You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયાને ગગડતો કેમ રોકી શકતા નથી?
- લેેખક, ટીમ બીબીસી હિંદી
- પદ, નવી દિલ્હી
ડૉલરની સરખામણીએ રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.
રૂપિયાના મૂલ્યમાં 26 પૈસાના ઘટાડા સાથે શુક્રવારે ભારતીય શેરબજાર ખૂલ્યું હતું અને એક ડૉલરનું મૂલ્ય 71 રૂપિયા થઈ ગયું હતું.
2018માં ઊભરતાં બજારનાં ચલણમાં ભારતીય રૂપિયાની હાલત સૌથી ખરાબ જોવા મળી રહી છે. એશિયામાં પણ રૂપિયાની હાલત નાજુક થઈ ગઈ છે.
આર્થિક વિશ્લેષકોનું કહેવું છે કે રૂપિયાના મૂલ્યમાંનો ઘટાડો ભારતની વેપાર ખાધનો સૂચક છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આગામી દિવસોમાં પણ રૂપિયા પરનું દબાણ યથાવત રહેશે એવું કહેવામાં આવે છે.
ભારતીય કંપનીઓના વધતા વિદેશી ખર્ચને પણ રૂપિયાના મૂલ્યમાં ઘટાડાનું એક કારણ ગણવામાં આવી રહ્યો છે.
ચાલુ ખાતાની ખાધ
અમેરિકામાં વ્યાજના દરમાં વધારો થવાથી લગભગ તમામ મોટાં માર્કેટ્સ નાણાં બહાર કાઢવાના પડકાર સામે ઝઝૂમી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે દેશોની ચાલુ ખાતાની ખાધ (કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ) વધારે છે તેમની હાલત સૌથી વધારે ખરાબ છે.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ, દુનિયામાં એવાં અનેક ઉદાહરણો છે, જેઓ ચાલુ ખાતામાં ખાધને કારણે તેમનાં ચલણના મૂલ્યમાં ઘટાડા સામે ઝઝૂમી રહ્યાં છે.
ચાલુ ખાતાની ખાધનો આધાર વ્યાપાર સંતુલન પર હોય છે. વ્યાપાર સંતુલનનો અર્થ કોઈ પણ દેશની આયાત તથા નિકાસમાં સમાનતા એવો કરી શકાય.
ક્રૂડના ભાવ
ક્રૂડના ભાવમાં કોઈ પણ પ્રકારના ઘટાડાની આશા નથી ત્યારે રૂપિયાની હાલતમાં પણ તત્કાળ કોઈ સુધારાની આશા રાખી ન શકાય.
ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 70 ડૉલરની આસપાસ રહેશે તેવું કહેવામાં આવે છે.
ભારતમાં ચાલુ ખાતાની ખાધ જીડીપીના અઢી ટકા થઈ ગઈ છે, જે ગત છ વર્ષમાં સૌથી વધારે છે.
ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ વધીને 90 ડૉલર સુધી પહોંચી જશે તો ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 3.6 ટકા થઈ જશે.
વિશ્વમાં ક્રૂડની સૌથી વધુ આયાત કરતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.
ક્રૂડની કિંમતમાં વધારો થાય તો તેની સીધી અસર દેશના આયાત બિલ પર થાય છે. તેની અસર વિદેશી ચલણના ભંડાર પર થાય છે.
ઈરાન પરના અમેરિકાના પ્રતિબંધને કારણે ભારત ત્યાંથી ક્રૂડની આયાત બંધ કરી રહ્યું છે.
ઈરાન ભારતને ક્રૂડની ખરીદી ડૉલરને બદલે રૂપિયાના ચલણમાં કરવાની સુવિધા આપતું હતું.
ઈરાનમાંથી ક્રૂડ આયાત નહીં કરવાનું ભારતનો નિર્ણય પણ કોઈ ઝટકાથી ઓછો નથી.
વિદેશી ચલણનો ભંડાર
જોકે, વિદેશી ચલણના ભંડારની બાબતમાં ભારત વધારે સ્થિર થયું છે.
ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનેશનલ ફાઇનાન્સ(આઈઆઈએફ)ના જણાવ્યા અનુસાર ભારતનો વિદેશી ચલણનો ભંડાર 10 મહિના સુધીની આયાત માટે પૂરતો છે.
2013માં એ પ્રમાણ છ મહિના સુધીની આયાત પૂરતું જ હતું.
એ ઉપરાંત જીડીપીના પ્રમાણ અને મોટાં ઊભરતાં માર્કેટ્સની સરખામણીએ ભારતનું વિદેશી દેવું પણ ઓછું છે.
ભારતના આયાત બિલમાંનો વધારો નહીં અટકે તો આ સિલસિલો ચાલુ રહી શકે છે.
ગુરુવારે ડૉલરની તુલનામાં ભારતીય રૂપિયો 70.855ના સ્તરે પહોંચ્યો હતો અને શુક્રવારે 71ના સ્તરે પહોંચ્યો હતો, જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે.
આ વર્ષની શરૂઆતથી જ રૂપિયામાં ઘટાડો ચાલુ છે અને અત્યાર સુધીમાં તેમાં 10 ટકા ઘટાડો થઈ ચૂક્યો છે.
આખી દુનિયાની સમસ્યા
ઘણા વિશ્લેષકોનું કહેવું છે કે ડૉલરના તુલનાએ રૂપિયો 72ના આંકડાને સ્પર્શી શકે છે. અલબત, આ સમસ્યા એકલા ભારતની જ નથી.
દુનિયાભરનાં મોટા માર્કેટ્સમાં ત્યાંના ચલણની હાલત ખરાબ છે. તુર્કીનું ચલણ લીરા ઐતિહાસિક ઘટાડાનો સામનો કરી ચૂક્યું છે.
જૂનમાં ભારતની ચાલુ ખાતાની ખાધ 16 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી, જે પાછલા પાંચ વર્ષમાં સૌથી વધારે છે.
70ના આંકડાને ભારતીય ચલણ માટે મનોવૈજ્ઞાનિક આંકડો ગણાવવામાં આવી રહ્યો છે પણ એ તેનાથી વધશે તો ચિંતાનું કારણ બનશે.
રૂપિયાના મૂલ્યના ઘટાડા બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પૂરોગામી મનમોહન સિંહની ઝાટકણી કાઢતા રહ્યા હતા.
2014ની સંસદીય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ તેને એક મુદ્દો બનાવ્યો હતો.
2013માં રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થયો ત્યારે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે ભારતીય ચલણને આઈસીયુમાં પહોંચાડી દીધું છે.
અલબત, નરેન્દ્ર મોદી પોતે હવે વડાપ્રધાન છે ત્યારે રૂપિયાના મૂલ્યમાં ઘટાડા વિશે મૌન છે.
કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે નબળો રૂપિયો ભારતના લાભમાં પણ છે. તેને કારણે નિકાસ વધશે અને મેન્યુફેક્ચરિંગમાં રોકાણને પણ પ્રોત્સાહન મળશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો