અમદાવાદના ચંડોળા તળાવમાં આગ, 60 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ

"પુસ્તકો અને નોટબુક્સ વગર પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી? શું કરવું? કશું નથી સમજાતું."આ શબ્દો અમદાવાદ મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલના આઠમા ધોરણમાં અભ્યાસ કરતા નાઝમીન મોહમ્મદ રફિકના છે.

તા. 25મીએ મધ્ય રાત્રિએ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારની વસાહતમાં આગ લાગી હતી.

જેમાં 100થી વધુ કાચા મકાનો રાખ થઈ ગયા હતા, જેના કારણે આ વિસ્તારમાં રહેતા 60 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું છે.

'હવે તો અલ્લાહ જ મદદ કરશે'

અલ્ફીના ઇંગ્લિશ મીડિયમમાં ધો. 4માં અભ્યાસ કરે છે. તેમના પિતા સમીર શેખ રીક્ષા ચલાવીને મહામહેનતે પુત્રીને ભણાવે છે. આગમાં અલ્ફીનાના પુસ્તકો રાખ થઈ ગયા છે.

સમીરભાઈના કહેવા પ્રમાણે, "આગમાં અનાજ, કરિયાણું, કપડાં અને પુસ્તકો બધુંય રાખ થઈ ગયું. શરૂઆતમાં થોડી મદદ આવી, પરંતુ હવે મદદ કરનારું પણ કોઈ નથી.”

"છૂટક કંઈક લાવીને ખાઈ લઈએ છીએ. હવે તો અલ્લાહ જ મારી પુત્રીને મદદ કરશે."

૬૦ જેટલા બાળકો પ્રાથમિક કે માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરે છે, જેમને અસર પહોંચી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

આગમાં પાઠ્ય પુસ્તક સહિત તમામ શિક્ષણ સામગ્રી નાશ પામી છે.

મોટાભાગના બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે અને તેમાંથી કેટલાંકની પરીક્ષાઓ ચાલું થઈ ગઈ છે અને કેટલાંક બાળકોની પરીક્ષા શરૂ થવાની છે.

'સંપૂર્ણપણે મદદરૂપ થઈશું'

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના એડમીનિસ્ટ્રેટિવ ઓફિસર લગધીર દેસાઈએ બીબીસી ગુજરાતીને કહ્યું:

"જો આ બાળકોના વાલીઓ અમને રજૂઆત કરશે તો બાળકોને પાઠ્યપુસ્તકો સહિતની જરૂરી શૈક્ષણિક સહાય સ્કૂલ બોર્ડ પુરી પાડશે.”

"તેમનું વર્ષ બગડે નહીં તે માટે અમે તેમને સંપૂર્ણ રીતે મદદરૂપ થઈશું."

ચંડોળા તળાવ

ઉલ્લેખનીય છે કે, ચંડોળા તળાવ એ કાંકરિયા તળાવ બાદ અમદાવાદનું 'બીજું સૌથી મોટું તળાવ' છે.

આ વિસ્તારમાં મોટાભાગે મુસ્લિમો વસે છે, જેઓ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળથી અહીં મજૂરીકામ માટે આવ્યા હતા.

જોકે, તેઓ પરત ફર્યા ન હતા અને અહીં જ વસી ગયા. આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આવીને વસેલા બાંગ્લાદેશીઓ પણ રહેતા હોવાના આરોપ લાગતા રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો