દંતેવાડા: ‘મા કદાચ હું મરી જઈશ...’ કહેનારા પત્રકારની કહાણી

- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
આતંકવાદી હુમલો થઈ ગયો છે! (ગોળીઓનો અવાજ)
'અમે દંતેવાડામાં ચૂંટણી કવરેજ માટે આવ્યા હતા. એક રસ્તેથી પસાર થઈ રહ્યા હતા.' (ગોળીઓનો આવાજ)
'સૈન્ય અમારી સાથે હતું અને અમે અચાનક ઘેરાઈ ગયાં. નક્સલી હુમલો થયો છે. મમ્મી જો હું જીવતો બચું તો ભાગ્યશાળી હોઈશ ."
"મમ્મી હું તને ખુબ જ પ્રેમ કરુ છું. બની શકે કે આ હુમલામાં મારું મોત થાય. પરિસ્થિતિ સારી નથી. ખબર નહીં કેમ પણ મોતને સામે જોઈને ડર નથી લાગતો."
"અહીં બચવાનું મુશ્કેલ છે. છ સાત જવાન સાથે છે. ચારેય તરફથી ઘેરાઈ ગયા છે છતાં પણ હું એમ જ કહીશ."
એ દરમિયાન મોબાઈલ કૅમેરા ફરી જાય છે.
કોઈ ઍમ્બુલન્સ બોલાવવાની વાત કહે છે.
ફરી અવાજ આવે છે, 'ભાઈ થોડું પાણી આપશો?' 'હવે સુરક્ષિત છીએ?'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એ મોબાઈલ વીડિયોનો અંશ છે, જે દૂરદર્શનના આસિસ્ટંટ લાઈટમૅન મોરમુકુટ શર્માએ પોતાનાં મા માટે રેકૉર્ડ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

શું આ વીડિયો માસુધી પહોચ્યો?

ઇમેજ સ્રોત, MORMUKUT/BBC
પરંતુ કેટલાક સવાલોના જવાબ હજુ પણ લોકોને મળ્યા નથી.
જેમ કે એ માના હૃદય પર શું વીતી હશે જેને માટે મોરમુકુટે આ વીડીયો બનાવ્યો હતો?
શું તેમના સુધી આ વિડીયો પહોંચી શક્યો?
મોતને નજર સામે જોઈ વીડિયો બનાવવાનો આવો વિચાર કેવી રીતે આવ્યો?

તમે આ વાંચ્યું કે નહીં?

મોતને હાથતાળી આપનારા દૂરદર્શનના આસિસ્ટંટ કૅમેરામૅન દંતેવાડાથી દિલ્હી પરત આવી ગયા છે.
પરંતુ જે મા માટે તેમણે આ વીડીયો રેકૉર્ડ કર્યો, એ માની હાલત આ વીડિયો જોઈને કેવી થઈ હશે?
બીબીસીએ પલવલમાં મોરમુકુટ શર્માના નિવાસ સ્થાને આ ઘટના અંગે વાત કરી હતી.
જે વીડિયો મોરમુકુટે મા માટે રેકૉર્ડ કર્યો હતો, તે મા સુધી પહોંચ્યો, એ પહેલાં જ દીકરાના સુરક્ષિત હોવાની ખબર મા સુધી પહોંચી ગઈ હતી.
મોરમુકુટ પોતાનાં છ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે.
કુટુંબમાં મા સિવાય ત્રણ મોટી બહેનો છે અને બે મોટા ભાઈ અને ભાભી છે.

મુકુટ સુરક્ષિત હોવાના સમાચાાર કોણે આપ્યા?

ઇમેજ સ્રોત, MORMUKUT
મોરમુકુટ શર્માના મોટાં ભાભી નીતુ શર્મા એ પહેલી વ્યક્તિ હતાં, જેમને મોરમુકુટે સૌથી પહેલાં સમાચાર આપ્યા હતા.
નીતુ જણાવે છે, "મને 30 ઑક્ટોબરની બપોરે અજાણ્યા નંબર પરથી વારંવાર કૉલ આવી રહ્યો હતો."
"નેટવર્કમાં તકલીફ હતી એટલે મેં સામે એ નંબર પર ફોન કર્યો. સામેથી અવાજ આવ્યો કે શું તમારા કોઈ સંબંધી દુરદર્શનમાં કામ કરે છે?"
" મને કહેવાયું કે તેમની સાથે વાત કરો અને પછી અવાજ સંભળાયો મોરમુકુટનો."
"ભાભી, અહીં નક્સલી હુમલો થઈ ગયો છે, મારા કૅમેરામૅનનું મૃત્યુ થયું છે. પરંતુ હું ઠીક છું. મમ્મીને કશું ના જણાવતાં."
એ ઘટના અંગે વાત કરતા શર્મા જણાવે છે, "મારા મનમાં બે યુદ્ધ એક સાથે ચાલી રહ્યાં હતાં. એક યુદ્ધ સામે ચાલતું હતું."
"ગોળીઓનો અવાજ આવતો હતો. સામે સાથીનો ચહેરો હતો જેનું શરીર લોહીથી લથપથ હતું અને બીજું યુદ્ધ મનમાં ચાલતું હતું."
"માનો ચહેરો સામે હતો. તેમની પર શું વીતશે જો હું ઘરે પાછો નહીં ફરું તો? આ જ અસમંજસમાં મેં એ વીડિયો બનાવ્યો."
"મને બચવાની કોઈ આશા જ નહોતી."
દિલ્હી પરત આવી મોરમુકુટે બીબીસીને ફોન ઉપર એ પળની સમગ્ર કહાણી જણાવી હતી.

પિતાને છ મહિના પહેલા હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

ઇમેજ સ્રોત, MORMUKUT/BBC
છ મહિના પહેલા જ મોરમુકુટના પિતાનું મોત થયું હતું.
તેમને સાઇલન્ટ હાર્ટ-ઍટેક આવ્યો હતો.
ઘરમાં સૌથી નાના હોવાને કારણે મોરમુકુટ માનો સૌથી લાડકો દીકરો પણ છે અને તેમના સૌથી નિકટ પણ.
મોરમુકુટ દિલ્હી પહોંચ્યા એ બાદ જ તેમનો વીડિયો તેમનાં માને બતાવાયો હતો. એ પહેલાં પરિજનોએ આખી ઘટના અંગે તેમનાં માને કંઈ જણાવ્યું જ નહોતું.
વીડિયો જોતાં જ મોર મુકુટનાં માએ સૌથી પહેલા ઘરનાં સભ્યોને ખૂબ ઠપકાર્યાં.
પરંતુ દીકરાના રાત્રે જ પાછા આવી ગયાની વાત સાંભળીને થોડાં શાંત થયાં.
સવારે જ્યારે દીકરાને મળ્યાં તો બંને બસ એક બીજાને ભેટીને રડતાં રહ્યાં, જાણે કે વર્ષોથી વિખુટાં પડી ગયાં હોય.
મોરમુકુટ એ પળને જીવનની સૌથી યાદગાર પળ માને છે.


તેઓ કહે છે, "ના તો તેમણે મને કંઈ પૂછ્યું કે ના મેં એ ઘટના અંગે તેમને કંઈ જણાવ્યું. માને ગળે મળ્યો તો લાગ્યું કે મારી માએ મારી બધી જ ચિંતાઓ હરી લીધી છે અને હવે કંઈ પણ થઈ જાય તો મને કોઈ દુ:ખ નહીં થાય." હકીકતમાં મોરમુકુટના ઘરે દિવાળીના લીધે રંગરોગાનનું કામ ચાલી રહ્યું હતું અને એટલે ઘરના લોકો 24 કલાક સુધી આ ઘટના મોરમુકુતનાં માતાથી છૂપાવી શક્યા હતા. વળી, ટીવીનું કનેક્શન પણ કપાયેલું હતું એટલે મોરમુકુટનાં માતાને દેશ-દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની ખબર નહોતી.
પણ ચૂંટણી કવરેજ માટે છત્તીસગઢ જવાનું ફરમાન ઑફિસે તેમને આપ્યું હતું કે પછી આ તેમનો પોતાનો નિર્ણય હતો?
આ બાબતે મોરમુકુટ કહે છે, "એ મારો પોતાનો નિર્ણય હતો. મેં છત્તીસગઢ જવા માટે પોતાના સૅક્શન હૅડને જઈને દરખાસ્ત કરી હતી."
"14 વર્ષથી દુરદર્શન સાથે જોડાયેલો છું, ઘણાં એવા કવરેજ પર ગયો છું. કદાચ એટલે જ મોતને નજીકથી જોતાં હું ગભરાયો નહોતો."
મોરમુકુટ જણાવે છે કે તેમના જીવતા બચીને દિલ્હી પરત આવ્યા બાદ તેમનાં મા શાંતિથી ઊંઘી શક્યાં હતાં. દીકરાના માટેથી મોતનો ઓછાયો હટતાં એક માના મનમાં જન્મતી શાંતી કદાચ આ જ હશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














