ભયાનક વાવાઝોડા સાથે બાથ ભીડતી આ ભારતીય મહિલાઓ

    • લેેખક, પ્રમિલા ક્રિષ્નન
    • પદ, બીબીસી સંવાદદાતા

36 વર્ષનાં જયાકોડી કુમાર તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં રહે છે. આ વિસ્તાર 'ગાજા' નામના ચ્રકવાતની ઝપેટમાં આવે તેવી શક્યતા છે. પરંતુ જયાકોડીને આ અંગે પોતાની બિલકુલ પરવા નથી. તેમને તો અન્ય લોકોની ચિંતા છે.

જયાકોડી પ્રથમ એવાં મહિલા છે જેમને રાજ્યના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ દ્વારા રેસ્ક્યૂ ટીમમાં સામેલ કરવામાં આવ્યાં હોય.

સમગ્ર તામિલનાડુમાં 9400 મહિલાઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સ (મુસિબતમાં સમયમાં પ્રથમ પ્રતિક્રિયા આપનાર વ્યક્તિ) તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

એક મહિના પહેલાં તેમને રેસ્ક્યૂ કરવાની તાલીમ આપવામાં આવી હતી.

ચક્રવાત અંગે આગમચેતી તૈયારીઓ અને ફર્સ્ટ રિસ્પોન્ડર્સનું કામ શું હોય છે તે અંગે બીબીસી સાથે વાતચીત કરતા મહેસૂલ વિભાગના કમિશનર આર. સત્યગોપાલ કહે છે, "આ મહિલાઓ અંતરિયાળ વિસ્તારોમાં સરકાર અને જનતા વચ્ચે પુલનું કામ કરશે."

તમે આ વાંચ્યું કે નહીં?

સત્યગોપાલ ઉમેરે છે, "ચક્રવાતની ઝપેટમાં આવતાં ગામોમાંથી અમે ફર્સ્ટ રિસ્પોન્ડર્સની પસંદગી કરી ત્યારે આ મહિલાઓ આ વિસ્તારને સારી રીતે ઓળખતાં હતાં અને સાથે તેઓ લોકો સાથે સહેલાયથી વાતચીત પણ કરી શકતા હતાં."

"અમે આ મહિલાઓને તાલીમના ભાગરૂપે પ્રાથમિક સહાય, રેસ્ક્યૂ કૅમ્પ્સ અને મેડિકલ કૅમ્પ્સ અંગે માહિતી આપી."

તેમણે કહ્યું કે તામિલનાડુમાં કુલ 4399 વિસ્તારોને ભયજનક વિસ્તારોની યાદી હેઠળ સમાવ્યા છે.

આ સાથે જ ફર્સ્ટ રિસ્પોન્ડર્સને જિલ્લા વહિવટ વિભાગ તરફથી સીધા સાવધ કરવામાં આવશે. જેથી ફાયર સર્વિસ અને રેસ્ક્યૂ ટીમને પ્રભાવિત વિસ્તારમાં મદદ પહોંચાડી શકાય.

તેઓ જણાવે છે, "તેમની પાસે બાળકો, ગર્ભવતી મહિલાઓ, વિકલાંગ અને વૃદ્ધ વ્યક્તિઓની યાદી છે જેથી કરીને મુસીબતના સમયમાં તેમને મદદ પહોંચાડી શકાય."

'મને જોઈને લોકોમાં આત્મવિશ્વાસ વધશે'

જયાકોડી તેમના કામ અંગે વાત કરતા જણાવે છે, "મારું કામ લોકોને એ સમજાવવાનું છે કે માત્ર સરકારી માહિતીઓ પર વિશ્વાસ આપો, નહીં કે સોશિયલ મીડિયાના ફેક ન્યૂઝ પર."

"પેરેન્ગીપેટ્ટાઈ ગામના અમુક લોકોને મારા વિશે જાણ છે. મેં મારા વિસ્તારના લોકોને જણાવ્યું છે કે ચક્રવાત સમેય બિલકુલ ભાગદોડ ના કરતા અને સત્તાવાર માહિતી પર જ ધ્યાન આપજો."

"મને તરતા આવડે છે અને પૂરમાં લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરતા પણ આવડે છે. મારા વિસ્તારના લોકો મને સારી રીતે ઓળખે છે એટલા માટે કપરા સમયમાં મને જોઈને તેમનામાં આત્મવિશ્વાસ અને હિંમત આવશે."

આવી જ રીતે નાગાપટ્ટીનમ સમુદ્ર કિનારે આવેલો વિસ્તાર છે જ્યાં 650 મહિલા ફર્સ્ટ રિસ્પોન્ડર્સ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો