ભારત પાસેથી મેં પ્રેમ કરવાનું શીખ્યું : રાશીદ ખાન

ઇમેજ સ્રોત, AFGHAN CRICKET BOARD
દેશની પરિસ્થિતિને પગલે મજબૂરીમાં વતન છોડી આવેલા એક નિરાશ્રિત પાસેથી શું તમે એવી અપેક્ષા રાખી શકો કે તે એક દિવસ પ્રસિદ્ધ ખેલાડી બને?
અફઘાનિસ્તાનના ખેલાડી રાશીદ ખાનની કહાણી આ સવાલનો જવાબ આપે છે.
20 સપ્ટેમ્બર 1998એ અફઘાનિસ્તાનમાં નનગરહાર પ્રાંતમાં આવેલા જલાલાબાદમાં જન્મેલા રાશીદ ખાનનું બાળપણ આતંકવાદના ભયમાં પસાર થયું.
નનગરહાર પ્રાંત તાલિબાનનો સક્રીય ગઢ રહ્યો છે,
અને અફઘાન ટીમમાં માત્ર રાશીદ ખાન જ નહીં પણ કેટલાય ખેલાડીઓની કહાણી પણ શરણાર્થી બન્યા બાદ જ શરૂ થઈ છે.
પાકિસ્તાનના પેશાવર પાસે નિરાશ્રિત છાવણીઓમાં રહેતા કેટલાક અફઘાનોએ હાથમાં બૅટ અને દડો પકડવાનું નક્કી કર્યું અને એક ઇતિહાસ રચવા નીકળી પડ્યા.

અફઘાન ટીમના 17 વર્ષની સફર...

ઇમેજ સ્રોત, TWITTER
વર્ષ 2001માં 11 ખેલાડીઓ સાથે અફઘાનિસ્તાનની એક ક્રિકેટ ટીમ બનાવાઈ અને 17 વર્ષની મુસાફરી ખેડીને આ વર્ષે 14મી જૂને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમવા એ ટીમ બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેદાન પર ઊતરી.
પણ, આ સફર સરળ નહોતી. એક તરફ ક્રિકેટના મેદાન પર ટેસ્ટ ટીમ તરીકે પોતાને સાબીત કરવાનો પડકાર હતો તો બીજી તરફ અફઘાનિસ્તાનની સ્થિતિ સામે ઝઝૂમવાનું પણ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
જોકે, વિપરીત પરિસ્થિતિઓ સામે પણ એક ટેસ્ટ ટીમ ઊભી થઈ અને આઈસીસીની 12મી ટેસ્ટ ટીમ તરીકે 22 જૂન 2017માં અફઘાનિસ્તાનને માન્યતા મળી.
અફઘાન ટીમને તાલીમ આપવાની જવાબદારી બીસીસીઆઈએ ઉઠાવી અને વર્ષ 2015માં ગ્રેટર નોઇડા ખાતે આવેલા શહીદ વિજયસિંહ પાઠક ક્રિકેટ ગ્રાઉન્ડને અફઘાનિસ્તાનનું હોમગ્રાઉન્ડ જાહેર કરવામાં આવ્યું.

રાશીદ ખાન : નામ તો સુના હી હોગા!

ઇમેજ સ્રોત, TWITTER
આ જ ટીમના એક ખેલાડી રાશીદ ખાન એવા તે ચમક્યા કે આજે તેઓ વિશ્વમાં ટી-20ના સૌથી શ્રેષ્ઠ બૉલર ગણાય છે.
તે ફેબ્રુઆરી 2018માં ટી-20 અને વન ડેની બૉલર્સની આઈસીસી રૅન્કિંગમાં નંબર 1 પર પહોંચ્યા હતા.
બીબીસી સાથેની ખાત વાતચીતમાં તેમણે પોતાની રમત અને વ્યક્તિત્વ સંબંધીત ઘણી વાતો કરી.
26 ઑક્ટોબર 2016માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રાશીદ પ્રથમ વન ડે મેચ રમવા ઊતર્યા હતા. એ જ વર્ષે તેમણે ટી-20 મુકાબલામાં પણ ભાગ લીધો.
રાશીદ જણાવે છે કે તેમની સૌથી યાદગાર ઇનિંગ આયર્લૅન્ડ વિરુદ્ધ હતી. 10 માર્ચ 2017માં ગ્રેટર નોઇડામાં આયર્લૅન્ડ વિરુદ્ધ ટી-20 મુકાબલામાં તેમણે 2 ઓવરમાં 5 વિકેટ્સ લીધી.
તેઓ જણાવે છે કે ચોથી વિકેટ લીધા બાદ તેઓ બહુ જ ખુશ હતા અને ઉત્સાહમાં એરોપ્લૅન જેવો પોઝ બનાવી દોડવા લાગ્યા હતા. એમની આજ દોડ 'સિગ્નેચર સ્ટાઇલ' બની ગઈ.

"ભારત પાસેથી પ્રેમ કરવાનું શીખ્યું"

ઇમેજ સ્રોત, TWITTER
ભારતીયો પણ રાશીદ ખાનના ફેન્સ છે. આઈપીએલમાં તેમણે કરેલાં પ્રદર્શનને કારણે ભારતમાં તેઓ ઘરઘર જાણીતું નામ બની ગયા છે.
રાશીદને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તેઓ કેટલાય સમયથી ભારતમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે ત્યારે ભારતીયોની કઈ આદતને તેઓ અપનાવવા ઇચ્છશે?
રાશીદે જણાવ્યું કે તેમણે ભારતીયો પાસેથી પ્રેમ કરવાનું શીખ્યું.
તેમને ભારતીયોની જિંદાદિલી ભારે પસંદ છે.

"વિરાટને ગૂગલીથી ચીત કરવામાં મજા આવે છે."

ઇમેજ સ્રોત, TWITTER
જ્યારે તેમની ગૂગલીનો ઉલ્લેખ થયો ત્યારે તેમણે ખુલાસો કર્યો કે વિરાટ કોહલીની વિકેટ લેવામાં તેમને સૌથી વધુ મજા આવે છે.
અંગત જીવન અંગે માહિતી આપતા રાશીદ જણાવે છે કે તેમના પરિવારમાં 7 ભાઈ અને 4 બહેનો છે.
તેમના સાતેય ભાઈઓ બૉલર છે પણ પરિવારની જવાબદારીને નિભાવવામાં તેઓ ક્રિકેટમાં કારકિર્દી ઘડી ના શક્યા. પણ આ જ ભાઈઓ રાશીદ માટે સહારો ચોક્કસથી બન્યા.
રાશીદ જણાવે છે તે તેમનાં મા-બાપ તેમને ક્રિકેટ રમતા અટકાવતા અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરવા કહેતા.
અફઘાનિસ્તાનની સ્થિતિ જોતા તેઓ બીજી આશા પણ કઈ રીતે રાખી શકે?
તેમણે જણાવ્યું કે બાળપણમાં તેઓ ઘરની બહાર રમી પણ નહોતા શકતા કારણ કે ચારેય તરફ આતંકનો પડછાયો વર્તાતો હતો.
જોકે, ઘરમાં જ્યારે પણ સમય મળતો રાશીદ પોતાના ભાઈઓ સાથે ક્રિકેટ રમ્યા કરતા હતા.

કોચની એ વાત...

ઇમેજ સ્રોત, TWITTER
પાકિસ્તાનમાં શરણાર્થી કૅમ્પમાં પહોંચ્યા બાદ તેમણે ક્રિકેટને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું.
તે કહે છે કે અફઘાનિસ્તાનની અન્ડર-19 ટીમમાં જગ્યા મળતાં જ તેમના કૉચ દોલત અહમદઝઈએ તેમને કહ્યું,
“જો ત્રણ મહિના સુધી આકરું નિયંત્રણ રાખી શકે તો તું એક ઉત્તમ ક્રિકેટર બની શકે એમ છે.”
રાશીદ ખાન જણાવે છે કે આજે પણ તેમના કાનમાં એમના કોચની વાત પડઘાય છે.
અને કદાચ આ જ શિખામણનું પરિણામ છે કે અફઘાનિસ્તાનનો આ ખેલાડી માત્ર ક્રિકેટના વિશ્વમાં બુલંદી પર જ નથી પહોંચ્યો પણ પોતાના દેશની ટીમને પણ ક્રિકેટના નકશા પર મજૂબતીથી પહોંચાડી શક્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












