શું પરફ્યૂમ મહારાષ્ટ્રની માનવભક્ષી વાઘણને પકડી શકશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

'ઑ ડૅ ટૉઇલેટ ફૉર મૅન' તેની સ્મૉકી અને સ્પાઇસી સુગંધ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. શું આ અત્તરની સુગંધ ભારતના પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્રના જંગલોમાં ફરતી ખૂંખાર 'માનવભક્ષી' વાઘણને પકડવામાં મદદ કરી શકશે?

વન્યજીવ અધિકારીઓ કહે છે કે તેઓને આ વાતની ખાતરી નથી, પરંતુ તેમણે કેલ્વિન ક્લેઇન દ્વારા ઉત્પાદિત 'ઑબ્સૅશન ફૉર મૅન' પરફ્યૂમની બોટલ્સ ખરીદી છે. જેનો ઉપયોગ એક છ વર્ષની વાઘણને પકડવા માટે કરવામાં આવશે.

આ વાઘણે પંઢહરકાવડા શહેરની આસપાસ 13 લોકોનો જીવ લીધો હોવાનું મનાય છે. તે છેલ્લા બે વર્ષથી પકડમાં નથી આવી રહી.

વન્યજીવ અધિકારી સુનિલ લિમયે કહે છે, "અમને જણાવવામાં આવ્યું છે કે ક્લોન (એક પ્રકારનું પરફ્યૂમ) એ વાઘણ માટે સારી 'સુગંધ જાળ' તરીકે કામ કરી શકે છે. આથી અમે આ અત્તરને વૃક્ષો અને જમીન પર છાંટીશું અને જોઈશું કે શું થાય છે."

આ સુગંધમાં ફેરોમૉન (એક પ્રકારનો કૅમિકલ પદાર્થ)નો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ અત્તર બનાવવામાં થાય છે. સામાન્ય રીતે આ પદાર્થ બિલાડી જેવા સસ્તન પ્રાણીઓની સુગંધ ગ્રંથીઓમાંથી તારવવામાં આવે છે, જે 'સિવિટ' તરીકે ઓળખાય છે.

આ પદાર્થનો ક્લોનમાં વારંવાર ઉપયોગ થાય છે. ન્યૂ યોર્કના બ્રૉંક્સ ઝૂ ખાતે એક પ્રયોગ દરમિયાન દીપડાઓને આ અત્તરની સુગંધ પસંદ પડી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

જીવવિજ્ઞાની મિગ્યુએલ ઓર્ડેનાનાએ એક અમેરિકન વૈજ્ઞાનિક સામયિકને જણાવ્યું હતું કે, તેઓ એવું માનતા હતા કે ઝાડની ડાળીઓ પર પરફ્યૂમનો છંટકાવ કરીને ત્યાં લગાવેલા કૅમેરા સુધી દીપડાઓને આકર્ષી શકાય છે.

ત્રણ વર્ષ પહેલાં દક્ષિણ કર્ણાટકમાં એક દીપડાને પકડવા માટે પાંજરામાં આ અત્તર છાંટી ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વાઘને આકર્ષવા માટે ખૂબ જ ખર્ચાળ અત્તરનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાઘણને T-1 નામ આપવામાં આવ્યું છે.

ભારતમાં વાઘને પકડવા માટે આ અત્યારસુધીનું સૌથી મોટું અભિયાન છે.

વન્ય અધિકારીઓ અને શાર્પશૂટર શોધખોળ કરીને હતાશ થઈ ગયા છે, કારણ કે વાઘણ-તેના નવ મહિનાના બે બચ્ચાઓ સાથે જંગલો, ખેતરો અને ગામોને આવરી લેતા 150 કિલોમીટર (57 ચોરસ માઈલ) જેટલા વિશાળ વિસ્તારમાં છૂપાતી ફરે છે.

ઑગષ્ટમાં ત્રણ વ્યક્તિઓના મારણ બાદ આ વિસ્તારના 20 ગામોમાં વસતા 5000 લોકોના જીવ ભયના ઓથાર હેઠળ છે.

વાઘના હુમલાથી બચવા ખેડૂતો અને ગોવાળોને ખેતરો અને જંગલમાંથી વહેલાં પાછા ફરવા, જૂથમાં બહાર નીકળવા અને ખુલ્લામાં હાજતે નહીં જવાની સામાન્ય કાળજી રાખવાની સૂચના અપાઈ છે.

line

'વાઘણ બચાવો ઝુંબેશ'

પશુપાલક

ઇમેજ સ્રોત, PRATIK CHORGE/HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, પશુપાલકો જંગલમાં લોખંડનું શીલ્ડ પહેરીને જઈ રહ્યા છે

શહેરોમાં ઍનિમલ ઍક્ટિવિસ્ટોએ સોશિયલ મીડિયા અને ઑનલાઇન શિકારીઓની બંદૂકથી વાઘણ 'બચાવો' ઝુંબેશ શરૂ કરી છે. તેમનો તર્ક છે કે વન્ય અધિકારીઓ આ વાઘણને જીવતી પકડવા સમર્થ નથી એટલા માટે તેને ગોળીથી વીંધી નાખવામાં આવશે.

પરંતુ સપ્ટેમ્બરમાં ભારતની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી છે કે વન્ય અધિકારીઓને વાઘણને પકડવાના પ્રયત્નમાં જો ગોળી ચલાવવાની ફરજ પડે તો કોર્ટ તેમાં દખલ નહીં કરે.

આ વિસ્તારના વરિષ્ઠ વન્યજીવન અધિકારી એ. કે. મિશ્રા કહે છે, "અમારો હેતુ આ વાઘણને મારી નાખવાનો નથી. જો તે અમારી ઉપર હુમલો કરશે તો અમારે ગોળી મારવી પડશે. આ 'થોભો અને રાહ જુઓ'ની રમત છે."

બીજી તરફ અમુક અધિકારીઓનું માનવું છે કે, આ 'રમત' ખાસ્સા સમયથી ચાલી રહી છે અને તેઓએ વાઘણને શોધી કાઢવા માટે લગભગ તમામ શક્ય પ્રયત્નો કરી લીધા છે.

આ વાઘણ અને તેના બચ્ચાઓને શોધવા માટે જંગલમાં 100થી વધુ કૅમેરાની જાળ પાથરવામાં આવી છે, જેથી તેની ગતિવિધિ જાણી શકાય. આ કૅમેરામાં લેવાયેલી ૩૦૦થી વધુ તસવીરોને તપાસવા માટે દરરોજ છત્રીસ વન રક્ષકો જંગલમાં જાય છે.

એટલું જ નહીં જંગલમાં ડઝન જેટલી જગ્યાઓએ ઘોડા અને બકરીઓ જાળ સ્વરૂપે બાંધ્યા છે. બે ઘોડાઓનું મારણ પણ થઈ ચૂક્યું છે, જે કદાચ આ વાઘણે કર્યું છે.

આ વિસ્તારમાં કરવામાં આવેલી તમામ શોધખોળ નિરર્થક સાબિત થઈ છે.

અધિકારીઓ ટોર્ચ અને વાયરલેસ સેટ્સ સાથે ચાર વૃક્ષો ઉપરના ચાર માંચડાઓ ઉપરથી ઘડિયાળને કાંટે નજર રાખી રહ્યા છે. 'ટાઈગર પ્રૉટેક્શન ફોર્સ'ના 50 કમાન્ડોઝ AK-47 સાથે હથિયારબંધ પોલીસકર્મીઓ જંગલમાં પ્રેટ્રોલિંગ કરી રહ્યા છે.

line

'જંગલ જ બન્યું દુશ્મન'

કે એમ અભારના

ઇમેજ સ્રોત, KANNAGI KHANNA

ઇમેજ કૅપ્શન, કે. એમ. અભારના

તેઓ તાજા પગલાંના નિશાન, વાઘના મૂત્રની ગંધ, વૃક્ષોની ડાળીઓ ઉપર જ્યાં વાઘે તેના પંજા મારી મારીને નહોરના નિશાન છોડ્યા હોય તેનું પગેરું દાબી રહ્યા છે.

શાર્પ શૂટર પણ તેના નવ સભ્યોની ટુકડી સાથે અલગથી જંગલમાં ફરી રહ્યા છે. હાથીઓ પણ કામે લગાવ્યા છે સાથે જ એક ડ્રોન અને એક પાવર ગ્લાઈડર વાઘને શોધી કાઢવા માટે જંગલની ઉપરથી નજર રાખી રહ્યા છે.

જંગલની ધાર ઉપર આવેલા સિતારા ગામમાં લોકોના જૂથ દ્વારા કામચલાઉ શિબિર કરીને વાઘને પકડીને કોઈપણ વિસ્તારમાં પાછા મોકલવા માટે ત્રણ પાંજરા અને નાયલોનની જાળીઓ તૈયાર કરવામાં આવી છે.

અમુક લોકો પ્રાણીઓને બેહોશ કરવા માટેની દવા લગાવેલા તીર સાથે તૈયાર છે. તમામ 500 લોકો અને મશીનરીનો સંપૂર્ણ ઉપયોગ કરવા છતાં T-1 પકડમાં આવતી નથી.

વરિષ્ઠ વન્ય અધિકારી કે. એમ. અભારનાનું કહેવું છે, "તે ખૂબ ચતુર છે. તેની સાથે બચ્ચાં હોવાથી તે વધુ સચેત છે. તે દરેક વખતે અમને છેતરી જાય છે. આ સાથે જ આ ભૂપ્રદેશ અમારી કામગીરીને વધુ અઘરી બનાવે છે."

સાગનું આ જંગલ ઉબડખાબડ અને પથરાળ છે. સૌથી મોટો અવરોધ ઝડપથી વિકસતું જંગલી વૃક્ષ લંતાના છે. તે ઊંચાઈમાં 8થી10 ફૂટ સુધી વધે છે.

આ જંગલી ઝાડ ટીમને પગપાળા અથવા વાહનથી રસ્તો શોધવાનું મુશ્કેલ બનાવે છે અને પ્રાણીઓને શોધવાના માર્ગમાં અવરોધ બને છે.

દીપડા, નીલ ગાય, જંગલી ભૂંડ અને સાપથી આ જંગલ ભરેલું છે. ઉનાળા દરમિયાન અહીં તાપમાન 48 ડિગ્રી સેલ્શિયસ (118 F) સુધી પહોંચી જાય છે.

આ મહિનાની શરૂઆતમાં શાર્પશૂટર સાથે પાંચ હાથીઓને કામે લગાડ્યા હતા. પરંતુ અચાનક અભિયાન સંકેલવું પડ્યું કારણ કે હાથી ચેઇન તોડીને ભાગ્યો અને એક ગ્રામિણ મહિલાને કચડી નાખી.

વન અધિકારી લિમયેનું કહેવું છે કે હાલમાં આ વાઘણની શોધખોળ ચાલુ છે.

line

વિશ્વના 60 ટકા વાઘો ભારતમાં

જંગલમાં લગાવાયેલા કૅમેરા

ઇમેજ સ્રોત, PRATIK CHORGE/HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, જંગલમાં 100થી વધ કૅમેરા લગાવાયા છે

બીજા ઘણાં પ્રશ્નો છે જેમના ઉત્તર હજુ સ્પષ્ટ નથી. એક બાબત સ્પષ્ટ નથી કે T-1 ક્યાંથી આવી છે, કારણ કે તે આરક્ષિત અભયારણ્યમાં નહોતી જન્મી.

બીજું કે તેની માતા જયારે ઇલેક્ટ્રિક ફેન્સીંગનું મૃત્યુ વીજ કરંટને કારણે થયું હતું. ઘણી વાર ખેડૂતો તેમની જમીનથી જંગલી પ્રાણીઓને દૂર રાખવા ઇલેક્ટ્રિક ફૅન્સિંગનો ઉપયોગ કરે છે.

2200થી વધુની વાઘો સાથે ભારત દુનિયાના 60 ટકા વાઘની વસ્તી ધરાવતો દેશ છે, જેમાંથી 200થી વધુ વાઘ મહારાષ્ટ્રમાં છે, પરંતુ તેમાંથી ફક્ત ત્રીજા ભાગના રાજ્યના અભયારણ્ય, નેચરલ પાર્ક્સ અને ટાઇગર રિઝર્વ સહિતના આરક્ષિત વિસ્તારોમાં રહે છે.

હજુ પણ એ મુદ્દે થોડી અસમંજસ છે કે T-1 ખરેખર 'માનવભક્ષી' બિરુદને યોગ્ય છે કે નહીં?

એવું મનાય છે કે તેણે 2016થી લઈને અત્યાર સુધીના 20 મહિનાના સમયગાળામાં 10 લોકોનો જીવ લીધો છે.

વાત સપાટી ઉપર ત્યારે આવી જયારે ઑગષ્ટમાં તેણે ત્રણ વ્યક્તિઓને એ વિસ્તારમાં આતંક ફેલાવીને મારી નાખ્યા.

અત્યાર સુધીમાં 13માંથી સાત પીડિતોના ઘાના નમૂનાઓમાં મળેલી લાળના ડીએનએ પરીક્ષણ દર્શાવે છે કે તેમનામાંથી પાંચ પર વાઘણે હુમલો કર્યો હતો. અન્ય બે નમૂનાઓનાં પરિણામો અનિર્ણિત રહ્યા હતા.

line
પ્રતીકાત્મક તસવીર

વાઘણના શિકાર કર્યા બાદ તે માણસોને જંગલમાં ખેંચી જતી, જેનાં કારણે ઘણાં શરીર માથાથી અલગ થઈ ગયાં હતાં. તે માનવ માંસ ચાખી ગઈ હોય એમ લાગે છે.

બીજું એ પણ સ્પષ્ટ નથી કે T-1 શા માટે માનવો ઉપર હુમલો કરી રહી છે.

ઝડપથી નાશ પામી રહેલા જંગલોને પરિણામે વાઘો ઘણીવાર તેમના આરક્ષિત વિસ્તારની નજીક વસેલાં ગામડાઆમાં ગ્રામજનો સાથે સંઘર્ષમાં ઉતરે છે.

કેટલાંક કારણોમાંથી એવું પણ બની શકે કે લોકો પોતાના ઢોરને જંગલોમાં ચરાવવા માટે લઈ જતા હોય છે.

વીડિયો કૅપ્શન, મહારાષ્ટ્રમાં વાઘણ માટે તપાસ અભિયાન

આ વિસ્તારના ગ્રામજનો અંદાજીત 30,000 જેટલું પશુધન ધરાવે છે, જેમાં મોટાભાગના ઘરડાં અને દૂધ ન આપતાં પશુઓ પણ સમાવિષ્ટ છે, જેને પશુપાલકો મારી શકતા નથી, કારણ કે સરકારના કાયદા અનુસાર ગૌ હત્યા પ્રતિબંધિત છે.

ગ્રામજનોને તેમને ચરાવવા જંગલમાં જવાની ફરજ પડે છે, કારણ કે તેમનાં ઘરોમાં ઘાસચારો ઓછો પડે છે.

મોટા ભાગના હુમલાઓ અકસ્માતે ભૂલથી બન્યા હોય અથવા માત્ર એટલા માટે કે તેઓના વાસ્તવિક શિકાર પશુઓ તરફ જવાના માર્ગમાં માનવો વચ્ચે આવ્યા હોય એમ દેખાય છે.

line

'લોહી પીનારો વાઘ'

લતા શિન્દે

ઇમેજ સ્રોત, KANNAGI KHANNA

ઇમેજ કૅપ્શન, લતા શિન્દે

જાન્યુઆરીમાં 70 વર્ષના રામજી શેન્દ્રે તેમનાં પત્ની લતા સાથે બે પશુઓને લઈને સાથે જંગલમાં ગયાં હતાં. જેવી જ તેમણે લાકડામાં આગ લગાવી અચાનક જ તેમની પાછળ વાઘણ આવી ગઈ.

50 મીટર દૂર ઊભેલાં તેમનાં પત્નીએ જોયું કે વાઘણ તેમના પતિને ખેંચીને જઈ રહી છે.

ત્યારબાદ લતા એક માંચડા ઉપર ચઢી અને મદદ માટે બૂમો પાડવા લાગ્યાં. ગ્રામજનો ત્યાં દોડી ગયાં, બાજુના રસ્તા ઉપર પસાર થતાં વાહનો અટકી ગયા અને હોર્ન વગાડવામાં આવ્યા. વાઘણ બે કિલોમીટર સુધી તેનાં શરીરને ખેંચી ગઈ અને બાદમાં છોડી દીધું.

લતા કહે છે, "એમ લાગે છે કે તે શિકારને ખાતી નથી." ગામ લોકોનું માનવું છે કે તે "ફક્ત માનવોનું લોહી પીવે છે."

પરંતુ અધિકારીઓ કહે છે તેણે ઘણાં માનવ શિકારનું માંસ ખાધું છે. હજી શિકારીઓને લગભગ 21મી મેના રોજ તે જંગલમાં મળી આવી હતી.

અભારનાનું કહેવું છે કે તપાસ ટુકડીને તે સરાતીના કૅમ્પથી લગભગ 18 કિલોમીટર દૂર જોવા મળી હતી. તેણે નીલ ગાયનો શિકાર કર્યો હતો. તે સમયે તેમે ઘેરી લેવામાં આવી હતી અને બેહોશીનું ઇંજેક્ષન મારવામાં આવ્યું હતું.

પરંતુ તે સાંકડા ડૅમમાં તરીને ખેતરો ખૂંદતી જંગલમાં અદૃશ્ય થઈ ગઈ. અધિકારીઓનું કહેવું છે કે તે કદાચ ભારે ઉત્તેજનાની સ્થિતિમાં હોઈ શકે છે, જેના લીધે દવા બિનઅસરકારક રહી હશે અથવા તો ગોળીનો ડૉઝ ઓછો પડ્યો હશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો