વડા પ્રધાન મોદીને રફાલ સોદામાં પકડાઈ જવાનો ડર : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, RAHUL GANDHI-TWITTER

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીબીઆઈના ડાયરેક્ટરને બળજબરીપૂર્વક રજા પર ઉતારી દેવાના વડા પ્રધાન મોદીના નિર્ણયની ટીકા કરી છે.

તેમણે કહ્યું કે સીબીઆઈ ડાયરેક્ટરને હટાવવા કાનૂની રીતે ખોટું છે. તેમણે કહ્યું કે સીબીઆઈના ડાયરેક્ટરને હટાવવાની કે નિયુક્તિની પ્રક્રિયાનું કામ ત્રણ જણની કમિટી કરે છે.

તેમાં વડા પ્રધાન, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે.

રાહુલે કહ્યું કે નિયુક્તિ કરતી કમિટીનું આ અપમાન છે અને વડા પ્રધાન મોદીએ બંધારણનું અપમાન કર્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે સીબીઆઈના ડાયરેક્ટરને જે કમિટી નિયુક્ત કરે તે જ તેને હટાવી શકે.

રાહુલ ગાંધીએ એ પણ સવાલ પૂછ્યો : સીબીઆઈના ડાયરેક્ટરને વડા પ્રધાને રાત્રે બે વાગ્યે કેમ હટાવ્યા? સવાલ એ થાય છે કે રાત્રે બે વાગ્યે જ કેમ?

line
મોદી અને વર્માની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

રાહુલે કહ્યું કે સીબીઆઈના ડાયરેક્ટર રફાલ મામલે તપાસ શરુ કરવાના હતા માટે તેમને હટાવાયા છે.

જો સીબીઆઈએ તપાસ કરી હોય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હોત.

તેમણે એવો પણ આરોપ મૂક્યો કે સીબીઆઈના ડાયરેક્ટરનો કક્ષ સીલ કરાયો છે, જેમાં મહત્વના દસ્તાવેજ હતા, તેને કબજે લેવાયા છે.

આ માત્ર અધિકારીને હટાવવાની વાત નથી, પણ પુરાવાઓ નાશ કરવાની વાત છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

પત્રકારોએ રાહુલને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે સીબીઆઈ રફાલ મામલે તપાસ શરુ કરી રહી છે.

ત્યારે રાહુલે જવાબ વાળ્યો કે ''જેમ તમને ખબર છે, લોકોને ખબર છે, તે જ રીતે મને પણ ખબર છે.''

વડા પ્રધાન મોદીએ પ્રજાના 30 હજાર કરોડ રુપિયા અનિલ અંબાણીના ખિસ્સાંમાં નાંખ્યા હોવાનો પણ આક્ષેપ મૂક્યો.

વડા પ્રધાને કહેલું કે તે દેશના ચોકીદાર છે, પણ હવે તે ભ્રષ્ટાચારમાં ફસાયા છે.

વડા પ્રધાન મોદીએ ગભરાઈને અને ડરીને આ નિર્ણય લીધો છે. મોદીને ડર છે કે તેમણે જે ભ્રષ્ટાચાર કર્યો છે, તે પકડાઈ જશે.

રાહુલે એમ પણ કહ્યું કે વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે અમે પ્રજા વચ્ચે સત્ય લઈ જઈએ.

line

ભાજપની દલીલ

અરુણ જેટલીની તસવીર

ઇમેજ સ્રોત, PTI

નાણાં મંત્રી અરુણ જેટલીએ આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દેવાના પગલાંને યોગ્ય ગણાવતાં કહ્યું કે સરકારે સીવીસીની ભલામણ પર આ પગલું ભર્યું છે.

જેટલીએ એવું પણ કહ્યું કે બન્ને અધિકારીઓએ એકબીજા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.

એટલે નિષ્પક્ષ તપાસ માટે બન્નેને હટાવવાનું પગલું ભરાયું છે.

અસ્થાના વિરુદ્ધ સીબીઆઈએ એક તપાસમાં લાંચ લેવાનો કેસ દાખલ કર્યો છે.

અસ્થાનાએ આ અંગે સરકારને મોકલેલા પત્રમાં કહ્યું કે ડાયરેક્ટર આલોક વર્માએ એ જ મામલે લાંચ લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો