'કર્ણાટક બાદ નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડી અજેય રહી નથી'

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ઉર્મિલેશ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
લાંબા સમય બાદ વિપક્ષે સત્તાધારી ભાજપને માત આપી છે.
બહુમતી વગર ભાજપ કર્ણાટકમાં પણ ગોવા અને મણિપુરની જેમ કોઈને કોઈ રીતે પોતાની સરકાર બનાવવાનો જુગાડ કરી રહ્યો હતો. સરકાર બની તો ખરા, પરંતુ ત્રીજા દિવસે જ પડી ગઈ.
તમામ ચાલાકી અપનાવવામાં આવી પણ ભાજપ ગૃહમાં બહુમતી સાબિત કરી શક્યો નહીં. રાજભવનનો ચહેરો પણ ખરાબ થયો. ભૂતકાળમાં ઘણા પ્રદેશોમાં આવું ઘણી વખત થઈ ચૂક્યું છે.
બેંગલુરૂમાં રાજ્યપાલે જે રીતે 117 સભ્યોના સમર્થન વાળી કોંગ્રેસ- જનતા દળ (એસ) ગઠબંધનની અવગણના કરી 104 સભ્યોના સમર્થન વાળા ભાજપને સરકાર બનાવવા અને પછી બહુમતી સાબિત કરવા 15 દિવસ લાંબો સમયગાળો આપ્યો, તેની પાછળનો ઉદ્દેશ અને ભાજપના શીર્ષ નેતૃત્વના જુગાડ-પ્રોજેક્ટનો ખરાબ રીતે પર્દાફાશ થયો.
કર્ણાટકના આ રાજકીય ઉલટફેરને આખો દેશ જોઈ રહ્યો હતો. નિસંદેહ, ત્રણ-ચાર દિવસના ઘટનાક્રમ અને તેનાં પરિણામોથી વિપક્ષનું આત્મબળ મજબૂત બનશે.

મોદી અને શાહની જોડી

ઇમેજ સ્રોત, RAJAT GUPTA/EPA
વિપક્ષને ફરી એક વખત અહેસાસ થયો છે કે દેશની સત્તા-રાજકારણનું સંચાલન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની જોડી રાજકીય રીતે અજેય નથી.
તેનાથી 2019ની ચૂંટણીની તૈયારીમાં વિપક્ષને મનોવૈજ્ઞાનિક ફાયદો થશે. તેનો આત્મવિશ્વાસ વધશે.
દિલ્હી, બિહાર અને પંજાબની ચૂંટણીઓમાં વિપક્ષો અને તેમના ગઠબંધનોએ મોદી-શાહની વિજયયાત્રાને ખૂબ સારી રીતે રોકી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
પરંતુ આસામ, ત્રિપુરા, ગોવા અને પૂર્વોત્તરના કેટલાંક અન્ય રાજ્યોમા ભાજપ પાસે સત્તા આવતા વિપક્ષ ફરી એક વખત હતાશ દેખાવા લાગ્યો.
કર્ણાટકનું ચૂંટણી પરિણામ પણ વિપક્ષ માટે નિરાશાજનક રહ્યું. કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સત્તા ફરી મેળવવા માટે જરૂરી બહુમતી મેળવી ન શક્યા. અહીં કોઈ પણ પક્ષને બહુમતી ન મળી.

મિત્રતા માટે કોંગ્રેસના હાથ વધ્યા

ઇમેજ સ્રોત, JAGADEESH NV/EPA
સમય જોતાં કોંગ્રેસે રાહ જોયા વગર જનતા દળ(એસ)ની તરફ મિત્રતાનો હાથ વધાર્યો અને પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગૌડાએ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય કટાક્ષને ભૂલીને કોંગ્રેસના આગળ આવેલા હાથોનો સહારો લીધો. તુરંત એક વિપક્ષી ગઠબંધન સામે આવ્યું.
ભ્રષ્ટાચાર અને અપરાધના અંતના સુત્રની સાથે 2014માં સરકાર બનાવવા વાળા ભાજપે ધનબળ, બાહુબળ અને રાજભવનના માધ્યમથી દક્ષિણના આ મહત્ત્વપૂર્ણ રાજ્યની સત્તા મેળવવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યા.
રાજભવન અને કેન્દ્રના રાજકારણીઓએ બહુમતી માટે જરૂરી સંખ્યા હોવા છતાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને સત્તાથી વંચિત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો. બેંગલુરૂમાં બી. એસ. યેદિયુરપ્પાની અલ્પમત સરકાર બેસાડી દેવાઈ.

19 મેનો દિવસ

ઇમેજ સ્રોત, MANJUNATH KIRAN/AFP/GETTY IMAGES
પરંતુ ધનબળ અને બાહુબળથી સજ્જ કોંગ્રેસ-જેડીએસના સ્થાનિક નેતાઓની મજબૂત નીતિ અને કોર્ટનો દરવાજો ખટખટાવવાની કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વની રણનીતિની સામે ભાજપનો ખેલ બગડી ગયો.
19 મેના રોજ કર્ણાટકના રાજકીય નાટકને દેશભરના લોકો ટીવી ચેનલ પર કંઈક એ જ રીતે જોઈ રહ્યા હતા, જાણે તેઓ લોકસભાની ચૂંટણીના પરિણામ જોઈ રહ્યા હોય.
બહુમતી મેળવવામાં નિષ્ફળ યેદિયુરપ્પાએ વિધાનસભામાં જ્યારે રાજીનામા અંગે ઘોષણા કરી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહાર વિપક્ષના નેતા તેજસ્વી યાદવ, યૂપીના બે-બે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને માયાવતી તેમજ અત્યાર સુધી ભાજપના સહયોગી રહી ચૂકેલા આંધ્રના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ એન ચંદ્રબાબૂ નાયડૂ સહિત અનેક વિપક્ષી નેતાઓએ કર્ણાટકના ઘટનાક્રમને લોકતંત્રની જીત ગણાવી.
પહેલાં પણ ઘણી વખત જોવામાં આવ્યું છે કે આવા વિવાદોમાં જ્યારે પણ કોર્ટમાંથી વિપક્ષને થોડી રાહત મળી તો લોકતંત્રની જીતનો જય જયકાર થવા લાગ્યો છે.

ઇમેજ સ્રોત, JAGADEESH NV/EPA
પરંતુ આ મામલે વધારે સંગત અને વસ્તુગત થઈને વિચારવા તેમજ તેને સમજવાની જરૂર છે.
1950માં આપણને એક ખૂબ જ સંતુલિત અને સુંદર બંધારણ મળ્યું. ત્યારથી માંડીને અત્યાર સુધી જરૂરિયાતના હિસાબે તેમાં ઘણાં બધાં સંશોધન થતાં રહ્યાં.
પણ સંસદ કે વિધાનસભાઓમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળવા કે પક્ષ પલટા સંબંધી કોઈ મામલો સામે આવવાની સ્થિતિમાં સરકારના ગઠન કે પછી તેના ટકી રહેવા અથવા ન ટકી રહેવાને લઇને સૌથી સંગત અને સર્વ સ્વીકાર્ય રસ્તો શું હોય, તેના પર હંમેશાં સવાલ ઉઠે છે.
પછી કોર્ટ દ્વારા આપવામાં આવેલા એસ. આર. બોમ્બઈ નિર્ણય, રામેશ્વર પ્રસાદ નિર્ણય કે પછી પંછી આયોગની અરજીઓ ગણાવવામાં આવે છે. પક્ષ બદલતા કાયદાની પોત પોતાની રીતે વ્યાખ્યા થવા લાગે છે. રાજભવન વિવાદોનાં કેન્દ્ર બની જાય છે.
આ પ્રકારના મોટાભાગના મામલે રાજ્યપાલ વિસ્તારોમાં પોતાને બંધારણના સંરક્ષકના બદલે કેન્દ્રના સૂબેદારની જેમ રજૂ કરતા નજરે પડે છે.

સુપ્રીમ કોર્ટનું શરણ

ઇમેજ સ્રોત, Getty Images
અનેક વખત જનાદેશનું રાજકીય અપહરણ પણ થયું છે. આવા વિવાદોમાં રાજકીય પક્ષ વિધાનસભાના સ્તર પર સમાધાન શોધી શકતા નથી અને મામલો કોર્ટમાં પહોંચી જાય છે.
જો ક્ષેત્રીય દળ ધનબળ અને સમર્થ કાયદા નિષ્ણાતના મામલે નબળા હોય છે, તેઓ સામાન્યપણે શક્તિશાળી પક્ષોની સામે સમર્પણ કરી દે છે.
કાયદાકીય સલાહકારોના મામલે સક્ષમ અને સમૃદ્ધ પક્ષ છેલ્લે સુધી કોર્ટના માધ્યમથી સમાધાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.
ભૂતકાળમાં પણ એવું જોવા મળ્યું છે કે આ પ્રકારના ઘણા કેસનું કોર્ટ દ્વારા સમાધાન લાવવામાં આવ્યું છે. કર્ણાટકમાં પણ એ જ થયું. વિધાનસભા જો વિવાદાસ્પદ મામલાનો પોતાના સ્તર પર ઉકેલ ન લાવી શકે તો તે તેની મોટી નિષ્ફળતા છે.

રાજ્યપાલના પદ પર ચર્ચાની જરૂર!

ઇમેજ સ્રોત, JAGADEESH NV/EPA
નજીકના ભૂતકાળમાં જ આપણે ઘણી વખત જોયું છે કે રવિ રાય કે સોમનાથ ચેટર્જી જેવા ખૂબ જ સન્માનિત લોકસભાધ્યક્ષોએ વિધાનસભાના મામલાઓને કોર્ટમાં લઈ જવાની પ્રવૃત્તિને લોકતાંત્રિક સંસ્થાઓની કમજોરી માની છે.
પણ હવે તો પ્રો-ટેમ સ્પીકરની નિમણૂકના મામલા પણ કોર્ટ જઈ રહ્યા છે.
રાજ્યપાલ દ્વારા યેદિયુરપ્પાને બહુમતી વગર શપથ ગ્રહણ કરાવવા અને પછી બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપવો, બન્ને પગલાં શરૂઆતથી જ વિવાદાસ્પદ માનવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે 15 દિવસના સમય સંબંધી રાજ્યપાલના નિર્ણયને પલટી નાખ્યો. શક્ય છે, જો કોર્ટે આ નિર્ણય ન આપ્યો હોત તો કર્ણાટકનું રાજકારણ વધારે બદરંગ હોત.
સવાલ ઊઠે છે, રાજભવનોમાંથી આવા પાર્ટીઝન નિર્ણય કેમ લેવામાં આવે છે? કર્ણાટકમાં આ પહેલી વખત થયું નથી. આખરે આ સિલસિલો બંધ કેમ થતો નથી?

લોકતંત્ર વિરોધી મનોવૃત્તિ

ઇમેજ સ્રોત, Reuters
વિવાદાસ્પદ નિર્ણય આપતા રાજ્યપાલોની યાદી બનાવવામાં આવે તો તેમાં જુદા જુદા પક્ષના નેતા રહી ચૂકેલા બે ડઝન કરતાં વધારે રાજ્યપાલોનાં નામ આવશે.
આ જ રીતે પીઠાધિપતિ અધ્યક્ષો/પદાધિકારીઓની યાદી પણ લાંબી હશે.
લગભગ 68 વર્ષના બંધારણીય લોકતંત્રમાં જો ભારતના રાજકીય પક્ષ અને વિધાનસભા આવા સ્વાભાવિક સંસદીય- વિધાયી મામલા અંગે પોતાના સ્તર પર સમાધાન લાવી શકતા નથી તો નિઃસંદેહ તે લોકતંત્રના ચહેરાનું ખૌફનાક સત્ય છે.
આખરે કોઈ પક્ષ કે નેતા બહુમતી ન હોવાના છતાં સત્તા પર કેમ રહેવા માગે છે? લોકતંત્ર વિરોધી આ મનોવૃત્તિને ક્યાંથી જમીન મળે છે?

ઔપનિવેશિક સત્તા વ્યવસ્થા

ઇમેજ સ્રોત, Getty Images
જો છેલ્લા છ-સાત દાયકાના અનુભવ રાજ્યપાલોની નિયુક્તિના મામલે એટલા કડવા છે તો બંધારણ સભાની ચર્ચાઓની રોશનીમાં તેમની નિમણૂક માટે નવો કાયદો કેમ બનાવતો નથી.
ભારતના બંધારણના અનુચ્છેદ 153થી 170માં દાખલ જોગવાઈઓને જોવામાં આવે તો સ્પષ્ટ દેખાય છે કે રાજ્યપાલનો નિર્ધારિત કાર્યભાર મોટા પદ વગર પર સંપન્ન થઈ શકે છે.
અનુભવ એટલા કડવા છે કે ઔપનિવેશિક સત્તા-વ્યવસ્થામાં સૃજિત થયેલા ગવર્નર કે રાજ્યપાલ પદને યથાવત રાખવાની શું જરૂર છે?
લોકતંત્રમાં એક જનતા દ્વારા નિર્વાચિત સરકારના ઉચ્ચ બંધારણીય પદાધિકારી કેન્દ્રથી કેમ ચૂંટાય? આ સવાલો પર ચર્ચા કેમ થતી નથી?
કર્ણાટકના રાજકીય નાટકનો અંત ભલે આવ્યો છે પરંતુ તેનાથી ઉઠેલા સવાલોનો યોગ્ય જવાબ શોધવો બાકી છે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












