You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરકાર પાસે સીબીઆઈ ડાયરેક્ટરને હટાવવાનો કેટલો અધિકાર છે
કેન્દ્રીય તપાસ બ્યૂરો, સીબીઆઈમાં હાલ ઘમાસાણ ચાલી રહ્યું છે. આ તમામની વચ્ચે ડાયરેક્ટર આલોક વર્મા અને તેમના ડેપ્યુટી રાકેશ અસ્થાના પાસેથી તમામ જવાબદારીઓ પરત લઈ લેવામાં આવી છે.
બંને અધિકારીઓને હાલ રજા પર મોકલી દેવામાં આવ્યા છે.
પીટીઆઈએ કર્મચારી અને પ્રશિક્ષણ વિભાગના એક પત્રના હવાલાથી જાણકારી આપી કે સંયુક્ત નિર્દેશક નાગેશ્વર રાવને તાત્કાલિક પ્રભાવથી કાર્યવાહક નિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પહેલાં નાગેશ્વર રાવ જ સીબીઆઈમાં જોઇન્ટ ડારેક્ટરના પદ પર હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલો વિવાદ સાર્વજનિક થતા અને તે આ સ્તર પર વધી જતા સરકાર ખૂબ જ નારાજ હતી.
જે બાદ સરકારે આ સમગ્ર મામલામાં દખલ દીધી અને આગળની કાર્યવાહીમાં કોઈ બાધા ના આવે એ માટે સીબીઆઈના પ્રમુખ અને તેમના ડેપ્યુટીને લાંબી રજા પર મોકલી દેવામાં આવ્યા છે.
જવાબદારી પરત લઈ લેવાના મામલામાં આલોક વર્માએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જેની સુનાવણી શુક્રવારના રોજ થવાની છે.
નાગેશ્વર રાવે વચ્ચગાળોનો હોદો સંભાળતાની સાથે સીબીઆઈની ઓફિસના 10માં અને 11માં માળને સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યાં આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની ઓફિસ આવેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું છે કે સીબીઆઈ મુખ્યાલયમાં અસ્થાના અને વર્માની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે.
સીબીઆઈના ડાયરેક્ટરનો કોણ હટાવી શકે છે?
ઉતાવળમાં સરકારે ઉઠાવેલા આ પગલાની ટીકા થઈ રહી છે અને એવો પણ આરોપ લાગી રહ્યો છે કે સીબીઆઈના ડાયરેક્ટરને હટાવવાની પ્રક્રિયામાં છેડછાડ કરવામાં આવી છે.
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આલોક વર્માને હટાવવાની પ્રક્રિયાને ગેરકાનૂની ગણાવતા કહ્યું કે તેઓ આની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે.
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ટ્વીટ કર્યું, "લોકપાલના કાયદા મુજબ સીબીઆઈના ડાયરેક્ટરનો કાર્યકાળ બે વર્ષ માટે નક્કી કરવામાં આવ્યો છે. વડા પ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષના નેતાની કમિટીના નિર્ણય વિના સરકાર ના તો તેમનો કાર્યકાળ ટૂંકાવી શકે કે ના તો વચગાળાનો ઉપાય કરી શકે."
સીબીઆઈના પૂર્વ જોઇન્ટ ડાયરેક્ટર એન. કે. સિંહે કહ્યું, "સીબીઆઈના ડાયરેક્ટરની નિમણૂકનો અંતિમ નિર્ણય વડા પ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષના નેતાની એક કમિટી કરતી હોય છે."
"તેમનો કાર્યકાળ બે વર્ષનો હોય છે. કાયદા પ્રમાણે આ તેમને હટાવતાં પહેલાં પણ આ અંગેનો નિર્ણય આ ત્રણ લોકોની કમિટી જ લે છે."
"હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે અને તેના પર શુક્રવારે સુનાવણી થશે."
કોણ છે વચગાળાના સીબીઆઈ ડાયરેક્ટર?
1986ની બેંચના આઈપીએસ અધિકારી નાગેશ્વર રાવને સીબીઆઈના વચ્ચગાળાના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
તેઓ તેલગણાંના રહેવાસી છે અને ઓડિસા કેડરના આઈપીએસ અધિકારી છે.
ઓડિસાના ચાર જિલ્લામાં પોલીસ અધિક્ષક(એસપી) સિવાય રાઉરકેલા અને કટકમાં રેલવે પોલીસ અધિક્ષક અને ક્રાઇમ બ્રાંચમાં પોલીસ અધિક્ષક પણ તેઓ રહી ચૂક્યા છે.
તેઓ ઓડિસાના પહેલા એવા અધિકારી છે જેમણે એક 1996માં બળાત્કારના મામલામાં કરેલી તપાસમાં ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કર્યો હતો.
ઓડિસામાં પોતાની નિમણૂક દરમિયાન ગેરકાયદે દારૂ વેચાણના એક મામલામાં, જેમાં 200 લોકોનાં મોત થયાં હતાં, આરોપી બેલુ દાસને સજા અપાવવામાં નાગેશ્વર રાવની વિશેષ ભૂમિકા રહી હતી.
અનેક ખિતાબોથી સન્માનિત નાગેશ્વર રાવને મણિપુરમાં ઉગ્રવાદ સામેની કાર્યવાહી માટે પણ ઓળખવામાં આવે છે.
મામલો ક્યાંથી શરૂથયો?
આ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે જંગની શરૂઆત કેવી રીતે થઈ, તે સમજીએ.
સીબીઆઈના સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાના સામે હૈદરાબાદના વેપારી સતીષ બાબુ સનાએ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તેમણે પોતાના પર ચાલતી સીબીઆઈ તપાસ રોકવા અસ્થાનાને ત્રણ કરોડની લાંચ આપ્યાનો આરોપ મૂક્યો હતો.
સતીષે દુબઈમાં રહેતા મનોજપ્રસાદ નામની વ્યક્તિ થકી લાંચ આપ્યાનો દાવો કર્યો છે. સીબીઆઈમાં સારી વગ ધરાવતા હોવાનો દાવો કરનારા મનોજ પ્રસાદની થોડા દિવસ પહેલાં ધરપકડ કરાઈ હતી.
જોકે, અસ્થાના કંઈક અલગ જ વાત કહે છે. 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા સમાચાર મુજબ - અસ્થાનાએ સીબીઆઈના ડાયરેકટર આલોક વર્મા સામે અનેક ગંભીર આરોપ લગાવ્યા છે અને તેની જાણ કરતો પત્ર કૅબિનેટ સેક્રેટરીને લખ્યો છે.
લાંચ લીધાનો જે આરોપ અસ્થાના સામે છે તે જ આરોપ તેમણે આલોક વર્મા પર લગાવ્યો છે.
વર્મા સામે એ પણ આરોપ મુકાયા છે કે તેમણે 2G કૌભાંડ અને કોલસા કૌભાંડમાં સામેલ બે લોકોને 'સૅન્ટ કિટ્સ'ની નાગરિકતા લેતા રોકવા માટે કોઈ પગલાં ન લીધાં.
તેમના પર એ પણ આરોપ લાગ્યા છે કે તેમણે હરિયાણામાં જમીનના સોદામાં ગેરરીતિ આચરી હતી.
આ કેસમાં અસ્થાનાની નીચે કામ કરતા ઇન્વેસ્ટિગેશન ઑફિસર ડેપ્યુટી એસ.પી. દેવેન્દ્રકુમારની ધરપકડ કરવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો