રાકેશ અસ્થાના મામલે સીબીઆઈમાં ઘમસાણ મચાવનારા મોઇન કુરૈશીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
2014માં જ્યારે રણજિત સિન્હાના ઘરની મુલાકાત -ડાયરી લીક થઈ ત્યારે જાણવા મળ્યું હતું કે સીબીઆઈ ડાયરેક્ટર અને મોઇન કુરૈશી વચ્ચે 15 મહિનામાં 70 મુલાકાતો યોજાઈ હતી.
વર્ષ 2017માં ઍનફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા મોઇન કુરૈશી વિરુધ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી, તેમાં સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર એ.પી.સિંહનું નામ પણ સામેલ હતું.
હાલમાં દેશની સૌથી મોટી તપાસ સંસ્થા સીબીઆઈમાં જે રમખાણ ચાલી રહ્યું છે એના તાર પણ ક્યાંકને ક્યાંક તો મોઇન કુરૈશી સાથે જોડાયેલા છે.

કોણ છે મોઇન કુરૈશી?

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતી દૂન સ્કૂલ અને સૅન્ટ સ્ટીફન્સ કૉલેજમાં ભણેલા ઉત્તર પ્રદેશના રામપુરના નિવાસી મોઇન કુરૈશી દિલ્હીમાં ઘણા સમયથી સક્રિય હતા, પણ એમનું નામ વધારે ચર્ચામાં ત્યારે આવ્યું જ્યારે વર્ષ 2014માં ઇન્કમટૅક્સ વિભાગે એમના છતરપુર નિવાસસ્થાને દરોડા પાડ્યા.
એમ કહેવાયછે કે એ વખતે કરોડો રૂપિયા રોકડમાં તો જપ્ત કરવામાં આવ્યાં જ સાથે સાથે મોઇન કુરૈશી અને બીજા લોકોની અગત્યની વાતચીતવાળી ટેપ પણ મળી આવી.
જેને કદાચ માંસ- નિકાસ કરનારા અને કથિત હવાલા ઑપરેટર દ્વારા જાતે જ રેકૉર્ડ કરવામાં આવી હતી.
એ વખતે ચૂંટણી આવી રહી હતી.
ભારતીય જનતા પાર્ટીના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી સભામાં '10 જનપથની એક નજીકના નેતા ',ને આ માંસની નિકાસ કરતી કંપની અને હવાલા સાથે સાંકળી દીધા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આવી રીતે કસવામાં આવ્યો ફંદો

ઇમેજ સ્રોત, Getty Images
પૉલિસી-પેરાલિસિસ અને કૌભાંડ માટે ચોતરફથી આરોપોનો સામનો કરી રહેલી યૂપીએ-2 સરકારને એક વિદેશી જાસૂસી સંસ્થાએ એક મહત્ત્વની જાણકારી આપી.
એ જાણકારી અનુસાર દુબઈથી એક વિદેશી બેન્કમાં કરોડો રૂપિયા જમા કરાવાયા હતા અને પૈસા મોકલનારી વ્યક્તિ ભારતીય હતી. અકબરપુરની આ જ ચૂંટણી સભામાં નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું ,"ટીવી ચેનલે જણાવ્યું છે કે આ હવાલાકાંડમાં કેન્દ્ર સરકારના ચાર મંત્રી આ માંસની નિકાસ કરનારી કંપની સાથે જોડાયેલા હતા."
મોદીના ભાષણમાં જે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો તે હતો: દરોડા પહેલાં કરવામાં આવેલી શોધખોળ દરમ્યાન એ વાત પણ બહાર આવી હતી કે સીબીઆઈના ઘણા મોટા અધિકારી અને કૉર્પોરેટ જગતના ઘણા જાણીતા માથાઓ સાથે મોઇન કુરૈશીનો સંબંધ હતા.
મોઇન કુરૈશીએ 90ના દાયકામાં ઉત્તર પ્રદેશના રામપુરમાં એક કસાઈખાનામાંથી પોતાનો ધંધો શરૂ કર્યો હતો.
કુરૈશી વિશે એમ કહેવાય છે કે એમણે થોડાં જ વર્ષોમાં રાજકારણીઓ અને અધિકારીઓ સાથે ગાઢ સંપર્ક વિકસાવી લીધા હતા અને પછી શરૂ થયો હતો, 'લેવડ-દેવડ અને ફિક્સિંગનો ધંધો.'
તમે આ વાંચ્યું કે નહીં?
પછીના દિવસોમાં કુરૈશી ભારતમાં માંસના સૌથી મોટા વેપારી બની ગયા.
મોઇન કુરૈશીએ અલગ અલગ 25 કંપનીઓ ખોલી જેમાં એક કન્સ્ટ્રક્શન કંપની અને એક ફૅશન કંપની પણ સામેલ હતી.
હાલમાં એમની સામે હવાલા અને વસૂલાતના મુદ્દામાં ઍનફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા તપાસ ચાલુ છે અને એમની ધરપકડ પણ કરવામાં આવી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ડાયરેક્ટરેટ દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆરમાં સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર એ.પી. સિંહનું નામ પણ સામેલ છે.
એનફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે ઇન્કમ ટૅક્સ વિભાગ પાસેથી જે બ્લેકબેરી મૅસેજ પ્રાપ્ત થયા છે , 'એ અનુસાર કુરૈશીએ જુદાજુદા લોકો પાસેથી એમના કામ કરાવવાના નામે અઢળક પૈસા લીધા હતા.'
એમના પર એ બાબત અંગે તપાસ ચાલી રહી છે કે કથિત રીતે એમણે વિદેશોમાં 200 કરોડ કરતાં પણ વધુ રૂપિયા સંતાડી રાખ્યા છે.
એટલું જ નહીં, દેશમાં સૌથી વધુ કરચોરી કરનરાઓમાં પણ તેમનો કથિત સમાવેશ થાય છે.

સીબીઆઈ પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
દેશની સૌથી મોટી તપાસ સંસ્થાના નંબર એક ડાયરેક્ટર આલોક વર્મા અને નંબર બે, ખાસ ડાયરેક્ટર રાકેશ અસ્થાનામાં જે મતભેદ હતો તે મુદ્દો હવે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે તે પણ મોઈન કુરૈશી સાથે જોડાયેલો છે.
ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સીબીઆઈએ પોતાના જ ખાસ ડાયરેક્ટર સામે હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબુ સનાની ફરિયાદ પર ષડયંત્ર રચવા અને ભ્રષ્ટાચારની ધારા હેઠળ એફઆઈઆર નોંધાવી છે.
આની સામે અસ્થાનાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, પણ હાઈકોર્ટે તપાસ રોકવાનો નન્નો ભણી દીધો.
આ મુદ્દે સંસ્થાએ પોતાના જ એક ડેપ્યૂટી એસ.પી. દેવેન્દ્રકુમારની ધરપકડ કરી હતી જેમને એક ખાસ અદાલતે સાત દિવસોના રિમાન્ડ પર મોકલી દીધા છે.
સતીશ બાબુ સાથે સીબીઆઈ જે પૂછપરછ કરી રહી હતી તે મોઇન કુરૈશી સાથેના સંબંધો અંગેની હતી.

ઇમેજ સ્રોત, PTI
સતીશ બાબુનો દાવો છે કે એમણે પોતાની સામે તપાસને અટકાવવા માટે ત્રણ કરોડ રૂપિયાની લાંચ આપી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર આ મુદ્દાનું બીજું એક પાસું એ છે કે અસ્થાનાએ કૅબિનેટ સેક્રેટરીને મોકલેલા એક પત્રમાં ' વર્મા પર સતીશ બાબુ સનાએ બે કરોડની લાંચ લેવાનો આરોપ મૂક્યા છે.
નોંધનીય છે કે સીબીઆઈ સીધી જ વડા પ્રધાન હેઠળ આવે છે.
વડા પ્રધાને સોમવારની સાંજે સીબીઆઈના ડાયરેક્ટરને પોતાને ઘેર બોલાવ્યા હતા.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે આરોપ લગાડ્યો છે કે મોદી તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે,
''વડાપ્રધાને સીબીઆઈ અને 'રૉ'ના ચીફને પોતાને ઘરે શા માટે બોલાવ્યા? શું આ સીબીઆઈ અને રૉના ચીફ સામે ચાલી રહેલી તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ નથી? વડા પ્રધાને એ લોકોને શું નિર્દેશ આપ્યા?''
આ પણ એક વિડંબના છે કે 2014ની સામાન્ય ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીએ મોઇન કુરૈશીને તે વખતના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નજીકની વ્યક્તિ ગણાવી હતી.
અને કહ્યું હતું કે તેમની (સોનિયા) નજીકના સંબંધોને કારણે ઇન્કમટૅક્સ ડિપાર્ટમેન્ટ કુરૈશી વિરુધ્ધ તપાસ નથી કરી રહ્યું.
હવે લગભગ ચાર વર્ષમાં જ મોદીના નજીક ગણાતા રાકેશ અસ્થાના પર મોઇન કુરૈશી સાથે જોડાયેલા એક મુદ્દે લાંચ લેવાના આરોપ હેઠળ કેસ નોંધાવવામાં આવ્યો છે.

માંસ વેપારને આપ્યું એક નવું પરિમાણ

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, મોઇન કુરૈશીને ઓળખતા લોકો એમની સાથે જોડાયેલા વિવાદિત મુદ્દા પર તો મૌન સેવી રહ્યા છે પણ એમનું કહેવું છે કે આ માણસે માંસ-નિકાસને એક નવી દિશા પૂરી પાડી છે.
મેરઠના માંસ-વેપારી યુસુફ કુરૈશી જણાવે છે, ''પહેલાં અમારે ત્યાં કતલખાનામાં પશુઓની કતલ કરાયા બાદ તેમના માંસ અને ચામડાં સિવાય તમામ બીજા અંગો જેવા કે આંતરડાં, ખરી, ખૂંધ અને હાડકાંઓને ફેંકી દેવામાં આવતાં હતાં પણ મોઇન કુરૈશીએ એની પ્રૉસેસ કરવાની શરૂઆત કરી.''
કુરૈશી જણાવે છે , ''આખા પ્રદેશમાં આ પ્રકારનું કામ કરનાર તેઓ એક માત્ર વ્યક્તિ હતી અને આ માલને તેઓ પ્રૉસેસ કર્યા બાદ ચીન, જર્મની અને બીજા પ્રદેશોમાં નિકાસ કરતા હતા. એમાંથી એમણે કરોડો રૂપિયા કમાયા હતા. ''
માંસના વેપાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે આ પદ્ધતિએ ઘણા લોકો માટે નવા માર્ગ ઉઘાડી દીધા.
જોકે, આ વિવાદ અને મોઈન કુરૈશીનો સંબંધ 2014માં જ શરૂ થયો એવું નથી.
થોડાં વર્ષો પહેલાં થયેલાં એમની દીકરીનાં લગ્ન ટાણે ગીત ગાવા આમંત્રિત કરાયેલા પાકિસ્તાની ગાયક રાહત ફતહ અલી ખાનને પાછા ફરતી વખતે ડિરેક્ટોરેટ જનરલ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, PTI
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના જણાવ્યા અનુસાર કુરૈશીની પુત્રી પરનિયા કુરૈશીના અમેરિકાના બૅન્કર અર્જુન પ્રસાદ સાથે થયેલાં લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
લગ્નના એક પોશાકની કિંમત લગભગ 80 લાખ હતી.
અખબારમાં જણાવવામાં આવ્યું છે કે એક નાઇટ ક્લબના લૉન્ચિંગ વખતે અર્જુન પ્રસાદ અને પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાઢેરા વચ્ચે વાક્યુધ્ધ છેડાઈ ગયું હતું અને પાછળથી આ લગ્ન ભાંગી પડ્યા હતા.
પરનિયા કુરૈશીએ બૉલીવુડ હીરોઇન સોનમ કપૂરની ફિલ્મ આયશા માટે કૉસ્ચ્યૂમ પણ ડિઝાઇન કર્યા હતા અને એમણે મુઝ્ઝફર અલીની ફિલ્મ 'જાનિસાર'માં મહત્ત્વની ભૂમિકા પણ ભજવી હતી.
રામપુરના પત્રકાર શારિક કમાલ ખાન જણાવે છે ,''કોઠી મુંશી મજીદ અહીંનો એક જાણીતો વિસ્તાર છે, પણ તે મોઇન કુરૈશીને કારણે નહીં પણ તેમના પિતા મુંશી મજીદ કુરૈશીને કારણે વધારે પ્રચલિત છે.''
તેમણે પહેલાં અફીણના વેપારમાં નાણાં રળ્યાં બાદમાં તેઓ બીજા ધંધામાં જોડાઈ ગયા.
રુહેલખંડના આ વિસ્તારમાં - બરેલી, મુરાબાદ, રામપુર વગેરેમાં નવાબના શાસનકાળમાં અફીણનો ધંધો ખીલ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














