હાફિઝ સઈદની પાર્ટીને કેમ એક પણ સીટ ન મળી

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, માનસી દાશ
- પદ, બીબીસી સંવાદદાતા
તાજેતરમાં પૂર્ણ થયેલી પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ધાર્મિક ઝોક ધરાવતા અને કટ્ટરપંથ તરફ ઝુકાવ રાખતી પાર્ટીઓને ચૂંટણીમાં વધારે ફાયદો થતો જોવા મળ્યો નથી.
પૂર્વ ક્રિકેટરમાંથી નેતા બનેલા ઇમરાન ખાનના પક્ષ તહરીક-એ-ઇંસાફને જનાદેશ મળ્યો છે અને માનવામાં આવે છે કે પક્ષના નેતા હોવાને કારણે તે આગામી વડાપ્રધાન બની શકે છે.
ઇમરાન ખાનને સત્તામાં આવવા માટે આશરે બે દસકા સુધી લાંબી લડાઈ લડવી પડી છે અને તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવતા નથી. એવામાં જાણકારોનું માનવું છે કે તેમના ભ્રષ્ટાચાર અને વિકાસનો મુદ્દાને લોકોએ સ્વીકાર્યો છે.
જ્યારે કટ્ટરપંથી વિચારધારા અને ધાર્મિક ઝુકાવ ધરાવતા લોકોને મતદારોએ જાકારો આપ્યો છે.
જાણકારોનો મત છે કે દેશની જનતા હવે શાંતિ ઇચ્છે છે. આ વખતે આશરે ચાળીસ ટકા યુવા મતદારો અને નવા મતદારોએ એક નવા વિચારનો સાથ આપ્યો, ભ્રષ્ટાચાર અને દેશના વિકાસના નામે મત આપ્યા છે.

હાફિઝ સઈદની પાર્ટીનો પરાજય
લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદની નવી પાર્ટી અલ્લાહ હૂ અકબર તહરીક પાર્ટીએ નેશનલ ઍસેમ્બ્લીની 272 સીટોમાંથી 79 પર પોતાના ઉમેદવાર (ચાર પ્રાંતીય ઍસેમ્બ્લી માટે પાર્ટીના 181 ઉમેદવાર) ઊભા રાખ્યા હતા પણ કોઈનો વિજય ન થયો.
હાફિસ સઈદે મિલી મુસ્લિમ લીગ બનાવી હતી જે જમાતુદ્દાવાની રાજકીય શાખા હતી. ચૂંટણી કમિશને તેનું રજિસ્ટ્રેશન કરવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ તેઓ અલ્લાહ હૂ અકબર તહરીક પાર્ટીના બૅનર હેઠળ ચૂંટણી લડ્યા હતા.
તેમના પુત્ર હાફિઝ તલ્હા સઈદ અને જમાઈ ખાલિદ વલીદ પણ તેમની બેઠકો પરથી જીતી ન શક્યા. ઈશનિંદા કાયદાની પેરવી કરનાર તહરીક લબૅક પાકિસ્તાને કુલ 180 ઉમેદવારો ઊભા રાખ્યા હતા પણ આ પૈકી કોઈનો વિજય ન થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'રસ્તાઓ અને સંસદની વાત અલગ છે'

ઇમેજ સ્રોત, AFP
ઇસ્લામાબાદથી બીબીસી સંવાદદાતા હારુન રશીદ કહે છે, "પાકિસ્તાનની સંસદનો ઇતિહાસ જોઈએ તો ધાર્મિક પાર્ટીઓ લોકોને પોતાની તરફ આકર્ષે છે. પણ ચૂંટણી વખતે હંમેશાં લોકોએ આવા પક્ષોને સમર્થન આપ્યું નથી."
2002માં જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો એ વખતે ધાર્મિક ઝુકાવ ધરાવતા રાજકીય સંગઠનોના ગઠબંધન 'મઝલિસે અમલ'નો વિજય થયો હતો.
હારુન રશીદ કહે છે કે, "તેમણે ખૈબર પખ્તૂનખ્વામાં પ્રાંતીય સરકાર બનાવી હતી પણ ત્યારબાદ આજ સુધી એવું થયું નથી કે આ પ્રકારની પાર્ટીની જીત થઈ હોય."
તમે આ વાંચ્યું કે નહીં?
"25 જુલાઈએ થયેલી ચૂંટણી પહેલાં પણ પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીમાં તેમની કોઈ વિશેષ હાજરી ન હતી. અહલે સુન્નત વલ જમાતના નેતા મોહમ્મદ અહમદ લુધિયાની જાંગના જિલ્લાથી ચૂંટણી જીત્યા હતા પણ આ વખત તે પણ હારી ગયા છે."
આ ચૂંટણીમાં હાફિઝ સઈદના પુત્ર અને જમાઈ હારી ગયા છે. ઇસ્લામાબાદમાં ધરણા કરીને તત્કાલીન કાયદા મંત્રી જાહિદ હામિદને રાજીનામું આપવા માટે મજબૂર કરનાર ખાદિમ રિઝ્વીની પાર્ટી તહરીક લબૈકનો સિંધની બે બેઠકો પર વિજય થયો હતો.
તેમણે 180 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

ઇમેજ સ્રોત, AFP
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જાહિદ હુસૈન કહે છે કે "પાકિસ્તાનમાં ધાર્મિક ઝુકાવ વાળી પાર્ટીઓને મળી રહેલું સમર્થન ઓછું થઈ રહ્યું છે."
"આ વખતની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે પાકિસ્તાનના રાજકારણમાં પાડોશી દેશોના લોકોને લાગે છે એટલું ધાર્મિક પાર્ટીઓનું મહત્ત્વ નથી."
"જે લોકો પાકિસ્તાનને નથી સમજતા તેમને એવું લાગે છે કે આ પાર્ટીઓને ઘણું સમર્થન મળે છે પણ આ મિથ્યા છે. આ દેશ શાંતિપ્રિય છે."
"આ પાર્ટીઓ હિંસા સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવે છે અને ડર તથા દહેશતની વાતો કરે છે. આ કારણથી લાગે છે કે આ પાર્ટીઓ વધારે શક્તિશાળી છે પણ એવું નથી."
જાહિદ હુસૈન કહે છે, "રાજીનામું આપવા માટે મજબૂર થયેલા પૂર્વ કાયદા મંત્રી જાહિદ હામિદના પુત્રે ચૂંટણી જીતી લીધી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે અહીંના લોકો ધાર્મિક પક્ષો પ્રત્યે અણગમો ધરાવે છે."
ગયા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાનના ઘણાં ધાર્મિક સંગઠનોના આશરે 3 હજાર લોકો ઇસ્લામાબાદ ધરણાં પર બેઠા હતા.

ઇમેજ સ્રોત, NA.GOV.PK
આ લોકોનો આરોપ હતો કે ચૂંટણી સુધારા માટે સંસદમાં જે બિલ રજૂ કરાયું હતું એમાં ઘણી એવી વાતો હતી જે તેમના પ્રમાણે ઇસ્લામની પાયાની માન્યતાઓ વિરુદ્ધ છે અને એ કારણે કાયદા મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.
જાહિદ હુસૈન જણાવે છે, "હાફિસ સઈદ નવી પાર્ટી ઊભી કરે કે ન કરે, તેમની પાકિસ્તાનની રાજનીતિમાં દખલ નહીં બરાબર છે. પણ બહારના દેશોને એવું લાગતું નથી."
"જે જૂના મુખ્યધારાના પક્ષો (જમાયતે ઉલેમા ઇસ્લામ જેવા પક્ષો) હતા, જે ઘણાં વર્ષોથી અહીંયાની રાજનીતિમાં સક્રીય હતા. તેમનો સફાયો થઈ ગયો તો તમે નવી પાર્ટીઓનું શું વાત કરો છો."

ભ્રષ્ટાચાર વિરોધી લડત અસરકારક

ઇમેજ સ્રોત, Reuters
જાહિદ હુસૈન કહે છે, "ખૈબર પખ્તૂનખ્વામાં ઇમરાન ખાનની હકૂમત રહેલી છે. ત્યાં એક વખત જીતેલો પક્ષ બીજી વખત ન જીતે એવી પરંપરા જ નથી."
"પણ ઇમરાન ખાન ત્યાંથી બીજી વખત જીત્યા કારણકે તેમણે ત્યાં સુધારાઓ પર કામ કર્યું. સ્વીકારવું જ પડશે કે તેઓ મતદારોને પોતાની તરફ ખેંચવામાં સફળ થયા છે."
હારુન રશીદ કહે છે, "ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઇમરાન ખાને એક લાંબી લડત ચલાવી જેનાથી તેમને ઘણી મદદ મળી. એની સાથે જ પનામા લીક્સનો મામલો સામે આવ્યો અને કોર્ટનો નિર્ણય પણ આવી ગયો."
ચૂંટણી પહેલાં પાકિસ્તાનની ભ્રષ્ટાચાર રોકનારી અદાલતે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝને ભ્રષ્ટાચારના દોષી ગણાવ્યાં.
નવાઝને દસ વર્ષ અને મરિયમને સાત વર્ષની સજા સંભળાવી હતી. નવાઝ શરીફ અને મરિયમ શરીફ પહેલાં જ ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર થઈ ગયાં હતાં.
અદાલતના આ નિર્ણયની અસર નવાઝ શરીફના પક્ષ મુસ્લિમ લીગ (નવાઝ) પર સ્પષ્ટ દેખાઈ હતી.
જોકે હારુન રશીદ કહે છે, "ઇમરાન ખાનને તેનો ફાયદો થયો પણ હજુ નવાઝ શરીફને સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયેલા માની ન શકાય."
"કેસ પૂર્ણ થયો નથી અને તેઓ અપીલ કરી શકે છે. નવાઝ શરીફને 17 વર્ષ પહેલાં આતંકવાદ અને વિમાન અપહરણના મામલામાં જનમટીપની સજા થઈ હતી પણ પછીથી તેઓ નિર્દોષ સાબિત થયા હતા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













