ગોલ ફટકારવામાં ભારતીય સુનિલ છેત્રી લિયોનેલ મેસીથી આગળ

ભારતીય ફૂટબૉલ ટીમના કૅપ્ટન સુનિલ છેત્રીએ 2019 એશિયા કપમાં થાઇલૅન્ડની ટીમને પરાજય આપી એક નવો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.

સુનિલ છેત્રીએ ગોલ કરવાની બાબતે આર્જેન્ટીનાના દિગ્ગજ ફૂટબૉલર લિયોનેલ મેસીને પાછળ છોડી દીધા છે.

આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં સક્રિય ખેલાડીઓમાં સૌથી વધારે ગોલ કરવાની બાબતે મેસીને પાછળ છોડી છેત્રી બીજા સ્થાને પહોંચી ગયા છે.

સંયુક્ત અરબ અમીરાતમાં રમાય રહેલા એશિયા કપના પહેલા મુકાબલામાં ભારતે થાઇલૅન્ડની ટીમને પરાજય આપ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતે 55 વર્ષ જીત નોંધાવી હતી અને આ વિજયમાં સુનિલ છેત્રી હીરો રહ્યા હતા.

સ્ટ્રાઇકર સુનિલ છેત્રીએ આ મેચમાં બે ગોલ કર્યા હતા. આ સાથે જ તેમના ગોલની સંખ્યા 67 થઈ ગઈ છે.

આ યાદીમાં પ્રથમ ક્રમની વાત કરીએ તો તેમાં રોનાલ્ડોએ કબજો જમાવેલો છે. જેમણે કુલ 85 ગોલ નોંધાવ્યા છે.

પોતાની આ સિદ્ધિ બાદ 34 વર્ષીય છેત્રી સર્વાધિક ગોલ કરનારા ખેલાડીઓમાં 20માં સ્થાને પહોંચી ગયા છે.

આ યાદીમાં પણ તેઓ મેસી અને ડ્રોગ્બા જેવા ખેલાડીઓથી આગળ છે. આ યાદીમાં તેઓ રોનાલ્ડોથી પાંચ સ્થાનો જ દૂર છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શાનદાર કૅપ્ટન

બેંગ્લુરુ ફૂટબૉલ ક્લબ માટે રમનારા છેત્રીને 'કૅપ્ટન ફૅન્ટાસ્ટિક' નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ લાંબા સમયથી ભારતની રાષ્ટ્રીય ટીમમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

છેત્રીએ પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ 2005માં ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ગોલ તેમણે પાકિસ્તાન સામેના પ્રથમ ફૂટબૉલ મુકાબલામાં ફટકાર્યો હતો.

આ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ ફૂટબૉલ મૅચ રમાઈ નહોતી. આ મેચ 1-1થી ડ્રૉ રહી હતી.

ભારતીય ફૂટબૉલને હાલમાં સૌથી મોટી સફળતા અપાવવામાં પણ સુનીલ છેત્રીનો મહત્ત્વનો ફાળો હતો. વર્ષ 2009માં એએફસી ચૅલેન્જ કપ ટૂર્નામેન્ટમાં તેમણે ચાર ગોલ ફટકાર્યા હતા.

હાલ સુધી તેમણે કુલ 105 મૅચ રમી છે. તેમની સરેરાશ જોઈએ તો તેમણે પ્રતિ રમત 0.63 ગોલ રહ્યા છે. જોકે, ઘરેલૂ સ્તર પર તેમની સરેરાશ થોડી ઓછી રહી છે.

તેમણે ભારતીય ટીમ સિવાય એમએલએસ(મેજર લીગ સૉકર) અને સ્પોર્ટિંગ લિસબનની રિઝર્વ સાઇડ માટે પણ તેઓ લાંબા સમય સુધી રમ્યા છે.

છેત્રીની હૈટ્રિક

એમએલએસ પુરુષોની પ્રૉફેશનલ ફૂટબૉલ લીગ છે, જેને અમેરિકન સૉકર દ્વારા સ્વીકૃતિ મળી છે. જોકે, આ લીગમાં તેમણે ખાસ સિદ્ધિ મેળવી નથી.

ભારતની ફૂટબૉલ ટીમ આંતરરાષ્ટ્રીય સ્તર પર મજબૂત માનવામાં આવતી નથી પરંતુ આ ટીમમાં સુનિલ છેત્રીનો પોતાની ઓળખ અલગ જ છે.

વર્ષ 1950 ફિફા વર્લ્ડ કપ ફૂટબૉલમાં ભારતે બાય ડિફૉલ્ટ ક્વોલિફાય કરી લીધું હતું. પરંતુ અધિકારીઓએ આ ટૂર્નામેન્ટને મહત્ત્વની ન સમજી અને તેમાં ન રમવાનું નક્કી કર્યું.

આ નિર્ણયને હાલ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.

ભારતે જ્યારે 2018માં ઇન્ટરકૉન્ટિનેન્ટલ કપની યજમાની કરી અને ઓપનિંગ મેચમાં જ ચીની તાઇપે સામે 5-0થી શાનદાર વિજય નોંધાવ્યો. તે સમયે સ્ટેડિયમમાં ખૂબ જ ઓછાં લોકો હાજર હતા.

છેત્રીએ આ રમતમાં હૈટ્રિક ફટકારી હતી.

તે સિવાય તેમણે ટ્વિટર પર વીડિયો શેર કરી દર્શકોને ટૂર્નામેન્ટમાં આવવાની અપીલ કરી હતી. જેની સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા થઈ હતી.

આ બાદ ભારતના બે ફાઇનલ મુકાબલામાં દર્શકો બહોળા પ્રમાણમાં મેચ નિહાળવા પહોંચ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો