આ લોકો કેમ કહે છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે વિઝા ન હોવા જોઈએ

ઇમેજ સ્રોત, Mizba Kadri
- લેેખક, હરેશ ઝાલા
- પદ, બીબીસી ગુજરાતી માટે
પાકિસ્તાનના વઝીર-એ-આઝમ મતલબ કે વડા પ્રધાન તરીકે ઇમરાન ખાન પાકિસ્તાનની કમાન સંભાળી છે ત્યારે બન્ને દેશ વચ્ચે સંબંધ કેવા રહેશે એ મહત્ત્વપૂર્ણ બાબત બની રહેશે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ઘણા એવા નાગરિકો રહે છે જેમના સંબંધીઓ પાકિસ્તાનમાં છે.
પાકિસ્તાનમાં પણ ઘણા એવા લોકો છે જેમના સંબંધીઓ ભારતમાં રહે છે ત્યારે સવાલ એ છે કે નવા બદલાતા રાજનૈતિક સમીકરણોથી આ લોકોને શું અપેક્ષાઓ છે.
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા મોહમ્મદ સલીમ મોહમ્મદ શેખે તેમની પુત્રી નાઝિયાનાં લગ્ન આજથી દસ વર્ષ પહેલાં પાકિસ્તાનના ઉત્તર કરાંચીમાં વસતા નઝીમ સાથે કરાવ્યાં હતાં.
છેલ્લા દસ વર્ષમાં તેઓ લગભગ સાત વખત પાકિસ્તાનનો પ્રવાસ કરી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, Salim Muhammad
તેમનો અનુભવ એવો છે કે પાકિસ્તાનના વિઝા મેળવવામાં એટલી તકલીફ નથી પડતી. પાકિસ્તાનના નાગરિકને ભારત આવવું હોય તો સરળતાથી વિઝા મળતા નથી.
સલીમભાઈનાં સાળી પાકિસ્તાનમાં રહે છે પરંતુ તેમને ભારતની મુલાકાત લેવી હોય તો ખૂબ જ કઠિન બાબત છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સલીમભાઈનો મત એવો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિઝાની પ્રથા હોવી જ ન જોઈએ.
તેમનું માનવું છે કે બન્ને દેશના નાગરિકો સરળતાથી બન્ને દેશમાં વગર વિઝાએ પ્રવાસ કરી શકવા જોઈએ.

ભારતીય નાગરિકત્વ મેળવવાનો સંઘર્ષ

ઇમેજ સ્રોત, Kishori Khatri
બીજું ઉદાહરણ કિશોરીબહેન ઘનશ્યામભાઈ ખત્રીનું છે જેમનાં જેઠાણી પાકિસ્તાનનાં નાગરિક છે.
છેલ્લાં 18 વર્ષથી તેમનો 16 સભ્યોનો પરિવાર ભારતમાં આવીને વસ્યો છે.
કિશોરીબહેને બીબીસી સાથે વાતચીત કરતા કહ્યું, "અથાક પ્રયત્નોના અંતે પરિવારના 14 સભ્યોને ભારતીય નાગરિકત્વ મળ્યું છે."
"જોકે, મને અને મારા જેઠાણીને હજુ પણ ભારતીય નાગરિકત્વ મળ્યું નથી."
ઉલ્લેખનીય છે કે કિશોરીબહેનના પિતૃપક્ષના સદસ્યો પાકિસ્તાનના સિંધ પ્રાન્તમાં રહે છે.
કિશોરીબહેનને દુઃખ અને ચિંતા એ વાતની છે કે તેઓ સરળતાથી તેમનાં માતાપિતા કે ભાઈબહેનને મળી શક્તાં નથી.
તેઓ ઇચ્છે છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધ સુદ્રઢ બને, વિશ્વાસ બંધાય અને બન્ને દેશ વચ્ચેની વિઝા પ્રથા રદ થાય.
જેથી પરિવારજનો સરળતાથી એકબીજાને મળી શકે તથા સારા નરસા પ્રસંગે હાજરી આપી શકે.
કિશોરીબહેનની બીજી એક ફરિયાદ એ પણ છે કે પાકિસ્તાને પાસપોર્ટની ફી વધારી દીધી છે અને વારંવાર દિલ્હી જવું પડે છે.
જેથી ખર્ચ ખૂબ થાય છે, જે સામાન્ય નાગરિકને પોસાય તેમ નથી. આવા સંજોગોમાં ફીમાં ઘટાડો કરવો જોઈએ.
કિશોરીબહેન ઇચ્છે છે કે ભારત સરકારે ભારતીય નાગરિકત્વ ઇચ્છતા લોકોની અરજીનો નિકાલ જલદીથી કરવો જોઈએ.

પ્રેમથી પાકિસ્તાન સુધીની સફર

ઇમેજ સ્રોત, Mizba Kadri
આ બધાથી થોડી જુદી કેફિયત છે મિઝબા નઇમ કાદરીની. તેઓ મૂળ ભારતીય છે.
તેઓ પાકિસ્તાનના લાહોર સ્થિત તૈય્યબના પ્રેમમાં પડ્યાં અને ગત નવેમ્બરમાં તેમણે લાહોર ખાતે તૈય્યબ સાથે નિકાહ કર્યા.
ત્યારથી તેઓ પાકિસ્તાનમાં રહે છે અને તાજેતરમાં વેકેશન પર ભારત આવ્યાં છે.
તેઓ કહે છે કે જ્યારથી તેઓ પાકિસ્તાન ગયાં છે ત્યારથી પરિવાર, સંબંધી અને મિત્રવર્તુળમાં રાજકીય ચર્ચામાં એક સામાન્ય સૂર ઉઠતો હતો કે ઇમરાન ખાનને સરકાર રચવા માટે એક ચાન્સ મળવો જ જોઈએ.
મિઝબા માને છે કે ઇમરાન ખાન છેલ્લાં 22 વર્ષથી જન સેવામાં લાગ્યા હતા. એ વાતથી તેમના ચાહકો પ્રભાવિત થયા.
આખરે પાકિસ્તાનના નાગરિકોને ઇમરાન ખાનના રાજકીય પક્ષ પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફને મહત્તમ બેઠકો આપી સરકાર રચવાની તક આપી છે.
મિઝબાના હિસાબે ઇમરાન ખાનની સરકારે પાકિસ્તાનનો સામાજિક અને આર્થિક વિકાસ ઉપરાંત ભારત સાથેના સંબંધો વધુ મજબૂત કરવા જોઈએ.
જેથી બન્ને દેશના નાગરિકોને વધુ સવલત મળે અને એકબીજાની નજીક આવી શકે.
થોડા સમય પહેલાં ભારતીય જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ ઍનાલિસિસ વિંગના ભૂતપૂર્વ વડા એ. એસ. દૌલત અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સના ભૂતપૂર્વ ડાયરેકટર જનરલ અસદ દુરાની લિખિત પુસ્તક 'સ્પાય ક્રોનિકલ્સ' લૉન્ચ થયું હતું.
તેમાં ઉલ્લેખ કરાયો છે કે ભારત અને પાકિસ્તાનના નાગરિકો કે જેમના સંબંધીઓ બન્ને દેશોમાં રહે છે, તેમની ઇચ્છા છે કે પાકિસ્તાનમાં જે નવી સરકાર રચાય તે ભારત સાથે એટલા સંબંધ મજબૂત કરે કે બન્ને દેશમાં પ્રવાસ કરવા વિઝાની જરૂર જ પડે નહીં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












