હાર્દિક પટેલ: 2019ની ચૂંટણી લડતો રોકવા સજા કરાવી છે

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વિસનગરની કોર્ટે હાર્દિક પટેલને બે વર્ષની કેદની સજા સંભળાવી અને ત્યારબાદ ઉપરની કોર્ટમાં અપીલ કરવા માટે જામીન પણ મંજૂર કર્યા. જોકે, હાર્દિક પટેલે આ સજાને ભાજપ સરકારે તેમને 2019ની ચૂંટણી લડતા રોકવા માટેનું પગલું ગણાવ્યું છે.

બુધવાર સાંજે હાર્દિક પટેલે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર 25 વર્ષના યુવાનથી ગભરાઈ ગઈ છે.

તેમણે કહ્યું, "અમારા અવાજને દબાવવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે."

"હું ડરવાનો નથી કે અટકવાનો નથી. આગામી 25મી ઑગસ્ટથી અનામત અને ખેડૂતોના હક્ક માટે આમરણાંત ઉપવાસ કરવાનો જ છું."

તેમણે ઉમેર્યું, "સરકારના ઇશારે આ કેસ જલદી ચલાવવામાં આવ્યો છે. સરકારે મને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી લડતો અટાકવવા અને આમરણાંત ઉપવાસ કરતો અટકાવવા આ કેસમાં સજા અપાવી છે."

"હું કોર્ટના ચુકાદાની વિરુદ્ધ વડી અદાલતમાં અપીલ કરીશ. હાઈકોર્ટમાં જઈશ ત્યાંથી ન્યાય નહીં મળે તો સુપ્રિમ કોર્ટમાં જઈશ. મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે."

line

ભગતસિંહ સાથે પોતાની સરખામણી

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

કેસમાં સરકારની રજૂઆતમાં રહેલાં છીંડાં વિશે હાર્દિકે કહ્યું, "પોલીસે ચાર્જશીટમાં ગુનાનો સમય રાત્રીના 11.30 વાગ્યાનો નોંધ્યો છે, જ્યારે વિસનગરમાં રેલી સવારે નીકળી હતી."

"એકપણ સાક્ષીએ કૉર્ટમાં એવું નિવેદન આપ્યું નથી કે તેમણે મને ઘટના સ્થળે જોયો છે."

"જ્યારે તમામ 17 આરોપી પર એક સરખો ગુનો દાખલ કરાયો હોય ત્યારે 14ને નિર્દોષ છોડી દેવામાં આવે અને ત્રણને જ સજા થાય તે શંકાસ્પદ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

પોતાની સરખામણી ભગતસિંહ સાથે કરતા હાર્દિકે કહ્યું, "ભાજપ સરકાર જ મને મજબૂત બનાવી રહી છે. સરકાર અંગ્રેજ બનશે તો હું ભગતસિંહ બનવા તૈયાર છું."

"25 વર્ષનો છું અને ઘરેથી નીકળ્યો ત્યારથી જેલ અને મૃત્યુની તૈયારી સાથે નીકળ્યો છું."

"અમે અનામત માંગી રહ્યાં છીએ. ભીખ નથી માંગી રહ્યા."

હાર્દિકે જણાવ્યું તે આગામી 29 જુલાઈથી રાજ્યના દરેક તાલુકામાં મિટિંગ કરશે અને ઉપવાસમાં યુવાનોને જોડાવા અપીલ કરશે.

પાટીદારોનાં એક આંદલોનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

તેમનો દાવો છે કે, આ વિજય સંકલ્પ ઉપવાસ રાજ્યના સૌથી મોટા ઉપવાસ હશે.

સરકાર ઉપવાસની મંજૂરી આપે તેવી આશા છે અને મંજૂરી નહીં આપે તો પણ એ ઉપવાસ કરશે.

તેમણે કહ્યું, "મારા અવાજને બે વર્ષની સજાથી દબાવી શકાશે નહીં. મને ખબર છે હું કેવા લોકો સાથે લડી રહ્યો છું. જે લોકો સીડી કાંડ કરાવી શકતા હોય, હરેન પંડ્યાની હત્યા કરાવી શકતા હોય તે મને ચુપ કરાવવા માટે કોઈ પણ કક્ષાએ જઈ શકે છે. આ સરકારને વિપક્ષ કરતાં આંદોલનકારીઓનો વધારે ડર છે."

તેમણે વધુમાં કહ્યું, "સરકાર લોકશાહીથી ચાલે છે, હું પણ લોકશાહીમાં વિશ્વાસ ધરાવું છું, પરંતુ જો સરકાર ઠોકશાહી પર ઊતરી આવશે તો મને પણ ઠોકશાહી આવડે છે.”

“દેશમાં જ્યારે મરાઠા, જાટ, ગુર્જર, પાટીદારો અનામત માંગી રહ્યા છે, ત્યારે સરકારે ચિંતા કરવી જોઈએ."

તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં પણ મુખ્યમંત્રીએ હિંસા બાદ આંદોલનકારીઓને ચર્ચા માટે બોલાવ્યા પણ ચર્ચા કરી નહીં.

હાર્દિક પટેલ અને અન્ય પાટીદારો

ઇમેજ સ્રોત, Getty Images

હાર્દિકે સૂચક રીતે જણાવ્યું, "બળાત્કારીના કેસમાં જેટલી ઝડપ નથી થતી તેટલી ઝડપ મારા કેસનો ચુકાદો લાવવામાં કરવામાં આવી છે."

પાટીદાર અનામત આંદોલનના નેતા અને પાસના આગેવાન હાર્દિક પટેલને વિસનગર કોર્ટે દોષી જાહેર કર્યા છે.

હાર્દિક પટેલની સાથે સાથે લાલજી પટેલ અને એ.કે. પટેલને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે.

પાટીદાર અનામત આંદોલન સમયે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં થયેલી તોડફોડના મામલે વિસનગરની કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

તોડફોડ બાદ હાર્દિક અને લાલજી પટેલ સહિત પોલીસે કુલ 17 લોકો સામે ગુનો નોંધ્યો હતો.

વિસનગર કૉર્ટે આ મામલે સુનાવણી કરતાં બુધવારે આ કેસમાં હાર્દિક, પટેલ, લાલજી પટેલ, અને એ.કે. પટેલને દોષી ઠેરવતા ત્રણેયને 2 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

line

હાર્દિક પટેલે શું કહ્યું ?

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

આ ચૂકાદા વિશે બીબીસી ગુજરાતીને માહિતી આપતા સરકારી વકીલ ચંદનસિંહ રાજપૂતે જણાવ્યું હતું, "કૉર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ. કે. પટેલને કલમ 427 હેઠળ મિલકતને નુકશાન પહોચાડવું, કલમ 435 અંતર્ગત આગ લગાડવી અને મિલકતને નુકસાનન પડોચાડવાના મામલે દોષિત જાહેર કર્યા હતા."

"કૉર્ટે ત્રણે આરોપીઓને 50-50 હજાર રૂપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે."

"આ વળતરની રકમમાંથી તત્કાલીન ધારાસભ્ય ઋષિકેશ પટેલને 40 હજાર રૂપિયા, જેમની કાર સળગાવવામાં આવી હતી તે બાબુજી ઠાકોરને 1 લાખ રૂપિયા અને પત્રકારને વળતર પેટે 10 હજાર રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે."

કોર્ટના ચુકાદા બાદ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું કે કોર્ટે આપેલા ચુકાદાનો અભ્યાસ કરીને હવે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

કોર્ટના ચુકાદા બાદ હાર્દિક પટેલે ટ્વીટ પર ટ્વીટ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં લખ્યું કે ભાજપની હિટલરશાહી સત્તા મને નહીં દબાવી શકે.

ઉપરાંત અન્ય ટ્વીટમાં તેણે કહ્યું કે તમે મને જેટલો દબાવશો એટલા વધારે પડકાર સાથે હું ઊભરીશ.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

વિસનગર કેસમાં હાર્દિક પટેલના જામીન મંજૂર

વિસનગરના તત્કાલીન ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઑફિસમાં તોડફોડના કેસમાં વિસનગર કૉર્ટે સજાના એલાન બાદ ત્રણે આરોપીના જામીન પણ મંજૂર કર્યાં હતા.

જજ વી.પી. અગ્રવાલે હાર્દિક પટેલ, લાલજી પટેલ, અને એ. કે. પટેલને 15 હજાર રૂપિયાના જાત મુચરકાના જામીન મંજૂર કર્યા હતા.

કૉર્ટે જામીન મંજૂર કરતા ત્રણેય આરોપીના પાસપૉર્ટ જમા કરાવવાનો હુકમ કર્યો હતો.

કૉર્ટે ત્રણે આરોપીને 27મી ઓગષ્ટ સુધીમાં ઉપરની અદાલતમાં અપીલ કરવાનો સમય આપ્યો છે.

line

ઘટના શું હતી?

પાટીદાર અનામત આંદોલન સમયે વર્ષ 2015માં વિસનગરના તત્કાલીન ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવેદન આપવા માટે હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો ગયા હતા

ઘટના સમયે 5 હજાર લોકોનું ટોળું એકઠું થયું હતું અને ટોળું બેકાબૂ બનતા ઋષિકેશ પટેલની ઑફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.

આ ઘટનામાં ટોળાએ એક કારને પણ સળગાવી હતી અને અન્ય જગ્યાએ તોડફોડ પણ કરી હતી. આ ઘટનામાં એક પત્રકારને પણ માર મારવામાં આવ્યો હતો.

વિસનગર પોલીસે આ ઘટનામાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના 17 લોકો પર કેસ દાખલ કર્યો હતો.

બુધવારે કૉર્ટે ચુકાદો આપતા 14 આરોપીને નિર્દોષ છોડ્યા હતા અને હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ. કે. પટેલને સજા ફટકારી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો