ઇન્ડોનેશિયા: બ્લાસ્ટ્સ પાછળ એક જ પરિવારનો હાથ

ઇમેજ સ્રોત, ANTARA FOTO/ HANDOUT SURABAYA GOVERNMENT/ REUTERS
ઇન્ડોનેશિયાના સુરાબાયામાં ત્રણ ચર્ચો પર થયેલા હુમલા પાછળ એક જ પરિવારનો હાથ હોવાનું સામે આવ્યું છે.
આ બ્લાસ્ટ્સમાં કુલ 11 લોકોનાં મૃત્યુ થયાં છે અને અનેક લોકો ઘાયલ થયાં છે.
આત્મઘાતી હુમલાખોરોએ ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબાયાના ત્રણ ચર્ચો પર હુમલો કર્યો હતો.
પોલીસ ચીફ ટીટો કાર્નવિયનના જણાવ્યા પ્રમાણે એક મહિલા અને તેમના બે બાળકોએ એક ચર્ચ પાસે પોતાની જાતને ઉડાવી દીધી હતી. જ્યારે પિતા અને બીજા ત્રણ બાળકોએ અન્ય ચર્ચને નિશાન બનાવ્યા હતા.
ઇન્ડોનેશિયામાં 2005 બાદ થયેલો આ સૌથી ઘાતક હુમલો છે.
ઇસ્લામિક સ્ટેટ ગ્રુપે (IS) આ ઘાતક હુમલાની જવાબદારી લીધી છે.
ટીવી પર એક ચર્ચના પ્રવેશ દ્વાર પાસે જ બોમ્બ વિસ્ફોટને કારણે વિખેરાયેલા કાટમાળનાં દૃશ્યો જોવા મળતાં હતાં.
ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસતી ધરાવતો દેશ છે. અહીં છેલ્લાં કેટલાક મહિનાઓમાં ઇસ્લામિક ઉગ્રવાદ ફરીથી માથું ઊંચકી રહેલો જોવા મળી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, EPA
ઇન્ડોનેશિયામાં સ્થાનિક સમય અનુસાર સવારે સાડા સાત વાગ્યે (ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે) આ હુમલો થયો હતો.
દેશની જાસૂસી સંસ્થાએ કહ્યું છે કે આ હુમલો ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત જૂથ જિમા અંશરૂટ દૌલાહે કર્યો હોવાની સંભાવના સૌથી વધુ છે.
થોડા દિવસો પહેલાં પાટનગર જાકાર્તાના છેડે આવેલી એક ઉચ્ચ સુરક્ષા ધરાવતી જેલમાં ઇસ્લામિક ઉગ્રવાદી કેદીઓ સાથેની અથડામણમાં ઇન્ડોનેશિયન સુરક્ષા દળોના પાંચ સભ્યોના મૃત્યુ થયા હતા.
ઇન્ડોનેશિયામાં 90 ટકાથી વધુ મુસ્લિમ વસતી છે, પરંતુ દેશની જનસંખ્યામાં ખ્રિસ્તી, હિંદુ અને બૌદ્ધ ધર્મના લોકો પણ નોંધપાત્ર પ્રમાણમાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














