You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મકરસંક્રાંતિ : એક ચકલીની પ્રાર્થના, 'જીવન આપો.. માંજાથી મૃત્યુ નહીં'
- લેેખક, મહેઝબીન સૈયદ
- પદ, બીબીસી ગુજરાતી
કેમ છો બધા? ઉત્તરાયણના દિવસો ચાલી રહ્યા છે એટલે સ્વાભાવિક રીતે તમને બધાને પતંગ ઉડાવવાની ખૂબ મજા આવી હશે, નહીં?
તમે મને ઓળખી? કેવી રીતે ઓળખશો? હું ન તો તમારા પરિવારની સભ્ય છું કે ન તો તમારી કોઈ મિત્ર.
હા, દરરોજ તમારા ઘર પાસે ચણ લેવા ચોક્કસ આવું છું એટલે તમે મને ક્યાંક ને ક્યાંક તો જોઈ જ હશે.
નાનપણમાં તમે મને 'બહેન' કહીને સાથે રમવાનું આમંત્રણ પણ આપતા.
એટલું જ નહીં તમે મને સૂવા માટે ખાટલો અને બેસવા માટે પાટલો આપવાની વાત પણ કહેતા.
અરે હું ચકલી.. આજે તમારામાંથી કોઈનું મારા પર ધ્યાન જશે જ નહીં, કેમ કે આજે તમે બધા મારી અવગણના કરીને પતંગ ઉડાડવામાં વ્યસ્ત હશો.
તમે આ વાંચ્યું કે નહીં?
'મારા જેવા બીજા પક્ષીઓને ડર'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ પણ તમે રોજ એક જ પક્ષીને કંઈ થોડા જુઓ છો. તમારી સામે તો ઘણા બધા પક્ષી આવતા હશે. ક્યારેક હું, કાગડો, કાબર કે ક્યારેક કોઈ કબુતર.
ક્યારેક તમે મને આંગણામાં જુઓ છો, ક્યારેક આકાશમાં, તો ક્યારેક તમારા ઘરની નજીકના કોઈ વૃક્ષ ઉપર.
તમારા ઘરની સામે જે મોટું વૃક્ષ છે, તેના પર માળો બનેલો છે પણ એ તો માત્ર રાત્રે સૂવા માટે છે. મારા બચ્ચાં પણ ત્યાં જ રહે છે.
સવાર પડે તમે કામધંધા ઉપર નીકળી જાવ છો, એવી જ રીતે મારે જમવાનું શોધવા માળામાંથી બહાર નીકળવું પડે છે.
ઉત્તરાયણ અને પછીના કેટલાય દિવસો સુધી મને તેમજ મારા જેવાં બીજાં બધાં જ પક્ષીઓને બહાર નીકળતાં ડર લાગે છે.
આજે એ ડર છે કે મારાં બચ્ચાં ભૂખ્યાં રહી જશે કેમ કે ઉત્તરાયણનો સમય આવતાં અમારી આસપાસ જોખમ ઝળૂંબવા માંડે છે.
હું તો કદાચ ભૂખી રહી પણ જાઉં પરંતુ મારાં બચ્ચાં કેવી રીતે ભૂખ્યાં રહી શકે?
આજે વહેલી સવારે જોયું, તો તમે પતંગ અને દોરી સાથે ધાબા ઉપર ચડી ગયાં હતાં.
જોરજોરથી વાગતાં ગીતોની વચ્ચે તમે 'કાપ્યો છે...', 'એ લપેટ....' જેવી બૂમો લગાવવામાં વ્યસ્ત હતાં.
એટલો બધો અવાજ થઈ રહ્યો હતો કે મારાં બચ્ચાં ડરી ગયાં હતાં.
'એકબીજાની પતંગો કાપવાના બદલે કાપી નાખી અમારી પાંખો'
સાચું કહું, તો મને એ દોરી જેને તમે લોકો માંજો કહો છો, તે ખૂબ ડરાવે છે. તેને પાક્કી કરવા માટે તમે લોકો કાચનો ઉપયોગ કરે છે.
આ સિવાય ચાઇનિઝ દોરીથી ખૂબ વધારે ડર લાગે છે, કેમ કે તે પ્લાસ્ટિકની બનેલી હોય છે.
ખૂબ જ પાતળી હોવાને કારણે હવામાં ઊડતી વખતે અમને તે દેખાતી નથી.
અમે તેની વચ્ચે આવી જઈએ. અમારી પાંખો કપાય જાય છે અને ઘાયલ અવસ્થામાં જમીન ઉપર પટકાય જઈએ છીએ.
ગત વર્ષની જ વાત કરું તો મારા માળાની નજીક રહેતાં ઘણાં પક્ષીઓને મેં લોહીલોહાણ હાલતમાં જોયાં હતાં.
બચ્ચાંઓનો ખોરાક શોધવા માટે બિચારાં આકાશમાં ઉડ્યાં અને તમારી પતંગની દોરીએ બીજાની પતંગો કાપવાના બદલે મારા મિત્રોની પાંખો જ કાપી નાખી.
પક્ષીઓ સહિત મનુષ્યોનાં પણ ગળાં કાપે છે માંજો
તમારી દુનિયામાંથી જ મળેલા સમાચાર પ્રમાણે ઉત્તરાયણના બે દિવસના પર્વ દરમિયાન ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને 4,026 ઘાયલ પક્ષીઓ મળી આવ્યાં હતાં.
સારવાર દરમિયાન મારા 214 મિત્રો મૃત્યુ પામ્યા હતા. માત્ર અમદાવાદમાં જ 1,935 પક્ષીઓ ઘાયલ થયાં હતાં, જેમાંથી 139 પક્ષીઓ જિંદગી માટેનો જંગ હારી ગયાં.
આ તરફ અમને બચાવવા માટે શરૂ થયેલાં કરુણા અભિયાનમાં માહિતી છે તેના આધારે ગત વર્ષે 10,571 પક્ષીઓને ઉત્તરાયણના તહેવાર દરમિયાન બચાવવામાં આવ્યા હતા. આ આંકડો વર્ષ 2017માં 7,301 પર હતો.
વાત માત્ર અમારા જેવા પક્ષીઓની જ નથી, પણ મનુષ્યોની પણ છે.
તમે લોકો દર વર્ષે આકાશરૂપી મેદાનમાં જંગ છેડી દો છો. એ જંગમાં તમારા જેવા કેટલાક લોકો પણ મૃત્યુ પામે છે.
ગત વર્ષની જ વાત કરું તો તમારા સમાચારોથી ખબર પડી હતી કે પતંગ ઉડાવવા દરમિયાન થયેલા અકસ્માતોમાં 16 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા.
મોટા ભાગના લોકોનાં મૃત્યુનું કારણ એ જ હતું, જે અમારાં મૃત્યુનું કારણ હતું. એ માંજો જેને કાચથી પાક્કો કરવામાં આવે છે.
જે માંજો અમારી પાંખો અને ગળું કાપી નાખી છે, એ જ માંજો તમારું ગળું કાપી નાખવા સક્ષમ છે.
તો બીજા કેટલાક લોકોનાં મૃત્યુ ધાબા પરથી પડી જતા કે પછી વીજળીનો ઝટકો લાગતા થયા હતા.
'જીવન આપો.. માંજાથી મૃત્યુ નહીં'
અહીં હું વાત આપણાં બધાના જીવની કરી રહી છું. એટલે તમારી પાસે વિનંતી કરું છું કે ખુશીને મોતનું કારણ ન બનવા દો.
તમને જરાક કોઈ વસ્તુ લાગે છે તો પણ તમે રડી પડો છો.
દવા લગાવો છો. છટપટાઓ છો. તો તમને અમારા વિશે વિચાર નથી આવતો?
તમને એ યાદ નથી આવતું કે આકાશમાં અમારા જેવા ઘણા બધા પક્ષીઓ ઊડે છે જે તમારા માંજાની ઝપેટમાં આવીને પોતાનો દમ તોડી દે છે.
ઘણાં તો બચ્ચાં કેટલાં નાનાં હોય છે. જેમનાં માતાપિતા તેમના માટે કંઈક જમવાની સગવડ કરવા ગયા હોય છે, પણ પાછા જ ફરતા નથી. કેમ કે તેઓ ચાઇનીઝ દોરીથી ટકરાઈને ક્યાંક લોહીલોહાણ હાલતમાં પડ્યા હોય છે.
જો કોઈ તેમને બચાવી લે તો ઠીક છે, પણ જો કોઈનું ધ્યાન ન ગયું તો તેઓ ત્યાં જ મરી જાય છે.
તેમનાં બચ્ચાં માતાપિતાની રાહ જોતાં રહે છે અને એકલાં થઈ જાય છે. તો કેટલાંક માતાપિતા તેમનાં બચ્ચાં વગર થઈ જાય છે.
તમે ઇચ્છો તો લોકોને અને અમને બચાવી શકો છો. પતંગ ઉડાવો, તેમાં ના નથી.. પણ માંજો મોતનો ન વાપરો.. હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું કે અમને જીવન આપો.. તમારા માંજાથી મૃત્યુ નહીં.
હું માનું છું કે તમે મારા જેવી નાની એવી ચકલીની વાત ચોક્કસ સાંભળશો.. અને મને તેમજ મારા જેવા બીજા જીવોને બચાવવામાં મદદ કરશો જ..
લિ.
આપની બહેન
ચકીબેન
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો