You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી : જૈન મુનિ તરુણ સાગરનું લાંબી માંદગી બાદ નિધન
દિગંબર જૈન મુનિ તરુણ સાગરનું દિલ્હી ખાતે 51 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા.
તેમને અગાઉ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત ગુરુવારથી તેમની તબિયત વધુ નબળી પડવા લાગી હતી.
શુક્રવારે તેમણે આહાર લીધો હતો. ન્યૂઝ એજન્સીઓના અહેવાલ અનુસાર તેમણે આજે વહેલી સવારે ત્રણ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
આજે બપોરે મેરઠ-દિલ્હી હાઇવે પાસેના તરુણસાગરમ્ તીર્થ ખાતે તેમની અંતિમવિધિ કરાશે.
દિગંબર મુનિના નિધનને પગલે જૈન સમુદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
તેમણે લખ્યું, "જૈન મુનિ તરુણ સાગરના અકાળમૃત્યુથી હું વ્યથિત છું. તેમના સમૃદ્ધ વિચાર અને સમાજ માટેના યોગદાન માટે હંમેશાં તેઓ યાદ રહેશે."
"તેમના પ્રવચન લોકોને પ્રેરણા આપતા રહેશે. જૈન સમુદાયને મારી સાંત્વના અને સહાનુભૂતિ."
દરમિયાન, ગૃહ મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું કે, "હું જૈન મુનિએ અકાળે મહાસમાધિ લીધી તેનાથી હું સ્તબ્ધ છું. તેઓ પ્રેરણાનો સ્રોત અને દયા-કરુણાનો સાગર હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમના નિધનથી સંત સમાજમાં એક મોટો શૂન્યાકાર સર્જાયો છે. હું તેમના ચરણોમાં મારી શ્રદ્ધાંજલિ આપું છું."
કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમણે ટ્વીટ કર્યું કે,"જૈન મુનિ તરુણ સાગરના નિધનના સમાચાર જાણીને દુખ થયું. સમાજ માટે તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે."
"મારા માટે તેમનું નિધન સ્વજન ગુમાવવા સમાન છે. હું તેમને અંગત રીતે ઓળખતો હતો અને તેમનો મારા પર આશિર્વાદ હતો."
કોણ છે જૈન મુનિ તરુણ સાગર?
મુનિ તરુણ સાગર દિગંબર પંથના જૈન સંત હતા અને મૂળ મધ્ય પ્રદેશના હતા.
સુરતના જૈન સમુદાયના અગ્રણી યશંવત શાહે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મુનિ તરુણ સાગર એક પ્રખર અને ક્રાંતિકારી સંત હતા. માત્ર દિગંબર જ નહીં પણ જૈન સમુદાયના તમામ પંથો અને બિન-જૈન લોકો પણ તેમના અનુયાયી હતા."
તમે આ વાંચ્યું કે નહીં?
"તેમના 'કડવાં પ્રવચનો’ ઘણી રૂઢિગત માન્યતાઓને પડકારતા હતા. તેમણે માત્ર ધાર્મિક નહીં પણ સામાજિક મુદ્દાઓ મામલે પણ સમાજમાં યોગદાન આપ્યું હતું."
"મધ્યપ્રદેશ અને હરિયાણાની વિધાનસભામાં તેમણે ખૂબ જ પ્રભાવક પ્રવચનો આપ્યા હતા."
"સુરતમાં તેઓ એક વખત ચતુર્માસ માટે આવ્યા હતા ત્યારે તેમની સાથે મુલાકાત થઈ હતી."
"ત્યારબાદ હું તેમને મળવા માટે અન્ય શહેરોમાં પણ જતો હતો."
સંથારો એટલે શું?
વધુમાં દિગંબર પંથની પરિભાષા મુજબ જૈન મુનિ તરુણ સાગરે સંથારો (મહા સમાધિ) લીધી છે.
આ અંગે તેમણે જણાવ્યું, "સંથારો એટલે સમાધિ. દિગંબરમાં જ્યારે મુનિ તેમની જાતે અન્નજળ લેવા સક્ષમ ન હોય અથવા આંખથી જોઈ ન શકે ત્યારે તેઓ સંથારો કરતા હોય છે."
"સંથારો કરવો એટલે મૃત્યુ સુધી અન્નજળનો ત્યાગ કરવો. જૈન મુનિ ઊભા રહીને જમતા હોય છે."
"આથી તરુણ સાગર નબળા સ્વાસ્થ્યને કારણે અન્નજળ ન લઈ શકતા હોવાથી તેમણે સંથારો લીધો."
"કેમ કે, જૈમ મુનિ માત્ર પોતાના હાથથી જ જમતા હોય છે."
જ્યારે આરએસએસનો બેલ્ટ બદલાવ્યો
તરુણ સાગર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર અને રાજસ્થાનના મુખ્ય મંત્રી વસુંધરા રાજેના નિકટ હોવાનું માનવામાં આવતું હતું.
વર્ષ 2010માં તેમને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વિજયાદશમીના કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હતું.
દરમિયાન તેમણે સ્વંયસેવકોને ચામડાનાં બેલ્ટ પહેરનારા અહિંસાના વિરોધી હોવાનું કહ્યું હતું.
આથી બાદમાં આરએસએસ દ્વારા સ્વંયસેવકોના ડ્રેસ કોડમાં ચામડાના બેલ્ટની જગ્યાએ કૅન્વસના બેલ્ટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો