Top News : અમરનાથ યાત્રાની રક્ષા માટે હવે NSG કમાન્ડો તહેનાત કરાશે

‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં NSG કમાન્ડોનાં કેટલાક યુનિટ તહેનાત કરવામાં આવશે.

NSGની ટીમ CRPF તથા જમ્મુ-કાશ્મીર પોલીસને આતંક-વિરોધી ઓપરેશન્સ માટે તાલીમ આપશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જરૂર પડશે ત્યારે ઓપરેશન્સમાં NSG કમાન્ડોની ટીમોને પણ ઉતારવામાં આવશે.

અમરનાથ યાત્રા પર પણ ખતરો હોવાની બાતમી સુરક્ષા દળોની મળી છે.

આ ઉપરાંત તાજેતરમાં રમજાન મહિનાને ધ્યાને રાખીને સીઝ ફાયરનો નિર્ણય લેવાયા બાદ તણાવની સ્થિતિ યથાવત રહેતા આ નિર્ણય લેવાયો હોવાનું અહેવાલમાં નોંધ્યુ છે.

મહાત્મા મંદિરમાં બનશે હોટલ : લીલા કરશે મેનેજમેન્ટ

‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અખબારના અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્ય સરકારે હૉસ્પિટાલિટી ચેઈન 'લીલા પેલેસીસ હોટલ્સ એન્ડ રિસોર્ટ્સ'ને મહાત્મા મંદિરની જગ્યા સંચાલન માટે 20 વર્ષના કરાર પર આપવા હસ્તાક્ષર કર્યા છે.

મહાત્મા મંદિર પ્રોજેક્ટ વડારધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતો હતો. અહીં પ્રદર્શન માટેની જગ્યા ઉપરાંત હેલિપૅડ ગ્રાઉન્ડ છે અને હાલમાં હોટલ નિર્માણ પામી રહી છે. જેની કુલ કિંમત આશરે 1,200 કરોડ રૂપિયા જેટલી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય નૉડલ એજન્સી ઇન્ડેક્સ્ટબી મહાત્મા મંદિરનું સંચાલન કરવામાં અને તેમાંથી મહેસૂલ એકઠી કરવામાં સક્ષમ ન હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે.

કરાર મુજબ આ ગ્રૂપને ભવિષ્યમાં મળતી કુલ મહેસૂલનો 6 ટકા ભાગ આપવામાં આવશે. ત્રણેક મહિના બાદ આ જગ્યાઓ ગ્રૂપને સોંપાય એવી શક્યતા છે.

સ્તનપાન કરાવતી મૉડલનાં પોસ્ટર અંગે કેર હાઈકોર્ટ : જેમ સુંદરતાજોનારની આંખોમાં હોય છે તેમ અશ્લીલતાપણ હોઈ શકે

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મલયાલમ મૅગેઝીનનાં કવર પેજ પર પ્રકાશિત થયેલ સ્તનપાન કરાવતી મૉડલની તસવીર અંગે કરાયેલી પિટિશન રદ કરાઈ છે.

પૂર્વ ન્યાયાધીશોની બેન્ચે મૉડલ ગિલુ જોસેફની આ તસવીરને અશ્લીલ ન ગણાવતાં કહ્યું હતું, "કોઈ વ્યક્તિને અશ્લીલ લાગે અને એ જ દૃશ્ય અન્ય માટે કલાત્મક હોઈ શકે છે."

ઉલ્લેખનીય છે કે આ ફોટો પ્રકાશિત થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ વિભિન્ન અભિપ્રાય વ્યક્ત કર્યા હતા.

પૂર્વ ન્યાયાધીશોની બેન્ચે એવું પણ કહ્યું હતું કે, અમે તસવીરને એ જ નજરે જોઈ, જે નજરે રાજા રવિ વર્માનાં ચિત્રો જોઈએ છીએ. જેમ સુંદરતા જોનાર વ્યક્તિની આંખમાં હોય છે તેમ અશ્લીલતા પણ જોનાર વ્યક્તિની આંખમાં હોઈ શકે છે.

મિઝોરમેઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ ન મનાવ્યો

‘ધ હિન્દુ’ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વિશ્વભરમાં યોગના કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા, પણ મિઝોરમમાં યોગના એક પણ કાર્યક્રમનું આયોજન કરાયું ન હતું.

ધાર્મિક ભાવનાઓને ધ્યાને રાખીને કાર્યક્રમનું આયોજન ન કરાયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્યની કોંગ્રેસ સરકાર દ્વારા એક પણ કાર્યક્રમનું આયોજન નહોતું કરાયું. જોકે, સરકારના અર્ધલશ્કરી દળ આસામ રાઇફલ્સે તેમના મેદાનમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જોકે આ કાર્યક્રમમાં એક પણ મંત્રી કે ધારાસભ્ય હાજર નહોતા રહ્યા.

ઉલ્લેખનીય છે કે, મિઝોરમ રાજ્યમાં ખ્રિસ્તી ધર્મને અનુસરતા લોકોની વસતી વધારે છે. હિન્દુધર્મ સાથે સંકળાયેલી કોઈ પણ પ્રકારની કસરત ન કરવાના મિઝોરમનાં 15 મુખ્ય ચર્ચનાં નિર્ણય બાદ આ સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળે છે.

પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપને ઉગ્રવાદી સંગઠન ગણાવ્યું

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરુવારે ભાજપને ઉગ્રવાદી સંગઠન ગણાવ્યું હતું.

તૃણમુલ કોંગ્રેસની એક્સટેન્ડેડ કોર કમિટીની બેઠકમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે, આપણો પક્ષ ભાજપની જેમ ઉગ્રવાદી નથી. તેઓ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે શીખ વચ્ચે ભેદભાવ કરે છે એટલું જ નહીં. એ લોકો તો ઊંચનીચનો ભેદભાવ પણ કરે છે.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ કેન્દ્રમાં સત્તા ધરાવે છે એટલે ઍન્કાઉન્ટર કરવાની ધમકી આપે છે.

ભાજપ, કોંગ્રેસ, સીપીઆઇ(એમ) અને માઓવાદીઓ તેમના પક્ષ વિરુદ્ધ એક થઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો.

મેસીની ટીમ આર્જેન્ટીનાને ક્રોએશિયાએ 3-0થી હરાવી

‘ધ હિન્દુ’ના અહેવાલ પ્રમાણે ફૂટબૉલ વિશ્વ કપમાં બે વખત ચૅમ્પિયન બનેલી આર્જેન્ટીનાની ટીમનો ક્રોએશિયા સામેની મેચમાં પરાજય થયો હતો.

ગુરુવારે ગ્રૂપ ડીની મેચ આર્જેન્ટીના અને ક્રોએશિયા વચ્ચે રમાઈ રહી હતી. આ મેચમાં જીત થતા હવે ક્રોએશિયાની ટીમ નૉકઆઉટ રાઉન્ડમાં દાખલ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, આર્જેન્ટીનાની ટીમમાંથી જ મેસી રમી રહ્યા છે. આર્જેન્ટીના અને આઇસલૅન્ડ વચ્ચેની પહેલી મેચ 1-1થી ડ્રૉ થઈ હતી.

જ્યારે બીજી મેચમાં પરાજય થયા બાદ હવે આર્જેન્ટીનાની ટીમ માટે ટોપ-16 ટીમોમાં પહોંચવું પણ અઘરું બની ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો