BBC Top News : સસ્તી ઑનલાઇન ખરીદી પર બ્રેક લાગી શકે છે

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે સરકાર હવે ઑનલાઇન માર્કેટની 'ડિસ્કાઉન્ટ સ્કીમ્સ' પર લગામ કસવા જઈ રહી છે.
સોમવારે ઈ-કૉમર્સ પૉલિસીનો ડ્રાફ્ટ આ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વર્ગોને મોકલવામાં આવ્યો હતો. બજારના નિયમન માટે આ ડ્રાફ્ટની મદદથી વિવિધ ઑનલાઇન સાઇટ્સને આવરી લેવાશે.
આ ટ્રાફ્ટમાં ફ્લિપકાર્ટ અને ઍમેઝૉન જેવી ઑનલાઇન શોપિંગ સાઇટ્સ ઉપરાંત સ્વિગી અને ઝૉમેટો જેવી ઑનલાઇન ફૂડ ડિલિવરી સર્વિસ અને પેટીએમ જેવી સર્વિસને પણ આવરી લેવાશે.
આ પ્રકારની સાઇટ્સ પર લગામ કસવાની તૈયારી કરાઈ રહી છે, જેની સૌથી વધારે અસર તેની ડિસ્કાઉન્ટ સ્કીમ અને કિંમતો પર થશે. એક જ પ્રોડક્ટની બે જુદીજુદી કિંમતે થતા વેચાણ પર પણ રોક લગાવાશે.

'આસામ પછી ભાજપે કહ્યું, બીજું સ્ટોપ પશ્ચિમ બંગાળ છે'

ઇમેજ સ્રોત, Getty Images
આસામમાં થયેલી NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિજન્સ) તૈયાર કરવાની પ્રક્રિયા બાદ 40 લાખ લોકો બિનભારતીય ઠર્યા છે.
જે અનુસંધાને સોમવારે ભાજપે કહ્યું હતું કે, આસામની જેમ પશ્ચિમ બંગાળમાંથી પણ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધવાની પ્રક્રિયા કરવી જોઈએ.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગિયએ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) પર નિશાન સાધ્યું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
તેમણે કહ્યું હતું, "પશ્ચિમ બંગાળનો યુવાવર્ગ ઇચ્છે છે કે ત્યાં બાંગ્લાદેશના ગેરકાયદે રહેતા લોકોને શોધી કાઢીને કાર્યવાહી કરવામાં આવે. કારણકે, બંગાળના યુવાનો બેરોજગારી તથા કાયદા-વ્યવસ્થા અંગેની સમસ્યાઓનો સામનો કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ કહ્યું હતું કે, જો આસામમાં લાખો ગેરાકાયદે રહેતા નાગરિકો મળી આવ્યા હોય તો પશ્ચિમ બંગાળમાં એ સંખ્યા કરોડોમાં પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે ટીએમસી દ્વારા NRCનો વિરોધ પણ કરાઈ રહ્યો છે.

બાળકોના બળાત્કાર કેસમાં ગુનેગારને મૃત્યુદંડનો ખરડો લોકસભામાં પસાર

ઇમેજ સ્રોત, Thinkstock
'હિંદુસ્તાન ટાઇમ્સની' વેબસાઇટના અહેવાલ પ્રમાણે બાળકીઓ પર થતા બળાત્કાર કેસમાં ગુનેગારને મૃત્યુદંડની સજાનો ખરડો સોમવારે લોકસભામાં પસાર થઈ ગયો હતો.
કઠુઆમાં બાળકી પર થયેલી બળાત્કારની ઘટના બાદ સર્જાયેલા વિરોધનાં વાતાવરણના કારણે નવો કાયદો બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
કેંદ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં ખરડો રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 'ભયાનક ઘટનામાં' જો ભોગ બનનાર 12 વર્ષથી ઓછી વયનું બાળક હોય તો ગુનેગારને મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે છે.
આ નવા કાયદા પ્રમાણે તપાસની પ્રક્રિયા ફરજિયાત બે માસમાં પૂર્ણ કરવાની રહેશે. 16 વર્ષથી ઓછી વયની યુવતી પર બળાત્કાર બદલ અગાઉ 10 વર્ષ કેદની સજા હતી પણ હવે તેને વધારીને 20 વર્ષ કરી દેવાશે.
આ નવા કાયદામાં એવી પણ જોગવાઈ છે કે કોર્ટમાં ટ્રાયલ પણ બે માસમાં પૂર્ણ કરવાની રહેશે.

ખતનાના રિવાજની સુપ્રીમ કોર્ટે ટીકા કરી

ઇમેજ સ્રોત, Getty Images
'ધ હિંદુ'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે ખતનાના રિવાજની સુપ્રીમ કોર્ટે ટીકા કરી છે.
ભારતના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું કે, "મહિલાઓના ગરીમાયુક્ત જીવન જીવવાના અધિકારનો આ ભંગ છે. ખતનાના કારણે મહિલાઓના આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ પણ થાય છે."
ખતના પર પ્રતિબંધ લાદવા માટે કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે આ વાત કહી હતી.

વડા પ્રધાન મોદીએ ઇમરાન ખાનને વિજય બદલ અભિનંદન પાઠવ્યા

ઇમેજ સ્રોત, EPA
પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો પર જીત મેળવનારી પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા ઇમરાન ખાનને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.
'ધ હિંદુ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનની લોકશાહી પ્રક્રિયાનું સ્વાગત કર્યું હતું અને પાકિસ્તાન સમૃદ્ધ અને વિકસિત થાય એવી આશા વ્યક્ત કરી હતી.
ઇમરાન ખાને વડા પ્રધાન મોદીના અભિનંદનના જવાબમાં કહ્યુ હતુ કે, યુદ્ધ અને ખૂનખરાબાથી સમસ્યાઓ સરળ નથી થતી પણ ટ્રૅજેડી સર્જાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















