રાહુલ અને મોદી માટે કર્ણાટક ચૂંટણીમાં શું સંકેત છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સાગરિકા ઘોષ
- પદ, કન્સલ્ટિંગ એડિટર, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા
કર્ણાટકમાં ફરી એક વખત સાબિત થયું કે મોદીનો 'જાદુ' ચૂંટણી જીતવા માટે કાફી છે. કર્ણાટકમાં હિંદુત્વએ પણ કામ કર્યું છે.
ભાજપનાં સ્થાનિક નેતૃત્વ પર ભ્રષ્ટાચારના આરોપ હતા અને પ્રત્યક્ષ રીતે સત્તાવિરોધી વલણ પણ ન હતું. તો આનો મતલબ એ થયો કે 'કોંગ્રેસમુક્ત ભારત' જણાય છે?
ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, તેઓ 21મી સદીના પુલકેશી દ્વિતિય છે અને તેઓ ઉત્તર ભારતના સમ્રાટ હર્ષવર્ધન (મોદી)ને પરાજિત કરીને જ ઝંપશે. સાતમી સદીમાં ચાલુક્ય રાજા પુલકેશી દ્વિતિયે સમ્રાટ હર્ષવર્ધનની દક્ષિણ તરફની આગેકૂચને અટકાવી હતી.
કમનસીબે 21મી સદીમાં હર્ષવર્ધનના હાથે પુલકેશીનો પરાજય થયો છે અને સિદ્ધારમૈયાના ગઢમાં દેશની સત્તા ધરાવતો પક્ષ આગળ રહ્યો છે.

મતોની ટકાવારી ઓછી પણ બેઠકો વધુ

ઇમેજ સ્રોત, Getty Images
કર્ણાટકમાં મોદીના નેતૃત્વમાં ભાજપે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે અને 100 બેઠકોનો આંકડો પાર કર્યો છે. જોકે, સાદી બહુમતીથી પણ પક્ષ દૂર રહ્યો છે.
કર્ણાટકમાં ભાજપને 37 % જ્યારે કોંગ્રેસને 38 % મત મળ્યા છે. મતોની ઓછી ટકાવારી છતાંય ભાજપ વધુ બેઠકો મેળવવામાં સફળ રહ્યો છે, કારણ કે તેના મતદારો સંકેન્દ્રિત છે એટલે જ તે પ્રથમ ક્રમે રહ્યો છે.
'ત્રીજા પરિબળ' એટલે કે જનતા દળ સેક્યુલર (JDS)એ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડા અને તેમના દીકરા એચ. ડી. કુમારસ્વામીએ વોક્કાલિગા જ્ઞાતિનું સમર્થન જાળવી રાખ્યું છે.
શું તમે આ વાંચ્યું?
તેઓ કોંગ્રેસના પડકાર સામે ટકી શક્યા છે, એટલું જ નહીં, પરંતુ ખરા અર્થમાં કર્ણાટકની પ્રાદેશિક અસ્મિતાના સંરક્ષક પુરવાર થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોંગ્રેસે આ ચૂંટણીમાંથી બોધ લેવો જોઈએ કે સીધી ટક્કરમાં તે ભાજપને પરાજિત કરી શકે તેમ નથી અને તેણે પ્રાદેશિક દળો સાથે ગઠબંધન કરવું જ પડશે.

ઇમેજ સ્રોત, Getty Images
આ ચૂંટણી દરમિયાન જો કોંગ્રેસે પરિશ્રમ કર્યો હતો તો ભાજપે સખત પરિશ્રમ કર્યો હતો.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પછાત જ્ઞાતિઓનું ગઠબંધન ઊભું કર્યું, કર્ણાટક રાજ્યના ધ્વજનું અનાવરણ કર્યું, મેટ્રોમાં હિંદી લખાણને કન્નડમાં પરિવર્તિત કર્યા અને 11 જેટલી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી.
તેમાં ગરીબોના મત મેળવવા મફત દૂધથી માંડીને મફત ચોખા આપવા જેવી જાહેરાતોનો સમાવેશ થાય છે.

મોદીની જાહેર સભાઓ રોક-કોન્સર્ટ જેવી

ઇમેજ સ્રોત, Getty Images
તેની સામે ભાજપે હિંદુત્વનું કાર્ડ ઉતર્યું, વિશેષ કરીને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં. જે જ્ઞાતિઓને લાગતું હતું કે તે કોંગ્રેસથી તિરસ્કૃત છે, તેમને ભાજપે એક કરવાનો પ્રયાસ કર્યો. વડાપ્રધાન મોદીએ ઝંઝાવાતી 21 જાહેરસભાઓને સંબોધી.
મોદીની રેલીઓ રોક-કોન્સર્ટ જેવી હોય છે. જેમાં ઊંચા અવાજના ભાષણ અને ઉત્સાહિત ભીડ હોય છે. જે મુઠ્ઠીવાળીને ઊંચા અવાજ પ્રતિસાદ આપે કે 'જય શ્રી રામ'ના નારા લગાવે.
જ્યારે મોદી સ્ટેજ પર આવે ત્યારે 'ફિલ ગુડ ગુરૂ કમ સંપ્રદાયના વડા' જેવા લાગે છે. એવો માહોલ તૈયાર કરવામાં આવે કે ભીડ હર્ષાવેશમાં આવી જાય.
આ પ્રકારનું રાજકારણ એ રિયાલિટી ટીવી અને ક્ષણિક ઘેલાઓનો સમૂહ પણ છે. જે 1970ના દાયકાનાં ઇંદિરા ગાંધીની યાદ તાજી કરાવે.
પરંતુ હાલમાં બધુંય વધારે આક્રમક, આવેશવાળું અને જોશસભર છે.

ઇમેજ સ્રોત, Getty Images
મોદીએ 20થી વધુ જ્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે 62થી વધુ સભાઓને સંબોધી છે. છેલ્લા ત્રણ મહિનાથી દર અઠવાડિયે ત્રણ દિવસ અમિત શાહ કર્ણાટકમાં જ રહેતા હતા.
મેં સંઘ પેદલ સેનાની (કે સંઘના સ્વયંસેવકોની ટૂકડી) કામગીરી જોઈ છે. તેઓ વહેલી સવારમાં જ શહેર કે ગામના માર્ગો પર જોવા મળી જતા.
આ લોકો ઘેરઘેર જઈને પ્રચાર કરતા. કેટલીક વખત તો સમગ્ર પ્રચાર અભિયાન દરમિયાન એક જ ઘરની ચાર વખત પણ મુલાકાત લેતા.
કર્ણાટકમાં માત્ર વિધાનસભાની જ ચૂંટણીઓ હતી, છતાંય તેનું મહત્ત્વ વધુ આંકવામાં આવી રહ્યું હતું. કારણ કે 2019માં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
કર્ણાટકમાં ભાજપનો વિજય ભવ્ય નથી. ઉત્તરમાં અપેક્ષિત મોટા પરાજયોને અટકાવવા માટે તે પૂરતો નથી. 2019ની સામાન્ય ચૂંટણી હજુ મોદી જીત્યા નથી!

કોંગ્રેસે ચૂંટણીમાં જીતવું જોઇતું હતું પણ ન જીતી શક્યો

ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસનો પરાજય રાહુલ ગાંધી માટે ભારે પીછેહઠ સમાન છે. હવે પાર્ટી પંજાબ, મિઝોરમ તથા એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરી ખાતે શાસનમાં છે.
કોંગ્રેસ માટે ઘણું બધું દાવ પર હતું. તેનાથી કોંગ્રેસની લોકસભા ચૂંટણી જ નહીં, પરંતુ ત્રણ રાજ્યોમાં તૈયારીઓને પણ આઘાત પહોંચ્યો છે.
છત્તીસગઢ તથા મધ્યપ્રદેશમાં એક દસક કરતાં વધુ સમયથી ભાજપ સત્તા પર છે અને રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલી શ્રેણીબંધ ચૂંટણીઓમાં ભાજપનો પરાજય થયો છે.
ભાજપ જ્યારે સત્તામાં હોય (ગુજરાતમાં જોવા મળ્યું તેમ) તેના કરતાં વિપક્ષમાં હોય ત્યારે વધુ સારૂ પ્રદર્શન કરે છે.
કર્ણાટકમાં કોંગ્રેસ પાસે સશક્ત પ્રાદેશિક નેતાઓ અને વિશ્વાસપાત્ર મુખ્ય મંત્રી હતા. ઉપરાંત જ્ઞાતિના સમીકરણો પણ તેની તરફેણમાં હતા. આ
વિજયે ભાવિ ચૂંટણીઓ માટે કોંગ્રેસને ભારે મનોબળ પૂરું પાડ્યું હોત.
પણ અફસોસ, ચૂંટણીમાં તેણે જીતવું જોઈતું હતું, જીતી શકી હોત, એવું લાગતું હતું કે જીતી જ ગઈ છે, પણ કોંગ્રેસનો પરાજય થયો છે.
ગુજરાતમાં નૈતિક વિજયનો દાવો કર્યા બાદ રાહુલ ગાંધીને એક વાસ્તવિક વિજયની જરૂર છે. અનેક પ્રયાસો કરવા છતાંય તેઓ ખરો વિજય મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

વર્ષ 2019માં શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
શું કોંગ્રેસમાં રાહુલ ગાંધીના નેતૃત્વ સામે સવાલ ઊભા થશે? મોદીના નેતૃત્વમાં ભાજપ નિરંકુશ છે અને વિપક્ષ નામશેષ થઈ ગયું છે.
2019ની લોકસભા ચૂંટણીને મોદી રાષ્ટ્રપતિ (અમેરિકા) પદની ચૂંટણી જેવો ઘાટ આપવાનો પ્રયાસ કરશે. જેમાં મોદીનું વ્યક્તિત્વ કેન્દ્રસ્થાને હશે અને જુસ્સાસભર ભાષણો હશે.
1971માં ઇંદિરા ગાંધીનો નારો હતો, 'મેં કહતી હું કી ગરીબી હટાઓ, વો કહેતે હૈ ઇંદિરા હટાઓ.' મોદી ફેરફાર સાથે તેમનો નારો વહેતો મૂકશે.
મોદી વિ. બધાયની ચૂંટણી મોદીની આભાને વધુ મજબૂત બનાવશે. જેમાં એક યૌદ્ધો એકલા હાથે અનેક દુશ્મનો સામે લડતો હોય.
જોકે, હંમેશની જેમ જ્ઞાતિ અને જાતિનાં વિભાજનને કારણે કર્ણાટકમાં 'મિશન 150'માં ભાજપ નિષ્ફળ રહ્યો છે.
દિલ્હીમાં ગમે તેટલી મોટી હસ્તી કેમ ન હોય અને તેનું વ્યક્તિત્વ ગમે તેટલું મોટું કેમ ન હોય ભારતમાં જમીન સાથે જોડાયેલા પક્ષો તથા અનેક સંસ્કૃત્તિઓ અને સંપ્રદાયોનું અસ્તિત્વ રહેશે જ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












