You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જસ્ટિસ ચંદ્રચૂડે આધારને શા માટે ગણાવ્યું ગેરબંધારણીય?
આધારની અનિવાર્યતા અને તેનાથી વ્યક્તિની પ્રાઇવસીના ઉલ્લંઘન વિશે સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતની બંધારણીય ખંડપીઠે બહુમતના આધારે જણાવ્યું હતું કે આધાર બંધારણીય રીતે માન્ય છે.
જોકે, જસ્ટિસ ચંદ્રચૂડે તેમનાથી અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને આધારને ગેરબંધારણીય ગણાવ્યું હતું.
જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે તેઓ જસ્ટિસ સીકરીએ સંભળાવેલા ચુકાદાથી અલગ અભિપ્રાય ધરાવે છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે આધાર એક્ટને રાજ્યસભાથી બચાવવા માટે નાણાં ખરડાની માફક પસાર કરાવવો એ બંધારણ સાથેનો દગો છે, કારણ કે તે બંધારણના અનુચ્છેદ 110નું ઉલ્લંઘન છે.
"બધા બૅન્ક ખાતાધારક ગોબાચારી નથી કરતા"
બંધારણનો અનુચ્છેદ 110 ખાસ કરીને નાણાં વિધેયકના સંદર્ભમાં જ છે અને આધાર એક્ટને પણ એ રીતે જ પસાર કરવામાં આવ્યો હતો.
જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે આધાર એક્ટને તેના વર્તમાન સ્વરૂપમાં બંધારણીય ગણી શકાય નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું હતું કે મોબાઇલ આપણા સમયમાં જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે અને તેને આધાર સાથે જોડી દેવામાં આવ્યો છે. એવું કરવું પ્રાઇવસી, સ્વતંત્રતા અને સ્વાયતતા પર જોખમ છે.
મોબાઇલથી આધાર નંબરને ડીલિંક કરવાના પક્ષમાં પોતે હોવાનું પણ જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું.
પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ બાબતે જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે બધા બૅન્ક ખાતાધારકો ગોબાચારી કરતા લોકો છે, એવું આ કાયદો શા માટે માને છે.
બૅન્કમાં ખાતું ખોલાવતી તમામ વ્યક્તિ સંભવિત આતંકવાદી છે કે ગોબાચારી કરે છે એવું માની લેવું તે મૂળભૂત રીતે જ ક્રૂરતા છે.
જસ્ટિસ ચંદ્રચૂડે એમ પણ જણાવ્યું હતું કે ડેટાના સંગ્રહથી નાગરિકોની વ્યક્તિગત પ્રોફાઇલિંગનું જોખમ પણ છે. એ માહિતીસંગ્રહ મારફતે કોઈને પણ નિશાન બનાવી શકાય છે.
"કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રાખી શકાય"
જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે આધાર નંબર માહિતીની નિજીતા, સ્વાધીનતા અને ડેટા સલામતીની વિરુદ્ધ છે. તેમણે તેને નિજીતાના અધિકાર વિરુદ્ધનું પણ ગણાવ્યું હતું.
જસ્ટિસ ચંદ્રચૂડના જણાવ્યા મુજબ, આધારથી સંવેદનશીલ ડેટાનો દુરુપયોગ થવાની આશંકા છે અને થર્ડ પાર્ટી માટે તે આસાન છે.
ખાનગી વેપારી પણ સહમતિ કે પરવાનગી વિના વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ કરી શકે છે.
તેના નિરાકરણમાં આધાર પ્રોગ્રામ નિષ્ફળ રહ્યો હોવાનું જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું.
આધાર નંબર વિનાના લોકોને કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત રાખવા એ નાગરિકોના મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે, એમ જણાવતાં જસ્ટિસ ચંદ્રચૂડે ઉમેર્યું હતું કે યુઆઈડીએઆઈ (યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઑફ ઇંડિયા) પર લોકોના ડેટાની સલામતીની કોઈ જવાબદારી નથી.
જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ડેટાની સલામતી માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય તે ખતરનાક છે. અત્યાર સુધી આધાર વિના ભારતમાં રહેવું અશક્ય હતું, પણ તે બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો