિ

શાળાનાં બાળકો

ઇમેજ સ્રોત, Getty Images

ધોરણ 1માં અભ્યાસ કરતા માત્ર 2 ટકા બાળકો જ એવાં છે, જેમને ભાગાકાર કરતા આવે છે. એ જ પ્રકારે ધોરણમાં 2માં અભ્યાસ કરતા માત્ર 1 ટકા બાળકોને ભાગાકાર કરતા આવડે છે, એટલે કે 99 ટકા બાળકોને ભાગાકાર કરતા આવડતું નથી.

ધોરણ 5માં અભ્યાસ કરી રહેલાં આશરે 80 ટકા બાળકોને ભાગાકાર કરતા આવડતું નથી.

ડૉ. શાહ જણાવે છે કે ગણિત વિષયમાં પણ બાળકોની સ્થિતિ ઘણી નબળી છે. જો ગ્રામ્ય વિસ્તારમાં લોકબોલીમાં ગણિત શીખવવામાં આવે, તો ઝડપથી બાળકોને શીખવી શકાય.

જેમ કે, છોટાઉદેપુરની રાઠવા લોકોની લોકબોલીમાં 20 માટે વીસયું શબ્દ વપરાય છે અને પાંચ વીસયા સો થાય તેવી સાદી સમજણ ત્યાંના લોકોને છે.

તો પ્રકારે લોકબોલીમાં જલદીથી વિદ્યાર્થીઓને ગણિત શીખવી શકાય.

આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે કેટલીક બાબતોમાં 2012ની તુલનામાં 2018માં સ્તર કથળ્યું છે.

વર્ષ 2012માં ધોરણ 8નાં 41.4 ટકા બાળકો ભાગાકાર કરી શકતાં હતાં. જ્યારે 2018માં આ ટકાવારી ઘટીને 35.6 ટકા થઈ છે.

પ્રો. ધોળકિયાના કહેવા પ્રમાણે શિક્ષકો માટે પણ દાખલ કરી દેવાયેલી કોન્ટ્રાક્ટ વ્યવસ્થાને કારણે પણ ગુણવત્તા ઘટી છે.

ભાગાકાર કરી શકવાની ક્ષમતા અંગે પણ ગુજરાત કરતાં હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હરિયાણા સહિતના અન્ય રાજ્યો આગળ છે.

line

ગર્લ્સ ટૉઇલેટને તાળાં

શાળાનાં બાળકો

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યની 6 ટકા જેટલી શાળાઓમાં મધ્યાહન ભોજન બાળકોને ન અપાતું હોવાનું પણ અભ્યાસમાં બહાર આવ્યું છે.

રાજ્યની 6.4 ટકા શાળાઓમાં પીવાનાં પાણીની સુવિધા જ નથી, જ્યારે 5.6 ટકા શાળાઓમાં સુવિધા હોવા છતાં પીવાનું પાણી મળી નથી રહ્યું.

એટલે રાજ્યની 88 ટકા શાળાઓમાં જ બાળકોને પીવાનું પાણી મળે છે.

રાજ્યની 8.5 ટકા શાળાઓમાં ટૉઇલેટ છે પણ તે ઉપયોગ કરી શકાય એવી સ્થિતિમાં નથી.

રાજ્યની 2.6 ટકા શાળાઓમાં વિદ્યાર્થિનીઓમાં માટે અલગ ટૉઇલેટ નથી, જ્યારે 1.1 ટકા શાળાઓમાં અલગ ટૉઇલેટ છે પણ તેને તાળું મારીને બંધ રાખવામાં આવે છે.

8.8 ટકા શાળાઓમાં અલગ ટૉઇલેટ છે પણ તે વાપરી શકાય એ સ્થિતિમાં નથી.

પ્રો. ધોળકિયા કહે છે કે શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હવે ઝાઝી સમસ્યા નથી. એ દિશામાં કામ થયું છે, પણ હવે એ માળખાનો ઉપયોગ થાય એ જરૂરી છે.

line

કૉમ્પ્યુટર અને લાઇબ્રેરી વગરની શાળાઓ

શાળાનાં બાળકો

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યની 14.7 ટકા શાળાઓમાં જ લાઇબ્રેરીની સુવિધા જ નથી, 44.8 ટકા શાળાઓમાં લાઇબ્રેરી છે પણ બાળકો દ્વારા પુસ્તકોનો ઉપયોગ કરાતો નથી.

33.1 ટકા શાળાઓમાં બાળકો માટે કૉમ્પ્યુટર જ નથી, 42.9 ટકા શાળાઓમાં કૉમ્પ્યુટર છે પણ તેનો ઉપયોગ કરાતો નથી.

માત્ર 24 ટકા શાળાઓ એવી છે, જ્યાં બાળકો દ્વારા કૉમ્પ્યુટરનો ઉપયોગ કરાય છે.

રાજ્યની 52.4 ટકા શાળાઓમાં 60થી ઓછાં વિદ્યાર્થીઓ નોંધાયેલાં છે. 2010માં 33.3 ટકા શાળાઓમાં 60થી ઓછાં વિદ્યાર્થીઓ હતા.

રાજ્યની 72 ટકા શાળાઓના ટાઇમ ટેબલમાં શારીરિક શિક્ષણ માટે અલગ પિરિયડ ફાળવવામાં આવ્યો છે, પણ માત્ર 29.7 ટકા શાળાઓમાં જ શારીરિક શિક્ષણ માટે અલગ શિક્ષક ફરજ બજાવે છે.

14.3 શાળાઓ તો એવી છે, જ્યાં શારીરિક શિક્ષણ માટે એક પણ શિક્ષક નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો