કોંગ્રેસ પર 'મુસ્લિમ' પ્રહાર કરવા માટે આઝમગઢ કેમ પસંદ કર્યું?

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

શનિવારે ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતે એક રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રીપલ તલાકના મુદ્દે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.

મોદીએ આ રેલીમાં રાહુલ ગાંધીનું નામ લેવાના બદલે 'શ્રીમાન નામદાર' કહીને સંબોધિત કર્યા હતા.

મોદીએ પૂછ્યું હતું કે શું કોંગ્રેસ પાર્ટી માત્ર 'મુસ્લિમ પુરુષો' માટેની જ પાર્ટી છે કે તેમાં મુસ્લિમ મહિલાઓને પણ હક્ક છે.

વિશ્લેષકોના કહેવા પ્રમાણે, રેલીના સ્થળ તરીકે ગણતરીપૂર્વક આઝમગઢની પસંદગી કરવામાં આવી હતી. આ રીતે તેમણે એક કાંકરે અનેક પક્ષી માર્યા છે.

'મુસ્લિમ પુરુષોની પાર્ટી?'

મોદીએ કહ્યું, "મેં અખબારમાં વાંચ્યું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શ્રીમન નામદારે કહ્યું કે આ પાર્ટી મુસલમાનોની પાર્ટી છે. ગત બે દિવસથી આ વિશે ચર્ચા ચાલી રહી છે.

મને આશ્ચર્ય નથી થઈ રહ્યું. આ પહેલાં જ્યારે વડા પ્રધાન મનમોહનસિંઘની સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે દેશના સંસાધનો પર મુસ્લિમોનો સર્વપ્રથમ અધિકાર છે.

હું કોંગ્રેસ પાર્ટીના નામદારને પૂછવા માગું છું કે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોની પાર્ટી છે, આપને ઠીક લાગે તેમ આપ કરો. આપને મુબારક.

પરંતુ એ જણાવો કે મુસ્લિમોની પાર્ટી માત્ર મુસ્લિમ પુરુષોની જ છે કે મહિલાઓની પણ છે. શું મહિલાઓની ઇજ્જત માટે, તેમના સન્માન માટે, તેમના ગૌરવ માટે અને તેમના હક્ક માટે કોઈ જગ્યા છે?"

વડા પ્રધાન મોદીએ આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ તથા વિપક્ષના અન્ય દળો નથી ઇચ્છતા કે સંસદની કાર્યવાહી ચાલે, તેઓ ઇચ્છે છે કે 'ટ્રીપલ તલાક'ની પરંપરા ચાલુ રહે.

મોદીએ ઉમેર્યું, "21મી સદીમાં પણ એવાં રાજકીય દળો છે કે જે 18મી સદીમાં જીવે છે. તેઓ મોદીને હટાવવાનો નારો તો આપી શકે છે, પરંતુ દેશનું ભલું નથી કરી શકતા."

'પરિવારોનું ભલું થયું'

મોદીએ કહ્યું કે પૂર્વાંચલ એક્સપ્રેસ ખાતમુહૂર્ત સમયે નામ લીધા વગર સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટી પર પ્રહાર કર્યા હતા.

મોદીએ કહ્યું, "કેટલાક રાજકીય પક્ષો બાબાસાહેબ તથા રામ મનોહર લોહિયાજીન નામે માત્ર રાજકારણ રમ્યું છે. આ લોકોને મન જનતા કે ગરીબોનું નહીં, માત્ર પોતાનું જ હિત છે.

"તેમણે માત્ર પોતાનું અને પોતાના પરિવારનું જ ભલું કર્યું છે. આજકાલ તમે ખુદ જોઈ રહ્યાં છો કે જે લોકો ક્યારેય એકબીજાનો ચહેરો જોવા તૈયાર ન હતા, તેઓ હવે એકસાથે છે."

વડા પ્રધાને ઉમેર્યું હતું, "મોદી હોય કે યોગી જનતા જ તેમનો પરિવાર છે."

શનિવારે સાંજે બસપાના સુપ્રીમો તથા ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનેલાં માયાવતીએ કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને જ વડા પ્રધાન દ્વારા રાજ્યમાં મોટા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે.

સપાનો દાવો છે કે પૂર્વાંચલ એક્સપ્રેસનું ઉદ્ધાટન અખિલેશ યાદવે ડિસેમ્બર 2016માં કર્યું હતું.

રિપોર્ટ્સ મુજબ આ એક્સપ્રેસ વે પાછળ રૂ. 23 હજાર કરોડનો ખર્ચ થશે. 340 કિલોમીટર લાંબો આ હાઈવે અમેઠી, બારાબંકી, સુલતાનપુર, ફૈઝાબાદ, આંબેડકરનગર, આઝમગઢ, મઉ તથા ગાઝીપુરને જોડશે.

આઝમગઢ શા માટે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના આઝમગઢમાં પહેલીવાર જઈ રહ્યા છે. તેમના સ્વાગત માટે જોરદાર તૈયારી કરવામાં આવી હતી.

શહેરથી અંદાજે 15 કિલોમીટર દૂર મન્દૂરી એરસ્ટ્રીપ પાસે છેલ્લા એક સપ્તાહથી વિશાળ વોટરપ્રૂફ ટેન્ટની નીચે લોકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં ચાલી રહી હતી.

આઝમગઢ જિલ્લામાં લોકસભાની બે બેઠક-આઝમગઢ તથા લાલગંજ (અનામત) અને વિધાનસભાની દસ બેઠકો આવે છે.

આઝમગઢ લોકસભા બેઠક પર 1952થી 1971 સુધી ભલે કોંગ્રેસનો એકતરફી કબજો રહ્યો હોય, પણ એ પછી અહીં મોટાભાગે સમાજવાદી પક્ષ (સપ) છવાયેલો રહ્યો છે.

વચ્ચેના સમયગાળમાં કોંગ્રેસ અને બહુજન સમાજ પક્ષ (બસપ)ના ઉમેદવારો પણ અહીં જીતતા રહ્યા હતા, પરંતુ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને અહીં 2009માં એક જ વખત વિજય મળ્યો હતો.

પછાત વર્ગના મત નિર્ણાયક

આઝમગઢના પત્રકાર દેવવ્રત શ્રીવાસ્તવ કહે છે, "એ વિજય ભાજપને નહીં પણ તેના ઉમેદવાર રમાકાંત યાદવને કારણે મળ્યો હતો.

"આઝમગઢ અને આસપાસના અન્ય જિલ્લાઓમાં પછાત વર્ગના લોકોની સંખ્યા મોટી છે અને ચૂંટણીમાં તેમની ભૂમિકા નિર્ણાયક હોય છે.

"પછાત વર્ગના લોકો બહુ રાજી કર્યા પછી પણ ભાજપ અહીં 2014માં લોકસભાની અને 2017માં વિધાનસભાની ચૂંટણી જીતી શક્યો ન હતો.

"આ વખતે તો વિરોધપક્ષના ગઠબંધનની પાક્કી શક્યતા છે. તેમ છતાં નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહ કોના આધારે અહીં પ્રયાસ કરી રહ્યા છે એ સમજાતું નથી."

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આઝમગઢની દસ બેઠકોમાંથી માત્ર એક બેઠક મળી હતી, જ્યારે સપને પાંચ અને બસપને ચાર બેઠકો મળી હતી.

આઝમગઢ ભાજપના જિલ્લા અધ્યક્ષ જયનાથ સિંહને ખાતરી છે કે 2019માં તેઓ આ બેઠક પર વિજય મેળવશે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "કેન્દ્ર સરકારે છેલ્લાં ચાર વર્ષમાં અને રાજ્ય સરકારે છેલ્લા દોઢ વર્ષમાં જે કામ કર્યું છે તેના આધારે અમે અહીં જીતીશું."

જયનાથ સિંહને ભાજપ સરકારોના કામના બળે ચૂંટણી જીતવાની ખાતરી છે, પણ જે એક્સપ્રેસ-વેના ઉદઘાટન માટે આટલું મોટું આયોજન થઈ રહ્યું છે તેની સામે સપએ સવાલ ઉઠાવ્યા છે.

શું છે સપની પરેશાની?

સપા સરકારના કાર્યકાળમાં જે યોજનાઓ શરૂ કરવામાં આવી હતી એ યોજનાઓનો ફરી શિલાન્યાસ કે ઉદ્ઘાટન ભાજપની કેન્દ્ર તથા રાજ્ય સરકારો કરી રહી છે. સપા એ વાતે પરેશાન છે.

પક્ષના નેતાઓએ આ મુદ્દે એક દિવસ પહેલાં આઝમગઢમાં એક સભા પણ યોજી હતી. સપાના જિલ્લા અધ્યક્ષ હવલદાર યાદવ આક્ષેપ કરે છે કે ભાજપ વેર વાળવાની ભાવનાથી કામ કરી રહ્યો છે.

વડા પ્રધાને આઝમગઢની જ પસંદગી શા માટે કરી એ મુદ્દે પણ રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. તેની પાછળ રાજકીય અર્થ શોધવામાં આવી રહ્યા હોય એ દેખીતું છે.

આઝમગઢ પછી વારાણસી અને મિર્ઝાપુર-ચંદૌલીમાં પણ વડાપ્રધાનના કાર્યક્રમો યોજાયા.

મિર્ઝાપુર અને ચંદૌલી કોંગ્રેસના ગઢ બની રહ્યા છે. એ ક્ષેત્રોમાં ખાસ કરીને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલાપતિ ત્રિપાઠીનો વ્યાપક પ્રભાવ રહ્યો છે.

વર્તમાન લોકસભામાં આઝમગઢનું પ્રતિનિધિત્વ સપના નેતા મુલાયમસિંહ યાદવ કરે છે.

જાણકારોના કહેવા મુજબ, ભાજપ જે રીતે અમેઠી, રાયબરેલી, ઇટાવા અને ચંદૌલીમાં કરી રહ્યો છે એવી જ રીતે આઝમગઢમાં પણ સપના ગઢ પર પ્રહાર કરવા ઇચ્છે છે.

અમેઠી અને રાયબરેલીનું મહત્વ

અમેઠી અને રાયબરેલીમાં અમિત શાહ સહિતના ભાજપના સંખ્યાબંધ નેતાઓ સભાઓ યોજી ચૂક્યા છે એટલું જ નહીં, કોંગ્રેસના તમામ જૂના નેતાઓને પણ ભાજપમાં સામેલ કરી ચૂક્યા છે.

ઇટાવા અને તેની આજુબાજુના ક્ષેત્રોમાં અમિત શાહ હવે વધારે સક્રિય થયા છે.

આઝમગઢના વરિષ્ઠ પત્રકાર અમિત મિશ્ર કહે છે, "ચૂંટણીમાં વિજય મળે કે ન મળે, પણ અન્ય પક્ષોના મોટા નેતાઓને તેમના ગઢમાં જ લલકારીને વડાપ્રધાને આક્રમક પ્રચારનો સંકેત તો આપી જ દીધો છે.

"એ ઉપરાંત તેઓ એવું પણ દર્શાવવા ઇચ્છે છે કે ગઠબંધનની સંભાવનાથી તેઓ ડર્યા નથી, પણ તેના સામનાના વિકલ્પો ભાજપ તથા તેઓ સતત શોધી રહ્યા છે.

"બીજી વાત એ કે તેઓ અત્યંત પછાત વર્ગ માટે કેટલીક જાહેરાતો કરીને એક નવું રાજકીય કાર્ડ રમી શકે છે. કદાચ એટલે તેમણે આઝમગઢની પસંદગી કરી હશે."

'ખરાબ રાજકારણ'

જોકે, સપના હવલદાર યાદવ તેને 'સારું રાજકારણ' માનતા નથી.

હવલદાર યાદવ કહે છે, "ભાજપની અત્યારની વ્યૂહરચના તેની અગાઉની વ્યૂહરચનાથી બિલકુલ અલગ છે.

"નરેન્દ્ર મોદી-અમિત શાહના વડપણ હેઠળનો ભાજપ વિરોધીઓને હરાવવા, નુકસાન કરવા અને હેરાન કરવાના રસ્તે ચાલી રહ્યો છે. રાજકારણમાં અગાઉ આવું થતું ન હતું.

"રાજકારણમાં વિરોધ પક્ષના નેતાઓનું મહત્ત્વ હતું અને સત્તાધારી પક્ષના લોકો વિરોધ પક્ષના મોટા નેતાઓને સંસદમાં લાવવામાં જાણી જોઈને અવરોધ સર્જતા ન હતા.

"ભાજપ તો સીધો એવી બેઠકોને જ નિશાન બનાવી રહ્યો છે, પણ તેનું અભિયાન સફળ નહીં થાય."

આઝમગઢમાં વડા પ્રધાન મોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના સ્થાનિક કાર્યકરો તેમની તમામ તાકાત લગાવી દીધી હતી.

ચુસ્ત સલામતીનો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો અને હજ્જારો પોલીસ કર્મચારીઓને અહીં ફરજ પર મૂકવામાં આવ્યા હતા.

તેમ છતાં વડાપ્રધાનની આ સભામાં આઝમગઢ વિશ્વવિદ્યાલયની માગ કરતા લોકોને તથા શિક્ષામિત્રોના વિરોધને રોકવાનું સલામતી રક્ષકો માટે પડકારરૂપ બની રહ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો