કર્ણાટકમાં બે ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચ્યો, બેઉ પક્ષે ધારાસભ્યોની ખરીદ-વેચાણના આક્ષેપ

કર્ણાટકમાં કૉંગ્રેસ-જૅડીઍસ ગઠબંધનને ઝટકો આપતા બે ધારાસભ્યોએ મુખ્યમંત્રી ઍચ ડી કુમારાસ્વામીની સરકારને આપેલો ટેકો પાછો લઈ લીધો છે.

કર્ણાટકની કૉંગ્રેસ-જેડીએસ સરકારમાંથી ટેકો પાછો લેનારા એચ. નાગેશ સ્વતંત્ર ધારાસભ્ય છે તથા આર. શંકર કેપીજેપીના ધારાસભ્ય છે.

સમાચાર ઍજંસી પીટીઆઈ મુજબ તેમણે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને પત્ર લખીને ટેકો પાછો ખેંચવાની જાણકારી આપી છે.

મીડિયાને મળેલા પત્રમાં લખેલું છે કે તેઓ તત્કાળ પ્રભાવથી ઍચડી કુમારાસ્વામીની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી રહ્યાં છે.

પીટીઆઈ મુજબ તેઓ હાલ મુંબઈની એક હોટલમાં છે, જાણવા મળ્યું છે કે તેમણે સરકારને જરૂરી પગલાં લેવા કહ્યું છે.

કર્ણાટકમાં કૉંગ્રેસ તથા ભાજપ એક બીજા પર ધારાસભ્યોને ખદીર-વેચાણના પ્રયત્નોના આક્ષેપ વચ્ચે રાજકીય ગરમી વધી છે.

ભાજપના ધારાસભ્યો હાલ ગુરુગ્રામમાં ધામા નાખીને બેઠાં છે, તો એવા અહેવાલો છે કે કૉંગ્રેસ તથા સ્વતંત્ર ધારાસભ્યો મુંબઈની એક હોટલમાં છે.

ગત વર્ષે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે પોતાના 80 ધારાસભ્યો અને જનતા દળ સૅક્યુલરના 37 ધારાસભ્યો સાથે લઈને સરકાર બનાવી હતી. બન્ને પક્ષોની કુલ સીટોની સંખ્યા 117 હતી એટલે કે બહુમત કરતાં પાંચ વધારે.

જોકે, બે સભ્યોએ ટેકો પાછો ખેંચવા છતાં હજી સુધી તો સરકાર ટકેલી છે. જો વધારે ધારાસભ્યો ટેકો પાછો ખેંચે તો સરકાર પડી શકે છે.

ભાજપના 104 ધારાસભ્યોને તાત્કાલિક ધોરણે દિલ્હી નજીક એક ફાર્મ હાઉસમાં મોકલી દેવામાં આવતા કર્ણાટકનું રાજકારણ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે.

ભાજપના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ આરોપ મૂક્યો છે કે રાજ્યમાં કૉંગ્રેસના મુખ્ય મંત્રી એચ. ડી. કુમારસ્વામી પર ધારાસભ્યો ખરીદવાનો આરોપ મૂક્યો છે.

યેદિયુરપ્પાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું, "અમે બધા અહીં આવી ગયા છે કારણ કે કુમારસ્વામીએ ધારસભ્યોને ખરીદવાનું શરૂ કરી દીધું છે."

બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ અધ્યક્ષ અમિત શાહ બેંગાલુરુ જઈ શકે એમ નથી એટલા માટે દરેક ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા હતા.

આ દરમિયાન મૈસૂર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા કુમારસ્વામીએ કહ્યું, "મુંબઈમાં હાજર ધારાસભ્યો અને દિલ્હીમાં હાજર ભાજપના ધારાસભ્યો અમારી સાથે છે. અમારી સરકારને કોઈપણ પ્રકારનો ખતરો નથી."

"મેં મુંબઈ સ્થિત રહેલા ધારાસભ્યો સાથે વાતચીત કરી છે અને તેઓ પક્ષ છોડીને ક્યાંય નથી જવાના."

મોદીને ક્લિન ચીટ મામલે સુપ્રીમ કરશે સુનાવણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું છે કે તે ચાર અઠવાડિયાં બાદ નરેન્દ્ર મોદીને ગોધરાકાંડ મામલે એસઆઈટીએ આપેલી ક્લિનચીટ વિરુદ્ધ ઝાકિયા જાફરીએ કરેલી અરજીની સુનાવણી કરશે.

મૃત કૉંગ્રેસ સાંસદ એહસાન ઝાફરીનાં પત્ની ઝાકિયા જાફરીએ ગુજરાત હાઈકોર્ટના 5 ઑક્ટબર 2017ના એ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે એસઆઈટીના નિર્ણય સામે સુનાવણી કરવાની તેમની અરજી નકારી દીધી હતી.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એ. એમ. ખાનવિલ્કર અને અજય રસ્તોગીની બૅન્ચે કહ્યું કે ચાર અઠવાડિયાં બાદ આ કેસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એહસાન ઝાફરીની ગોધરાકાંડ વખતે હત્યા કરી દેવામાં આવી હતી.

રાજકુમાર હિરાણી જાતિય સતામણીના આરોપ પર શું બોલ્યા

'સંજુ', 'પીકે' અને 'મુન્નાભાઈ એમ.બી.બી.એસ' જેવી ફિલ્મો બનાવનારા દિર્ગદર્શક રાજકુમારી હિરાણી પર એક મહિલાએ જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો.

મહિલાએ એક વેબસાઇટમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું છે કે તેઓ 'સંજૂ' ફિલ્મમાં હિરાણીનાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતાં.

મહિલાનો આરોપ છે કે સપ્ટેમ્બર 2018ના સમયગાળામાં હિરાણીએ સેંકડો વખત તેમનું જાતિય શોષણ કર્યું છે.

બીજી તરફ હિરાણીએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમની છબી ખરાબ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

રાજકુમાર હિરાણીએ એક નિવેદન જારી કરીને કહ્યું, "લગભગ બે મહિના પહેલાં મને આ આરોપ વિશે જાણકારી મળી હતી ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો હતો."

"મેં તાત્કાલિક જ આ મામલાને કોઈ સમિતિ કે કાનૂની સંસ્થાના ધ્યાને લઈ જવાની વાત કહી હતી."

"જોકે, ફરિયાદીએ તેના બદલે મીડિયામાં જવાનો નિર્ણય કર્યો."

"હું ભારપૂર્વક કહું છું કે આ ખોટી, દ્વેષપૂર્ણ કહાણી છે જેનો એક માત્ર આશય મારી છબી ખરાબ કરવાનો છે."

ઉલ્લેખનીય છે કે #MeToo અભિયાન અંતર્ગત બોલીવુડથી લઈને રાજકારણ અને જાણીતા પત્રકારો પર પણ મહિલાઓએ તેમની સાથે થયેલા જાતિય શોષણનો ઉલ્લેખ કર્યો હતો.

કુંભમેળમાં આજે પ્રથમ શાહી સ્નાન

દુનિયાના સૌથી મોટો માનવમેળો મનાતા 'કુંભમેળા'નું આજે પ્રથમ શાહી સ્નાન છે. સામાન્ય રીતે આજના દિવસથી જ મેળાનો પ્રારંભ થાય છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે 49 દિવસ સુધી ચાલનારા આ મેળાનું સમાપન ચાર માર્ચના રોજ થશે. આ દરમિયાન આઠ મહત્ત્વના પર્વો પર શાહી સ્નાન થવાનું છે.

એક અંદાજ મુજબ આ સમગ્ર મેળામાં 12 કરોડ લોકો આવવાની સંભાવના છે જેમાં લગભગ 10 લાખ વિદેશી નાગરિકો છે.

માનવામાં આવે છે કે પ્રયાગરાજમાં જે સ્થળે કુંભમેળાનું આયોજન થાય છે ત્યાં જ બ્રહ્માનું ઉદ્ગમ સ્થાન છે અને સાથે જ પૃથ્વીનું કેન્દ્રબિંદુ પણ.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે

એડિલેડ ખાતે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે મેચ રમાવાની છે.

પ્રથમ મેચમાં ભારતને 34 રનથી હરાવ્યા બાદ ઑસ્ટ્રેલિયા આ મેચ પણ જીતવા માટે ઉત્સાહમાં છે.

પ્રથમ વનડે મેચમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ 133 રન ફટાકાર્યા હોવા છતાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ મેચ ભારત માટે જીતવી મહત્ત્વપૂર્ણ છે.

વિરાટ કોહલીની કૅપ્ટન્સી હેઠળ તેમના સહિત કુલ વાઇસ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, કેદાર જાદવ, ભુનવેશ્વર કુમાર, કુલદિપ યાદવ, મોહમ્મદ શામી, મોહમ્મદ શિરાજ, યુઝવેન્દ્ર ચહલ, કે. ખલિલ અહમદ અને વિજય શંકરનો સમાવેશ થાય છે.

બ્રૅક્ઝિટ મુદ્દે આજે મતદાન

યૂકેમાં બ્રૅક્ઝિટ મુદ્દે ચર્ચાનો આજે અંતિમ દિવસ છે અને ત્યારબાદ મતદાન થવાનું છે.

ગઈકાલે વડાં પ્રધાન થેરેસા મેએ પોતાના સંબોધનમાં સાંસદોને કહ્યું હતું કે જો તેઓ યૂકેની તરફેણમાં વોટ નહીં કરે તો બ્રિટનની સંસદમાં 'પૅરાલિસિસ' થવા જેવી પરિસ્થિતિ ઊભી થશે.

મેએ એવું પણ જણાવ્યું હતું કે બ્રૅક્ઝિટ સંધિમાંથી છૂટા થવા મુદ્દે સાંસદો તેમના પક્ષમાં છે.

યૂરોપિયન કમિશનનના પ્રમુખ જિન-ક્લૉડ જંકર અને યુરોપિયન કાઉન્સિલ પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે તેઓ ફરીથી બ્રિટનના યુરોપિયન યુનિયનના દસ્તાવેજને ખોલશે નહીં.

જોકે, તેમણે આ અંગેના ચર્ચાસ્પદ કાયદા અંગે સ્પષ્ટિકરણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે 100 ડેમોક્રેટિક સાંસદો બૅક્ઝિટ સંધિની વિરુદ્ધમાં મત આપવાના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો