આ ધરપકડો લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ છે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ધરપકડ કરાયેલા પાંચ માનવાધિકાર કાર્યકર્તાઓને રિમાન્ડ પર મોકલવામાં નહીં આવે. આગામી સુનાવણી સુધી તેમને ઘરમાં જ નજરકેદ રાખવામાં આવશે.

ઇતિહાસકાર રોમિલા થાપર, પ્રભાત પટનાયક, સતીશ દેશપાંડે, દેવકી જૈન અને માયા દારુવાલાની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે આ મામલે ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકારને નોટીસ પાઠવી છે. આ મામલાની આગામી સુનાવણી 6 સપ્ટેમ્બરના રોજ થશે.

જેની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પૂણે પોલીસને નિર્દેશ કર્યો છે કે ધરપકડ કરાયેલા તમામને ઘરમાં નજરકેદ રાખવામાં આવે.

માઓવાદીઓ સાથેના તેમના કથિત સંબંધોના આધારે મહારાષ્ટ્ર પોલીસે આ માનવાધિકાર કાર્યકર્તાઓની વિવિધ સ્થળેથી ધરપકડ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

સુધા ભારદ્વાજ, વરનૉન ગોન્ઝાલ્વિઝ, પી. વરવરા રાવ, ગૌતમ નવલખા અને અરુણ ફરેરાની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે આગામી સુનાવણી 6 સપ્ટેમ્બર 2018ના રોજ કરવામાં આવશે. ત્યાં સુધી ધરપકડ કરાયેલા માનવાધિકાર કાર્યકર્તાઓને નજરકેદમાં રાખવામાં આવશે.

સુનાવણી દરમિયાન કોર્ટે શું કહ્યું?

મંગળવારે મહારાષ્ટ્ર પોલીસે માઓવાદીઓ સાથે કથિત સંબંધોના મામલે પાંચ લોકોની ધરપકડ કરી હતી.

જે બાદ આ મામલે રાજકારણ ગરમાયું હતું અને પોલીસે કરેલી આ ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

આ લોકો તરફથી કોર્ટમાં હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "જસ્ટિસ વાય. એસ. ચંદ્રચુડે સુનાવણી દરમિયાન કહ્યું કે આ દુર્ભાગ્યની વાત છે."

"જે લોકો બીજાના અધિકારો બચાવવાની કોશિશ કરી રહ્યા છે, તેમનું મોં બંધ કરવા માગે છે. આ લોકશાહી માટે ખૂબ જ ખતરનાક છે."

પ્રશાંત ભૂષણે કહ્યું, "મતભેદો એ લોકશાહીમાં સેફ્ટી વાલ્વનું કામ કરે છે. જો તેને મંજૂર નહીં રખાય તો પ્રેશર કૂકર ફાટશે."

તેમણે કહ્યું કે આ કેસ દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે મતભેદ ધરાવતા લોકોની આવી રીતે થતી ધરપકડો લોકશાહીનું ગળું દબાવવા સમાન છે.

આ મામલે પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હંસરાજ આહિરે કહ્યું કે આ રીતે પોલીસનો જુસ્સો તોડવો તે યોગ્ય નથી.

તેમણે કહ્યું, "ભીમા કોરેગાંવમાં થયેલી હિંસા એ બંધારણ અને દેશ માટે એક ફટકા સમાન હતી. પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે અને કોર્ટ છે જ."

"જો તેઓ માને છે કે તેઓ નિર્દોષ છે તો જામીનની માગણી કરી શકે છે. કોર્ટ નક્કી કરશે કે તેઓ દોષિત છે કે નિર્દોષ."

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

દિલ્હીમાં મહારાષ્ટ્ર ભવનની સામે આ ધરપકડો સામે વિરોધ પ્રદર્શન થવાનું હતું. જોકે, પોલીસે ભવનની આગળ બેરિકેડ રાખી દીધાં હતાં.

ભવનની બહાર પડેલી બસોમાં સુરક્ષાદળોના જવાનો બેઠા હતા, જેમણે પત્રકારોને પણ મહારાષ્ટ્ર ભવનથી દૂર રાખ્યા હતા.

જે રીતે પોલીસની તૈયારી હતી તે પ્રકારે પ્રદર્શનકારીઓ ત્યાં પહોંચ્યા ન હતા.

જેટલા પણ પ્રદર્શનકારીઓ ભવનની બહાર પહોંચ્યા, તેમણે પોલીસની કાર્યવાહી સામે વિરોધના નારા લગાવ્યા હતા.

કેટલાક પ્રદર્શનકારીઓ ડાબેરી સંગઠનો સાથે જોડાયેલા હતા તો ઘણા સામાન્ય લોકો પણ ત્યાં પહોંચ્યા હતા.

કેટલાક પ્રદર્શનકારીઓ નરેન્દ્ર મોદીને ટ્રમ્પ કહીને બોલાવતા હતા. તેમના હાથમાં અનેક બેનરો હતાં.

એક બેનરમાં લખ્યું હતું કે આ લોકોને પરેશાન કરવા જેવું છે, જ્યારે બીજામાં લખ્યું હતું કે આ ઇમર્જન્સી છે.

પ્રદર્શનકારીઓએ ધરપકડ કરાયેલા લોકોને છોડી મૂકવાની માગ કરી હતી.

નક્સલવાદ કે માઓવાદ શું છે?

માઓવાદ પ્રેરિત ઉગ્રવાદ ગણાતા નક્સલવાદની શરૂઆત 1967માં પશ્ચિમ બંગાળના અંતરીયાળ વિસ્તાર એવા નક્સલબાડી ગામમાં થઈ હતી.

નક્સલવાદીઓનો ઉદ્દેશ ભારતમાં સશસ્ત્ર માઓવાદી ક્રાંતિ કરવાનો છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(માઓવાદી)(સીપીઆઈ(એમ))ના નેજા હેઠળ વિવિધ નક્સલવાદી સંગઠનો સુરક્ષાદળો સાથે સંઘર્ષ કરી રહ્યાં છે.

અનલૉફુલ ઍક્ટિવિટીઝ ઍક્ટ 1967 અંર્ગત સીપીઆઈ(એમ) ભારતમાં પ્રતિબંધીત છે.

ગૃહ મંત્રાલય એવું પણ જણાવે છે કે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને બિહારમાં મોટા પ્રમાણમાં માઓવાદીઓ કે નક્સલવાદીઓ સક્રિય છે.

જ્યારે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો ડાબેરી ઉગ્રગવાદથી પ્રભાવિત છે.

નક્સલવાદની લડાઈ અને ઉદ્દેશ

સરકારનું એવું પણ માનવું છે કે નક્સલવાદ કેરળ, કર્ણાટક, તામિલનાડુ જેવા દક્ષિણનાં રાજ્યો ઉપરાંત આસામ અને અરૂણાચલ પ્રદેશ જેવા ઉત્તર-પૂર્વ રાજ્યોમાં પગપેસારો કરવા પ્રયાસ કરી રહ્યો છે.

સરકારી આંકડા એવું પણ કહે છે વર્ષ 2010થી વર્ષ 2017 સુધીમાં માઓવાદી ઉગ્રવાદ કે નક્સલવાદી ઉગ્રવાદને કારણે 2457 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 930 સુરક્ષાદળોના જવાનોએ જીવ ગુમાવ્યો છે.

જોકે, આ ડાબેરી વિદ્રોહીઓનો દાવો છે કે તેઓ સરકાર દ્વારા નજરઅંદાજ કરાયેલા આદિવાસી અને ગરીબ લોકોના હકોની લડાઈ લડી રહ્યા છે.

તેઓ ભારતની 'સૅમી કૉલોનિયલ, સૅમી-ફ્યુડલ' વ્યવસ્થાને ઉથલાવી 'સામ્યવાદી સમાજ'ની રચના કરવા માગે છે.

'શહેરી માઓવાદી' કે 'શહેરી નક્સલવાદી' કોણ?

હાલના સમયમાં પોલીસ અને સરકાર અધિકારીઓ 'અર્બન માઓઇસ્ટ કે શહેરી માઓવાદી' જેવા શબ્દ વારંવાર સાંભળવા મળે છે.

નક્સલવાદીઓ પોતાની વિચારધારા શહેરી વિસ્તારોમાં ફેલાવવા માટે કાર્ય કરી રહ્યા હોવાનું પોલીસ કે સરકારનું માનવું છે.

શહેરી વિસ્તારમાં રહેતા આવા લોકોને સરકાર કે પોલીસ 'અર્બન નક્સલી કે અર્બન માઓવાદી' તરીકે ઓળખે છે.

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર સાઈબાબાની ધરપકડ થયા બાદ આ શબ્દોએ ભારે ચર્ચા જગાવી હતી.

સરકાર દલિત અને આદિવાસીઓના અધિકાર માટે લડી રહેલા કેટલાક વકીલ અને પ્રાધ્યાપકો પર સરકાર નજર રાખી રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

સરકારનું માનવું છે કે કેટલાક લોકો માઓવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને માઓવાદી વિચારધારાના પ્રસાર માટે કામ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો