નોટબંધીએ ખરેખર માઓવાદીની કમર ભાંગી નાખી છે?

ઇમેજ સ્રોત, CPI MAOIST
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા છત્તીસગઢથી
છત્તીસગઢમાં માઓવાદ પ્રભાવિત વિધાનસભાની 18 બેઠકો પર સોમવારે પ્રારંભિક તબક્કાનું મતદાન યોજાયું હુતું.
આ પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 60.49% મતદાન થયું છે. છત્તીસગઢ રાજ્ય બન્યા બાદ પહેલીવાર અહીં ઓછું મતદાન થયું હતું.
દેશમાં હાલ નકસલ પ્રભાવિત વિસ્તારોમાં ઘટાડો થયો હોવાનો સરકારનો દાવો છે.
યુપીએના સાશનકાળમાં જ્યારે પી.ચિદમ્બરમ ગૃહ મંત્રી હતા ત્યારે ઑપરેશન 'ગ્રીન હન્ટ'ની શરૂઆત થઈ હતી.
આ અભિયાન અંતર્ગત દેશના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મોટાપાયે અર્ધસૈનિકદળોનો બંદોબસ્ત મૂકાયો હતો. છેવાડાના વિસ્તારમાં કૅમ્પ શરૂ કરાયા હતા.
ભારતીય જનતા પક્ષની સરકાર બની ત્યારબાદ સુરક્ષા દળોની સંખ્યામાં વધારો કરી દેવાયો હતો.
આ વર્ષે એપ્રિલ મહિનામાં દેશના કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગોબાએ એવો દાવો કર્યો હતો કે દેશમાં સંપૂર્ણપણે નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ફક્ત 30 જ રહી છે.
સરકારે 44 જિલ્લામાંથી નક્સલવાદનો સફાયો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોબાએ એવો દાવો પણ કર્યો હતો કે સરકારની સફળતાનું કારણ આ વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલી નવી યોજનાઓ છે. આ યોજના સુરક્ષાને લગતા ખર્ચથી પણ જાણીતી છે.

માઓવાદી હિંસામાં 20 ટકા ઘટાડાનો દાવો

ઇમેજ સ્રોત, DPR CG
આ યોજના અંતર્ગત નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કૉમ્યુનિકેશનનાં માધ્યમોનો વિકાસ અને આત્મસમર્પણ કરનારા લોકો માટે ભથ્થાંની જોગવાઈ કરાઈ છે.
કેન્દ્ર સરકાર આ ભથ્થું રાજ્ય સરકારોને આપે છે.
આ યોજના અંતર્ગત નક્સલ પ્રભાવિત ક્ષેત્રમાં બંદોબસ્ત કરી રહેલા સુરક્ષાદળના જવાનો અને થાણાં માટે નાણાની જોગવાઈ કરાઈ છે.
યુપીએના શાસન દરમિયાન જે યોજના શરૂ કરવામાં આવી હતી તેનું નામ 'ઇન્ટિગ્રેટેડ ઍક્શન પ્લાન' હતું.
ગૃહ મંત્રાલયના આંકડાઓ મુજબ, દેશમાં હવે માત્ર 90 જિલ્લામાં માઓવાદીઓ સક્રિય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મંત્રાલયના મતે,વર્ષ 2013થી 2017 દરમિયાન નક્સલી હિંસાની ઘટનામાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જ્યારે નક્સલી હિંસાના લીધે થયેલાં મોતની સંખ્યામાં 34 ટકા ઘટાડો નોંધાયો છે.
ભારતીય જનતા પક્ષનો દાવો છે કે માઓવાદી પ્રવૃતિમાં ઘટાડો થવા પાછળનું કારણ નોટબંધી છે.
વડા પ્રધાન, નાણામંત્રી અને ભાજપના નેતાઓ જુદા-જુદા કાર્યક્રમોમાં દાવો કરી રહ્યા છે કે નોટબંધીએ માઓવાદીઓની કમર ભાંગી નાખી.
આ સ્થિતિમાં સવાલ એ છે કે શું ખરેખર નોટબંધીએ માઓવાદીઓની કમર તોડી નાખી?
માઓવાદી હિંસામાં ખરેખર ઘટાડો નોંધાયો છે? ખરેખર આ હિંસાના લીધે મૃત્યુ પામતા લોકોની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે?

નોટબંધીની અસર કેટલી?

ઇમેજ સ્રોત, Getty Images
નોટબંધીના કારણે પૈસાની તંગી સર્જાઈ તેવો સંકેત માઓવાદીઓએ ક્યારેય આપ્યો નથી. ઊલટું તેમણે અનેક રીતે આ દાવો બરખાસ્ત કરવાનો પ્રયાસ કર્યો છે.
માઓવાદીઓ દ્વારા વહેચાયેલી પત્રિકામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે માઓવાદી સંગઠનો દ્વારા જેલમાં કેદ ભોગવી રહેલા તેમના સહયોગીઓ પાછળ વર્ષ 2014થી અત્યાર સુધીમાં 77 લાખ, 26 હજાર 700 રૂપિયાનો ખર્ચ કરાયો છે.
પોલીસ અધિકારીઓ આ પત્રિકા મળી હોવાનો એકરાર કરી રહ્યા છે પરંતુ તેઓ આ પત્રિકાની વિશ્વસનીયતા ચકાસી રહ્યા છે.
પાછલાં પાંચ વર્ષની સરખામણીમાં માઓવાદી હિંસાના કારણે આંકાડાઓ મુજબ, સૌથી વધુ મોત આ વર્ષે થયાં છે.
'સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ' દ્વારા કરાયેલા સરકારી આંકડાના વિશ્વલેષણને જોઈએ તો મૃત્યુનો આંકડો સમજાશે.
વર્ષ 2013માં કુલ 128 વ્યક્તિનાં મોત થયાં. જેમાં સુરક્ષાદળોના 45 જવાનો, 35 માઓવાદી અને 48 સામાન્ય નાગરીકોનો સમાવેશ થાય છે. એટલે કે આ હિંસાનો સૌથી વધુ ભોગ નાગરીકો બન્યા હતા.
વર્ષ 2014માં સૌથી વધુ નુકસાની સુરક્ષાદળોએ વેઠવી પડી. 2014માં 55 જવાનોનાં મોત થયાં, જ્યારે 25 નાગરીકો અને 33 માઓવાદીનાં મોત થયાં.


વર્ષ 2015માં 45 માઓવાદીનાં મોત થયાં. 41 સુરક્ષા કર્મચારીનાં મોત થયાં અને 34 નાગરીકોનાં મોત થયાં હતાં.
વર્ષ 2016 દરમિયાન થયેલી અથડામણોમાં મરનાર માઓવાદીની સંખ્યા 133 હોવાનો દાવો છે. જ્યારે 36 સુરક્ષા કર્મચારી અને 38 નાગરીકોનો સમાવેશ થાય છે.
વર્ષ 2018માં સપ્ટેમ્બર મહિના સુધી 48 નાગરીકોનાં મોત થયાં હોવાનો અહેવાલ છે જે પાછલાં પાંચ વર્ષમાં સૌથી વધુ છે.
માઓવાદી હિંસાથી સૌથી વધારે પ્રભાવિત ક્ષેત્ર સુકમા છે.
આ વિસ્તારના ચિંતલનાર ગામના એક ગ્રામીણ ગોપાલે (અહીં નામ બદલ્યું છે) કહ્યું, "નોટબંધીએ માઓવાદીઓની કમર ભાંગી નાખી છે કે નહીં તે પ્રશ્ન નથી પરંતુ સરકાર અને માઓવાદીઓની લડાઈમાં આદિવાસી ગ્રામીણોની કમર ચોક્કસ ભાંગી ગઈ છે."
ચિંતલનાર એ જ વિસ્તાર છે જ્યાં વર્ષ 2010માં સીઆરપીએફના 78 જવાનોનાં મોત થયાં હતાં.
આ જગ્યાએ જ માઓવાદીઓએ સુકમાના જિલ્લા અધિકારી એલેક્સપૉલ મેનનનું અપહરણ કર્યું હતું.
આજે પણ ચિંતલનાર અને જગરગુંડા વચ્ચે આવનજાવન કરવું મુશ્કેલ છે.
ગોપાલ અને ચિંતલનારના અન્ય નાગરીક કહે છે કે આ ભાંગેલા તૂટેલા રસ્તે એક જ બસ આવનજાવન કરે છે.
જો બસ ખરાબ હોય તો લોકોએ રસ્તામાં જ રોકાવું પડે છે. અંતરિયાળ વિસ્તારના રહેવાસીઓની સ્થિતિ સારી નથી. આ વિસ્તાર જેવો હતો તેવો જ છે.

માઓવાદી હિંસામાં વધારો

ઇમેજ સ્રોત, CG KHABAR/BBC
નક્સલ વિરોધી અભિયાનમાં જોતરાયેલા પોલીસ અધિકારીઓ એવો દાવો કરે છે કે અહીંયા ચૂંટણી વખતે મતદાનને પ્રભાવિત કરવાના હેતુથી અને ચૂંટણીનો બહિષ્કાર થાય અને ભયનો માહોલ સર્જાય તેના માટે માઓવાદી હિંસા ઉગ્ર બને છે.
અધિકારીઓએ દાવો કર્યો કે વર્ષ 2013ની ચૂંટણી પહેલાં માઓવાદીઓએ કૉંગ્રેસના સમગ્ર નેતૃત્વનો સફાયો કરી નાખ્યો હતો.
સુકમા જિલ્લાના દરભાની ઝીરમ ખીણમાં સૌથી મોટો હુમલો થયો હતો.
આ હુમલામાં 25 કૉંગ્રેસી નેતા સહિત કુલ 27 લોકોનાં મોત થયાં હતાં.
પોલીસ અધિકારીઓ સ્વીકારે છે કે માઓવાદીઓએ આ વિસ્તારોમાં પોતાનું પ્રભુત્વ જમાવવાની શરૂઆત કરી છે.
નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં ઓડિશા સરહદ સાથે જોડાયેલા મલકાનગીરી, કાલાહાંડી અને કોરાપુટનો સમાવેશ થાય છે.
નોટબંધી છતાં નક્સલવાદીઓના પ્રભાવ અને હિંસામાં વધારો થયો છે.
આ સ્થિતિમાં સવાલ એ ઉદભવે છે કે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત કેન્દ્રના અર્ધ સૈનિકદળોના જવાન શું કરી રહ્યા છે?

સૌથી વધુ પડકારજનક બસ્તર

ઇમેજ સ્રોત, BBC/ALOK PUTUL
પ્રવાસ દરમિયાન બસ્તરમાં અનેક જગ્યાએ 'ચેકપોસ્ટ' પર તપાસ માટે મને રોકવામાં આવ્યો ત્યારે મેં અર્ધ સૈનિકદળો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પૈકીના કેટલાક જવાનોએ જમ્મુ-કાશ્મીર અને ભારતના પૂર્વોતર વિસ્તારમાં પણ ફરજ બજાવી છે.
તેમના મતે બસ્તરનું પોસ્ટિંગ સૌથી વધુ પડકારજનક છે.
કેટલાક લોકોનો મતે બસ્તરની સ્થિતિ યુદ્ધ જેવી છે, જ્યારે અર્ધ સૈનિકદળોની નિયુક્તિ શાંતિ સ્થાપવા માટે કરાઈ છે.
યુદ્ધ માટે સૈનિકોને જેટલી છૂટ મળે તેટલી છૂટ નક્સલવાદીઓનો પતો મેળવવા માટે અર્ધ સૈનિકદળોને આપવામાં આવતી નથી.


ઇમેજ સ્રોત, ALOK PUTUL
'પોતાના લોકો' વિરુદ્ધ યુદ્ધ ન થઈ શકે તેથી બસ્તરમાં સેના ઉતારી શકાતી નથી.
આ સ્થિતિમાં ફરજ બજાવી રહેલા જવાનો સ્થાનિક ભાષા અને ભૌગોલિક સ્થિતિથી અજાણ હોવાના કારણે 'બલિનો બકરો' બને છે.
બસ્તરમાં નિયુક્ત સુરક્ષાદળોને બારુદની સુરંગો સામનો કરવો પડે છે.
દેશમાં અન્ય કોઈ વિસ્તારમાં કોઈ પણ સુરક્ષાદળોને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડતો નથી.

માઓવાદીઓની તાકાતનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, MUKESH CHANDRAKAR
લોકો એ જ સવાલ પૂછી રહ્યા છે કે જો નોટબંધીની આટલી બધી અસર હતી તો હજી પણ માઓવાદીઓનો પ્રભાવ શા માટે આટલો છે?
જોકે, બસ્તર વિસ્તારના નારાયણપુર પોલીસના દાવા મુજબ, સુરક્ષાદળોના દબાણના લીધે એક જ દિવસમાં 62 સક્રિય માઓવાદીઓએ પ્રત્યાર્પણ કર્યું હતું.


સલવા જુડૂમનો હેતુ પણ નક્સલવાદનો ખાત્મો કરવાનો હતો. જોકે, સલવા જુડૂમ પોતે જ ખલાસ થઈ ગઈ.
વર્ષ 2013માં કૉંગ્રેસના સ્વર્ગીય નેતા મહેન્દ્ર કુમારે મને ઑન રેકર્ડ કહ્યું હતું," સરકારના વલણના લીધે નક્સલવાદ ક્યારેય સમાપ્ત નહીં થાય"
તેમની દીકરી તુલિકાએ પણ બીબીસી સાથેની વાતચીતમાં સરકાર સામે આક્ષેપ મૂક્યો હતો.
તેમણે કહ્યું, "નક્સલ વિરોધી અભિયાનના નામે ખૂબ જ પૈસા આવે છે. અને તેમાં ખેંચતાણ થાય છે. એટલા માટે કોઈ ઈચ્છતું નથી કે આ સમસ્યાનું સમાધાન આવે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













