ઍડલ્ટરી માટે માત્ર પુરુષને જ દોષી ગણવો કેટલું યોગ્ય છે?

અંગ્રેજોના સમયના 158 વર્ષ પુરાણા ભારતીય કાયદા મુજબ, કોઈ પુરુષ અન્ય કોઈ પરિણીત સ્ત્રી સાથે તે સ્ત્રીના પતિની પરવાનગી વિના જાતીય સંબંધ બાંધે તો તેને ઍડલ્ટરી (વ્યભિચાર)નું ગુનાહિત કૃત્ય આચરવા બદલ દોષી ગણવામાં આવે છે.

આ કૃત્યમાં મદદગારી બદલ પરિણીતાને સજા કરવામાં આવતી નથી, પણ પુરુષને પતિવ્રતનો ભંગ કરાવનાર ગણવામાં આવે છે.

જોકે, કાયદા અનુસાર, પરિણીતાને તેના વ્યભિચારી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની છૂટ નથી.

એ ઉપરાંત પરિણીત પુરુષ કોઈ અપરણીત મહિલા કે વિધવા કે કોઈ પરિણીત મહિલા સાથે તેના પતિની પરવાનગી લઈને વ્યભિચાર કરે તો એ પુરુષની પત્ની તેના પતિ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ કરી શકતી નથી.

વ્યભિચાર બદલ દોષી સાબિત થયેલા પુરુષને મહત્તમ પાંચ વર્ષના કારાવાસની સજા અથવા દંડ કે બન્ને થઈ શકે છે.

આ કાયદો અમલી બન્યો ત્યાર પછી તેના ઉલ્લંઘન બદલ કેટલા પુરુષોને સજા થઈ છે તે સ્પષ્ટ નથી. તેના કોઈ આંકડા ઉપલબ્ધ નથી.

કાયદાને કોણે અને શા માટે પડકાર્યો?

ઇટાલીમાં રહેતા અને કામ કરતા 41 વર્ષના ભારતીય જોસેફ શાઈને આ કાયદાને રદ કરવાની માગણી કરતી અરજી ગયા ઑગસ્ટમાં સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

જોસેફ શાઈને જણાવ્યું હતું કે આ કાયદો અન્યાયી, સ્વચ્છંદ અને મહિલાઓ તથા પુરુષો બન્ને માટે ભેદભાવપૂર્ણ છે.

જોસેફ શાઈને કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું, "વ્યભિચાર સંબંધી કાર્યવાહી ચલાવવા માટે પરિણીત મહિલાઓ માટે જોગવાઈ નથી. તેમની સ્થિતિ પુરુષો જેવી જ છે."

"મહિલાઓ પુરુષની પ્રોપર્ટી છે એવી સદંતર ખોટી ધારણા સાથેનો આ કાયદો પરોક્ષ રીતે મહિલાઓ માટે ભેદભાવપૂર્ણ છે."

શું તમે આ વાંચ્યું?

જોસેફ શાઈને તેમની 45 પાનાની અરજીમાં અમેરિકન કવિ રાલ્ફ વાલ્ડો એમર્સન, મહિલા અધિકાર કર્મશીલ મૅરી વૉલ્સ્ટોનક્રાફ્ટ અને સંયુક્ત રાષ્ટ્રસંઘના ભૂતપૂર્વ મહામંત્રી કોફી અન્નાનના જાતીય સમાનતા તથા મહિલાઓના અધિકાર વિશેનાં અવતરણોને છૂટથી ટાંક્યાં હતાં.

કાયદાને અગાઉ કોઈએ પડકાર્યો હતો?

આ ગુના માટે મહિલાને શા માટે સજા કરી ન શકાય એવો સવાલ કરીને આ કાયદાને એક અરજદારે 1954માં સૌપ્રથમવાર પડકાર્યો હતો.

અરજદારે એવી દલીલ પણ કરી હતી કે મહિલાને અપાયેલી મુક્તિ ભેદભાવપૂર્ણ છે.

સુપ્રીમ કોર્ટે એ અરજીને ફગાવી દીધી હતી. એ પછી કોર્ટે આવી અરજીઓને કમસેકમ બે વખત 1985માં તથા 1988માં ફગાવી દીધી હતી.

એક ન્યાયમૂર્તિએ 1985માં કહ્યું હતું, "સ્થિર લગ્નનો આદર્શ ધિક્કારપાત્ર નથી."

એક પરિણીતાને એક પુરુષ સાથે કથિત જાતીય સંબંધ હતો. પરિણીતાના પતિએ તેના વિરુદ્ધ વ્યભિચારની ફરિયાદ કરી હતી. એ પછી પરિણીતાએ કોર્ટમાં ધા નાખી હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આ કાયદો "લગ્નજીવનમાં ભંગાણ પાડતી" અને "તેને અપવિત્ર કરતી બહારની વ્યક્તિને" સજા કરવાના હેતુસરનો છે.

કાયદામાં સુધારાની બે અલગ-અલગ સમિતિએ 1971 અને 2003માં ભલામણ કરી હતી કે આ ગુના બદલ મહિલા સામે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.

એક ન્યાયમૂર્તિના વડપણ હેઠળની 2003ની સમિતિએ જણાવ્યું હતું, "વૈવાહિક જીવનમાં વ્યભિચારને સમાજ ધિક્કારે છે. થી પરિણીત પુરુષ સાથે જેણે જાતીય સંબંધ બાંધ્યો છે એ પત્ની સાથે પણ સમાન વ્યવહાર નહીં કરવાનું કોઈ કારણ નથી."

2011માં વધુ એક અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું, "સખત જાતીય પક્ષપાત દાખવવા" બદલ આ કાયદાની ટીકા થઈ રહી છે. કાયદાનું એવું વલણ પરિણીત મહિલાને તેના પતિની પ્રોપર્ટી બનાવી દે છે.

આ વિશેની લેટેસ્ટ અરજી "બદલાયેલી સામાજિક પરિસ્થિતિ"ના સંદર્ભમાં કરવામાં આવી હોવાનું અરજદાર જોસેફ શાઈને જણાવ્યું હતું.

વ્યભિચાર વિશે સરકાર શું માને છે?

ભારતીય જનતા પક્ષની વર્તમાન સરકારે આ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે વ્યભિચાર એક ફોજદારી ગુનો જ રહેવો જોઈએ.

"વ્યભિચાર સંબંધી કાયદાને હળવો બનાવવાથી તેની લગ્નની પવિત્રતા પર માઠી અસર થશે. તેને કાયદેસરની બનાવવાથી વૈવાહિક સંબંધને નુકસાન થશે," એવું અદાલતને જણાવતાં સરકારી વકીલે ઉમેર્યું હતું, "લગ્નસંસ્થા અને તેની પવિત્રતાને ભારતીય સમાજ સર્વોચ્ચ મહત્ત્વ આપે છે."

કાયદાની ટીકા કરતા લોકો શું કહે છે?

ટીકા કરતા લોકો આ કાયદાને "સ્ત્રીઓ પ્રત્યે અણછાજતું વલણ દાખવતો, હડહડતો મહિલા-વિરોધી" અને "સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરતો" ગણાવે છે.

અરજદાર જોસેફ શાઈને કહ્યું હતું, "જાતીય સંબંધમાં ભાગીદાર બે પૈકીની એક વ્યક્તિને જ સજા કરવાનું કોઈ તર્કસંગત કારણ નથી."

આ કાયદાને પડકારતી અગાઉની અરજીઓ ફગાવતી વખતે સર્વોચ્ચ અદાલતે એવું ધાર્યું હતું કે "ભ્રષ્ટ કરનાર પુરુષ છે, સ્ત્રી નહીં," એવું જોસેફ શાઈને જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, "અદાલતનું આ વલણ સમજી શકાય તેવું નથી. તેનું સમર્થન કરતી કોઈ વૈજ્ઞાનિક માહિતી કે સામગ્રી પણ નથી."

જોસેફ શાઈને એવું પણ જણાવ્યું હતું કે આ કાયદાનો હેતુ લગ્નની પવિત્રતાનું રક્ષણ કરવાનો હોય તો "પતિની સહમતી પર આધારિત વ્યભિચારી સંબંધને તેમાંથી બાકાત રાખવાનું બુદ્ધિગમ્ય નથી."

આ કાયદાની ટીકા કરતા અન્ય લોકોએ જણાવ્યું હતું કે પ્રસ્તુત કાયદો "મહિલાઓની લૈંગિકતા વિશેની પિતૃપ્રધાન સમાજની માન્યતાઓનું" રક્ષણ કરવામાં જ મદદરૂપ બન્યો છે.

પ્રાઇવસી એટલે કે નિજતાના અધિકારમાં જાતીય નિજતાનો પણ સમાવેશ થાય છે અને બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચેના, પારસ્પરિક સંમતિ સાથેના જાતીય સંબંધને ગુનો ગણવાનું કોઈ કારણ નથી.

ગયા વર્ષે સીમાચિહ્નરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નાગરિકોને નિજતાનો મૂળભૂત અધિકાર છે.

નિજતાને મૂળભૂત અધિકાર નહીં માનતા સર્વોચ્ચ અદાલતના અગાઉના બે ચૂકાદાને ગત વર્ષના ચુકાદાએ રદ કર્યા હતા.

બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચેનો પારસ્પરિક સંમતિથી બંધાયેલો જાતીય સંબંધ અંગત બાબત છે, ત્યારે ચુકાદો એડલ્ટરીના કાયદા સાથે ન્યાય કઈ રીતે કરી શકશે તે નિષ્ણાતો સમજી શકતા નથી.

કાયદાનું શિક્ષણ આપતાં રશ્મી કાલિયાએ લખ્યું હતું, "કોણે કોની સાથે શયન કરવું તેના પર નિયંત્રણનો પ્રયાસ કાયદાકીય વ્યવસ્થાએ ન કરવો જોઈએ."

આદરપાત્ર ગણાતા ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી મેગેઝિનના જણાવ્યા મુજબ, "લગ્નમાં વફાદારીની આશા યોગ્ય છે કે અયોગ્ય અથવા વ્યભિચારને જાતીય સ્વાતંત્ર્ય સાથે સંબંધ છે કે નહીં, એ મુદ્દો નથી."

સામયિકે તાજેતરના તેના તંત્રીલેખમાં લખ્યું હતું, "મુદ્દો એ છે કે બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચેના જટિલ, સંવેદનશીલ સંબંધ પર સરકારે નજર રાખવી જોઈએ કે તેને ન્યાયસંગત બનાવવો જોઈએ."

બીજા ક્યા દેશોમાં એડલ્ટરી ગુનો ગણાય છે?

દક્ષિણ કોરિયાની સરકારે 2015માં આવા જ એક કાયદાને રદ કર્યો હતો.

તે કાયદા અનુસાર, વ્યભિચારી પુરુષને બે વર્ષ કે તેથી ઓછા કારાવાસની સજા કરી શકાતી હતી. અદાલતે જણાવ્યું હતું કે આ કાયદો આત્મનિર્ણય અને નિજતાનું ઉલ્લંઘન કરે છે.

બ્રિટન અને મોટાભાગના યુરોપમાં એડલ્ટરી ગુનો નથી. સર્વેક્ષણના તારણ અનુસાર, મોટાભાગના અમેરિકનોને એડલ્ટરી સ્વીકાર્ય નથી, પણ તેઓ તેને ગુનો ગણતા નથી.

તેમ છતાં ન્યૂ યોર્ક સહિતનાં અમેરિકાનાં વીસથી વધુ રાજ્યોમાં એડલ્ટરીને ગેરકાયદે ગણવામાં આવે છે.

સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટી ખાતેના કાયદાના પ્રોફેસર અને 'એડલ્ટરીઃ ઇનફિડિલિટી ઍન્ડ ધ લૉ' પુસ્તકનાં લેખિકા ડેબોરાહ રોડે બીબીસીને કહ્યું હતું, "ફોજદારી કાયદાઓ મોટેભાગે પ્રતિકાત્મક કારણોસર અમલમાં છે અને તેને રદ કરવાની રાજકીય કિંમત કોઈએ ચૂકવવી પડે તેમ નથી."

બ્રિટનમાં એડલ્ટરી ફોજદારી ગુનો નથી અને અન્ય ઘણા દેશોની માફક એડલ્ટરી છૂટાછેડા માટે આપવામાં આવતા મુખ્ય કારણો પૈકીની એક છે.

જીવનસાથીની બેવફાઈની જાણ થયા પછીના છ મહિના સુધી દંપતિ સાથે રહ્યું હોય તો તેઓ એડલ્ટરીને છૂટાછેડા લેવાનું એક કારણ ગણાવી શકતા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો