આત્મહત્યા કરનાર PSIએ લખ્યું, 'મારી દીકરી પલને જજ બનાવજો'

દેવેન્દ્ર સિંહ રાઠોડ

ઇમેજ સ્રોત, Rathore Family

    • લેેખક, હેમિંગ્ટન જેમ્સ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

''અમે આ લડતને છોડીશું નહીં. તેણે પોલીસમાં આવતાં પહેલાં બે વાર ખાનગી કંપનીઓમાં નોકરી કરી પણ તેને સંતોષ નહોતો કારણ કે ત્યારે તેમને શોષણનો સામનો કરવો પડ્યો હતો. હવે પોલીસની નોકરીમાં પણ એવું જ થયું."

"મારું તેને આપેલું ઉચ્ચ શિક્ષણ જાણે નકામું ગયું હોય તેવું ક્યારેક લાગે છે.'' આ શબ્દો છે ગુજરાત પોલીસના આત્મહત્યા કરનાર સબ ઇન્સપેક્ટર દેવેન્દ્ર રાઠોડના પિતાના.

દેવેન્દ્ર સિંહ રાઠોડે થોડા સમય પહેલાં જ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

રાઠોડે 31 ડિસેમ્બરના દિવસે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં પોતાના ઘરે પોતાની જાત ને ગોળી મારી લીધી હતી.

ગાંધીનગરની કરાઈ પોલીસ એકૅડૅમીમાં સબ ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર સિંહ રાઠોડનો પરિવાર ડીવાઈએસપી એન. પી. પટેલ સામે પગલાં લેવાની માંગ કરી રહ્યો છે.

રાઠોડે આત્મહત્યા કરતાની સાથે કથિત રૂપે એક સ્યુસાઇડ નોટ પણ છોડી હતી.

દેવેન્દ્રના પિતા સત્યેન્દ્ર સિંહ ઠાકુરનું કહેવું છે કે દેવેન્દ્રનો મૃતદેહ કબ્જામાં લીધા પછી પોલીસે તેમને લગતી એક પણ વસ્તુ અમને બતાવી નથી.

સત્યેન્દ્ર ઠાકુરે કહ્યું હતું કે જ્યારે પોલીસ અમારી પાસે ફરિયાદના સંદર્ભમાં અમારાં નિવેદન લેવા આવી ત્યારે મને મારા દીકરા દેવેન્દ્ર સિંહની જે સ્યૂસાઇડ નોટ બતાવી હતી તે કુલ ત્રણ પાનાંની હતી. આગળ પાછળ થઈને કુલ છ પાનાં હતાં.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

તેમણે જણાવ્યું કે એ ચીઠ્ઠીમાં તેણે ગંભીર આક્ષેપો તો કર્યા જ છે સાથે-સાથે તેમાં કેટલીક લાગણીઓ પણ છે. જે મને યાદ છે.

સત્યેન્દ્ર સિંહ કહે કે તેણે પોતાની સાડા ત્રણ વર્ષની દિકરી પલને જજ બનાવવાની વાત કરી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ કમિશનર સી. એન. રાજપૂતે કહ્યું હતું કે અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

line

આત્મહત્યા પહેલાં પત્નીને શું કહ્યું હતું?

રાઠોડ પરિવાર

ઇમેજ સ્રોત, Rathore Family

રાઠોડે 31 ડિસેમ્બરના દિવસે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં પોતાના ઘરે પોતાની જાત ને ગોળી મારીને આત્મહત્યા કરી હતી.

સોલા પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુની ફરિયાદ નોંધાઈ હતી.

દેવેન્દ્રનાં પત્ની ડિમ્પલે ડીવાઈએસપી પટેલ પર સતત દબાણ તથા સતામણી જેવા ગંભીર આરોપ કર્યા હતા.

1 જાન્યુઆરીએ કરાઈ પોલીસ એકૅડૅમીના અધિકારીઓનાં નિવેદન પણ લેવામાં આવ્યાં હતાં.

જોકે, 2 જાન્યુઆરીએ પરિવારે મૃતદેહ લેવાની ના પાડી એને એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી તે બાદ ડીજીપીએ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી.

ક્રાઇમ બ્રાન્ચમાં ગુરુવારે એટલે કે 3 જાન્યુઆરીના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ એન. પી. પટેલ પર સબ ઇન્સપેક્ટર દેવેન્દ્ર સિંહ રાઠોડની આત્મહત્યા કેસમાં ફરિયાદ નોંધાઈ હતી.

એફઆઈએર

ઇમેજ સ્રોત, Gujarat police

રાઠોડના પિતા સત્યેંદ્ર સિંહ ઠાકુરે પટેલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.

તેમણે પણ આક્ષેપ કર્યા હતા કે તેમના દીકરાએ પટેલ દ્વારા કરવામાં આવેલ માનસિક તથા શારીરિક શોષણને કારણે પોતાનો જીવ દઈ દીધો છે.

આ બાબતે ડીવાઈએસપી પટેલ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી.

ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર સી. એન. રાજપૂતની હાજરીમાં દાખલ ફરિયાદમાં દેવેન્દ્રના પિતા સત્યેન્દ્ર ઠાકુરે લખાવ્યું છે, ''દેવેન્દ્રે ગત સોમવારે પોતાની રિવૉલ્વરથી આપઘાત કર્યો હતો. તેણે અગાઉ ત્રણ દિવસની રજા લઈને ઘરે રહેવાનું પણ કહ્યું હતું.''

''દેવેન્દ્રએ કરાઈ પોલીસ ઍકૅડમીમાં ટ્રેનિંગ દરમ્યાન રજા લઈને ઘરે રહેવાનું પણ કહ્યું હતું.''

લાઇન
લાઇન

'લાહીના ખાબોચિયામાં પડ્યા હતા'

રાઠોડ દીકરી સાથે

ઇમેજ સ્રોત, Rathore Family

દેવેન્દ્ર સિંહની પત્ની ડિમ્પલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, ''એ દિવસે તેઓ બપોર આવ્યા અને અમારી 3 વર્ષની દિકરી પલને લઈને બહાર ગયા હતા."

"પલને ત્રણ ચૉકલેટ અપાવી અને મને કહ્યું કે હું ઊપર જાવ છું. મને એમ કે ઉપર સુવા જઈ રહ્યા છે એટલે મેં તેમને વધારે કંઈ ન પૂછ્યું."

"લગભગ બપોરે 2 વાગ્યે ધડાકાભેર અવાજ આવ્યો ત્યારે જ્યારે હું ઉપર ગઈ ત્યારે જોયું તો એ લોહીના ખાબોચિયામાં પડ્યા હતા.''

ડિમ્પલે કહ્યું, ''એ છેલ્લા ઘણા સમયથી તણાવમાં હતાં. કેટલીય વાર પૂછ્યું છતાં કોઈ જવાબ નહોતા આપતા."

"આખરે એક દિવસ તેમણે કહ્યું કે તેમની સાથે ખોટું થઈ રહ્યું છે. એ બહુ રડ્યા હતા, મે એમને હિંમત આપી પણ, એ હારી ગયા હતા."

"મને કહ્યું હતું કે આ માણસેને સજા તો કરાવવી પડશે નહીંતર એ બીજા પોલીસકર્મીઓ સાથે આવી જ રીતે દુર્વ્યવહાર કરશે જે ચલાવી શકાય નહીં અને તેમણે આવું પગલું ભર્યું.''

દેવેન્દ્રનાં પત્ની ડિમ્પલે ન્યાયની માંગ કરી અને કહ્યું કે તેમના પરિવારને સામાજિક સુરક્ષા પણ આપવામાં આવે. તેમણે સરકાર પાસેથી નોકરીની પણ માંગણી કરી છે.

line

'જેમ દેવેન્દ્રે કહ્યું એમ દીકરીને જજ બનાવીશું'

રાઠોડ પરિવાર

ઇમેજ સ્રોત, Rahotre Family

દીકરા દેવેન્દ્ર સિંહને યાદ કરી ગળગળા થતા સત્યેન્દ્ર સિંહે કહ્યું કે પલને જજ બનાવવા માટે અમે તમામ પ્રયત્નો કરીશું.

તેમણે કહ્યું કે દેવેન્દ્રે સ્યૂસાઇડ નોટમાં પોતાની માતા મનોજલતાને કહ્યું કે જે રીતે તમે એમને મોટા કર્યાં તેવી જ રીતે પલને મોટી કરજો.

સત્યેન્દ્રના કહ્યા પ્રમાણે પત્રના પ્રથમ પાનામાં આગળ પાછળ આરોપી ડીએસપી એન. પી. પટેલ વિશે લખ્યું છે અને બાકીની વિગતો તેના પર જે રીતે અત્યાચાર થતો હતો તે લખી છે.

તથા બીજું પાનું છે તે તેના સસરા અને સાળા વિશે છે જેમની પાસેથી તે રિવૉલ્વર લવ્યો હતો અને છેલ્લું પાનું પરિવાર માટે છે.

આ અંગે ગુજરાત પોલીસના ડીજી શિવાનંદ ઝાનો વારંવાર સંપર્ક કરવાં છતાં થઈ શક્યો નહોતો.

લાઇન
લાઇન

જોકે, ક્રાઇમ બ્રાન્ચ હજુ સ્યૂસાઇડ નોટની ચકાસણી કરાવવા માટે ફોરેન્સિક લૅબમાં મોકલવાની વાત કરી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર સી. એન. રાજપૂતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, ''અમે આ ઘટનાને લગતા તમામ સંલગ્ન પુરાવા એકત્રિત કરી લીધા છે."

"દેવેન્દ્રના લખાણની ઑરિજિનલ કૉપી પણ મેળવવામાં આવશે જેથી સ્યૂસાઈડ નોટ તેમણે લખી છે તેની ખાતરી શઈ શકે."

"પછી તમામ પુરાવાઓને એફએસએલ ચકાસણી માટે મોકલી આપવામાં આવશે.''

તેમણે કહ્યું, ''પરિવારે સ્વજન ગુમાવ્યાનું દુખ અમને પણ છે પણ જ્યાં સુધી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલો ગુનેગાર સાબિત ના થાય ત્યાં સુધી ધરપકડ શક્ય નથી, આ એક આક્ષેપ છે.''

સોમવારે ક્રાઇમ બ્રાન્ચે કરાઈ પોલીસ એકૅડૅમીમાં દેવેન્દ્રના બૅંચમેટ્સનાં નિવેદન લીધાં છે.

દેવેન્દ્રના કાકા રાજેન્દ્રસિંહ કહે છે, ''કેટલા આશ્ચર્યની વાત છે, જ્યારે દેવેન્દ્રના મોતના સમાચાર મળ્યા ત્યારે તેની સાથે અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ ઘરે આવ્યા હતા."

"જ્યારે અંતિમક્રિયા હતી ત્યારે થોડા ઓછા આવ્યા અને સોમવારે બેસણાંમાં એક પણ પોલીસ અધિકારી દેખાયા નહીં."

"જેનો એક સ્પષ્ટ સંદેશ એવો મળે છે કે તેના મિત્રોને અહીંયા ન આવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.''

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો