'ફેક ન્યૂઝ પર કાબૂ કરે વૉટ્સઍપ નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહે'

ટાઇમ્સ ઑફ ઇંડિયામાં પ્રકાશિત એક સમાચાર મુજબ, ભારત સરકારે વૉટ્સઍપને ચેતવણી આપી છે કે જો તે ફેક ન્યૂઝ પર અંકુશ લગાવવામાં નિષ્ફળ નિવડશે તો એની સામે કાયદાકીય પગલાં હાથ ધરવામાં આવશે.

આઈટી મંત્રાલયે કંપનીને એક નવી ચેતવણી આપતા જણાવ્યું છે કે તે ફેક ન્યૂઝ પર અંકુશ લગાવવા કોઈ વધારે અસરકારક અને જવાબદારીપૂર્ણ પગલાં ભરે.

આ ચેતવણી એવા સમયમાં આવી છે કે જ્યારે ભારતનાં વિવિધ ભાગોમાં વૉટ્સઍપ દ્વારા ખોટા સમાચાર ફેલાવવાને કારણે ઘણા લોકો ભીડનાં ગુસ્સાનો ભોગ બન્યા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે.

હમણાં થોડા દિવસ પહેલાં જ કર્ણાટકમાં ગુગલનાં એક એન્જિનિયર ભીડે બાળક ચોરીની અફવા ફેલાતા મારી નાખ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

આ અગાઉ મહારાષ્ટ્રનાં ધૂલે અને ગુજરાતના અમદાવાદમાં પણ આવી જ ઘટના બની ચૂકી છે.

થોડાંક દિવસો પહેલાં વૉટ્સઍપે, સમાચાર પત્રમાં અફવા અને ફેક ન્યૂઝથી બચવાની કેટલીક ટિપ્સ પ્રકાશિત કરી હતી.

સંસદ પર હુમલાનું ષડયંત્ર

દૈનિક ભાસ્કરના એક અહેવાલ અનુસાર, બે ખાલિસ્તાની ઉગ્રવાદી દિલ્હીમાં સંસદભવન પર હુમલાની યોજના ઘડી રહ્યા છે.

સમાચારમાં જાસૂસી સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ બન્ને ઉગ્રવાદી 2016માં પંજાબની નાભા જેલ તોડવાનાં ષડયંત્ર સાથે જોડાયેલા છે.

કહેવાય છે કે વર્ષ 2001માં સંસદ ભવન પર થયેલા હુમલાની જેમ જ ફરી એક વખત અહીંયા હુમલો કરવાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું છે.

આ જાણકારી મળ્યા બાદ સૅન્ટ્રલ અને નવી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. દિલ્હીનાં એક અધિકારીએ આ વાતને સમર્થન આપ્યું છે.

કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ આમને-સામને

ટાઇમ્સ ઑફ ઇંડિયાના અન્ય એક સમાચાર અનુસાર, ભારતમાં કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર ફરીથી એક વખત સામ-સામે આવી ગયા છે.

કેન્દ્ર સરકારે કોલકતા હાઈકોર્ટના જસ્ટિસ અનિરુદ્ધ બોસને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની કૉલિઝિયમની ભલામણને ફગાવી દીધી છે.

સમાચાર પત્રે કાયદા મંત્રાલયના કેટલાક સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સરકારને જસ્ટિસ બોસના નામ સામે કોઈ વાંધો નથી.

મંત્રાલયને વાંધો અન્ય બાબતે છે. મંત્રાલયનું કહેવું છે કે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું પદ એક મોટો હોદ્દો છે અને ચીફ જસ્ટિસને ઘણા સંવેદનશીલ મુદ્દે સુનાવણી કરવી પડતી હોય છે.

આ સાથે એવી પ્રથા પણ છે કે મોટા ભાગના મુદ્દે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોઈ અન્ય હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક કરવામાં આવતી હોય છે.

આ અગાઉ કેન્દ્રએ ઉત્તરાખંડ હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવાની કૉલિઝિયમની ભલામણ રદ કરી દીધી હતી અને આ અંગે પણ ઘણો વિવાદ થયો હતો.

મોદીની સભાઓમાં ચોરી કરના ગેંગનો પર્દાફાશ

દૈનિક જાગરણમાં પ્રકાશિત એક સમાચાર મુજબ, વડા પ્રધાન મોદીની સભાઓમાં ચોરી કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે.

ચોરોએ જણાવ્યું છે કે તેઓ પીએમ મોદીની સભાઓ અને મોટા મોટા કાર્યક્રમોની જાણકારી છાપામાંથી એકઠી કરી કાર્યક્રમોમાં પહોંચવા માટે પદ્ધતિસર રીતે ઑનલાઇન ટિકિટ બુક કરાવતા હતા.

આ લોકો મોંઘા બ્રાન્ડેડ કપડાં પહેરી ભીડમાં દાખલ થતા અને ત્યાં હાજર લોકોનાં પર્સ અને મોબાઇલ ચોરી લેતાં હતાં.

તેમણે હાલમાં જ નોઇડામાં સેમસંગની ફેક્ટરીના ઉદ્ધાટન સમારંભમાં પણ ચોરી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો