Top News: દેશના 50 ટકા પ્લાસ્ટિક કચરા માટે મહારાષ્ટ્ર-ગુજરાત જવાબદાર

ઇમેજ સ્રોત, Getty Images
'ગુજરાત સમાચાર'ના એક અહેવાલમાં દેશના 50 ટકા જેટલા પ્લાસ્ટિક કચરા માટે ગુજરાત અને મહારાષ્ટ્રને જવાબદાર ગણાવ્યા છે.
અખબારે 'પ્લાસ્ટઇન્ડિયા ફાઉન્ડેશન'ના આંકડાના આધારે તૈયાર કરાયેલાં 'ડાઉન ટુ અર્થ' સામયિકના અહેવાલને ટાંકીને આ માહિતી આપી છે.
'ડાઉન ટુ અર્થ' એ વિજ્ઞાન અને પર્યાવરણ સંબંધિત સમાચાર આપતું પાક્ષિક છે.
અહેવાલ અનુસાર ભારતના આ બન્ને ઔદ્યોગિક રાજ્યો વર્ષે 8 લાખ ટન પ્લાસ્ટિક કચરો પેદા કરે છે.
જ્યારે આખો દેશ દરરોજ સરેરાશ 4059.18 ટન જેટલો પ્લાસ્ટિક કચરો ફેંકે છે.
પ્લાસ્ટિક કચરો ફેંકવામાં સૌથી મોટો ફાળો દેશના મુખ્ચ ચાર મહાનગર દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચૈન્નઈનો હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

કેન્દ્ર સરકારે કાશ્મીરમાં યુદ્ધવિરામનો અંત કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના એક રિપોર્ટમાં જણાવાયું છે કે જમ્મુ અને કાશ્મીરમાં રમઝાન માસ દરમિયાન જાહેર કરાયેલા એક તરફી શસ્ત્રવિરામને વધુ નહીં લંબાવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે ટ્વીટ કરીને શસ્ત્રવિરામ ખતમ કર્યો હોવાની જાહેરાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિંહે ટ્વીટમાં જણાવ્યું, ''17 મે 2018ના રોજ ભારત સરકારે નિર્ણય લીધો હતો કે રમઝાનના પવિત્ર માસ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો કોઈ પણ કાર્યવાહી નહીં કરે. આ નિર્ણય જમ્મૂ-કાશ્મીરના શાંતિપ્રિય લોકોના હિતમાં લેવામાં આવ્યો હતો, જેથી તેમને રમઝાન માસના પાલન માટે અનુકૂળ વાતાવરણ મળી રહે.”
જોકે, કેન્દ્ર સરકારે સુરક્ષા દળોની કાર્યવાહી ન કરવાના નિર્ણયનો ઉલ્લેખ ‘યુદ્ધવિરામ’ તરીકે નહોતો કર્યો.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વીટમાં વધુ માહિતી આપતા કહ્યું, “અપેક્ષા હતી કે આ નિર્ણયને સફળ બનાવવા માટે દરેક સહકાર આપશે. સુરક્ષા દળોએ આ સમયગાળામાં ઉદાહરણરૂપ સંયમ દર્શાવ્યો છે, પરંતુ ઉગ્રવાદીઓએ નાગરિકો અને સુરક્ષા દળો પર તેમના હુમલા ચાલુ રાખ્યા હતા, જેને કારણે જવાનો અને સામાન્ય નાગરિકો ઘાયલ થયા, મૃત્યુ પામ્યા.”
“સુરક્ષા દળોને હવે ઉગ્રવાદીઓને આતંકી હુમલા કરતા રોકવા અને હિંસા તથા હત્યાની પ્રવૃત્તિઓ કરતા અટકાવવા માટે જરૂરી હોય તેવા તમામ પગલાં ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.”

ગુજરાત કપાસ, મગફળી, ઘઉં, ચોખાની ઉત્પાદકતામાં પાછળ

ઇમેજ સ્રોત, Getty Images
'સંદેશ'માં પ્રકાશિત અહેવાલ અનુસાર ગુજરાત કપાસ, મગફળી, ઘઉં, ચોખાની ઉત્પાદકતામાં દેશના અન્ય રાજ્યો કરતાં પાછળ છે.
અખબારના આ અહેવાલ અનુસાર ગુજરાત સરકાર ખેતીવાડી ક્ષેત્રે બે અંકના વિકાસ દરનો દાવો કરે છે, પરંતુ મહત્ત્વના પાકોની ઉત્પાદકતાની બાબતે અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત ઘણું પાછળ છે. રાજ્યના મુખ્ય પાક કપાસ, મગફળી હોય કે ઘઉં, ચોખા દરેકમાં ઉત્પાદકતામાં ગુજરાત પાછળ છે.
અહેવાલ અનુસાર છેલ્લા બાર-પંદર વર્ષની કૃષિ મહોત્સવો યોજવા છતાં ઉત્પાદકતા વધારવાની બાબતે નિષ્ફળ ગઈ છે.
ગુજરાત દેશના કુલ ઉત્પાદનના 30 ટકા કપાસ પકવે છે, છતાં ઉત્પાદકતાની બાબતે ગુજરાત, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશ બાદ ત્રીજા ક્રમે છે.
મગફળીના ઉત્પાદનમાં પણ ગુજરાતનો હિસ્સો 30 ટકા છે, પરંતુ તેની ઉત્પાદકતામાં પણ તે તામિલનાડુ અને રાજસ્થાન કરતાં ત્રીજા ક્રમે છે.
ઘઉંની ઉત્પાદકતામાં બાબતે ગુજરાતનું સ્થાન દેશમાં પાંચમા ક્રમે છે અને ચોખાની ઉત્પાદકતામાં રાજ્ય નવમા ક્રમે છે.

દેશમાં દસ લાખ લોકો વોટ્સ ઍપથી પૈસા મોકલવાનું ‘ટેસ્ટિંગ’ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર ભારતમાં દસ લાખ લોકો વોટ્સ ઍપની પેમેન્ટ સર્વિસનું પરીક્ષણ કરી રહ્યા છે.
પીટીઆઈએ કંપનીના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે વોટ્સ ઍપ ભારત સરકાર, એનપીસીઆઈ અને સંખ્યાબંધ બૅન્કો સાથે મળીને યૂઝર્સ માટે આ સેવાઓનું વિસ્તરણ કરી રહી છે.
વોટ્સ ઍપની પેમેન્ટ સેવાઓની સીધી સ્પર્ધા પેટીએમ અને તેના જેવી અન્ય સેવાઓ સાથે છે. હાલમાં વોટ્સ ઍપની આ સેવાઓ છેલ્લા કેટલાક મહિનાથી પરીક્ષણના તબક્કામાં છે.
ફેસબુકની માલિકી ધરાવતી વોટ્સ ઍપએ હજી સુધી આ સેવાઓની ઔપચારીક શરૂઆતની કોઈ ચોક્કસ તારીખ જાહેર નથી કરી. જોકે, આ ઉદ્યોગના જાણકારોના અનુમાન મુજબ ગણતરીના સપ્તાહોમાં જ વોટ્સ ઍપ આ સેવાઓ શરૂ કરશે.
વોટ્સ ઍપના પ્રવક્તાએ પીટીઆઈને જણાવ્યું, "હાલ ભારતમાં લગભગ દસ લાખ જેટલા લોકો વોટ્સ ઍપ દ્વારા ચૂકવણી કરવાનું પરીક્ષણ કરી રહ્યા છે. તેમના પ્રતિભાવો ખૂબ જ હકારાત્મક છે. લોકોને આ સેવાની સરળતા, સુરક્ષા અને અનુકૂળતા આનંદ આપી રહી છે. આ સેવાનો ઉપયોગ એક મેસેજ મોકલવા જેટલો જ સહેલો છે."
પ્રવક્તાના જણાવ્યા અનુસાર વોટ્સ ઍપ ભારત સરકાર, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા અને સંખ્યાબંધ બૅન્કો તથા પેમેન્ટ સેવાઓ પૂરી પાડી રહેલી અન્ય કંપનીઓ સાથે કામ કરી રહી છે. આથી આ સેવાઓને દેશમાં વ્યાપક પ્રમાણમાં લોકો સુધી પહોંચાડી શકાય અને ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને ટેકો કરી શકાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












