'ફરિયાદ કરી તો નક્સલી ઠરાવી જેલમાં નાખી દઈશું'

- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
છત્તીસગઢની બે આદિવાસી છોકરીઓનો આરોપ છે કે બસ્તર પોલિસે તેમને નક્સલી ગણાવી ધરપકડ કરવાની ઘમકી આપી છે.
છત્તીસગઢના બસ્તર રેન્જના આઇજીએ બીબીસીને જણાવ્યું કે આ કેસ તેમની જાણમાં છે અને સીઆઈડી તપાસ કરી રહી છે.
19 વર્ષીય સુનીતા પોટ્ટમ અને 18 વર્ષીય મુન્ની પોટ્ટમ નામની બે છોકરીઓએ ગત વર્ષે રાજ્યમાં ઘટેલી કથિત છ અથડામણોને પડકાર આપતા એક અરજી દાખલ કરી હતી.
શરૂઆતમાં આ અરજી છત્તીસગઢ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી પરંતુ કોર્ટે તેમને જણાવ્યું કે આવો જ એક વધુ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
ત્યારબાદ બંને છોકરીઓએ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની અરજી કરી.
તમને આ વાંચવું પણ ગમશે :
આ અરજી પર 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, જેમાં નક્કી થશે કે સર્વોચ્ચ અદાલત આ મામલે સુનાવણી કરશે કે નહીં. આ કેસના કારણે સુનીતા અને મુન્ની હાલ દિલ્હીમાં છે.

શું છે કેસ?

છોકરીઓએ પોતાની અરજીમાં છ આદિવાસીઓના મૃત્યુ પર સવાલ ઉઠાવ્યો છે. ગત વર્ષે કોડેનાર, પાલનાર અને કોરચેલી ગામમાં થયેલા મૃત્યુ અથડામણના કારણે થયા છે તેવું પોલિસે જણાવ્યું હતું.
સુનીતા અને મુન્નીએ પોતાની અરજીમાં દસ ગામોનું સોગંદનામું પણ રજૂ કર્યું છે, જે પોલિસનો દાવો ખોટો સાબિત કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
19 વર્ષીય સુનીતા અને 18 વર્ષની મુન્નીનું કહેવું છે કે આ ગામના લોકો મૃતકોના પરિવારના સભ્યો કે ઘટનાઓના સાક્ષી છે.
મીડિયાને આપેલી એક પ્રેસ રિલીઝમાં સુનીતા અને મુન્નીએ જણાવ્યું કે સોગંદનામામાં આ ઘટનાઓને વિગતવાર રીતે જણાવામાં આવી છે.
પ્રેસ રિલીઝ પ્રમાણે કોડેનારમાં મારવામાં આવેલા પતિ-પત્નીને બંદૂકની અણીએ આત્મસમર્પણના બહાને ઘરની બહાર લઈ જવાયા હતા.
પ્રેસ રિલીઝમાં દાવો કરવામાં આવ્યો છે કે પાલનારમાં મૃત્યુ પામેલા સીટૂ હેમલાને તેમની પત્ની અને માતા સામે ઢસડીને ખેતર બહાર કઢાયા હતા. તેમજ કોરચોલીમાં સુક્કુ કુંજમને પોતાના પરિવાર સાથે હતા ત્યારે એકદમ નજીકથી ગોળી મારી દેવાઈ હતી.
અરજી દાખલ કરનારાઓમાં સુનીતા અને મુન્ની સિવાય મહિલા અધિકારો માટે કામ કરનારી સંસ્થા ડબ્લ્યૂડબલ્યૂએસ પણ સામેલ છે.

કપડાં કઢાવ્યાં, નગ્ન ફેરવ્યાં

દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા સુનીતા અને મુન્નીએ સ્થાનિક પોલિસ પર શારીરિક સતામણી અને જાતીય હિંસાના આરોપ લગાવ્યાં હતાં.
તેમણે જણાવ્યું, “મહિલાઓ સાથે પોલીસ જાતીય હિંસા કરી રહી છે. મારપીટ કરે છે. નગ્ન કરી શરીર સાથે છેડછાડ કરે છે. નાના બાળકો સાથે પણ મારપીટ કરે છે. મહિલાઓ નહાતી હોય ત્યારે તેમને નગ્ન હાલતમાં ફેરવે છે.”
સુનીતા અને મુન્નીની પ્રેસ રિલીઝમાં આ પણ કહેવામાં આવ્યું છે કે, “પોલિસ તેમને ધમકી આપે છે કે જો તેઓએ ક્યાંય પણ આ વાતની ફરિયાદ કરી તો નક્સલી જણાવી તેઓની ઘરપકડ કરશે.”
ડબ્લ્યૂડબલ્યૂએસની રાષ્ટ્રીય સંયોજક રિનઝિનનું કહેવું છે કે તેઓએ સ્થાનિક સ્તર પર અધિકારીને ઘણી વખત ફરિયાદ કરી પરંતુ કોઈ સકારાત્મક પરિણામ સામે આવ્યું નથી.
રિનઝિને જણાવ્યું કે, “અમે ઘણી વખત એફઆઈઆર નોંધાવી, ફરિયાદ કરી, અધિકારીઓ સાથે મુલાકાત કરી પરંતુ કોઈ સકારાત્મક અસર ન જોવા મળી.”
રિનઝિનનાં કહેવા પ્રમાણે, “આ બંને છોકરીઓને વિવિધ રીતે હેરાન કરવામાં આવતી હતી અને તેઓ પોતાની હિમ્મતના કારણે અહીં પહોંચી છે.”
જ્યારે બસ્તર રેન્જના આઈજી વિવેકાનંદનું કહેવું છે કે, “પદ સંભાળ્યા બાદથી જ તેઓએ માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થાય તેની તકેદારી રાખવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે.”
આઈજીએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, “આ 2015નો કેસ છે અને હાલ કોર્ટમાં છે. આ કેસની તપાસ થઈ રહી છે. મને ખ્યાલ નથી કે તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું, જેથી હું તેના પર કંઈ બોલી શકીશ નહીં પરંતુ આવી ઘટનાઓ સામાન્ય છે એ કહેવું ખોટું છે. છેલ્લા સાત-આઠ મહિનાથી મને માનવ અધિકાર હનનની કોઈ ફરિયાદ મળી નથી. આવી કોઈ પણ ઘટના થતી હોય તો લોકો મને કહીં શકે છે.”

લાંબા સમયથી ચાલી રહ્યો છે સંઘર્ષ

ઇમેજ સ્રોત, ALOKPUTUL/BBC
સુનીતાએ ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને મુન્ની નિરક્ષર છે. સુનીતાએ એક આંદોલનના કારણે પોતાનું ભણતર છોડવું પડ્યું હતું. આંદોલન દરમિયાન તેમનાં ઘર સળગાવી દેવામાં આવ્યા હતા.
બંને સારી રીતે હિંદી બોલી અને સમજી શકે છે. બંને ઇચ્છે છે કે તેમના આ કેસની ટ્રાન્સફર કરવાની અરજી સુપ્રીમ કોર્ટ સ્વીકારે. આ કેસમાં વૃંદા ગ્રોવર અને પ્રશાંત ભૂષણ વકીલ છે.
છત્તીસગઢમાં છેલ્લા કેટલાક દશકોથી સશસ્ત્ર માઓવાદી, સરકાર અને સુરક્ષાદળો સામે હિંસક આંદોલન થઈ રહ્યાં છે. બંને પક્ષો પર માનવ અધિકાર હનનનો આરોપ લાગતો રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












