કચ્છમાં લોકો બાળકોને રસી મુકાવવાથી કેમ ડરી રહ્યા છે?

    • લેેખક, દેવિના ગુપ્તા
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશમાં છેલ્લા ઘણા સમયથી ફેક ન્યૂઝને કારણે લોકોની હત્યાઓ અને મૉબ લિંચિંગ જેવી ઘટનાઓ બની રહી છે.

જોકે, હવે લોકોના જીવ બચાવવા માટે ઉપયોગમાં લેવાતી રસી પર પણ ફેક ન્યૂઝની અસર પડી છે.

વૉટ્સઅપમાં વાઇરલ થયેલો ફેક વીડિયો દેશમાં રોગ પ્રતિકારક કાર્યક્રમ સામે અડચણ ઊભી કરી રહ્યો છે.

આ વીડિયો ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્વાસ્થ્ય સામે સંકટ ઊભું કરી શકે છે.

કચ્છમાં ઓરી અને રુબેલાના રસીકરણ સામે ફેક ન્યૂઝની બાધા આવી છે.

જ્યાં એક વાઇરલ થયેલા વીડિયોના કારણે લોકો પોતાનાં બાળકોને આ રસી આપવાનું બંધ કરવા લાગ્યા છે.

ફેક ન્યૂઝના લીધે ત્યાંના કેટલાક લોકો એવું માની રહ્યા છે કે આ રસીના કારણે નપુસંક થઈ જવાશે.

ઘટના શું છે?

કચ્છમાં ઓરીની રસી આપવાનો સરકારી કાર્યક્રમ ચાલુ છે પરંતુ આ કાર્યક્રમને આડે ફૅક ન્યૂઝ આવી રહ્યા છે.

કચ્છમાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એવુ દર્શાવાયું છે કે એક ન્યૂઝ ચેનલ દાવો કરી રહી છે કે મુસ્લિમ બાળકોને ઓરી અને રુબેલાની રસી તેમની વસતીને નિયંત્રિત કરવા માટે આપવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

હકીકતમાં આ વીડિયો એડિટ થયેલો છે અને ખરેખર તો આ વીડિયોમાં આ રસી સલામત હોવાનું જ કહેવાયું છે.

જોકે, વાઇરલ થયેલા આ ફેક ન્યૂઝના કારણે લોકો રસીથી ગભરાઈ ગયા છે.

અફવા અંગે જાગૃતિનો પ્રયાસ

રસીકરણ અંગે ફેલાયેલી આ અફવાને દૂર કરવા માટે આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક નેતાઓ મળીને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સરકારે શાળાઓમાં મફત તબીબી કેમ્પ શરૂ કર્યા છે પરંતુ માતાપિતા અહીં પણ તેમનાં બાળકોને મોકલવાનો ઇનકાર કરી રહ્યાં છે.

કચ્છમાં રહેતા 42 વર્ષીય મૌલાના આદમનાં પાંચ બાળકો છે પરંતુ તેઓ પોતાનાં બાળકોને રસી આપવા માંગતા નથી.

તેમણે કહ્યું હતું કે હું આ વીડિયોના કારણે ડરી ગયો છું અને મારા બાળકોને રસી મુકાવવા માટે મોકલીશ નહીં.

હકીકતમાં ઓરી અને રુબેલાની રસીના કારણે દેશમાં દર વર્ષે 50,000 જીવ બચે છે.

મેડિકલ ક્ષેત્ર માટે ફેક ન્યૂઝ ચેલેન્જ

ફેક ન્યૂઝના કારણે દેશમાં જ્યારે વારંવાર મૉબ લિંચિંગની ઘટનાઓ બની રહી છે ત્યારે મેડિકલ ક્ષેત્ર આ પડકારનો સામનો છેલ્લાં ઘણાં વર્ષોથી કરી રહ્યું છે.

વિશ્વના જુદા જુદા દેશોમાં સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો ફેક ન્યૂઝના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા.

બીબીસી ગુજરાતીએ ફેક ન્યૂઝના કારણે વિશ્વમાં મેડિકલ ક્ષેત્રમાં ક્યા પ્રકારની સમસ્યાઓ સર્જાઈ હતી.

તે જાણવા માટે ન્યૂરોસાયન્ટિસ્ટ અને અલ્ટ ન્યૂઝના સાયન્સ વિભાગના એડિટર ડૉ.સુમૈયા શેખ સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે આફ્રિકા અને આરબ દેશોમાં આ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ અસર રસીકરણના કાર્યક્રમને પડી હતી.

તેમણે કહ્યું, "ફેક ન્યૂઝના કારણે લોકોનો રસીકરણ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે."

"આ પ્રકારની અફવાઓ ફેલાય છે તેના કારણે સરકારના હેલ્થ પ્રોગ્રામ પર સૌથી વધુ અસર પડે છે."

નપુંસક થઈ જવાનો ડર

ફેક ન્યૂઝના કારણે સૌથી વધુ અસર નાઇજીરીયામાં 2003માં થઈ હોવાનું ડૉ.સુમૈયા શેખે જણાવ્યુ હતું.

જ્યાં લોકો એવું સમજવા લાગ્યા હતા કે સરકાર આર્મી દ્વારા રસીકરણ કરી રહી છે જેથી લોકો નપુંસક થઈ જાય.

તેમણે કહ્યું, "નાઇજીરીયામાં રસીકરણનો 15 મહિનાનો કાર્યક્રમ હતો, જ્યાં ફેક ન્યૂઝના કારણે સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો હતો."

"આ કાર્યક્રમમાં સેના સરકાર સાથે જોડાયેલી હતી અને લોકોને એવું લાગતુ હતું કે સરકાર સેના દ્વારા એવી રસી આપી રહી છે જેનાથી બાળકો પેદા ન થઈ શકે."

"હકીકતમાં આ કાર્યક્રમ પોલિયોની રસી પીવડાવાનો હતો. આ અફવાની નાઇજીરીયામાં વ્યાપક અસર થઈ અને લોકોએ રસી લેવાનું બંધ કરી દીધું હતું."

"જેના કારણે આફ્રીકામાં આવતા પોલિયોના કેસમાં 2014 સુધી 86 ટકા કેસ નાઈજીરીયામાંથી આવતા હતા."

"આ જ પ્રકારે અફધાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ફેક ન્યૂઝના કારણે લોકોને સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો."

મેડિકલ ક્ષેત્રના ના ફેક ન્યૂઝ ઓળખવા શું કરવું?

ફેક ન્યૂઝને ઓળખવા માટે વિવિધ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થાઓનો ઉપયોગ કરી શકાય છે.

મેડીકલ ક્ષેત્રના ફેક ન્યૂઝ ઓળખવા માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની વેબસાઇટ પરથી સાચી માહિતી મેળવી શકાય છે.

ડૉ. સુમૈયા શેખે જણાવ્યુ હતું, "ફેક ન્યૂઝ ઓળખવા માટે ઇન્ટરનેટ શ્રેષ્ઠ ટૂલ છે પરંતુ તેમાં ખોટી વેબસાઇટ્સ પણ બનેલી છે."

"લોકો વૉટ્સઅપ, ફેસબુક પર આવતા સમચારોને સાચા માને છે પરંતુ મેડિકલના ક્ષેત્રમાં ડબલ્યુએચઓ સૌથી વિશ્વસનીય છે માધ્યમ છે."

"નિપાહ વાઇરસ જ્યારે ફેલાયો હતો ત્યારે પણ ફેક ન્યૂઝના કારણે સમસ્યા થઈ હતી."

"એવી અફવા ફેલાઈ હતી કે નિપાહ સામે લડવા હોમિયોપેથી રસી તૈયાર કરાઈ છે."

"એ સમયે ડબલ્યુ.એચ. ઓ એ જાણકારી આપી હતી કે આ પ્રકારની કોઈ રસી આવી નથી."

"અલ્ટ ન્યૂઝ સત્ય ચકાસતી વેબસાઇટ છે જેના સાયન્સને લગતા વિષયોમાં હું લખું છુ."

"આવા કિસ્સામાં સત્ય ચકાસણી કરતી વેબસાઇટ્સનો ઉપયોગ કરી શકાય છે."

ફેક ન્યૂઝ અટકાવાનો પ્રયાસ

આ પ્રકારની અફવાઓ મોટા ભાગે વૉટ્સઅપના માધ્યમથી પ્રસરી જતી હોય છે.

વૉટ્સઅપ દ્વારા બીબીસીને આપેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તે ખોટી માહિતીના પ્રસારને ધીમા કરવા માટે ફેક ન્યૂઝને શોધી કાઢવા કેટલાક ફેરફારો કરી રહ્યું છે.

વૉટ્સઅપ એક વખતમાં 5 વ્યક્તિને ફોરવર્ડની મર્યાદા નક્કી કરી છે પરંતુ ભારતમાં તેના 20 કરોડ ગ્રાહકો માટે એ પૂરતું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો