મોટાભાગના ભારતીયો શાકાહારી છે દાવો કેટલો સાચો? કેટલા ટકા લોકો શાકાહારી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીયો શું ખાય છે એ વિશેની સર્વસામાન્ય માન્યતા અને ધારણા કઈ છે?
સૌથી મોટી સર્વસામાન્ય માન્યતા એ છે કે ભારત મહદઅંશે શાકાહારી દેશ છે.
હકીકતમાં આવું નથી. ભૂતકાળના ગંભીર ન ગણાય તેવા અનુમાન મુજબ, 33 ટકાથી વધુ ભારતીયો જ શાકાહારી છે.
સરકારના ત્રણ વ્યાપક સર્વેક્ષણના તારણ મુજબ, કુલ પૈકીના 23થી 37 ટકા ભારતીયો શાકાહારી છે.
આ માહિતીમાં કશું નવું નથી, પણ અમેરિકાસ્થિત નૃવંશશાસ્ત્રી ડો. બાલમૂર્તિ નટરાજન અને ભારતસ્થિત અર્થશાસ્ત્રી ડો. સુરજ જેકબે નવું સંશોધન કર્યું છે.
એ સંશોધન સૂચવે છે કે શાકાહારી ભારતીયો સંબંધી ઉપરોક્ત અંદાજ વધારે પડતો છે અને તેનું કારણ "સાંસ્કૃતિક તથા રાજકીય દબાણ" છે.
તેથી માંસ અને ખાસ કરીને ગોમાંસ ખાતા લોકોની સંખ્યા ઓછી દર્શાવવામાં આવી છે અને શાકાહારીઓની સંખ્યા વધુ દર્શાવવામાં આવી છે.
સંશોધકો જણાવે છે કે આ બાબતોને ધ્યાનમાં લઈએ તો આશરે 20 ટકા ભારતીયો જ શાકાહારી છે અને એ પ્રમાણ સર્વસામાન્ય ધારણા કરતાં ઘણું ઓછું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતની કુલ વસતીમાં હિન્દુઓનું પ્રમાણ 80 છે. એ પૈકીના મોટાભાગના માંસાહારી છે. સમૃદ્ધ, ઉપલા વર્ગના ભારતીયો પૈકીના માત્ર 33 ટકા લોકો શાકાહારી છે.
સરકારી આંકડા દર્શાવે છે કે માંસાહારી પરિવારોની સરખામણીએ શાકાહારી પરિવારોની આવક તથા વપરાશ વધારે છે.
નીચલા વર્ગના લોકો, દલિતો અને આદિવાસીઓ મોટાભાગે માંસાહારી છે.

દેશનાં શાકાહારી શહેરો

ઇમેજ સ્રોત, Getty Images
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના તારણ અનુસાર, દેશનાં શાકાહારી શહેરોમાં ઇન્દોર, મેરઠ, દિલ્હી, નાગપુર, મુંબઈ, હૈદ્રાબાદ,ચેન્નઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે.
આ શહેરોમાં શાકાહારીઓનું સરેરાશ પ્રમાણ અનુક્રમે 49 ટકા, 36 ટકા, 30 ટકા, 22 ટકા, 18 ટકા, 11 ટકા, 6 ટકા અને ચાર ટકા છે.
બીજી તરફ ડો. નટરાજન તથા ડો. જેકબના સંશોધનનું તારણ જણાવે છે કે ધારણાઓ અને દાવાઓ કરતાં ગોમાંસ ખાવાનું પ્રમાણ ઘણું વધારે છે.
સરકારના સર્વેક્ષણ અનુસાર, માત્ર સાતેક ટકા ભારતીયો જ ગોમાંસ ખાય છે.
તમને આ પણ વાંચવું ગમશે
જોકે, સરકારી આંકડા વાસ્તવિકતા કરતાં ઘણાં નીચા હોવાનું સાબિત કરતા પુરાવા છે, કારણ કે ગોમાંસ ખાવાનો મુદ્દો "ભારતમાં સાંસ્કૃતિક, રાજકીય અને જૂથોની ઓળખના સંઘર્ષમાં સપડાયેલો છે."
નરેન્દ્ર મોદીના વડપણ હેઠળનો હિન્દુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પક્ષ શાકાહારને પ્રોત્સાહિત કરે છે અને માને છે કે ગાયનું રક્ષણ થવું જોઈએ, કારણ કે દેશના બહુમતિ હિન્દુઓ ગાયને પવિત્ર માને છે.
એક ડઝનથી વધુ રાજ્યોએ પશુઓની કતલ પર પ્રતિબંધ લાદ્યો છે અને નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ગૌરક્ષા જૂથોએ પશુઓની હેરફેર કરતા લોકોની હત્યા કરી છે.
હકીકત એ છે કે દલિતો, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિતના લાખો ભારતીયો ગોમાંસ ખાય છે.
દાખલા તરીકે, કેરળની આશરે 70 જ્ઞાતિઓ વધારે મોંઘા બકરાના માંસને બદલે ગોમાંસ પસંદ કરે છે.
ડો. નટરાજન અને ડો. જેકબ તેમના અભ્યાસના અંતે નોંધે છે કે કુલ પૈકીના 15 ટકા ભારતીયો એટલે કે આશરે 18 કરોડ લોકો ગોમાંસ ખાય છે, જે સત્તાવાર અંદાજ કરતાં 96 ટકા વધારે છે.

ભારતીય ફૂડ વિશેની માન્યતાઓ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ફૂડ વિશે પણ કેટલીક માન્યતા પ્રવર્તે છે.
દિલ્હીમાં કુલ રહેવાસીઓ પૈકીનાં માત્ર 33 ટકા લોકો શાકાહારી છે અને દિલ્હીને ભારતની બટર ચિકન રાજધાનીનું બિરુદ મળવું જોઈએ.
ભારતમાં 'દક્ષિણ ભારતીય શાકાહારી ભોજન'ના કેન્દ્ર ચેન્નઈ વિશેની ધારણા સદંતર ખોટી છે. ચેન્નઈના માત્ર 6 ટકા રહેવાસીઓ જ શાકાહારી છે.
ઘણા માને છે કે પંજાબના રહેવાસીઓને ચિકન બહુ જ પ્રિય છે, પણ હકીકત એ છે કે ઉત્તર ભારતના આ રાજ્યના 75 ટકા લોકો શાકાહારી છે.

ભારત ખરેખર શાકાહારી દેશ છે?

ઇમેજ સ્રોત, Getty Images
સવાલ એ છે કે ભારત એક શાકાહારી દેશ છે તેવો ભ્રમ સફળતાપૂર્વક કઈ રીતે ફેલાવવામાં આવ્યો છે?
ડો. નટરાજન અને ડો. જેકબે મને કહ્યું હતું, "લોકોની ખાનપાનની આદતો અલગ-અલગ હોય અને દર થોડા કિલોમીટરે વાનગીવૈવિધ્ય જોવા મળતું હોય હોય એવા દેશમાં સમાજના મોટા હિસ્સા વિશેની સર્વસાધારણ ધારણા કોઈ એક વર્ગ પૂરતી મર્યાદિત હોય છે."
તેમણે એમ પણ કહ્યું હતું, "શક્તિશાળી લોકોના ભોજનને લોકોનું ભોજન ગણવામાં આવે છે."
"એ ઉપરાંત માંસાહારી શબ્દ પણ મહત્ત્વનો મુદ્દો છે. આ શબ્દ ભોજનને વર્ગીકૃત કરવાની શાકાહારી વર્ગની સત્તા સહિતની તેમની સામાજિક શક્તિનો સંકેત આપે છે. તેમાં શાકાહારને માંસાહાર કરતાં ચડિયાતો ગણવામાં આવે છે."
"ગોરા લોકોએ પરદેશમાં પગદંડો જમાવીને સ્થાનિક લોકો માટે જે રીતે 'અશ્વેત' શબ્દ બનાવ્યો હતો તેવું જ આ કિસ્સામાં થયું છે."

હિજરત અને ખાનપાન

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકોના જણાવ્યા અનુસાર, લોકોની હિજરતને કારણે પણ ખાનપાનની આદતો સંબંધી કેટલીક માન્યતાઓ સર્જાઈ છે.
તેથી દક્ષિણ ભારતીયો ઉત્તર તથા મધ્ય ભારતમાં ગયા ત્યારે એ તમામનું ભોજન દક્ષિણ ભારતીય ભોજન તરીકે ઓળખાયું હતું. એવું જ ઉત્તર ભારતીયો દેશના અન્ય વિસ્તારોમાં ગયા ત્યારે થયું હતું.
કેટલીક ધારણાઓને બહારના લોકોએ કાયમી સ્વરૂપ આપ્યું છે. ઉત્તર ભારતીયોએ કેટલાક દક્ષિણ ભારતીયોને મળીને તમામ દક્ષિણ ભારતીયો વિશે ચોક્કસ ધારણા બનાવી છે.
તેમણે દક્ષિણ ભારતના પ્રાદેશિક વૈવિધ્યનો વિચાર કર્યો નથી. એવું જ દક્ષિણ ભારતીયોની ઉત્તર ભારતીયો વિશેની ધારણાનું છે.
સંશોધકો જણાવે છે કે આ પ્રક્રિયામાં વિદેશી મીડિયા પણ સામેલ છે, કારણ કે "વિદેશી મીડિયા કેટલાંક અનિવાર્ય લક્ષણો વડે સમાજની ઓળખ પ્રસ્થાપિત કરવા ઝંખતું હોય છે."

'મહિલાઓ પર પરંપરાનો બોજ'

ઇમેજ સ્રોત, Getty Images
પુરુષો અને સ્ત્રીઓની ખાનપાનની આદતમાં પણ ભિન્નતા હોવાનું આ અભ્યાસ જણાવે છે.
દાખલા તરીકે, પુરુષોની સરખામણીએ વધુ મહિલાઓ શાકાહારી હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું હતું.
સંશોધકોના જણાવ્યા અનુસાર, તેનું કારણ કદાચ એ હશે કે મહિલાઓની સરખામણીએ પુરુષો બહાર વધારે ખાતા હોય છે. અલબત, બહાર ખાવાનો અર્થ એવો ન હોય કે તેઓ માંસાહાર જ કરતા હશે.
આ વલણને પિતૃસત્તાક સમાજ અને રાજકારણ સાથે કોઈ સંબંધ હોઈ શકે છે.
ડો. નટરાજન અને ડો. જેકબે કહ્યું હતું, "શાહાકારની પરંપરા જાળવી રાખવાનો બોજ મહિલાઓએ જ ઊંચકવો પડે છે."
સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયેલા પરિવારો પૈકીના 65 ટકામાં દંપત્તિઓ માંસાહારી હતાં અને શાકાહારી દંપત્તિઓનું પ્રમાણ માત્ર 20 ટકા હતું.
પતિ માંસાહારી હોય અને પત્ની શાકાહારી હોય એવું માત્ર 12 ટકા પરિવારોમાં જોવા મળ્યું હતું. તેનાથી વિપરીત સ્થિતિ ત્રણ ટકા પરિવારોમાં જોવા મળી હતી.
હવે એ તો સ્પષ્ટ છે કે મોટાભાગના ભારતીયો ચિકન કે મટન એમ કોઈ પણ સ્વરૂપે, કાયમ કે પ્રસંગોપાત માંસાહાર કરે છે. મોટાભાગના લોકો માત્ર શાકાહાર કરે છે એવું નથી.
તો પછી સમગ્ર વિશ્વમાં ભારત તથા ભારતીયોના નિરૂપણમાં શાકાહારનો પ્રભાવ પ્રચૂર કેમ છે?
તેને ભોજનની પસંદગી માટેના દુરાગ્રહ અને વ્યાપકપણે સંકુલ તથા વૈવિધ્યસભર સમાજની ભોજનસંબંધી માન્યતાઓના પ્રસાર સાથે કોઈ સંબંધ હશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















