શું સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને BJPને મત આપવાની અપીલ કરી?

    • લેેખક, ફૅક્ટ-ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ 'ભાજપને વોટ આપવા'નું કહેતા દેખાય છે.

જે લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શૅર કર્યો છે, તેમનો દાવો છે કે આઝમ ખાન સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધની નારાજ છે.

'પ્રધાન-સેવક' ફેસબુક પેજ પર આ વીડિયો સાથે લખ્યું છે કે "ફોઈ-ભત્રીજાની જોડી આઝમ ખાનને ન ગમી, પોતાના મતદારોને કહી રહ્યા છે BJPને મત આપો."

રવિવારે આ વીડિયો આ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, આ વીડિયો અત્યાર સુધી 20 હજાર વખત જોવાઈ ચૂક્યો છે અને હજારથી વધારે લોકો આ વીડિયોને શેર કરી ચૂક્યા છે.

આ વીડિયો વૉટ્સઍપ ઉપરાંત ટ્વિટર પર પણ શૅર કરાઈ રહ્યો છે. દક્ષિણપંથી ઝુકાવ ધરાવતા કેટલાક લોકોએ આ વીડિયો ટ્વીટ કર્યો છે.

એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે "ફોઈનાં ખોળામાં બેઠા એટલે કાકા નારાજ થઈ ગયા, આઝમ ખાન બોલ્યા સીધા મોદીને વોટ આપો." સેંકડો લોકો આ ટ્વીટને શૅર કરી ચૂક્યા છે.

પણ અમારી તપાસમાં અમે જાણ્યું કે આ તમામ દાવાઓ ખોટા છે.

અમને જાણવા મળ્યું કે આ વીડિયો શનિવારે લખનઉ ખાતે અખિલેશ યાદવ અને માયાવતી દ્વારા લોકસભા ચૂંટણી માટે કરાયેલા ગઠબંધન બાદનો નથી.

તો આ વીડિયો ક્યારનો છે?

રિવર્સ સર્ચથી ખ્યાલ આવે છે કે આઝમ ખાનના ભાષણનો આ વીડિયો 23 ફેબ્રુઆરી 2017નો છે. સમાજવાદી પાર્ટીના 'ફાયર બ્રાન્ડ' નેતા કહેવાતા આઝમ ખાને આ નિવેદન ઉત્તર પ્રદેશ સ્થિત ફૈઝાબાદમાં આયોજિત એક ચૂંટણી સભામાં આપ્યું હતું.

આઝમ ખાન 17મી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર કરવા માટે 11 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન સાત તબક્કામાં થયેલાં મતદાન દરમિયાન ફૈઝાબાદ-અયોધ્યામાં પ્રચાર કરવા પહોંચ્યા હતા.

અખિલેશ યાદવની સરકારમાં શહેરી વિકાસ મંત્રી રહી ચૂકેલા આઝમ ખાને એ વખતે અયોધ્યા વિધાનસભા બેઠકથી પાર્ટીના ઉમેદવાર રહેલા તેજ નારાયણ પાંડે (પવન પાંડે) માટે વોટની અપીલ કરી હતી.

પાંડે સામે બહુજન સમાજ પાર્ટીએ મોહમ્મદ બઝ્મી સિદ્દકીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. બન્ને પાર્ટીઓ (સપા અને બસપા) આ ચૂંટણી અલગઅલગ લડી હતી અને ભાજપનો આ ચૂંટણીમાં વિજય થયો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ભાષણમાં આઝમ ખાને શું કહ્યું હતું?

મીડિયા અહેવાલ પ્રમાણે આઝમ ખાન પોતાના હેલિકૉપ્ટરથી ફૈઝાબાદમાં ઊતર્યા ત્યારે તેમણે મુસ્લિમ બહુમતી ધરવાતા વિસ્તારોમાં ઘણી જગ્યાએ બ.સ.પા.ના પોસ્ટર્સ અને ઝંડા લાગેલા જોયા અને તેઓ નારાજ થઈ ગયા, મંચ પર પહોંચીને જ તેઓ ભડકી ઊઠ્યા હતા.

તેમને પોતાના ભાષણની શરૂઆત આ રીતે કરી, "તમને લોકોને શરમ નથી આવતી, કયા મોઢે વિરોધ કરો છો? હવે બ.સ.પા.ની હિમાયત કરશો?"

ત્યારબાદ તેમણે અયોધ્યાના સ્થાનિક મુસલમાનોને કહ્યું હતું કે બાબરી મસ્જિદ આંદોલનમાં ખભો મિલાવીને સાથ આપ્યો છે, જેના માટે તેમના પર આરોપો લાગતા રહ્યા છે. એ માટે લોકોએ એમનો સાથ આપવો જોઈએ.

ત્યારબાદ આઝમ ખાને કહ્યું, "બ.સ.પા.ને મત આપો છો, તો પછી સીધા ભાજપને જ મત આપી દો. તેઓ તમારા વિશે કંઈક સારું વિચારશે. એક મસ્જિદ જ તો ગઈ છે, બે-ચાર બીજી આપી દો."

કેટલાક મીડિયા અહેવાલો પ્રમાણે આઝમ ખાન આટલું કહીને મંચ પરથી ઊતરવા લાગ્યા હતા, પણ તેમને મનાવીને ફરી મંચ પર લઈ જવાયા.

ત્યારબાદ તેમના ભાષણમાં તેમણે વડા પ્રધાન મોદી અને તેમની પાકિસ્તાન મુલાકાત વિશે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા.

ગઠબંધન પર આઝમ ખાનનો મત

શનિવારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનની ઔપચારિક જાહેરાત બાદ આઝમ ખાને કહ્યું, "અમે તો બહુ પહેલાંથી ઇચ્છતા હતા અને આ ગઠબંધન પાછળ અમે પણ જવાબદાર છીએ."

તેમણે કહ્યું, "અમારી પાર્ટીમાં આ વાતની શરૂઆત મેં જ કરી હતી. મેં જ અખિલેશ યાદવને કહ્યું હતું કે સપા-બસપાના ગઠબંધન થકી પરિવર્તન આવી શકે છે. આખા હિંદુસ્તાનની સત્તાને પલટવા માટે ઉત્તર પ્રદેશ જ પૂરતું છે."

એટલે કે સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહેલા વીડિયોને સપા-બસપાના ગઠબંધન પર સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની પ્રતિક્રિયા કહેવી એ ફેક ન્યૂઝ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો