JNU નારેબાજી કેસ : કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ સહિત આઠ સામે દેશદ્રોહનો કેસ દાખલ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દિલ્હી પોલીસે સોમવારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર સામે એફઆઈઆર દાખલ કરી છે.

વર્ષ 2016માં જેએનયુમાં થયેલી કથિત દેશ વિરોધી નારેબાજીમાં સાત અન્યોને પણ આરોપી બનાવામાં આવ્યા છે.

મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટના મેટ્રોપોલિટિન મૅજિસ્ટ્રેટ સુમિત આનંદ સમક્ષ આ એફઆઈઆર રજૂ કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણી દરમિયાન ડાબેરી પક્ષો બિહારની બેગુસરાઈ બેઠક પરથી કન્હૈયા કુમારને ઉમેદવાર બનાવવા માગે છે, ત્યારે આ પગલાને રાજકીય હિલચાલ તરીકે જોવામાં આવે છે.

આ આરોપનામું 1200 પન્નાનું છે. પોલીસે તેમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અહેવાલને પણ સામેલ કર્યો છે.

ત્રણ વર્ષે આરોપનામું

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે કન્હૈયા કુમાર, ઉંમર ખાલિદ, શૈલા રશિદ ડાબેરી નેતા ડી. રાજાના પુત્રી અપરાજિતા રાજા, અનિર્બાન ભટ્ટાચાર્યને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 124 A (દેશદ્રોહ), 323, 465, 471, 143, 149, 147, 120 B હેઠળ કેસ દાખલ કર્યો છે.

પોલીસે આઠ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે 35 અન્યો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વર્ષ 2016માં નવમી ફેબ્રુઆરીએ સંસદ પર હુમલાના ગુના સબબ ફાંસી ઉપર લટકાવાયેલા અફઝલ ગુરૂની સ્મૃતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો.

કથિત રીતે આ કાર્યક્રમ માટે વહીવટીતંત્રની મંજૂરી લેવામાં આવી ન હોવાથી ગેરકાયદેસર રીતે એકઠા થવાની કલમ પણ દાખલ કરવામાં આવી છે.

અચ્છે દિનને બદલે ચાર્જશીટ બદલ આભાર

પોતાની પર આરોપનામું દાખલ થવા પર કન્હૈયા કુમારે ટ્ટિટર પર પ્રતિક્રિયા વ્યકત કરી છે.

જેમાં એમણે કહ્યું કે મોદીજી પાસે અમે 15 લાખ, રોજગાર અને અચ્છે દિન માગ્યા હતા, દેશના અચ્છે દિન આવ્યા કે ન આવ્યા કમસેકમ ચૂંટણી અગાઉ અમારી સામે ચાર્જશીટ તો આવી. જો આ સમાચાર સાચા છે તો મોદીજી અને એમની પોલીસનો ખૂબ ખૂબ આભાર.

ચૂંટણીનાં 90 દિવસ પહેલા ચાર્જશીટ

ચાર્જશીટ પર ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્યે પત્ર દ્વારા પ્રતિક્રિયા આપી હતી. ઉમર ખાલિદે પત્રની લિંક સાથે લખ્યું કે સામાન્ય રીતે ફરિયાદનાં 90 દિવસની અંદર ચાર્જશીટ કરવાની હોય છે, ચૂંટણીનાં 90 પહેલાં નહીં.

આ સાથે એમણે એમનું નિવેદન ફેસબુક પર શૅર કર્યુ છે.

આ નિવેદનમાં એમણે દિલ્હી પોલીસનો આભાર માનવા સાથે સરકારને આડે હાથ લીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખોટું બોલવું એ એક કળા છે અને એ પણ પૂરતું નથી એનું ટાઇમિંગ પણ મહત્ત્વનું હોય છે. નિવેદનમાં ત્રણ વર્ષની મીડિયા ટ્રાયલ બાદ મામલો અદાલતમાં પ્રવેશે છે એનો હરખ પણ વ્યકત કરવામાં આવ્યો છે.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો