દહેરાદૂન: 250 છોકરાઓ વચ્ચે ભણી રહી છે આ એકલી છોકરી, કેવો રહ્યો તેનો અનુભવ?

પોતાના ક્લાસના વિદ્યાર્થીઓ સાથે શિકાયના

ઇમેજ સ્રોત, VINOD/BBC

ઇમેજ કૅપ્શન, ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે શિકાયના
    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

સામાન્ય રીતે શાળાને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય: છોકરાઓની શાળા, છોકરીઓની શાળા અને બંને સાથે ભણતા હોય એવી શાળા.

પણ શું તમે એવી શાળા વિશે સાંભળ્યું છે, જેમાં 250 છોકરાઓની વચ્ચે માત્ર એક જ છોકરી ભણતી હોય?

દહેરાદૂનમાં આવેલી કર્નલ બ્રાઉન કેમ્બ્રિજ સ્કૂલ આવી જ એક શાળા છે.

જેમાં છોકરાઓની વચ્ચે માત્ર એક જ છોકરી અભ્યાસ કરી રહી છે અને તે છે શિકાયના.

12 વર્ષની શિકાયના આ વાતથી ખૂબ ખુશ છે અને તેને આમાં કંઈ નવું લાગતું નથી.

બીબીસી સાથેની વાતચીતમાં શિકાયનાએ જણાવ્યું, "જરાક જુદો અનુભવ ચોક્કસ છે પણ છોકરીઓ બધું જ કરી શકે છે તો પછી હું છોકરાઓની શાળામાં કેમ ના ભણી શકું?"

line

કેવો રહ્યો શાળાનો પહેલો દિવસ?

શિકાયના

ઇમેજ સ્રોત, VINOD/BBC

આ સવાલનાં જવાબમાં શિકાયનાએ સુંદર મજાનો પ્રસંગ સંભળાવ્યો

"જ્યારે હું પહેલા દિવસે ક્લાસમાં જઈને બેઠી ત્યારે શિક્ષકે ક્લાસમાં દાખલ થતાં જ એમની રોજની આદત પ્રમાણે કહ્યું -ગુડ મોર્નિંગ બૉય્ઝ."

"જોકે, જેવી નજર મારા પર પડી તો તરત જ એમણે પોતાની ભૂલ સુધારી અને કહ્યું મારે હવે ગુડ મોર્નિંગ સ્ટૂડન્ટ્સ બોલવાની ટેવ પાડવી પડશે." આ પ્રસંગ કહેતાં જ તે ખૂબ જોરથી હસી પડી.

એનું ખડખડાટ હાસ્ય એ વાતની સાબિતી આપતું હતું કે શિકાયનાને શાળા અંગે કોઈ ફરિયાદ નથી.

પણ 250 છોકરાઓ વચ્ચે એકલા ભણવાનો નિર્ણય શિકાયનાએ જાતે નથી લીધો, એના માટે થોડા સંજોગો જવાબદાર હતા અને થોડું નસીબ.

શિકાયના સુંદર રીતે ગાઈ શકે છે અને તે ઘણા ટીવી શોમાં ભાગ પણ લઈ ચૂકી છે.

& ટીવી પર આવતા શો વૉઈસ ઑફ ઈન્ડિયામાં શિકાયનાએ છેલ્લી સીઝનમાં ભાગ લીધો હતો અને તે ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી હતી.

વીડિયો કૅપ્શન, મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના કોપરા ગામમાં સરકારી સ્કૂલ માત્ર એક વિદ્યાર્થિની માટે ચાલે છે

આ કાર્યક્રમ માટે તેણે સપ્ટેમ્બર 2017થી લઈ ફેબ્રુઆરી 2018 સુધી એણે પોતાની જૂની શાળામાંથી રજા લીધી હતી.

જ્યારે રિયાલિટી શોના ફાઇનલમાં ભાગ લીધા બાદ શિકાયના પાછી ફરી ત્યારે શાળાએ તેને પાસ કરી આગળના ધોરણમાં જવા માટે ના પાડી દીધી.

ત્યારબાદ શિકાયનાના પિતા પાસે પોતાની દિકરીને શાળામાંથી ઉઠાડી લેવા સિવાય અન્ય કોઈ વિક્લ્પ બચ્યો નહોતો.

શિકાયનાના પિતા કર્નલ બ્રાઉન કેમ્બ્રિજ સ્કૂલમાં સંગીતના શિક્ષક છે.

એમણે શિકાયના માટે બે-ત્રણ શાળામાં ફૉમ ભર્યાં પણ શિકાયનાને કોઈ પણ શાળામાં ઍડમિશન મળ્યું નહીં.

તમે આ વાંચ્યું કે નહીં?

ત્યારબાદ તેમણે પોતાની શાળામાં જ શિકાયનાને ઍડમિશન અપાવવાની વાત કહી.

શિકાયનાના પિતા વિનોદ મુખિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે એવું નહોતું કે શાળાના વહીવટીતંત્રે એક જ વખતમાં એમની વાત માની લીધી હોય.

એમના જણાવ્યા મુજબ, "શાળાએ શિકાયના બાબતે પોતાનો નિર્ણય સંભળાવવામાં 15-20 દિવસનો સમય લીધો હતો."

"શિકાયનાનું ઍડમિશન જ એક માત્ર સમસ્યા નહોતી. શાળાને આ ઍડમિશનથી ઉઠનારા બીજા ઘણા સવાલ અંગે વિચારવાનું હતું."

line

બીજી સમસ્યા શું હતી?

શિકાયના

ઇમેજ સ્રોત, VINOD/BBC

શિકાયનાના પિતા વિનોદ જણાવે છે, "શાળામાં શિકાયનાનો ગણવેશ કેવો રહેશે? ટૉઇલેટ રૂમ ક્યાં હશે? જો બીજા શિક્ષકો પણ આવી માગણી કરવા માગશે તો શું થશે- શાળા વહીવટીતંત્રે આ વાતનો ઉકેલ લાવવો જરૂરી હતો."

20 દિવસ પછી શાળા વહીવટીતંત્રે પોતાનો નિર્ણય સંભળાવ્યો જે શિકાયનાના પક્ષમાં હતો.

શિકાયના પોતાની જૂની શાળામાં ટ્યૂનિક પહેરીને જતી હતી પણ નવી શાળામાં તે છોકરાઓનો ગણવેશ પહેરીને જાય છે.

ગણવેશ નક્કી કરવાની પક્રિયા પણ ખૂબ મજેદાર રહી હતી.

શાળા વહીવટીતંત્રે શિકાયનાનાં માતાપિતાને જ પૂછ્યું કે શિકાયના શું પહેરીને શાળામાં આવવાનું પસંદ કરશે?

એના માટે નવી સ્ટાઇલનો ડ્રેસ તૈયાર કરવાની વાત પણ ઊભી થઈ. શિકાયનાને પણ આ અંગે પૂછવામાં આવ્યું .

અંતે એ તારણ નીકળ્યું કે છોકરાઓ જે ડ્રેસ પહેરી શાળામાં આવે છે તે જ પહેરી શિકાયના શાળામાં આવશે.

શિકાયનાને પણ આ વાતનો કોઈ વાંધો નહોતો. તેના ક્લાસમાં 17 છોકરાઓ છે અને એમની વચ્ચે પૅન્ટ-શર્ટ, બૅલ્ટ પહેરીને તે એમના જેવી જ લાગે છે. ફરક માત્ર તેના લાંબા વાળનો જ છે.

શું શિકાયનાના આવવાથી એમના સાથી મિત્રોના જીવનમાં કોઈ ફેર પડ્યો છે ખરો?

આ સવાલને વચ્ચે જ કાપીને તે એક રસપ્રદ પ્રસંગ સંભળાવે છે.

"હવે વર્ગમાં કોઈ છોકરો મસ્તી કરે છે તો શિક્ષક કહે છે તમારી સાથે હવે એક છોકરી છે, થોડી તો શરમ કરો."

"એટલે છોકરાઓને એવું લાગે છે કે મારા કારણે એમને વધારે ઠપકો સાંભળવો પડે છે."

શિકાયનાનાં ઍડમિશન બાદ હવે એક સમસ્યા ગર્લ્સ ટૉઇલેટની પણ છે.

શાળા વહીવટીતંત્રે નવી વ્યવસ્થા કરવાને બદલે શિકાયનાને શિક્ષકોનું ટૉઇલેટ વાપરવાની છૂટ આપી દીધી છે.

જોકે, શાળામાં માત્ર ડ્રેસ અને ટૉઇલેટ જ નહીં એવી ઘણી વસ્તુઓ હોય છે જેની બાળકોને જરૂર પડતી હોય છે. જેમ કે રમવા અને મન હળવું કરવા માટે સાથી મિત્રોની.

છોકરાઓ અને છોકરીઓની રમતો અને મિત્રો પણ ભિન્ન પ્રકારના હોય છે. અને વાત કરવાના વિષય પણ.

line

આવામાં શિકાયના શું કરે છે?

શિકાયના

ઇમેજ સ્રોત, VINOD/BBC

શિકાયનાએ બીબીસીને જણાવ્યું કે તેની પસંદ છોકરીઓ જેવી નથી.

12 વર્ષની છોકરી સામાન્ય રીતે તો ઢીંગલીઓથી રમવાનું, ફૅશન કરવાનું, થોડી સીરિયલ અને ફિલ્મોની વાતો કરવાનું પસંદ કરે છે પણ શિકાયનાને આ બધું બિલકુલ પસંદ નથી.

નવી શાળામાં શિકાયનાએ લૉન ટેનિસ રમવાની શરૂઆત કરી છે, છતાં અહીંયા પણ તેમની પહેલી પસંદ ગીત ગાવાની જ છે.

શાળાની સંગીત ટીમમાં તે એક માત્ર છોકરી છે તેનું તેને ગૌરવ છે.

જોકે, 250 છોકરાઓ વચ્ચે માત્ર એક છોકરીનું ભણવું શું આપણે માનીએ એટલું સરળ છે ખરું?

શિકાયનાના પિતા વિનોદના જણાવ્યા મુજબ આ એટલું સરળ નહોતું.

વિનોદ હંમેશાં જાણતા હતા કે છોકરાઓ ખૂબ બદમાશ હોય છે. તે જણાવે છે કે મેં હંમેશાં ભગવાન પાસે છોકરી માંગી હતી."

"શિકાયનાનો જન્મ થયો ત્યારે અમને ખૂબ ખુશી થઈ હતી પણ શાળામાં ઍડમિશન પહેલાં અને પછી પણ અમે એનું ખૂબ કાઉસેલિંગ કરી હતી."

"અમે ઍડમિશન પહેલાં એનું મન પણ વાંચ્યું હતું. અમે પૂછ્યું હતું કે તું છોકરાઓની શાળામાં જવા ઇચ્છે છે? એનો જવાબ હતો- બધા ભણે છે તો હું કેમ ના ભણું શકું?"

line

કેટલી ખુશ છે શિકાયના

શિકાયના

ઇમેજ સ્રોત, VINOD/BBC

આ તો જાણ્યા ઍડમિશન પહેલાંના તેના વિચાર પણ દાખલા પછી શું એનાં મૂડ સ્વિંગ પણ આવ્યા ખરા?

આ અંગે વિનોદ જણાવે છે, "પહેલાં તો શાળાએથી આવ્યા બાદ રોજ અમે એને પૂછતા કે એનો દિવસ કેવો રહ્યો. પણ દર વખતે એના ચહેરાની ચમક જ ચાડી ખાતી કે અમારો નિર્ણય યોગ્ય છે. તેને કોઈ પરેશાની નથી."

છેલ્લા બે મહિનાથી શિકાયના આ શાળામાં અભ્યાસ કરી રહી છે.

શું તેના માતાપિતા કે શિકાયનાને આ શાળા છોડવાનો ક્યારેય વિચાર આવ્યો છે ખરો?

આ અંગે શિકાયનાના પિતા જણાવે છે, 'હું દરેક નિર્ણયમાં શિકાયનાની પડખે ઊભો છું. તમે એને જ પૂછી લો ને.'

શિકાયનાના આવ્યા બાદ બીજા એક શિક્ષકે પોતાની દિકરી માટે આ પ્રકારની વિનંતી કરી છે. આશા છે કે શિકાયનાને ખૂબ જલ્દી તેના જેવી જ મિત્ર મળી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો