BBC Top News : ‘ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટે 23.67 લાખ રોજગારીની તકો સર્જી’

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્યના ઉપ મુખ્ય મંત્રી નિતિન પટેલનું કહેવું છે કે વાઇબ્રન્ટ સમિટે 23.67 લાખ રોજગારીની તકોનું સર્જન કર્યું છે.

રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર નિવેદનમાં ઉપ મુખ્ય મંત્રીએ કહ્યું છે કે વર્ષ 2013 થી 2017 દરમિયાન 76,512 એમઓયૂ પર હસ્તાક્ષર થયા હતા.

જેના કારણે ઉદ્યોગોમાં 13.64 કરોડનું રોકાણ થયું અને 23.67 લાખ રોજગારીની તકો સર્જાઈ હતી.

2019ની વાઇબ્રન્ટ સમિટ 18 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાવવા જઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

ઉર્જિત પટેલનું રાજીનામું અર્થતંત્ર માટે 'મોટો ઝટકો' : ડૉ. મનમોહનસિંઘ

'એનડીટીવી'ની વેબસાઇટના અહેવાલ અનુસાર દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંઘે રિઝર્વ બૅન્કના ગવર્નર પદેથી ઉર્જિત પટેલે આપેલા રાજીનામાને અર્થતંત્ર માટે 'મોટો ઝટકો' ગણાવ્યો છે.

ડૉ. સિંઘે કહ્યું છે કે 'હું આશા રાખું છું કે ઉર્જિત પટેલે રાજીનામું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના અર્થતંત્રનાં સંસ્થાનોને નષ્ટ કરવાના પ્રયાસોને કારણે નહીં આપ્યું હોય.'

તેમણે એવું પણ કહ્યું કે ટૂંકા ગાળાનો રાજકીય લાભ મેળવવા માટે કોઈ સંસ્થાન સાથે આ પ્રકારનું વર્તન કરવું મૂર્ખતાપૂર્ણ હશે.

નોંધનીય છે કે સરકાર સાથે મતભેદની ચર્ચા વચ્ચે ઉર્જિત પટેલે સોમવારે રિઝર્વ બૅન્કના ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું હતું.

કેન્દ્રીય મંત્રી પદેથી ઉપેન્દ્ર કુશવાહાનું રાજીનામું

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ રાજીનામું આપ્યું છે.

સૂત્રોના હવાલાથી લખ્યું છે કે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના ચીફ કુશવાહાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપેલા રાજીનામામાં લખ્યું, "હું વડા પ્રધાનના નેતૃત્વથી નાસીપાસ થયો છે."

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે પત્રમાં લખ્યું, "કમનસીબી છે કે સરકાર માટે ગરીબ અને પછાત વર્ગનો ઉત્કર્ષ પ્રાથમિકતા નથી. તેમની પ્રાથમિકતા રાજકીય વિરોધીઓને પરાસ્ત કરવાની રહી છે."

કુશવાહાએ એવું પણ કહ્યું કે મેં એનડીએ(નેશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ) છોડી દીધું છે, પણ મારી પાસે અન્ય વિકલ્પ પણ છે.

ભાજપાથી નારાજ થઈને રાજીનામું આપવાના કુશવાહાના નિર્ણયને અન્ય કેટલાક રાજકીય નેતાઓએ આવકાર્યો છે, તેઓ હવે વિપક્ષ સાથે જોડાય એવી પણ શક્યતાઓ રહેલી છે.

બ્રેક્સિટ મુસદ્દા પર બ્રિટિશ સંસદમાં મતદાન ટળ્યું, થેરેસા મેનો નિર્ણય

ગુરુવારે બ્રેક્સિટ પર યોજાનારું મતદાન સ્થગિત કરવામાં આવ્યું છે. બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મે આ મતદાન મોફૂક રાખ્યું છે, જેથી તેઓ બ્રસેલ્સ જઈ શકે અને આ મામલે બદલાવ માટે વાત કરી શકે.

તેમણે એવું પણ સ્વીકાર્યું છે કે જો બદલાવ લાવ્યા વિના આ મુસદાને વળગી રહેવામાં આવે તો સાસંદો દ્વારા થનારા મતદાનમાં તે 'સૂચક અંતરથી રદ થઈ જશે.'

નૉર્ધન આયર્લૅન્ડ બૉર્ડર પ્લાન મામલે યુરોપિયન સંઘ તરફથી પુનઃખાતરી મળવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

જોકે, યુરોપિયન સંઘના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે જણાવ્યું છે કે યુરોપિયન સંઘનાં 27 રાષ્ટ્રો મુસદ્દા પર 'ફરીથી તડજોડ' નહીં કરે.

સાંસદોના સહજ વિરોધ વચ્ચે વડાં પ્રધાન અને વરિષ્ઠ મંત્રીઓએ મતદાન યોજવા અંગે કરેલા દબાણ બાદ બ્રિટિશ વડાં પ્રધાન દ્વારા સંબંધિત 'યુ-ટર્ન' લેવાયો છે.

નોંધનીય છે કે યુરોપિયન સંઘમાંથી નીકળી જવાના યુનાઇડેટ કિંગડમના મુસદ્દાને સંઘના નેતાઓએ સ્વીકારી લીધો હતો.

પણ, આ મામલે બ્રિટિશ સંસદની મંજૂરી મેળવવાની બાકી હતી. જ્યાં પહેલાંથી જ કેટલાય સાસંદો તેનો વિરોધ કરી રહ્યા છે.

આજથી સંસદનું શિયાળું સત્ર શરૂ થશે

11 ડિસેમ્બરથી સંસદનું શિયાળું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે.

'એનડીટીવી'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે શિયાળું સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષના પ્રશ્નોમાં સરકાર ઘેરાય એવી શક્યતા છે.

આરબીઆઈના ગવર્નરનું રાજીનામું, સીબીઆઈનો વિવાદ અને રફાલ ડીલ જેવા મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ શિવ સેના રામ મંદિર મુદ્દે સરકાર સામે પ્રશ્નો ઊભા કરશે.

સોમવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવા સત્રમાં રાષ્ટ્રીય સ્તરના તમામ પ્રશ્નો પર ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે.

શિયાળું સત્રના 29 દિવસમાં કુલ 20 બેઠકો યોજાશે. જેમાં નેશનલ કમિશન ઑફ ઇન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન(એનસીઆઈએમ) બિલ, ધ નેશનલ કમિશન ફૉર હોમિયોપથી(એનસીએચ) બિલ, ધ ઍરક્રાફ્ટ(સુધારા) બિલ સહિતના મહત્ત્વના બિલ રજુ કરાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો