માત્ર યુએનના પ્રતિબંધો જ સ્વીકાર્ય, ઈરાન મુદ્દે ભારતનો સ્પષ્ટ મત

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે જણાવ્યું છે કે તે માત્ર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લગાવાયેલા પ્રતિબંધો જ અનુસરે છે, અન્ય કોઈ રાષ્ટ્ર દ્વારા લગાવાયેલા પ્રતિબંધો નહીં. અમેરિકા દ્વારા ઈરાન પર લગાવાયેલા પ્રતિબંધોને લઈને ભારતનો મત સ્પષ્ટ કરતાં વિદેશમંત્રી સુષમા સ્વરાજે આ વાત કરી છે.
એક પરિષદમાં સુષમાએ કહ્યું, ''ભારત માત્ર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લગાવાયેલા પ્રતિબંધો જ સ્વીકારે છે, કોઈ એક દેશ દ્વારા લગાવાયેલા એક તરફી પ્રતિબંધો નહીં.''
સુષમાની આ વાત ત્યારે સૂચક બની રહે છે કે જ્યારે અમેરિકાના પ્રતિબંધો વિરુદ્ધ સમર્થન મેળવવા ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફ નવી દિલ્હી પહોંચ્યા છે.
ઈરાનનો સમાવેશ ભારતને ક્રૂડ ઓઇલ પૂરું પાડતા ટોચના દેશોમાં પણ થાય છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની પરમાણુ સંધીમાંથી અમેરિકાને પરત ખેચી લીધું છે. સાથે જ વર્ષ 2015માં ઈરાન પરથી હટાવાયેલા પ્રતિબંધો ફરી લાદી દીધા છે.

ICCએ ફિક્સિંગના ફૂટેજ માંગ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના કહેવા પ્રમાણે, મેચ-ફિક્સિંગના આરોપો અંગે સંગઠન ગંભીર છે.
કાઉન્સિલના નિવેદન પ્રમાણે, મીડિયા સંગઠન (અલ-ઝઝીરા) પાસેથી સ્ટિંગ ઓપરેશનનો વીડિયો એડિટિંગ વગરનો સંપૂર્ણ વીડિયો માગવામાં આવ્યા છે, પરંતુ પ્રસારણકર્તા તરફથી સહકાર નથી મળી રહ્યો.
ઓસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડની ટીમોના કેપ્ટન ડૉક્યુમેન્ટ્રીમાં લગાવવામાં આવેલા આરોપોને નકારી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છેકે અલ ઝઝીરાના સ્ટિંગ ઓપરેશન બાદ ડિસેમ્બર 2016થી જુલાઈ-2017 દરમિયાન ભારતે રમેલી ત્રણ ટેસ્ટ મેચો શંકાના ઘેરામાં આવી છે.

રાજકોટ-મુંબઈ વચ્ચેની પ્રથમ દુરન્તો દોડી

ઇમેજ સ્રોત, Twitter@WesternRailways
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે પ્રધાન પિષુય ગોયેલ વચ્ચે બુલેટ ટ્રેન અને ગાંધીનગર રેલવે સ્ટેશન મામલે વાતચીત થઈ હતી.
નવી દિલ્હીમાં યોજાયેલી આ બેઠક દરમિયાન ગુજરાતને લગતા રેલવે સંબંધિત વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરાઈ હતી.
બેઠક દરમિયાન રૂપાણીએ મુંબઈ દુરન્તો ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે દિલ્હી-અમદાવાદ રાજધાની ટ્રેનને પણ રાજકોટ સુધી લંબાવવા માગ કરી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે રાજકોટ-મુંબઈ વચ્ચેની પ્રથમ દૂરન્તો ટ્રેનને રાજકોટ રેલવે સ્ટેશન પરથી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપી હતી.

માઓની નકલ બાદ માફી

ઇમેજ સ્રોત, WECHAT
ચીનના હૂનાન પ્રાંતમાં બ્લોકચેન ટેક્નોલૉજી પર એક કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં શૂ ગ્વાશિયાંગ નામના અભિનેતાએ માઓત્સે તુંગ જેવા કપડાં પહેર્યા હતા અને તેમના અવાજવામાં સંબોધન કર્યું હતું.
આ પબ્લિસિટી સ્ટન્ટને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ હતી, જેનાં પગલે આયોજકોએ માફી માગવી પડી હતી.
બીબીસીને માહિતી મળી છે કે આ વિવાદ અંગેની ઑનલાઇન ચર્ચાને સેન્સર કરવામાં આવી રહી છે.
માઓને આધુનિક ચીનના સંસ્થાપક માનવામાં આવે છે અને તેઓ ભારે સન્માનીય છે. ચીનમાં નેતાઓનાં નામો તથા તસવીરોના ધંધાદારી ઉપયોગ પર પ્રતિબંધ છે.
ઉલ્લેખનીય છે કે ડિજિટલ કે ક્રિપ્ટો કરન્સી બ્લોકચેન ટેક્નોલૉજી પર આધારિત હોય છે.

કોકા કોલાની શરાબ

ઇમેજ સ્રોત, AFP
125 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોકા કોલાએ શરાબયુક્ત પીણું 'આલ્કોપોપ' લોન્ચ કર્યું છે.
હાલમાં ત્રણ ફ્લેવર સાથે આ ડ્રિન્ક માત્ર જાપાનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. મહિલાઓને ધ્યાને રાખીને આ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે.
હાલ તૂર્ત આ પ્રોડ્ક્ટને અન્ય રાષ્ટ્રોમાં લોન્ચ કરવાની કંપનીની યોજના નથી. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ડ્રિન્ક્સમાં ત્રણથી આઠ ટકા આલ્કોહોલ છે.
અન્ય પ્રોડક્ટ્સની જેમ જ 'આલ્કોપોપ'ની ફોર્મ્યુલા અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી. જોકે તે જાપાનના 'ચુ-હી' ડ્રિન્ક્સ પર આધારિત હોવાની ચર્ચા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












