અદાણીના આ પ્રોજેક્ટને લઈને ઝારખંડના લોકોમાં ગુસ્સો કેમ છે?

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, ગોડ્ડા ઝારખંડથી બીબીસી ગુજરાતી માટે
માલી ગામની લુખુમોયી મુર્મૂનો જન્મ ભારતની આઝાદી બાદ થયો છે. તેમણે ગુલામી તો જોઈ નથી પણ વાતો તો સાંભળી છે જ.
હવે આઝાદ ભારતમાં પણ તે કથિત રીતે એ જ પ્રકારનાં દમનનો અનુભવ કરી રહ્યાં છે. આનું કારણ બન્યું છે અહીં બની રહેલો 'અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ'.
આઠસો મેગાવૉટના આ પ્લાન્ટના નિર્માણ માટે ઝારખંડ સરકાર અને અદાણી પાવર(ઝારખંડ) વચ્ચે ફેબ્રુઆરી 2016માં એક કરાર કર્યો હતો.
આ કરાર હેઠળ અહીં ઉત્પન્ન થનારી 1600 મેગાવૉટ વીજળી ખાસ ટ્રાન્સમિશન લાઇન વડે સીધી જ બાંગલાદેશ મોકલી દેવાશે.
આ પ્લાન્ટ માટે અદાણી જૂથ રૂપિયા 15,000 કરોડનું રોકાણ કરવાનું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2015માં બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન થઈ હતી.
બાદમાં બાંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાની દિલ્હીની મુલાકાત વખતે આ વાત આગળ વધારવા અંગે સહમતી સધાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ માટે અદાણી પાવર લિમિટેડ અને બાંગલાદેશ પાવર ડેવલપમૅન્ટ વચ્ચે ઔપચારિક કરાર થઈ ચૂક્યા છે.

લુખુમોયીની પીડા

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
લુખુમોયી મુર્મૂએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, ''અમે પાવર પ્લાન્ટ માટે અમારી જમીન આપી જ નથી. તો પછી કેવી રીતે મારી જમીન એમના તાબામાં આવી ગઈ."
"31 ઑગસ્ટના રોજ અદાણી કંપનીના લોકો સેંકડો પોલીસવાળા અને લાઠીધારી માણસો સાથે અમારા ગામમાં આવ્યા અને મારા ખેતર પર જબરદસ્તી કબ્જો જમાવવાનો પ્રયાસ કર્યો."
"તેમણે મારો ડાંગરનો પાક પણ નષ્ટ કરી નાખ્યો અને બુલડોઝર ચલાવી તમામ છોડ-વૃક્ષ પણ ઉખેડી નાખ્યાં. હું તેમના પગે પડી, કાલાવાલા કર્યા કે તેઓ મારા પાકને બરબાદ ના કરે પણ તેમણે મારું સાંભળ્યું પણ નહીં."
"તેઓ અંગ્રેજોની જેમ દમન કરવા ઉતાવળા હતા. તેમણે અમારી જમીન પર વાડ લગાડી દીધી. અમારા પૂર્વજોના સ્મશાનને પણ તોડી નાખ્યું.''
''એ લોકોએ કહ્યું કે હવે આ જમીન અદાણી કંપનીની છે, મારી નથી. અમને કહેવામાં આવ્યું કે આ જમીનનું સંપાદન થઈ ચૂક્યું છે અને એની ભરપાઈ સરકારને કરી દેવામાં આવી છે."
"તમે જ કહો કે જ્યારે અમે જમીન આપી જ નથી તો એ એ લોકોની કેવી રીતે થઈ ગઈ? અમને આમારી જમીન પાછી જોઈએ છે, ભરપાઈ નથી જોઈતી.''

કોણ છે લુખુમોયી મુર્મૂ

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
માલી ગામમાં આદિવાસીઓના લગભગ દોઢ ડઝન ઘર છે.
લગભગ 100 લોકોની વસ્તીવાળા આ ગામમાં એક ઘર લુખુમોયી મુર્મૂનું પણ છે.
થોડા સમય પહેલાં જમીન પર કબજા ટાણે તેમની પગ પકડીને રોતી તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં હતાં.
લુખુમોયી અને તેમના ગામના આદિવાસીઓ પાવર પ્લાન્ટ માટે જમીનનાં સંપાદનનો વિરોધ કરી રહ્યાં છે.
આ આદિવાસીઓની અહીં લગભગ 16.75 વીઘા જેટલી પૂર્વજોની જમીન છે. જેના પર ખેતી કરીને તેઓ પોતાની આજીવિકા રળે છે.

ક્યાં ક્યાં કરવામાં આવ્યું છે સંપાદન
અદાણી જૂથના પ્રસ્તાવિત પાવર પ્લાન્ટ માટે ગોડ્ડા જિલ્લાના મોતિયા, ગંગટા ગોવિંદપૂર,પટવા અને પોડૈયાહાટાના માલી, ગાયઘાટ અને સોનડીહા ગામોની જમીન પર અત્યારે સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે.
સરકારે દાવો કર્યો છે કે મોતિયા, ગંગટા ગોવિંદપૂર,પટવા અને માલી ગામોની મોટા ભાગની પ્રજાએ પોતાની જમીન આપી વળતર પ્રાપ્ત કરી લીધું છે.
જ્યારે આ ગામોના આદિવાસીઓનો આરોપ છે કે સરકારે એમની જમીન ગેરકાયદેસર જપ્ત કરી છે. માટે તેઓ તેમનું વળતર ના લઈ શકે.
અદાણી સમૂહે મોતિયા ગામમાં પોતાના પ્રસ્તાવિત પાવર પ્લાન્ટનું બૉર્ડ લગાવ્યું છે. અહીંયા ઍસ્બેસ્ટૉસ અને ઈંટો વડે કેટલીક કચેરી ઊભી કરવામાં આવી છે.
બહાર કેટલાક સુરક્ષા કર્મચારી ગોઠવવામાં આવ્યા છે. જેમણે અમારી પ્રાથમિક પૂછપરછ બાદ જ અમને ફોટો પાડવાની મંજૂરી આપી.
આ ગામોમાં ફરતી વખતે મેં અદાણી ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલા ચબૂતરા અને કેટલાક નિર્માણ જોયાં.
જે એ વાતનો પુરાવો છે કે અદાણી સમૂહ પોતાના આ પ્રયાસ વડે સ્થાનિક લોકોનું દિલ જીતવા માંગે છે.

તો પછી શા માટે છે વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
મોતિયામાં મારી મુલાકાત રામજીવન પાસવાન સાથે થઈ. તેઓ નિવૃત શિક્ષક છે. તેમણે પોતાની જમીનના જબરદસ્તી સંપાદન અને મારઝૂડના આરોપમાં અદાણી સમૂહના અધિકારીઓ સામે કેસ કર્યો છે.
તેઓ માને છે કે અદાણી સમૂહ ઝારખંડ સરકાર સાથે મળેલું છે. એમણે આરોપ મૂક્યો કે ઝારખંડ સરકાર 'પ્રૉ-પીપલ' ને બદલે 'પ્રૉ-અદાણી' બની ચૂકી છે.
રામજીવન પાસવાને બીબીસીને જણાવ્યું, સરકાર ખોટું બોલે છે. ખોટા તથ્યોને આધારે અમારી જમીનનો કબજો કરી લેવામાં આવ્યો છે, જ્યારે અમે તો હજુ અમારા સંમતિપત્રો સોંપ્યા જ નથી.
આ લોકો દલાલો(વચેટિયા)ની મદદ વડે લોકોને ડરાવી ધમકાવી જમીનો પર કબજો કરી રહ્યા છે.
આંખમાં આંસુ સાથે તેઓ જણાવે છે, ''ફેબ્રુઆરી મહિનામાં અદાણી સમૂહના કેટલાક લોકો મારા ખેતર પર આવ્યા અને મારી જાતિ(દુસાધ) વિશે ગાળો આપી અને કહ્યું કે આ જ જમીનમાં કાપીને દફનાવી દઈશું."
"મારા જીવનમાં મને પહેલાં કદીયે આવી ગાળો આપી નહોતી. હું આ ઘટનાને ભૂલી શકું તેમ નથી. મારા ઘર પર ઈંટ-પથ્થરથી હુમલો કરાયો અને હવે પોલીસ પણ આ મુદ્દે કાર્યવાહી કરતી નથી.''

'મરી ગયો છે એમ જણાવી જમીન લઈ લીધી'

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
આ જ ગામના ગણેશ પંડિતનું દુ:ખ જુદુ જ છે. સરકાર દ્વારા જમીનના સંપાદન માટે બનાવવામાં આવેલી યાદીમાં એમને મૃત ગણાવી એમની જમીનનું સંપાદન કરી લેવામાં આવ્યું છે.
એમણે બીબીસીને કહ્યું, ''મને કંપની(અદાણી)ના લોકોએ મારી નાંખ્યો. ત્રણ દીકરા છે. બેના જ નામ દર્શાવવામાં આવ્યા છે અને મારી જમીનને મારી મંજૂરી વગર જ સંપાદન કરી લેવાઈ છે."
"મેં વળતરના પૈસા પણ લીધા નથી. તેમ છતાં મારી જમીન પર વાડ લગાવી દઈ ઘેરી લેવામાં આવી .''
ગંગટા ગોવિંદપુર ગામના સૂર્યનારાયણ હેંબ્રમની પણ આવી જ ફરિયાદ છે.
એમણે જણાવ્યું કે જુલાઈમાં પોતાના ખેતરમાં ડાંગરની રોપણી કરતી વખતે અદાણી કંપનીના કથિત મેનેજરોને એમને પોતાના ખેતરમાં રોપણી કરતા અટકાવી દીધા હતા.
તેમણે વળતર નથી લીધું પણ તેઓ પાવર પ્લાન્ટ માટે જમીન પણ આપવા માગતા નથી.
સરકારે એમની જમીનનું પણ સંપાદન કરી લીધું છે.
સૂર્યનારાયણ હેંબ્રમ( ગંગટા), રાકેશ હેંબ્રમ, શ્રવણ હેંબ્રમ, મેનેજર હેંબ્રમ, અનિલ હેંબ્રમ, બબલુ હેંબ્રમ, ચંદન હેંબ્રમ, મુંશી હેંબ્રમ, પંકજ હેંબ્રમ(તમામ માલી ગામના છે) અને રામજીવન પાસવાન તેમજ ચિંતામણિ સાહ (મોતિયા)એ આરોપ લગાડ્યો છે કે ડિસેમ્બર 2017માં જનસુનાવણી દરમિયાન અદાણી જૂથના અધિકારીઓએ કથિત રીતે નકલી લોકોનું જૂથ ઊભું કરી ઔપચારિકતા પૂરી કરી લીધી હતી.
ગાંધીવાદી ચળવળકર્તા ચિંતામણિ સાહ જણાવે છે, ''આમાં પ્રવેશ માટે ક્યારેક પીળું કાર્ડ તો ક્યારેક સફેદ રૂમાલ નક્કી કરવામાં આવ્યા હતા. જનસુનાવણી વખતે માત્ર એ લોકો જ અંદર જઈ શક્યા જેમની પાસે આ ઓળખ હતી.”
“વાસ્તવિક પ્રજા તો પોતાનું આધારકાર્ડ અને રાશનકાર્ડ લઈ રાહ જોતી જ રહી ગઈ. એમને અંદર જવા જ દેવામાં ના આવ્યા.”
“બાદમાં આ જ કથિત જનસુનાવણી અને મુંબઈની એક કંપની દ્વારા કથિત રીતે કરવામાં આવેલા સોશિયલ ઇમ્પૅક્ટ સર્વેના આધારે જમીનનું સંપાદન કરી લેવામાં આવ્યું.''

સરકારનો પક્ષ

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
ગોડ્ડાના એડિશનલ કલેક્ટર અનિલ તિર્કીએ મીડિયાને જણાવ્યું હતું કે સરકારે અદાણી પાવરના ઝારખંડના ગોડ્ડા પ્લાન્ટ માટે 517 એકર જમીનનું સંપાદન કરી લીધું છે.
અદાણી સમૂહને 900 એકરથી વધુ જમીનની જરૂરિયાત છે.
આના માટે પોડૈયાહાટ પ્રખંડના સોનડીહા અને ગાયઘાટ ગામોની આશરે 398 એકર જમીનના સંપાદનની સૂચના આપવામાં આવી હતી.
નક્કી કરેલી સમય મર્યાદામાં અદાણી જૂથ સમૂહ સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી શક્યું નહોતું, જેથી આ જમીન સંપાદનની તમામ પ્રક્રિયાઓ તેમણે ફરીથી કરવી પડશે.
બળજબરીપૂર્વક જમીન સંપાદન અને આદિવાસીઓ અને ગ્રામીણોના અન્ય આક્ષેપોના વિષયમાં પૂછાયેલા સવાલોના જવાબ તિર્કીએ ટાળી દીધા અને કહ્યું કે તેઓ આ જવાબ આપવા માટે જવાબદાર નથી.
ગોડ્ડાના ડેપ્યૂટી કલેક્ટર કંચન કુમાર પાસીએ મીડિયા સમક્ષ દાવો કર્યો કે જમીનના સંપાદનમાં જમીન સંપાદનના કાયદાનું પાલન થઈ રહ્યું છે.

વિપક્ષે હુમલો કર્યો

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
ઝારખંડ વિકાસ મોરચાના નેતા અને પોડૈયાહાટના ધારાસભ્ય પ્રદીપ યાદવે સરકાર અને તેમના અધિકારીઓ પર ખોટું બોલવાનો આક્ષેપ મૂક્યો છે.
તેમણે અદાણી પાવર પ્લાન્ટ માટે જમીન સંપાદનના વિરોધમાં અનશન કર્યા હતા ત્યાર બાદ તેમને જેલ જવું પડ્યું હતું.
તેમણે કહ્યું કે અદાણી સમૂહને લાભ પહોચાડવા માટે સરકારે પોતાની ઉર્જા નીતિ પણ બદલી નાખી છે. આ કાયદેસર અન્યાય છે.
જે લોકોએ ગ્રામજનો સાથે મારપીટ કરી તેમનો પાક બરબાદ કર્યો છે તેવા લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થવી જોઈએ અને સંપાદન પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
ઝારખંડ દિશોમ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ સાંસદ સાલન મુર્મૂએ આ મુદ્દે આગામી એક ઑક્ટોબરના રોજ સંથાલ પરગનાના તમામ છ જિલ્લા મથકોમાં ઘરણા પ્રદર્શન અને 11 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં સંપૂર્ણ બંધ પાળવાની જાહેરાત કરી છે.
અદાણી સમૂહના એક અધિકારી સાથે મારી મુલાકાત ગોડ્ડામાં થઈ પણ તેમણે કઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો.
જોકે, અદાણી સમૂહના રાંચી સ્થિત હેડ અમૃતાંશુ પ્રસાદે એક નિવેદન જાહેર કરીને મીડિયામાં કહ્યું કે ગોડ્ડા પાવર પ્લાન્ટનો વિરોધ કરનારા લોકો વિકાસ વિરોધી છે.
તેમને ખબર નથી કે એ પ્લાન્ટ શરૂ થવાના કારણે કેટલા લોકોને રોજગારી મળશે.
મુખ્યમંત્રી રધુવર દાસે પણ કેટલાક મહિના પહેલાં કહ્યું હતું કે અદાણી સમૂહના પાવર પ્લાન્ટથી રોજગારીના નવા અવસરો સર્જાશે.
જોકે, વિવાદોમાં ઘેરાયેલા અદાણી સમૂહે પોતાના પાવર પ્લાન્ટ માટે બાકી જમીનોના સંપાદનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














