સીબીઆઈએ રેપ આરોપી કુલદીપ સેંગરની ધરપકડ કરી

ઉત્તર પ્રદેશના બહુચર્ચિત ઉન્નાવ રેપ કેસ મામલે આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની સીબીઆઈએ ધરપકડ કરી છે. કુલદીપસિંહ અને તેમના ભાઈ અતુલ સેંગર પર પર 16 વર્ષની સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.

શુક્રવારે સેંગરને સીબીઆઈની લખનઉ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સતત 16 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

સીબીઆઈ દ્વારા કુલદીપસિંહ સામે દાખલ કરવામાં આવેલા ત્રણ કેસોની તપાસ કરવામાં આવી રહી છે.

શુક્રવારે અલ્લાહબાદ હાઈ કોર્ટે સેંગરની ધરપકડ કરવા સીબીઆઈને આદેશ આપ્યા હતા.

વહેલી સવારે અટકાયત

શુક્રવારે વહેલી સવારે આરોપી ભાજપના ધારાસભ્ય સેંગરની તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશ સરકારે આ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મંજૂરી માગતી અરજી કેન્દ્ર સરકારને કરી હતી.

જેની કેન્દ્ર સરકારે મંજૂરી આપતા સીબીઆઈએ ગુરુવારે આ કેસ પોતાના હાથમાં લીધો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

આ પહેલા હાઇકોર્ટના નિર્દેશ બાદ આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.

તેમની સામે ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પિનલ કોડ અને પૉસ્કો કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

કોણ છે કુલદીપ સેંગર કે સરકાર ધરપકડ કરતાં ડરતી હતી!

કુલદીપ સિંહ સેંગર હાલ ઉત્તર પ્રદેશના ઉન્નાવના બાંગરુમઉ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે.

તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય તમામ પક્ષમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે.

યુવા કોંગ્રેસ દ્વારા રાજનીતિની શરૂઆત કરનારા કુલદીપ સિંહ સતત ચાર વખત ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે.

તેમણે ત્રણ વખત બેઠકો બદલી અને આ ગાળામાં ચાર વખત પાર્ટી પણ બદલી છે.

કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ તેમને સમયાંતરે અજમાવ્યા છે.

બીજી તરફ તેઓ જ્યારે પણ ચૂંટણીમાં ઊભા રહ્યા, ત્યારે વિજયી થયા છે. વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા હતા.

ભાજપે તમને બાંગરમઉથી ટિકિટ આપી હતી અને તેઓ ચૂંટણીમાં વિજયી થયા હતા. વિધાનસભા ક્ષેત્રમાં તેમનો રાજકીય દબદબો છે.

વધુમાં સામાજિક દબદબો એવો છે કે તેમને આ કેસમાં પરેશાન જોઈને ગામના લોકો બહાર નથી નીકળી રહ્યા.

સેંગરનો પરિવાર હોટેલ સહિતના બિઝનેસ છે. સમીરાત્મજે એક અન્ય સ્થાનિક પત્રકારને ટાંકીને કહ્યું કે, તમામ કોન્ટ્રાક્ટ કુલદીપના ભાઈ જગદીપ ઉર્ફે અતુલ ચલાવે છે.

ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ પ્રશાસનમાં તેમનું કદ કેટલું છે એ આ વાત પરથી સમજી શકાય છે કે એક વર્ષ પહેલા દુષ્કર્મનો આરોપ લગાવનારી યુવતીએ પ્રત્યક્ષ રૂપે તેમને જવાબદાર ગણાવી ઓળખ કરી હોવા છતાં તેમના વિરુદ્ધ અનેક દિવસો સુધી કેસ દાખલ નહોતો થયો.

શું છે સમગ્ર મામલો?

કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ છે.

આ મામલામાં ગયા વર્ષે પીડિત કિશોરીની એફઆઈઆર પોલીસે લખી ન હતી.

જે બાદ કિશોરીના પરિવારજનોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

પીડિત પરિવારનો આરોપ છે કે કોર્ટમાં ગયા બાદ ધારાસભ્યના પરિવારવાળા તેમના પર કેસ પરત લેવા પર દબાણ કરતા હતા.

પીડિત કિશોરીનો આરોપ છે કે તે ઉન્નાવ પોલીસના દરેક અધિકારી પાસે ગઈ હતી, પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહીં.

તેનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથીઓ પોલીસમાં ફરિયાદ ના કરવા મામલે દબાણ કરતા રહ્યા હતા.

આ જ મામલામાં ધારાસભ્યના ભાઈએ 3 એપ્રિલે તેમના પિતા સાથે મારપીટ કરી. જે બાદ કસ્ટડીમાં કિશોરીના પિતાનું મૃત્યુ થઈ ગયું.

બળાત્કારનો મામલો કઈ રીતે પ્રકાશમાં આવ્યો?

પોલીસની આ નિષ્ક્રિયતાને જોતા અને ધારાસભ્યની દાદાગીરીથી ત્રાસી જઈને પીડિત યુવતીએ મુખ્યમંત્રીના ઘરની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.

આ ઘટના બાદ મામલો પ્રકાશમાં આવ્યો અને દેશભરના મીડિયાએ તેની નોંધ લીધી.

આ મામલામાં અલાહાબાદ હાઇકોર્ટે પોલીસ હિરાસતમાં પીડિત કિશોરીના પિતાનાં મૃત્યુ મામલાની નોંધ લીધી હતી.

આ મામલામાં ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉન્નાવ અને કઠુઆ રેપ વિશે પ્રથમ વખત

આ પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ મામલે કોઈને છોડવામાં નહીં આવે. સોમવારે માખી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો