ગ્રાઉન્ડ રિપોર્ટઃ ગંગા કિનારે ઉપવાસી મહિલા પર બળાત્કાર

    • લેેખક, નીરજ પ્રિયદર્શી
    • પદ, પટણાથી બીબીસી ગુજરાતી માટે.

પટણાના બાઢ પ્રખંડમાંથી પસાર થતાં નેશનલ હાઈવે-31થી માત્ર 250 મીટર દૂર આવેલા જલગોવિંદ ગામના એક ઘાટ પર સ્નાન કરવા આવેલી મહિલા પર બે પુરુષોએ બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં, તેમણે એ બળાત્કારનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

જલગોવિંદ ગામ ગંગા નદીના કિનારે વસેલું છે અને ગંગાનો ઘાટ ગામથી લગભગ 100 મીટર દૂર આવેલો છે.

આ ઘાટ પર દહયૌરા તથા જલગોવિંદ ગામની મહિલાઓ છઠ, તુલસી પૂજા અને જિતિયાથી માંડીને કાર્તિક પૂર્ણિમા સુધીના લગભગ દરેક પર્વ નિમિત્તે સ્નાન કરવા આવતી હોય છે.

આ ઘાટ પર શીમળાનું એક મોટું વૃક્ષ છે, જે ગંગા નદીના કિનારે આવેલા તમામ ઘાટમાં જલગોવિંદ ઘાટને અલગ ઓળખ આપે છે.

એ ઘાટ પર પીપળાનું એક ઝાડ પણ છે, જ્યાં સિંદૂર અને કંકુના ચાંદલા હજુ પણ જોવા મળે છે. કેટલાક લોકો એ વૃક્ષ ભણી ઈશારો કરીને જણાવે છે કે ગામની મહિલાઓએ જિતિયાનું વ્રત ત્યાં જ કર્યું હતું.

બિહારમાં મહિલાઓ તેમના દીકરાઓના દીર્ઘાયુષ્ય માટે જિતિયાનું વ્રત કરતી હોય છે.

'એ બનવાનું હતું અને બની ગયું'

સવાલ એ થાય છે કે ગામની આટલી નજીક આવેલા અને અત્યંત વ્યસ્ત રહેતા ઘાટ પર બળાત્કારની ઘટના બની અને તેના પર કોઈની નજર ન પડી?

બુધવારે બપોરે જલગોવિંદ ઘાટ પર પોતાની ભેંસોને ચરાવવા આવેલા ગામવાસી પ્રદીપ રાય આ સવાલનો જવાબ આપવા પહેલાં તૈયાર થયા હતા, પણ અમે કેમેરા બહાર કાઢ્યો કે તરત તેમણે કંઈ કહેવાનો ઇન્કાર કરી દીધો.

પ્રદીપ રાયે કહ્યું હતું, "એમ જ પૂછવું હોય તો પૂછો. ભલે લખી લો. હું બધી વાતો કહીશ, પણ મારો ફોટો લેશો નહીં. અમને આ બધામાં સામેલ ન કરો."

અમે પ્રદીપ રાયને સવાલ કર્યો હતો કે તમે તમારી ભેંસોને ચરાવવા રોજ અહીં આવો છો, પણ એ દિવસે આવ્યા ન હતા?

ગંગામાં સ્નાન કરી રહેલી પોતાની ભેંસો તરફ ઇશારો કરતાં પ્રદીપ રાયે કહ્યું હતું, "ના. હું ન હતો, પણ અત્યારે જ્યાં ભેંસો નહાઈ રહી છે ત્યાં એ ઘટના બની હતી."

"એ બનવાનું હતું અને બની ગયું, પણ તેનાથી ખાસ કોઈ ફરક પડ્યો નહીં. એ પછી પણ અહીં પૂજા થઈ હતી. જુઓ, તુલસીજીના છોડ પર કેટલાં ફૂલ ચડ્યાં છે."

પ્રદીપ રાય સાથે થોડો વખત વાત થઈ ત્યાં તો ગામના બીજા કેટલાક લોકો પણ ખેતીના કામમાંથી ઘાટની નજીક આવી ગયા હતા. એ પૈકીના કેટલાક લોકો અમારી પાસે આવ્યા હતા.

ગામના લોકો એટલા ધાર્મિક છે કે આટલા મોટા પ્રમાણમાં પૂજા-અર્ચના માટે ઘાટ પર આવે છે.

તેમ છતાં આવી ઘટના કઈ રીતે બની તેનો કોઈ જવાબ લોકો પાસે નથી.

સ્નાન તથા પૂજા માટે ઘાટ પર ગામની મહિલાઓ આવે છે, પણ ઘાટ પર કપડાં બદલાવવાની કોઈ વ્યવસ્થા નથી.

આ કારણસર થયો હતો બળાત્કાર?

જલગોવિંદ ઘાટ પર ગામલોકો સાથે અમે વાતચીત કરી રહ્યાં હતાં એ દરમ્યાન શીમળાના વૃક્ષનાં મૂળ દેખાતાં હતાં એ જગ્યા તરફ ઈશારો કરીને એક ગામવાસીએ કહ્યું હતું, "જુઓ, દેશી દારૂનું પાઉચ દેખાય છે ત્યાં જ એ લોકો ત્યાં બેઠા હતા."

"કાંડ કરી ચૂકેલા છોકરાઓ પણ ગામના જ છે. તેઓ અહીં આવીને દારૂ પી રહ્યા હતા ત્યારે એ મહિલા સ્નાન કરવા ગઈ હતી. નશામાં સાચા-ખોટાની ખબર ક્યાં પડતી હોય છે?"

દારૂબંધીવાળા રાજ્ય બિહારમાં જમીન પર જે પાઉચ પડ્યું હતું તે ઝારખંડમાં બનેલા દેશી દારૂનું હતું.

ગંજીફાના પત્તાં, કાગળ પર ચખના સ્વરૂપે મીઠું-મરચું અને ચારે તરફ ગુટખાનું થૂંક હતું.

ગામલોકોના જણાવ્યા મુજબ, મહિલા પર બળાત્કાર કરનારા લોકો નશામાં હતા.

જોકે, આ ઘટનાની તપાસ કરી રહેલી પટના પોલીસના એસએસપી મનુ મહારાજને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આરોપીઓ નશામાં હોવા બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી.

મનુ મહારાજે કહ્યું હતું, "આરોપીઓએ દારૂ પીધો હોવાનું હજુ બહાર આવ્યું નથી. પટના પોલીસ આ ઘટનાને દરેક પાસાંની તપાસ કરી રહી છે."

"ઘટનાસ્થળેથી દેશી દારૂના પાઉચ મળ્યાં હોય અને આરોપીઓ દારૂના નશામાં હોવાનું મેડિકલ રિપોર્ટમાં બહાર આવશે તો કહી શકાય કે તેમણે નશામાં આ કૃત્ય કર્યું હતું."

વીડિયોને લીધે નોંધાઈ ફરિયાદ

ગામના જેટલા લોકો સાથે બીબીસીએ વાત કરી એ બધાએ જણાવ્યું હતું કે તેમને આ ઘટનાની ખબર બે દિવસ બાદ એટલે કે મંગળવારે પડી હતી. એ પણ પોલીસની ટીમ આરોપીઓની ઓળખ કરવા ગામમાં આવી ત્યારે.

પીડિત મહિલા કે તેના પરિવારના કોઈ સભ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયા ન હતા, બલ્કે વાયરલ વીડિયો ક્લિપ પોલીસ સ્ટેશનના વડા અબરાર અહમદ ખાં પાસે પહોંચી હતી.

આ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર અબરાર અમહદ ખાંએ કહ્યું હતું, "અમે બન્ને આરોપીઓને પૂછપરછ કરી રહ્યા છીએ. બીજા આરોપી વિશાલે વીડિયો રેકર્ડ કરી પોસ્ટ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

"પોલીસને ગામના લોકો મારફત જ બીજી ઑક્ટોબરે ખબર પડી હતી કે વીડિયોમાં જોવા મળતું ઘટનાસ્થળ જલગોવિંદ ઘાટ છે."

"વીડિયોમાં મહિલા પર બળાત્કાર કરી રહેલી વ્યક્તિ શિવ પૂજન મહતો હોવાની ઓળખ થઈ છે. પોલીસ ગામમાં પહોંચી ત્યારે ઘટનાની માહિતી મળી હતી અને આરોપીઓની ધરપકડ થઈ શકી હતી."

મોં બંધ રાખવાની ધમકી

પોલીસની તપાસમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે બળાત્કારની ઘટના રવિવારે સવારે બની હતી, પણ તેનો રિપોર્ટ મંગળવારે નોંધવામાં આવ્યો હતો.

વળી પીડિતાએ તેની ફરિયાદ કરી ન હતી, પણ પોલીસે વીડિયો વાયરલ થયા બાદ ખુદ ફરિયાદ નોંધી હતી, પણ આવું કેમ બન્યું?

પીડિત મહિલાના પતિ દિલ્હીમાં કામ કરે છે, જ્યારે પીડિતા તેમની દીકરીઓ અને એક દીકરા સાથે ગામમાં રહીને ઘર સંભાળે છે.

જલગોવિંદ ગામના મહતોની બહુમતિવાળા મહોલ્લામાં પીડિતાનું ઘર આવેલું છે. પીડિતાના ઘરના દરવાજા બંધ હતા, પણ બે-ત્રણ વખત ખખડાવ્યા પછી એક છોકરીએ દરવાજો ખોલ્યો હતો.

એ છોકરી પીડિતાની આઠમા ધોરણમાં ભણતી દીકરી હતી. એ છોકરીએ જણાવ્યું હતું કે તેની માતા અને મોટી બહેન પોલીસ સાથે ગયાં છે અને એ નાના ભાઈ સાથે ઘરમાં છે. પીડિતાનો દીકરો બહુ નાનો છે.

પીડિતાની દીકરીએ કહ્યું હતું, "જે દિવસે ઘટના બની હતી એ દિવસે અમને ધમકી આપવામાં આવી હતી કે અમે મોં ખોલીશું તો તેઓ અમને મારી નાખશે."

"હવે તો બધું બહાર આવી ગયું છે. એ પછી અમે શું બોલીએ? અમે ડરને કારણે કશું કહેતાં ન હતાં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો