યેદિયુરપ્પાના શપથ બાદ કર્ણાટકની રાજનીતિમાં હવે શું થશે?

બી.એસ. યેદિયુરપ્પા.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બી.એસ. યેદિયુરપ્પા.
    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા.

બી.એસ. યેદિયુરપ્પા કર્ણાટકના નવા મુખ્યમંત્રી બની ગયા છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની ઉપસ્થિતિમાં રાજભવનમાં આયોજિત સમારોહમાં તેમણે શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ખભા પર લીલા રંગની શાલ ઓઢી હતી, આ શાલ ખેડૂતોના સમર્થનમાં ઓઢી હોવાની વાત ચર્ચાઈ રહી છે.

પણ શું આ લીલો રંગ તેમના જીવનમાં લીલોતરી લાવશે?

line

હવે આગળ શું ?

પત્ર.

ઇમેજ સ્રોત, TWITTER/@BJP4KARNANTAKA

બંધારણના જાણકાર સુભાષ કશ્યપના કહેવા પ્રમાણે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા પછી સૌથી પહેલાં વિધાનસભાનું સત્ર બોલાવાશે.

નિયમ પ્રમાણે રાજ્યપાલ, મુખ્યમંત્રીની સલાહના આધારે વિધાનસભા સત્રની તારીખ નક્કી કરે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જેના માટે રાજ્યપાલ દ્વારા પત્ર જાહેર કરવામાં આવે છે. આ સત્ર એક દિવસનું કે એક સપ્તાહનું પણ હોઈ શકે છે.

જેના માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરાઈ નથી. સામાન્ય રીતે વિધાનસભાના કામકાજ આધારે સત્રની સમયમર્યાદા નક્કી કરાતી હોય છે.

વિધાનસભાના સત્રની સાથે-સાથે પ્રોટેમ સ્પીકરનું નામ પણ રાજ્યપાલ તરફથી નક્કી કરવામાં આવે છે.

line

પ્રોટેમ સ્પીકર કોણ હોઈ શકે?

નેતાઓ.

પ્રોટેમ સ્પીકરને હંગામી સ્પીકર અથવા વચગાળાના સ્પીકર પણ કહેવાય છે. સામાન્ય રીતે એવી પરંપરા છે કે, સૌથી વરિષ્ઠ ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવાય છે.

વરિષ્ઠ વિધાયક નક્કી કરવાના બે માપદંડ હોય છે. ક્યારેક ચૂંટાયેલા ધારાસભ્યની ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે, તો ક્યારેક સૌથી વધારે વખત ચૂંટાયેલા ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવાય છે.

બંધારણ પ્રમાણે પ્રોટેમ સ્પીકર પાસે બે અધિકાર હોય છે.

પ્રોટેમ સ્પીકર પાસે પહેલો અધિકાર હોય છે ચૂંટાઈ આવેલા ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવવાનો અને બીજો અધિકાર સ્થાયી સ્પીકરની ચૂંટણી કરાવવાનો હોય છે.

line

શુક્રવારે શું થશે?

એચ.ડી.કુમારસ્વામી.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, એચ.ડી.કુમારસ્વામી.

કર્ણાટકના રાજ્યપાલે યેદિયુરપ્પા સરકારને બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે, તો વિધાનસભાનું સત્ર આજથી 15 દિવસમાં ક્યારેય પણ બોલાવી શકે છે.

બંધારણના જાણકાર સુભાષ કશ્યપનું કહેવું છે કે 15 દિવસનો સમય ખૂબ વધારે છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમને કહ્યું હતું કે, "સામાન્ય રીતે બહુમતી સાબિત કરવા માટે આટલો લાંબો સમય કોઈ જ સરકારને આપ્યો નથી."

"સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે થનાર સુનાવણીમાં આ સમયમર્યાદા ઘટાડવામાં આવે એવું શક્ય છે."

કર્ણાટકના રાજ્યપાલ તરફથી યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા બાદ ગુરુવારે મોડી રાત્રે કોંગ્રેસ અને જેડીએસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજીને સુપ્રીમ કોર્ટે રાત્રે 1.45 વાગ્યે સુનાવણી કરી હતી.

ત્રણ જજ (જસ્ટિસ એ. કે. સીકરી, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ શરદ અરવિંદ બોબડે)એ યેદિયુરપ્પાની કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ પર રોક લગાવી નથી.

જોકે, કોર્ટે કોંગ્રેસની અરજીને પણ રદબાતલ નથી કરી અને તેની સુનાવણી 18 મે એટલે કે શુક્રવારે સવારે સાડા દસ વાગે થશે.

line

બહુમતીનો આંકડો

બી.એસ. યેદિયુરપ્પા.

ઇમેજ સ્રોત, Getty Images

કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જેડીએસે રાજ્યપાલને સરકાર બનાવવા માટે મળવાનો સમય માગ્યો હતો અને 115 ધારાસભ્યોના સમર્થન સાથેનો પત્ર પણ આપ્યો હતો, પણ તેમને આમંત્રણ ન આપીને ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું.

કોંગ્રેસનો આરોપ છે કે ભાજપને સરકાર બનાવવા માટે બહુમતીના આંકડા સાથેનો કોઈ જ પત્ર રાજ્યપાલને આપ્યો નથી અને જો કોઈ પત્ર આપ્યો હોય તો તેઓ દેખાડે.

પણ શું બહુમતી કે સમર્થન દર્શાવતા પત્ર વગર પણ રાજ્યપાલ સરકાર બનાવવાનું આમંત્રણ આપી શકે?

આ પ્રશ્નના ઉત્તરમાં સુભાષ કશ્યપ કહે છે કે, "સરકાર બનાવવા માટે આવા કોઈ જ પત્રની જરૂર નથી, સરકારે વિધાનસભામાં જ બહુમતી સાબિત કરવાની હોય છે."

ચૂંટણી આયોગની વેબસાઇટ પ્રમાણે કર્ણાટકની ચૂંટણીમાં બેઠકોનું અંતિમ પરિણામ આ પ્રમાણે છે - ભાજપ 104, કોંગ્રેસ 78, જનતા દળ(એસ) 38 (જેમાં બીએસપીની 1 બેઠક સામેલ છે) અને અન્ય પક્ષોને 2 બેઠકો.

સુભાષ કશ્યપના જણાવ્યા, "ભાજપ પાસે 104 ધારાસભ્યો છે. આ ચૂંટણીનું પરિણામ જ છે, બહુમતીનો આંકડો નથી. બહુમતીનો આંકડો વિધાનસભામાં બહુમતી સાબિત કરતી વખતે ઉપસ્થિત ધારાસભ્યોની સંખ્યાના આધારે જ નક્કી થાય છે."

line

બહુમતી સાબિત કરવાના દિવસે શું થશે?

બી.એસ. યેદિયુરપ્પા અમિત શાહ સાથે.

ઇમેજ સ્રોત, FACEBOOK/BS YEDDYURAPPA

ઇમેજ કૅપ્શન, બી.એસ. યેદિયુરપ્પા અમિત શાહ સાથે.

સુભાષ કશ્યપના કહેવા પ્રમાણે બહુમતી સાબિત કરતાં પહેલાં વિધાનસભાના સ્પીકરની ચૂંટણી કરવામાં આવે છે.

ઘણી વખત સ્પીકર વિરોધ વગર જ ચૂંટાઈ જતા હોય છે. પણ ,સ્પીકર માટે બે નામનો પ્રસ્તાવ મૂકવામાં આવે એવું પણ થઈ શકે.

આ પ્રકારની સ્થિતિમાં સ્પીકરની ચૂંટણી થતી હોય છે, જે પ્રોટેમ સ્પીકર કરાવે છે. જે નામને બહુમતીથી ચૂંટી કાઢવામાં આવે તેને સ્પીકર બનાવવામાં આવે છે.

ત્યારબાદ ચૂંટાયેલા સ્પીકરની હાજરીમાં મુખ્યમંત્રી વિશ્વાસની દરખાસ્ત રજૂ કરે છે અને તેના પર સ્પીકર મતદાન કરાવતા હોય છે.

આ મતદાન ઇલેક્ટ્રૉનિક રીતે કે સ્લીપની મદદથી કરાવાતું હોય છે.

કર્ણાટક વિધાનસભામાં બહુમતી નક્કી કરવા માટે ઇલેક્ટ્રૉનિક વોટિંગનો ઉપયોગ કરાશે.

પણ બહુમતી સાબિત ક્યારે થશે અને કયા સંજોગોમાં થશે તેનું રહસ્ય યથાવત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો